માતા-પિતા બિલકુલ ઇચ્છતાં નહોતાં કે વિપુલભાઈ નાટકો કરે, કારણ કે નાટકમાં પૈસા નથી. જેમની સાથે પ્રેમ થયો તે વંદનાબહેનના ઘરના લોકો પણ લગ્ન માટે માન્યા નહોતા, એમ વિચારીને કે નાટકમાં કામ કરતો માણસ શું કમાઈ લેવાનો હતો?
પત્ની અને દીકરાઓ સાથે વિપુલ વિઠલાણી.
‘જીના યહાં, મરના યહાં, ઇસકે સિવા જાના કહાં. થિયેટર સાથે મને કંઈક આ પ્રકારનો પ્રેમ છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી હું થિયેટર કરવા માગું છું. મેં ટીવી કર્યું, ફિલ્મો પણ કરી; પરંતુ મારો જીવ થિયેટરનો જીવ છે. એ જ મારો પ્રથમ પ્રેમ છે અને એને જ હું પૂરી રીતે જીવી રહ્યો છું.’
આ શબ્દો છે જાણીતા ઍક્ટર-ડિરેક્ટર વિપુલ વિઠલાણીના જેઓ ૧૧ વર્ષની નાની ઉંમરથી રંગમંચ સાથે સંકળાઈ ગયા હતા. ‘પાપડપોળ’ સિરિયલમાં બાપુની ભૂમિકામાં ‘હમને ઐસા કિયા હી ક્યા હૈ કિ હમ નીચે દેખેં?’ ડાયલૉગથી લોકોના મનમાં વસી ગયેલા વિપુલ વિઠલાણીએ ૬૦થી વધુ કમર્શિયલ નાટકોમાં અભિનય કર્યો છે જેમાં ફક્ત ગુજરાતી નહીં, હિન્દી અને અંગ્રેજી નાટકોનો પણ સમાવેશ થાય છે. આ સિવાયનાં ૪૭થી વધુ એકાંકી નાટકોમાં અભિનય અને લગભગ ૧૯ જેટલાં નાટકોમાં દિગ્દર્શન કર્યું છે. ગુજરાતી ફિલ્મો અને સિરિયલો પણ ઘણી કરી છે. જોકે અભિનય અને દિગ્દર્શન બન્નેમાંથી એક પસંદ કરવાનું તેમના માટે અઘરું છે કારણ કે એ બન્ને તેમને અતિ પ્રિય છે.
ADVERTISEMENT
નાનપણથી નાટક
દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક એરિયામાં ઊછરેલા વિપુલ વિઠલાણીના પિતાની મંગળદાસ માર્કેટમાં કાપડની દુકાન હતી. એ પછી તેઓ દલાલીનું કામ કરતા હતા. તેઓ ચાર ભાઈ-બહેન હતાં જેમાં સૌથી નાના વિપુલભાઈ. બે બહેનો અને એક ભાઈનો ભરપૂર પ્રેમ તેમને મળ્યો. નાનપણની વાત યાદ કરતાં તેઓ કહે છે, ‘સિક્કાનગરમાં આવેલી અમારી પ્રાથમિક શાળામાં દર શનિવારે બાળસભા યોજાતી, જેમાં મારા ક્લાસનો વારો હોય ત્યારે મારા શિક્ષક હંમેશાં મને આગળ કરી દેતા. તૈયાર કશું કર્યું હોય કે નહીં, તેમને વિશ્વાસ કે આ કંઈક તો કરી જ લેશે સ્ટેજ પર જઈને. મારા મામા નરેન્દ્ર ઠક્કરનું એ સમયે મ્યુઝિકમાં ઘણું નામ હતું. તેમણે મને એક વાર પૂછ્યું કે તારે નાટકમાં કામ કરવું છે? તો ૧૧ વર્ષની ઉંમરે મેં બાળ કમર્શિયલ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું.’
કૉલેજમાં કમાલ
જોકે દસમા ધોરણમાં આવ્યા પછી વિપુલભાઈએ નાટકો છોડ્યાં, કારણ કે ભણવું અત્યંત જરૂરી હતું. આમ પણ તેમના ઘરમાં નાટકને કરીઅર તરીકે લેવાની સખત મનાઈ હતી કારણ કે એ સમયે તો નાટકમાં પૈસા હતા જ નહીં. એક મધ્યમ વર્ગના દીકરાને એટલે જ કહેવામાં આવ્યું કે તું ભણ, સારી નોકરી કર; નાટકો આપણે કરવાં નથી. એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘કૉલેજમાં ગયો ત્યારે ત્યાં સ્પર્ધાઓ આવી અને એમાં નાટકો કરવાનાં હતાં એટલે મને થયું કે ભલે હું નાટકો છોડી ચૂક્યો છું પણ અહીં ભણતાં-ભણતાં તો કરી જ શકાયને, એ માટે તો મમ્મી-પપ્પા પણ ના નહીં પાડે. એટલે મેં કામ કરવાનું શરૂ કર્યું અને પહેલા જ નાટકમાં આપણે કૉલેજમાં એકદમ પ્રખ્યાત બની ગયા. મારો અભિનય જોઈને લોકો કહેવા લાગ્યા કે તું આ જ કામ કર, પણ મારે તો પૈસા કમાવવાના હતા એટલે મેં લૉ કૉલેજમાં ઍડ્મિશન લીધું. મેં વચ્ચે હીરાનું કામ પણ શીખ્યું હતું, પણ અંતે આપણે કામ રંગમંચનું જ સ્વીકાર્યું.’
યાદગાર પ્રસંગ
વિપુલભાઈના જીવનનો અતિ યાદગાર પ્રસંગ પણ કૉલેજના સમયમાં જ બન્યો, જેના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એ સમયે મુંબઈમાં નાટકોની જેટલી સ્પર્ધાઓ થતી એ બધી જ સ્પર્ધાઓમાં મેં ભાગ લીધો હતો. એ સમયે બલરાજ સાહનીના નામની ટ્રોફી મળતી હતી જે અત્યંત પ્રતિષ્ઠિત હતી. જ્યારે એ ટ્રોફી માટે તેજપાલમાં મારું નામ અનાઉન્સ થયું ત્યારે મારા બધા મિત્રોએ મને ખભા પર બેસાડી દીધો. ઢોલ વગાડતાં-વગાડતાં મને સ્ટેજ સુધી લઈ ગયા. આ જગ્યાએ મારા મમ્મી હાજર હતાં. અને મેં જોયું કે તેમની આંખમાં આંસુ હતાં. આ દૃશ્ય, એ જગ્યા, એ પરિસ્થિતિ મારા મનમાં અંકિત થઈ ગઈ છે; હું એ ક્યારેય નહીં ભૂલું. એ દિવસે એ જગ્યાએ એ. કે. હંગલસાહેબ આવેલા. તેમણે મને કહ્યું કે તારે ફિલ્મોમાં કામ કરવું જોઈએ, પણ મેં તેમને કહ્યું કે મારા ઘરમાં મનાઈ છે. તો હંગલસાહેબ ખુદ તેમની જગ્યાએથી ઊઠીને મારાં મમ્મી પાસે આવ્યા અને તેમણે મમ્મીને કહ્યું કે આ છોકરાને ઍક્ટિંગ કરવા દ્યો. મારાં મમ્મી બિચારાં ખૂબ છોભીલાં પડી ગયેલાં એ દિવસે. તે કંઈ જ બોલી ન શક્યાં, કારણ કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના દીકરા માટે હંગલસાહેબ આવીને કંઈ કહેશે.’
પ્રેમલગ્ન
૧૯૯૧માં વિપુલભાઈને ફિરોઝ અબ્બાસ ખાનનું ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ નામનું મ્યુઝિકલ નાટક કરવા મળ્યું. એ પછી તેમને નાટકો મળતાં થઈ ગયાં હતાં. નાટકો કરતાં-કરતાં તેમને તેમનાં જીવનસંગિની વંદનાબહેન મળ્યાં જે આજે જાણીતાં ટીવી-કલાકાર છે. ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુનાં મામી તરીકે તેઓ ખાસ્સા પ્રખ્યાત થયાં હતાં. વિપુલભાઈને બે દીકરાઓ છે. એક એન્જિનિયર થઈ ગયો અને બીજો મીઠીબાઈ કૉલેજમાં ભણે છે. મમ્મી-પપ્પા બન્ને ઍક્ટર છે પણ બાળકોને આ લાઇનમાં રસ નથી. તેઓ બીજાં ક્ષેત્રમાં જ આગળ વધવા માગે છે. નાટકોમાં સાથે કામ કરતાં-કરતાં વિપુલભાઈ અને વંદનાબહેનને પ્રેમ તો થઈ ગયો પરંતુ વંદનાબહેનના ઘરે પ્રેમલગ્ન માટેની મંજૂરી મળે એમ નહોતી, કારણ કે તેમને ત્યાં કોઈ નાટક કરતો જમાઈ જોઈતો નહોતો. એ વિશે વાત કરતાં વિપુલભાઈ કહે છે, ‘નાટકમાં એ સમયે બિલકુલ પૈસા નહીં એટલે કયાં માતા-પિતા દીકરી દેવા રાજી થાય? અમને થયું ઘરવાળા માનશે નહીં એટલે અમે ભાગીને લગ્ન કરી લીધાં. ત્રણ બેડરૂમમાં રહેવાવાળી છોકરીને એક નાની રૂમમાં હું લઈ આવ્યો. જવાબદારી વધી એટલે મેં ભારતીય વિદ્યાભવનમાં નાટકોનાં પોસ્ટર ડિઝાઇન કરવાનું કામ શરૂ કર્યું, જેને કારણે હું ઘણા પ્રોડ્યુસરોને મળ્યો અને એના થકી મને ઘણાં નાટકો મળ્યાં. ધીમે-ધીમે મારું નામ થતું ગયું અને વંદનાના ઘરવાળાઓ પણ માની ગયા. ખૂબ જલદી મારું એટલું નામ થયું કે તેમને મારા પર ગર્વ થવા લાગ્યો.’
ડિરેક્શન ક્યારથી?
૧૯૯૯માં કાન્તિ મડિયાનું નાટક ‘હવે તો વસંત થઈને આવો’માં વિપુલભાઈનો લીડ રોલ હતો જેમાં તેમને ઘણી પ્રશંસા મળી. ‘લગ્ને-લગ્ને કુંવારા’, ‘લાલનો રાજા ચોકટની રાણી’, ‘છતે પૈસે ઠન-ઠન ગોપાલ’, ‘દાદીની દાદાગીરી’ જેવાં ૧૯ જેટલાં નાટકો તેમણે ડિરેક્ટ કર્યાં છે. વિપુલભાઈનું ડિરેક્ટ કરેલું એક નાટક તાજેતરમાં જ આવ્યું છે જેનું નામ છે ‘એક રમત સમય સાથે.’ નાટકોના ડિરેક્શનની શરૂઆત કઈ રીતે થઈ એ વાત જણાવતાં વિપુલભાઈ કહે છે, ‘૨૦૦૨માં એક દિવસ આમ જ અમારા નાટક-સર્કલમાં અમે ઊભા હતા ત્યારે રાજેન્દ્ર બુટાલા ત્યાંથી પસાર થયા અને તેમણે મને કહ્યું કે મારું આગલું પ્લે તું ડિરેક્ટ કરે છે. હું તો ત્યાં જ ખોડાઈ ગયો. મેં પૂછ્યું કે ખરેખર આ શું બોલીને ગયા? મને વિશ્વાસ નહોતો એટલે મેં તેમને ફોન કર્યો અને પૂછ્યું કે તમે મને શું કહ્યું તો તેમણે ફરીથી કહ્યું કે મારું આગલું પ્લે તું ડિરેક્ટ કરે છે. એ નાટક હતું ‘ઊંધિયું’. આમ ડિરેક્શન એકદમ ચમત્કારિક રીતે મારા પલ્લે આવ્યું.’
એક અફસોસ
ઘરમાંથી નાટકોમાં કામ કરવાની પરવાનગી નહોતી છતાં નાટકોમાં એક સ્તરનું કામ કરી આગળ વધનાર ૫૬ વર્ષના વિપુલ વિઠલાણી કહે છે, ‘મારી મમ્મીએ મારી સફળતા જોઈ છે. તેને એ સમય જોવા મળ્યો જ્યારે એક ઍક્ટર તરીકે કે નાટ્યકાર તરીકે મને સફળતા મળી. તે તો હજી જીવે છે, પરંતુ મારા પિતા ૨૦૦૫માં ગુજરી ગયા. તેઓ મારી સફળતા ન જોઈ શક્યા. ઊલટું તે ગુજરી ગયા ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરીને હું તરત અમદાવાદ ભાગ્યો હતો, કારણ કે મારે નાટક કરવા જવાનું હતું. નાટકવાળાઓને જીવનમાં શો મસ્ટ ગો ઑન જેવી પરિસ્થિતિ આવતી જ હોય છે. એ મેં પણ ફેસ કરી છે.’

