કહેવાય છે કે હવેની પેઢી મટીરિયલિસ્ટિક થઈ ગઈ છે અને તેમને ઓછા સમયમાં વધુ પૈસા કમાઈને સેટલ થવાની લાય લાગી છે, પણ આ જ યુવાપેઢીના હૃદયમાં લોકોને કોઈકને કોઈક રીતે મદદરૂપ થઈને કોઈ પર્સનલ ગેઇન વિના નિઃસ્વાર્થ સમાજસેવા કરવાની લગની પણ છે.
સ્પેશિયલ સ્ટોરી
પલક શાહ , વત્સલ પાઉં , અમિત સતરા , નિયોમી શાહ
કહેવાય છે ને કે સમાજસેવા એ જ સાચી પ્રભુસેવા. સમાજસેવા કરવાના અનેક માર્ગ છે અને દરેક વ્યક્તિ કોઈકને કોઈક રીતે સમાજના ઉદ્ધાર માટે કાર્ય કરી જ શકે છે. નિઃસ્વાર્થ કાર્યો દ્વારા આપણે સામાન્ય દૈનિક જીવનમાંથી બહાર આવીને એક નવો દૃષ્ટિકોણ કેળવીને અનેક અનુભવો મેળવી શકીએ છીએ. નવી સંસ્કૃતિ અને એના પડકારો સમજીને પોતાની આસપાસના વિશ્વને વધુ સારી રીતે પિછાણી શકીએ છીએ. વૉલન્ટિયરિંગના માર્ગે ચાલીને આપણે વ્યક્તિગત વિકાસની મંઝિલ સુધી સરળતાથી પહોંચી શકીએ છીએ. નિઃસ્વાર્થ સેવાનો માર્ગ અપનાવનારા યુવાનોમાં સહાનુભૂતિ, કરુણા, સામાજિક જવાબદારીની એક આગવી સમજ હોય છે અને આ સાથે તેઓ જીવનનો ઉદ્દેશ્ય અન્યોની સરખામણીએ વધુ સારી રીતે સમજી શકે છે. ગરીબ, અક્ષમ કે વંચિત બાળકોને ભણાવવવાની વાત હોય કે સ્વચ્છતા અભિયાન દ્વારા શહેરને ગંદકીમુક્ત કરવાની ઝુંબેશ, આ બધાં કાર્યો થકી મળતી સંતૃપ્તિ અનોખી હોય છે. નિઃસ્વાર્થ સેવા દ્વારા કમ્યુનિકેશન, પ્રૉબ્લેમ સૉલ્વિંગ એબિલિટી સહિતની અનેક લીડરશિપ ક્વૉલિટીઝ પણ ડેવલપ થાય છે, જે એકંદરે પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં પણ હેલ્પ કરે છે. તેમ જ સમાજસેવાનાં કાર્યો કરતા સમયે બંધાયેલા સંબંધો હંમેશાં લાઇફલૉન્ગ રહે છે.
ઑસ્કર વાઇલ્ડે કહ્યું છે કે ‘The smallest act of kindness is worth more than the grandest intention.’ નવી પેઢી વૉલન્ટિયરિંગના કન્સેપ્ટને ખૂબ જ સારી રીતે સમજે છે અને પોતાના બિઝી સમયપત્રકમાંથી સામાજિક કાર્યો માટે સમય કાઢે છે. તેઓ પોતાની એનર્જી, પૅશન અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને એકત્રિત કરીને સમાજ ઉપયોગી થવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ સારી રીતે જાણે છે કે સામાજિક કાર્યોમાં સહભાગી થવાથી માત્ર સમાજને જ મદદરૂપ નથી થવાતું પણ એકંદરે સ્વયંને પરિપૂર્ણ કરી શકાય છે. કોઈ જ વળતરની અપેક્ષા વિના થયેલા કામમાં યુવાનોને જે અનુભવો મળ્યા છે એની વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે.
ADVERTISEMENT
સોશ્યલ કનેક્શન બને : પલક શાહ
છેલ્લા દાયકાથી અનેક યુથ ફૉર ચેન્જ, સેવ બર્ડ્સ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલી પલક શાહના માટે સામાજિક કાર્યોમાં વૉલન્ટિયરિંગ કરીને અનેક સારાં સોશ્યલ કનેક્શન બનાવી શકી છે. મીડિયા ક્ષેત્રમાં હોવાથી તેને આવાં કનેક્શન બહુ કામ આવે છે અને તેમના થકી તે હજી વધુ લોકોને મદદરૂપ થઈ શકે છે. પોતાની વાતને સપોર્ટ કરતાં તે કહે છે, ‘તાજેતરની જ વાત કરું તો કોવિડ-19 બાદ મેં સાફસફાઈ સમયે મારા કેટલાંક જૂનાં પણ હેવી કપડાં મારી મેઇડને આપ્યાં તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ. તેને મારી ઉંમરની ત્રણ છોકરીઓ છે. થોડા દિવસમાં તેના ભાઈનાં લગ્ન હતાં અને તેણે મને ત્યાંથી ફોટો મોકલ્યા જેમાં તેની ત્રણે દીકરીઓએ મારા ડ્રેસ પહેર્યા હતા. મને એક વાત સમજાઈ કે જે મારા માટે જૂનાં હતાં એ એમના માટે બ્રૅન્ડ ન્યુ હતાં. ત્યારથી હું સેલેબ્રિટીઝ સહીત જેના પણ સંપર્કમાં આવું છું તેમને તેમનાં ન પહેરાતાં કપડાં ડોનેટ કરવા કહું છું અને પછી આ કપડાં જરૂરિયાતમંદ લોકોને રીડોનેટ કરું છું. મારા આ કાર્ય થાકી હું ઘણાને ખુશી આપી શકું છું એ વાતનો મને આનંદ છે. મારાં આ કર્યો દ્વારા મારી આસપાસના લોકો સાથે એક અનોખું બૉન્ડિંગ બની રહ્યું છે. જીવનમાં આપણે કોઈકને મદદરૂપ થઈ શકીએ છીએ એ વાત મારા જીવનને સ્થિરતા આપે છે અને મને રાતે નિરાંતની ઊંઘ આવે છે.’
પૃથ્વી પર જીવન જીવવાનું ભાડું ચૂકવું છું : વત્સલ પાઉં
કાંદિવલીનો ૨૫ વર્ષનો વત્સલ અત્યાર સુધીમાં ૫૦ વાર પ્લેટલેટ્સ ડોનેટ કરી ચૂક્યો છે. પોતાની જર્ની વિશે વાત કરતાં તે કહે છે, ‘હું સ્કૂલમાં હતો ત્યારે અમારે એક સ્પર્ધા અંતર્ગત સોશ્યલ વર્ક કરવાનું હતું. અમારી ટીમે પ્લાસ્ટિક બૅગ બંધ કરાવવાનું અભિયાન હાથ ધરેલું અને આ માટે અમને ભારતની ટૉપ ૨૦ સ્કૂલમાં સ્થાન મળ્યું હતું. અનેક ખ્યાતનામ લોકોની હાજરીમાં અમારી ટીમને સન્માનિત કરવામાં આવી હતી. આ નાનકડી સફળતાએ કદાચ મારા મનમાં સ્વયંસેવક બનાવાનાં બીજ રોપ્યાં. ૨૦૧૩ની વાત છે. ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. મેં દાદીની કૅન્સરની બીમારી સામે ઝઝૂમતાં જોયાં અને મને એહસાસ થયો કે કેટલા લોકોએ આ સમયે અમને શારીરિક, માનસિક અને આર્થિક રીતે મદદ કરી હતી અને આ કારણે મારો પરિવાર આવી વિપરીત પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યો હતો અને બસ મારી સમાજસેવાની સફર શરૂ થઈ ગઈ. અત્યાર સુધીમાં ૫૦થી વધુ વાર પ્લેટલેટ્સ ડોનેશન, બ્લડ-ડોનેશન અને એક વાર વાઇટ બ્લડ સેલ્સનું પણ ડોનેશન કર્યું છે. શતાબ્દી હૉસ્પિટલમાં હું અને મારી ટીમ એઇડ્સના દરદીઓને અને માર્વેના બાલાશ્રયમાં મદદ કરીએ છીએ. તાતા ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને પણ અમે કૅન્સરના દરદીઓને મદદ કરીએ છીએ. જોકે હું હજી સંતુષ્ટ નથી. મને લાગે છે કે હું હજી ઘણું કરી શકું એમ છું. આ તો માત્ર શરૂઆત છે. મારા મતે તો હું માત્ર પૃથ્વી પર જીવન જીવવાનું ભાડું ચૂકવી રહ્યો છું.’
દુઆઓં મેં યાદ રખના : અમિત સતરા
૩૫ વર્ષના બોરીવલીના રહેવાસી અમિતભાઈ છેલ્લાં અનેક વર્ષોથી વાગડ યંગ બ્રિગેડનું નેતૃત્વ કરે છે. આ ગ્રુપ અંતર્ગત તેઓ વાગડ સમાજના યુવાનોને સામાજિક કાર્યોમાં ભાગ લેવા તેમ જ સમાજને એક સાંકળથી બાંધી રાખવા સતત પ્રયત્નશીલ છે. પોતાનાં કર્યો વિશે સંક્ષિપ્તમાં માહિતી આપતાં તેઓ કહે છે, ‘અમે સરકારી અને બિનસરકારી એવી દરેક સામાજિક ઇવેન્ટમાં મફતમાં સેવા આપીએ છીએ જેથી એ કાર્યક્રમ શાંતિથી પૂરો થાય. અમે પાલઘર પાસે કલાપૂર્ણ ગૌશાળામાં ઘાસ, નેરણ, ગોળ વગેરે પૂરું પાડીએ છીએ. મુંબઈની આસપાસના આદિવાસી વિસ્તારોમાં સ્કૂલની કિટ મોકલાવીએ છીએ.’ આ કાર્યો દ્વારા મળતો સંતોષ શબ્દોમાં વર્ણવી શકાય નહીં એવું જણાવતાં તેઓ ઉમેરે છે, ‘પોતાના માટે તો બધા જ જીવે છે. માનવીને પશુઓથી જુદા પાડે છે તેની સમજણ અને સહાનુભૂતિ. આપણને મળેલું સૌભાગ્ય જો આપણે અન્યો સાથે વહેંચીએ તો એ બેવડાય છે. મારાં કાર્યો દ્વારા અન્યોના ચહેરા પર આવતું સ્માઇલ મને સતત સારાં કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મારા મતે આપણે શું લઈને આવ્યા છીએ અને શું લઈને જઈશું? લોકોના આશીર્વાદ એ જ મારી જમા પૂંજી છે.’
હું ઈશ્વરની કૃતજ્ઞ છું : નિયોમી શાહ
તાજેતરમાં સીએ બનેલી નિયોમી વર્ષોથી ‘વી કૅન, વી વિલ’ નામના એનજીઓ સાથે સંકળાયેલી છે. આ સંસ્થા હેઠળ તે ગરીબ અને વંચિત બાળકોને નિ:શુલ્ક શિક્ષણ પૂરું પડે છે. તે કહે છે, ‘હું તો ફક્ત મારું લક નાનાં બાળકો સાથે વહેંચું છું. સામાજિક કાર્યો દ્વારા જે સારી અનુભૂતિ થાય છે એની તોલે હીરા-મોતી કે કોઈ ખજાનો પણ ન આવે. આ જરૂરિયાતમંદ બાળકો સ્કૂલમાં તો જાય છે પણ તેઓ ટ્યુશન રાખી શકે નહીં. તેથી અમારી સંસ્થા તેમને મુશ્કેલ પડતા વિષયો શીખવે છે, તેમને હેલ્ધી ફૂડ આપે છે અને તેમને એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીઝ પણ કરાવે છે. જ્યારે આ બાળકો સારા માર્ક્સ સાથે પાસ થાય છે ત્યારે મને ગર્વ થાય છે. તેમનો ઉત્સાહ અને તેમની મહેનત મને પ્રેરણા આપે છે. તેમની પરિસ્થિતિ મને મારા પગ જમીન પર રાખવા મજબૂર કરે છે. હું સતત ઈશ્વરનું ઋણ માનું છું કે મને આવું સુંદર જીવન અને સારો પરિવાર મળ્યો છે અને આ મુદ્દો જ ને સમાજને વધુને વધુ મદદરૂપ થવા પ્રેરે છે.’