ધર્મની પ્રકૃતિ જ વિસ્તરણની છે. ધર્મો સામ્રાજ્યવાદી હોય છે, ધર્મો મૂડીવાદી હોય છે
કમ ઑન જિંદગી
પ્રતીકાત્મક તસવીર
એક જાદુગર પાસે ઘણાં ઘેટાં હતાં. આ ઘેટાંઓને સાચવવા માટે માણસો રાખવા પડતા એનો ખર્ચ ઘણો આવતો. ઘેટાંને સાચવવા માટે માણસ રાખવા ન પડે અને ઘેટાંઓ ક્યારેય એક થઈને બળવો ન કરે એ માટે જાદુગરે એક યુક્તિ કરી. તેણે ઘેટાંઓને હિપ્નોટાઇઝ કરી દીધાં. દરેક ઘેટાને અલગ અલગ હિપ્નોટાઇઝ કર્યું. કોઈને હિપ્નોટાઇઝ કરીને એના મનમાં એવું ઠસાવ્યું કે એ ઘેટું નથી, હાથી છે. બીજાને એવું ઠસાવ્યું કે એ ઘેટું નહીં, માણસ છે. ત્રીજાને એવું કહ્યું કે એ વાઘ છે. ચોથાને કહ્યું કે એ શિયાળ છે. દરેક ઘેટાને તેણે મનમાં ઠસાવી દીધું કે એ ઘેટું નથી. હવે દરેક ઘેટું પોતાને ઘેટા સિવાયનું અન્ય જ કંઈક માનવા માંડ્યું. તેઓ જાદુગરની ઇચ્છા પ્રમાણે વર્તવા માંડ્યાં. હિપ્નોટિઝમની અસર હેઠળ ઘેટાં માત્ર જાદુગરે જે સમજાવ્યું હતું એટલું જ વિચારી શકતાં, પોતાની રીતે કંઈ વિચારી શકે નહીં. જાદુગરને મજા પડી ગઈ. પોતાના ભોજન માટે કોઈ ઘેટાને કતલ માટે પકડે તો પણ અન્ય ઘેટાં કોઈ વિરોધ ન કરે, કારણ કે તેમની નજરમાં પકડનાર ઘેટું ન હોય અને પોતે પણ ક્યાં ઘેટું હોય? પોતાની બિરાદરીનું જે હોય જ નહીં એના માટે કોણ વિરોધ કરે? જાદુગરે એમનાં મન પોતાની મરજી મુજબના બનાવી દીધાં. તે જ એમનાં મનનો માલિક અને તે જ એમની મરજીનો માલિક. તેણે જ એ બધાનું મન બનાવ્યું અને એ પણ પોતાની મરજી મુજબનું.
ધર્મ બીજું કશું નથી, મન છે. માણસનું મન તેના ધર્મ મુજબ બને છે. જે માણસ નાસ્તિક છે તેનું મન એ મુજબ બને છે. નાસ્તિકવાદ પણ છેવટે તો એક પ્રકારનો ધર્મ જ છેને. ધર્મોએ ઘેટાંઓને હિપ્નોટાઇઝ કરીને એમને જે નથી એ બનાવી દીધાં છે. હવે એ ઘેટાંઓ એક થઈ શકે એમ નથી. એમને એકબીજા તરફ કોઈ લાગણી પેદા થાય એમ નથી. તેઓ ભૂલી ગયા છે કે તેઓ ઘેટાં છે.
ધર્મની ચર્ચા હમણાં બહુ થઈ રહી છે. ‘કેરલ સ્ટોરી’ નામની એક ફિલ્મે વટાળવૃત્તિ બાબતે ચર્ચા જગાવી છે. હિન્દુ છોકરીઓનું માઇન્ડ વૉશ કરીને મુસ્લિમ ધર્મમાં વટલાવવાની પ્રવૃત્તિને ઉઘાડી પાડતી આ ફિલ્મ જોયા પછી ધર્મ વિશે નવેસરથી વિચારવાનું મન થાય. ધર્મ વાસ્તવમાં શું છે? માણસની માનસિકતા? માણસની વિચારધારા? માણસનો જીવન જીવવાનો માર્ગ? ઈશ્વર મેળવવાનો રસ્તો? જીવનમાં શાંતિ મેળવવાનો ઉપાય? આત્મકલ્યાણનો પથ? કે આ બધાની ખીચડી? માણસની માનસિકતા ધર્મ મુજબ ઘડાય છે.
ADVERTISEMENT
હિન્દુ પરિવારમાં જન્મેલા બાળકની માનસિકતા એ મુજબ બને છે, મુસ્લિમ ધર્મમાં પેદા થયેલાની એ મુજબ. જૈનના ઘરે જન્મેલા બાળકનું મન એવું ઘડાશે કે તે જીવહિંસાને સ્વીકારી જ નહીં શકે. બાળકનો જન્મ થાય ત્યારે તેને મન હોતું જ નથી. ત્યારે માત્ર મગજ હોય છે. હાર્ડવેર હોય છે, સૉફ્ટવેર હોતું નથી. બેઝિક ઇનબિલ્ટ સૉફ્ટવેર જનીનમાંથી મળી રહે છે. એના દ્વારા મન નામનું મૂળ સૉફ્ટવેર બને છે. જગતમાં તુંડે તુંડે મતિ ભિન્ન હોય છે છતાં આખા વિશ્વના મનને જો શક્ય એટલા ઓછા વિભાગમાં વહેંચી નાખવાં હોય તો ધર્મ મુજબ ભાગ પાડી દો. ખ્રિસ્તી મન, હિન્દુ મન, મુસ્લિમ મન, જૈન મન, બૌદ્ધ મન, પારસી મન, સિખ મન, જરથોસ્તી મન વગેરે. આંગળીના વેઢે ગણી શકાય એટલા વિભાગમાં જગતની વસ્તીનાં મનને તમે વહેંચી શકશો.
ધર્મ અને રિલિજિયન બંને શબ્દો ભલે જુદી-જુદી ભાષામાં હોય, એનાં મૂળ સમાન છે. ધારયતે ઇતિ ધર્મ. જે ધારણ કરે છે તે ધર્મ એવી સંસ્કૃત વ્યાખ્યા છે. રિલિજિયન શબ્દ રેલિગારે શબ્દ પરથી બન્યો છે. એનો અર્થ બાંધી રાખનાર. ધારણ કરનાર અને બાંધી રાખનાર શબ્દોનો ધ્વનિ બહુ અલગ નથી.
સમાજરચનાની શરૂઆતના તબક્કામાં ધર્મ ઈશ્વરને ભજવાનો માર્ગ નહોતો, સમાજવ્યવસ્થા અને કાનૂની વ્યવસ્થાનો એક પ્રકાર હતો. દોષિતને દંડ આપવાની જોગવાઈ એમાં હતી. જીવતેજીવ દંડ, સજા અને મર્યા પછી નરકની બીક તથા સત્કર્મ કરનારને સુખ અને જીવનની સમાપ્તિ બાદ સ્વર્ગની લાલચ હતી. વિવિધ સમાજના વિવિધ કાયદા એટલે વિવિધ ધર્મ. બધાને પોતાના વાડા મોટા કરવા હોય, પોતાના વાડાનાં ઘેટાં અન્યના વાડામાં ન ચાલ્યા જાય અને અન્યનાં ઘેટાંઓને પોતાના વાડામાં લાવી શકાય એ માટેની સ્પર્ધાનો આ ધર્મો વચ્ચે સંઘર્ષ સતત ચાલ્યા કરે છે. આમ પણ ધર્મની પ્રકૃતિ જ વિસ્તરણની છે. ધર્મો સામ્રાજ્યવાદી હોય છે, ધર્મો મૂડીવાદી હોય છે. કાર્લ માર્ક્સની સામ્યવાદની થિયરી કદાચ ખામીયુક્ત હોઈ શકે, પણ તેનું એક વાક્ય શત પ્રતિશત અને સર્વકાલીન સત્ય છે : ‘ધર્મ માનવીનું અફીણ છે.’ ધર્મને મૂળથી સમજાવનાર ફિલસૂફ જ આવું કહી શકે. અગાઉના જમાનામાં રાજપૂતો લડવા જતાં પહેલાં અફીણનો અમલ લેતા હતા જેથી તાકાત અને જુસ્સો જળવાઈ રહે તથા જખમની પીડા ઓછી થાય. આજે એ જ રીતે ધર્મ નામનું અફીણ ખાઈને આખી દુનિયા લડી રહી છે. હિન્દુ ધર્મે વટાળપ્રવૃત્તિની સ્પર્ધાનો સામનો નહોતો કરવો પડ્યો એટલે એમાં વટાળવૃત્તિ ન આવી. હિન્દુ ધર્મ પુરાતન ધર્મ છે અને એની સામે હજારો વર્ષ સુધી કોઈ અન્ય ધર્મ પડકારવા માટે આવ્યો જ નહોતો. કોઈ પડકાર જ નહોતો એટલે એને અન્ય ધર્મમાંથી કોઈને ખેંચી લાવવાની જરૂર જ નહોતી. ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે ધર્મો નવા આવેલા ધર્મો છે. એમની શરૂઆત થઈ ત્યારે વિશ્વ પર ધર્મોએ કબજો જમાવી જ દીધેલો હતો. અબ્રહામિક ધર્મો ત્યારે અસ્તિત્વમાં હતા એટલે ખ્રિસ્તી અને ઇસ્લામ બંનેએ એમાંથી તોડીને પોતાના અનુયાયીઓ ઊભા કરવાના હતા. એટલે વટાળવૃત્તિ સિવાય એમની પાસે કોઈ રસ્તો જ નહોતો. એ ધર્મોએ બે રસ્તા અપનાવ્યા. સમજાવટનો રસ્તો અને બળપૂર્વક વટલાવવાનો માર્ગ. સમજાવટથી જે ન માને એને બળથી પોતાના ધર્મમાં ભેળવવાની પ્રવૃત્તિ ઇસ્લામમાં વધુ પ્રચલિત બની. ‘કેરલ સ્ટોરી’ સમજાવટથી વટલાવવાની પ્રવૃત્તિની છે. એમનો ધર્મ સારો અને આપણો ધર્મ ખરાબ એવું સાબિત કરીને, બીજો ધર્મ નબળો એવું કહીને, એની ઊભી કરેલી ખામીઓ શોધીને એને બહેલાવીને રજૂ કરીને, એના વિશે પ્રશ્નો પૂછીને સામેવાળાને મુશ્કેલ સ્થિતિમાં મૂકીને તેને પોતાના જ ધર્મ વિશે અભાવ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી કરીને પોતાના ધર્મ તરફ ખેંચવાના પ્રયાસ નવા નથી. સામેની વ્યક્તિ પોતાના ધર્મને ઊતરતો માનવા માંડે એવું તેના મનમાં ઠસાવી દેવા માટે વ્યવસ્થિત ષડયંત્ર સદીઓથી ચાલે છે અને એનો ભોગ હિન્દુ પ્રજા સતત બનતી આવી છે. મુદ્દો એ છે કે અત્યારના જમાનામાં એવું થવું જોઈએ નહીં. જોકે તેમની સમસ્યા એ છે કે તલવારની મદદથી તો હવે ધર્મનું વિસ્તરણ થઈ શકે એમ નથી એટલે આવા કુટિલ માર્ગો અપનાવવા પડે છે. આ સમસ્યા શા માટે છે એની ચર્ચા કરતાં વિદ્વાનો એવું વિચારે છે કે હિન્દુઓનાં સંતાનો પોતાના ધર્મ વિશે બહુ જાણતાં નથી હોતાં. તેમને ખાસ કશું સમજાવવામાં નથી આવતું એટલે તેઓ ભરમાઈ જાય છે. એનો ઉપાય એ છે કે હિન્દુ બાળકોને ધર્મનું શિક્ષણ આપવું જોઈએ. આ વિદ્વાનો જે કારણ અને એનો ઉપાય બતાવે છે એ ભલે મીઠા લાગતા હોય, પણ પથ્ય નથી. હજારો વર્ષોથી ધર્મો લડતા અને લડાવતા આવ્યા છે એ સ્થિતિમાં આને લીધે વધારો થશે. વાસ્તવમાં ધર્મનાં મૂળ તત્ત્વો સમજાવવાની જરૂર છે. ધર્મની વિભાવના જ અત્યારે ક્રિયાકાંડો, ઉત્સવો અને નિયમો બની ગઈ છે. ધર્મ આ નથી. હિન્દુ ધર્મ તો નહીં જ. અન્ય ધર્મ સામે લડવાનું નહીં, પોતાના ધર્મને પ્રેમ કરતાં શીખવવાની જરૂર છે. ધર્મ પ્રત્યે પ્રેમ ત્યારે જ આવશે જ્યારે એ ધર્મ સમજાશે. આજે કોઈ સંપ્રદાય કે પંથ હિન્દુ ધર્મને યથાતથ સમજાવતો નથી. કેટલાક ધર્મો તો ઉશ્કેરણી અને ભંભેરણી પર જ ચાલે છે એ વાત અલગ છે, પણ એમને સુધારી શકાય એમ નથી. એ ક્યારેય સુધરશે નહીં. કાયદા દ્વારા કોઈ સજ્જડ વ્યવસ્થા કરવામાં આવે અને સુધરે તો ઠીક.