ઘરને ઘર બનાવવાની ઔષધિ પ્રમુખસ્વામી મહારાજ બતાવે છે. જેઓ દેશવિદેશમાં સતત વિચરતા જ રહ્યા, હજારો ગામડાંઓમાં, લાખો ઘરોમાં, અસંખ્ય વ્યક્તિઓને મળ્યા. દરેકના પ્રશ્નો તથા દુ:ખો જોયાં અને સાંભળ્યાં
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
ઘરને ઘર બનાવવાની ઔષધિ પ્રમુખસ્વામી મહારાજ બતાવે છે. જેઓ દેશવિદેશમાં સતત વિચરતા જ રહ્યા, હજારો ગામડાંઓમાં, લાખો ઘરોમાં, અસંખ્ય વ્યક્તિઓને મળ્યા. દરેકના પ્રશ્નો તથા દુ:ખો જોયાં અને સાંભળ્યાં. તેમણે સૌના પ્રશ્નો અને દુઃખ જોઈને તારણ કાઢ્યું કે ‘જીવનમાં પ્રવર્તતા બધા જ પ્રશ્નો સ્વભાવના છે. સ્વભાવને કારણે જ અશાંતિ અને ઉપાધિ થાય છે. આ સ્વભાવનાં દુ:ખો ટાળવા માટે બીજી કોઈ દવા કામ લાગે એમ પણ નથી.’
ખરેખર, જેમ આગનું નિવારણ પાણી છે, છત્રથી સૂર્યનો તાપ નિવારી શકાય છે. રોગનું નિવારણ વૈદ્ય કરે છે. તોફાની ઘોડાને ચાબુકથી વશમાં રાખી શકાય છે. હાથીને અંકુશ દ્વારા વશમાં લેવાય છે. એમ સ્વભાવના પ્રશ્નો ટાળવા માટે સમજણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી અને સમજણ મેળવવા માટે સત્શાસ્ત્રોનું વાંચન અને શ્રવણ એ જ ઉત્તમ માર્ગ છે. ઘરમાં નિયમિતપણે દરેક સભ્ય થોડો સમય કાઢી આ સત્શાસ્ત્રોનું કે પ્રેરણાદાયી જીવન ચરિત્રોનું વાંચન-શ્રવણ કરે તો પ્રશ્નોનું સમાધાન આપોઆપ થઈ જતું હોય છે. કથાવાર્તા થાય તો જ ઘરમાં શાંતિ રહે છે. દરરોજ નિશ્ચિત સમયે ઘરના સભ્યોનું સમૂહમિલન યોજાય ને એમાં આવી અધ્યાત્મગોષ્ઠી થાય તો ઘણો લાભ થાય, જેને પ્રમુખસ્વામી મહારાજ ઘરસભા કહે છે. ઘરસભા એ ઘરની શોભા છે. ઘરસભા એ ઘરની પ્રભા છે. જ્યાં ઘરસભા ન થતી હોય એ ઘર નહીં પણ ઘોર છે. કબીર પણ કહે છે,
ADVERTISEMENT
જા ઘર હરિકથા નહીં કીર્તન,
સંત નહીં મિજબાના,
તા ઘર જમડે દિરા દિના,
સાંજ પડે શમસાના
મલ્ટિબિલ્યનેર વૉરન બફેટ પણ દિવસમાં એક વાર પોતાના પરિવારજનો સાથે ભેગા મળી ભોજન અને પ્રાર્થના કરે છે જેના કારણે પોતે આધુનિક યુગના નિર્માતા હોવા છતાં તેમના પરિવારમાં સુખ અને શાંતિ છે. બાળકોમાં સંસ્કાર અને ચારિત્ર્ય છે.
ન કેવળ આ એક વ્યક્તિની વાત છે પરંતુ અનેકાનેકની કહાની છે. આઇન્સ્ટાઇન, બરાક ઓબામા કે સાંપ્રત સમયે BAPS સ્વામીનારાયણ સંપ્રદાયના અનેક હરિભક્તોનો અનુભવ છે કે આ ઔષધીના પાનથી જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે. વિષમ પરિસ્થિતિમાં સ્થિર રહેવાય છે. બાળકો સંસ્કાર અને ચારિત્ર્યયુક્ત જીવન જીવે છે. પરિવારજનો વચ્ચે આપસમાં સંપ, સ્નેહ અને સુમેળભર્યા વ્યવહારનો સેતુ રચાય છે.
હવે નિર્ણય આપણા હાથમાં છે કે આપણે કેવું ઘર બનાવવું છે. -પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા