Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માણસની ભાવભૂમિને હરિયાળી રાખવાનું કામ વાંચન થી બહેતર કોણ કરી શકે?

માણસની ભાવભૂમિને હરિયાળી રાખવાનું કામ વાંચન થી બહેતર કોણ કરી શકે?

27 June, 2024 07:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે આર્ટિ​ફિશ્યલ ઇન્ટે​લિજન્સનો મહિમા વધ્યાે છે ત્યારે તમને કોઈ ૧૦૦ વર્ષ પૂર્વેના પ્રિન્ટ પેપરની સુગંધ સુધી લઈ જાય ત્યારે આપણો અતીતરાગ, કલાપ્રેમ, આપણી સંવેદના એ તરફ સહજ ઢળી પડે છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


બનાવટી ફૂલોથી ઘરની ફૂલદાની સુશોભિત કરીએ છીએ ત્યારે ફૂલ કરમાવાની ચિંતા નથી હોતી. લાંબા કાળ સુધીનું સૌંદર્ય નિશ્ચિત હોય છે તો પણ જેવાં અસલી ફૂલો મળે છે એટલે આપણે તરત જ નકલીને મા​ળિયા પર ચડાવી દઈએ છીએ અને અસલી ફૂલોને પસંદ કરીએ છીએ. એમાં રહેલી જીવંતતા આપણને અંદરથી સમૃદ્ધિનો અનુભવ આપે છે.


આજે આર્ટિ​ફિશ્યલ ઇન્ટે​લિજન્સનો મહિમા વધ્યાે છે ત્યારે તમને કોઈ ૧૦૦ વર્ષ પૂર્વેના પ્રિન્ટ પેપરની સુગંધ સુધી લઈ જાય ત્યારે આપણો અતીતરાગ, કલાપ્રેમ, આપણી સંવેદના એ તરફ સહજ ઢળી પડે છે; એમ જ જેમ અસલી ફૂલ પાસે આપણે ઢળી પડીએ. ‘આવતી કાલના નાગરિકોને ઘડતું આજનું માસિક’ આ ટૅગલાઇન સાથે કુમાર સામયિક ૧૯૨૪માં આરંભાયુ અને આ વર્ષે એનાં ૧૦૦ વર્ષ પૂરાં થાય છે એ બાબત આપણી સાહિત્યિક, સાંસ્કૃતિક સૂઝનું પ્રતિબિંબ છે. મુદ્રિત ગ્રંથનો સ્પર્શ, કાળા ફૉન્ટથી આંખ અને હૃદયને ભરવાં અને લાંબા પગ કરીને પાનાં ફેરવતાં-ફેરવતાં વાંચવાની મજા, વચ્ચે-વચ્ચે લીટી કરીને એ ગ્રંથ કોઈ મિત્રને આપવો અને એ દ્વારા એ મિત્રના વાંચનમાં સહભાગી બનવું – બધું જ માણસની, જીવનની જરૂરિયાત છે. જાણતાં-અજાણતાં આપણા વાંચને આપણને ઘડ્યા હોય છે. સાહિત્ય, વિવેચન, સંસ્કૃતિ, ભાષા, રમતગમત આ બધાથી ભરપૂર ‘કુમાર’નું કૌમાર્ય હંમેશાં તેજોમય રહેતું. આજે બનાવટી બુદ્ધિમત્તા, કૃત્રિમ ઉછીની લીધેલી વિદ્વત્તાથી ખીચોખીચ સમયમાં શબ્દનો જીવંત સ્પર્શ ‘સાહિત્યિક સામયિક’ કરાવે છે. ‘કુમાર’ સામયિકની એક વિશેષતા એ હતી કે એના નામના ફૉન્ટ હંમેશાં જુદા-જુદા આવતા. શિલ્પો, સ્થાપત્યો આદિ વિશે ખૂબ વિગતે આવતું અને પ્રજામાં આ રીતે રસ, રુચિ, આનંદ આદિનું રોપણ થતું. કોઈ એક ગુજરાતી સામયિક જેનાં ૧૦૦ વર્ષ પૂરાં થાય અને ત્યારે એ બધા જ અંકોમાંથી ઉત્તમ લેખોનું ચયન થાય અને એના પાંચ દળદાર ગ્રંથો બહાર પડે એ ઘટના પણ નોંધનીય ગણાય. માણસની સૌથી મોટી ભૂખ ભાવની હોય છે અને એ જ્યારે ન મળે ત્યારે અભાવ-ઈર્ષા તેને પીડે છે. માણસની ભાવભૂમિને હરિયાળી રાખવાનું કામ વાંચન કરે છે. વાંચનનો વારસો કદી કોઈ કાળમાં નકામો નથી જતો. એકલતામાં સાથી, દુઃખમાં સધિયારો અને લડાઈ વખતે શૌર્ય વાંચન આપે; પણ પસંદગીમાં ભૂલ ન થાય એની કાળજી લેવી.



‘કુમાર’ સો વર્ષે આપણા જેવા અનેક ગુજરાતી વાચકોને ‘કુમાર’ રાખી શકે છે. કહેવાનું મન થાય કે માનવસમાજનું જતન કરતા આ સાહિત્યના અહિંસક વારસાને જાળવવામાં આપણું પણ યોગદાન હોય! જોજો, આ પુણ્યકાર્ય વીસરાય નહીં!


 

- પ્રા. સેજલ શાહ (સેજલ શાહ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપિકા, કવિ, વિવેચક અને ૯૫ વર્ષ જૂના માસિક ‘પ્રબુદ્ધ જીવન’નાં સંપાદક છે.)


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK