જૂતાચોરીની રસમનું નામ આવે એટલે ‘હમ આપકે હૈં કૌન!’ ફિલ્મનું માધુરી દીક્ષિત અને સલમાન ખાનનું ગીત આંખો સામે તરી આવે છે. એમાં પણ આજકાલ તો લગ્નપ્રસંગમાં વરરાજાની સાળી અને તેમની સહેલીઓ જૂતાચોરીની વિવિધ તરકીબો અજમાવતી હોય છે
‘હમ આપકે હૈં કૌન!’ ફિલ્મમાં માધુરી દીક્ષિત
જૂતાચોરીની રસમનું નામ આવે એટલે ‘હમ આપકે હૈં કૌન!’ ફિલ્મનું માધુરી દીક્ષિત અને સલમાન ખાનનું ગીત આંખો સામે તરી આવે છે. એમાં પણ આજકાલ તો લગ્નપ્રસંગમાં વરરાજાની સાળી અને તેમની સહેલીઓ જૂતાચોરીની વિવિધ તરકીબો અજમાવતી હોય છે. આજે કેટલાક લોકોની જૂતાં ચોરવાની રસમના મજેદાર અને રમૂજી કિસ્સાઓ વિશે જાણીએ અને હળવી મોજ માણીએ
લગ્ન વખતે સાળીઓ અને તેની બહેનપણીઓની નજર જેટલી વરરાજા પર નથી હોતી એટલી તેનાં જૂતાં ચોરવા પર હોય છે. જૂતાં કઈ રીતે ચોરાય એને લઈને જાતજાતની તરકીબો અપનાવવામાં આવતી હોય છે. એમાં આજકાલ સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં સલાહ આપવામાં આવી રહી છે કે જૂતાં નહીં, મોબાઇલ ચોરો તો મોંમાગ્યા પૈસા મળશે. લગ્નમાં થતી જૂતાચોરીની રસમ ખૂબ જ મસ્તીથી ભરપૂર હોય છે. લગ્નમાં દુલ્હનની બહેનો અને બહેનપણીઓ વરરાજાનાં જૂતાં ચોરવાની ફિરાકમાં રહેતી હોય છે, પણ તેમને મોકો ત્યારે મળે છે જ્યારે વરરાજા મંડપમાં પહોંચે છે. મંડપની અંદર લગ્નની પૂજાવિધિમાં વરરાજાને જૂતાં કાઢીને જ બેસવું પડે. એટલે વરરાજા જેવાં જૂતાં ઉતારે કે તરત સાળીઓ એને લઈને સંતાડી દે. જૂતાં ચોરવાનું કામ એટલું સરળ હોતું નથી, કારણ કે વરરાજાની તરફના લોકો પણ જૂતાંને બચાવવાના પ્રયત્નો કરતા જ હોય છે. એમાં જો સાળીઓ જૂતાં ચોરવામાં સફળ થઈ જાય તો વરરાજાનું આવી બને. જૂતાં ચોરીને સાળીઓ એવી જગ્યાએ સંતાડી દે કે વરપક્ષના લોકોના હાથમાં ન આવે. બીજી બાજુ વરપક્ષના લોકો જૂતાં શોધવા માટે રીતસરની કસરત કરતા હોય. તેમ છતાં જો તેઓ જૂતાં ન શોધી શકે તો પછી વરરાજાને સાળી જેટલા પૈસા માગે એ આપવા પડે. એમાં પણ જો વરરાજા ભોળા હોય તો પૈસા આપી દે. ઘણી વાર વરરાજા તેમની સાળીઓ સાથે નોક-ઝોક કરીને પૈસાની રકમ ઓછી કરાવે.
ADVERTISEMENT
વરની ભાભીની બૅગમાં જ જૂતાં સંતાડી દીધેલાં
જેની દોશી અને આકાશ શાહનાં લગ્નની તસવીર
જૂતાચોરીની રસમ વખતે કઈ રીતે પતિ પાસેથી પોતાનાં કઝિન ભાઈઓ અને બહેનોએ ૨૫ હજાર રૂપિયા કઢાવ્યા હતા એ વિશે વાત કરતાં જેની દોશી કહે છે, ‘મારાં અને આકાશ શાહનાં લગ્ન ૨૦૨૩માં મે મહિનામાં બોરીવલીના એક હૉલમાં થયાં હતાં. લગ્નમંડપમાં પ્રવેશતાં પહેલાં આકાશે તેનાં જૂતાં બહાર કાઢ્યાં હતાં. બીજી બાજુ મારાં કઝિન ભાઈ-બહેનો મંડપની નજીક રાહ જોઈને જ ઊભાં હતાં કે ક્યારે આકાશ જૂતાં કાઢે અને એ લોકો એ ચોરી લે. જેવાં મારા પતિએ જૂતાં કાઢ્યાં કે મારી એક કઝિન બહેને એને ઊંચકીને પોતાની ઓઢણી વચ્ચે છુપાવી દીધાં. એ પછી તેઓ વરપક્ષનો જે રૂમ હતો એમાં ગયાં. એ રૂમમાં મારી જેઠાણી શ્રદ્ધાની બૅગ પડી હતી. એમાં કોઈ લૉક લાગેલું નહોતું એટલે આ લોકોએ એ બૅગમાં બીજાં કપડાંની વચ્ચે જૂતાં સંતાડીને રાખી દીધાં. એ પછી બધા ફરી લગ્નની વિધિ ચાલુ હતી ત્યાં આવીને ગોઠવાઈ ગયા. એ બધા એમ જ વર્તી રહ્યા હતા જાણે એ લોકોએ કંઈ કર્યું જ નથી. બીજી બાજુ વરપક્ષ તરફથી જૂતાં શોધવાનું શરૂ થયું. તેમણે બધી જગ્યાએ જઈને ખૂબ જૂતાં શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ન મળ્યાં. લગ્ન પત્યા પછી રિસેપ્શન હતું. એ માટે બધા ફરી રેડી થવા જઈ રહ્યા હતા. એ સમયે બૅગ ખોલતાં એમાંથી મારી જેઠાણીને જૂતાં મળ્યાં હતાં. જોકે ડીલ એવી હતી કે લગ્ન પતે એ પહેલાં જૂતાં શોધવાનાં હતાં. એટલે મારા કઝિને જૂતાં પરત કરવાના બદલામાં એક લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. હવે સ્વાભાવિક છે કે જૂતાં માટે આટલી મોટી રકમ તો કોઈ જલદીથી ન આપે. શરૂઆતમાં તો વરપક્ષ તરફથી મીઠી નોક-ઝોક થઈ કે આટલાબધા પૈસા થોડી અપાય? આટલામાં તો કેટલાં બધાં જૂતાં આવી જાય. બીજી બાજુ મારા સસરા સ્વીટ છે તો તેમણે તો સીધું એમ જ કહ્યું કે જૂતાં ચોરવાનો સાળીઓનો હક છે; લાખ શું, પાંચ લાખ માગે તો પણ આપણે આપવા પડે. બીજી બાજુ મારા કઝિન પણ લાખ રૂપિયાની જીદ લઈને બેસી ગયા. અંતે બન્ને તરફથી પચીસ હજારમાં ડીલ ફાઇનલ થઈ. મારાં સાસરિયાંઓએ પણ તેમને ખુશખુશાલ થઈને પૈસા આપ્યા.’
જ્યારે દુલ્હાનાં જૂતાં સમજીને અણવરનાં જૂતાં ચોરી કર્યાં વરરાજાની સાળીઓએ
દીપ્તિ બોરીચા તેનાં ભાઈ-ભાભી સાથે
મુલુંડમાં રહેતાં દીપ્તિ બોરીચાના ભાઈનાં લગ્ન ભાયખલામાં થયાં હતાં. તેના ભાઈની મોજડીને બચાવવાના પ્રયાસો કર્યા હતા અને એ દરમિયાન અણધારી રમૂજી પરિસ્થિતિ સર્જાઈ હતી. જૂતાચોરીની રસમના રસપ્રદ કિસ્સા વિશે વાત કરતાં દીપ્તિ કહે છે, ‘મારા ભાઈ હિતેશ મારુનાં લગ્ન ૨૦૧૬માં થયાં હતાં. ત્યારે મારાં લગ્ન નહોતાં થયાં. ભાભી તરફથી ભાઈનાં જૂતાંને ચોરવા માટે તેમની બહેનો એડી-ચોટીનું બળ લગાવી રહી હતી. જૂતાં ચોરી શકે એવો મોકો શોધતી હતી એ અમને પહેલેથી જ ખબર હતી. તેથી મારા ભાઈએ લગ્નવિધિ માટે જેવી મોજડી કાઢી ત્યારે કોઈને ખબર ન પડે એ રીતે કારમાં સંતાડી રાખી હતી. મારા આ પ્લાનિંગમાં મારા ભાઈનો બેસ્ટ ફ્રેન્ડ અનુપ રાભડિયા અને મારાં માસીનો દીકરો રોનક સોલંકી સામેલ હતા. લગ્નવિધિ ચાલતી હતી અને ભાઈનો અણવર તેનો જ ફ્રેન્ડ શૈલેશ કટારિયા બન્યો હતો. યોગાનુયોગે તેણે પણ મોજડી જ પહેરી હતી. કોઈ વિધિ માટે તેને બોલાવ્યો હશે તો તેણે મોજડી કાઢી વરરાજાના પગની બાજુમાં રાખી દીધી અને ભાભીની બહેનોએ એને વરરાજાનાં જૂતાં સમજીને ચોરી પણ લીધી. અહીંથી આખી સ્ટોરી ટ્વિસ્ટ થઈ ગઈ. થોડો સમય વીત્યો તો પણ અમે દુલ્હેરાજાનાં જૂતાં શોધી કેમ નથી રહ્યાં એવો પ્રશ્ન કન્યાપક્ષના લોકોને થયો હતો, પણ તેમને કોણ કહેવા જાય કે ભાઈનાં જૂતાં અમારી પાસે જ હતાં. પછી તો તેઓ સામેથી આવ્યા અને જૂતાંને બદલે પૈસાની માગણી કરવા લાગ્યા. તો અમે કહ્યું, આ જૂતાં તો વરરાજાનાં નથી, અણવરનાં છે; તમે તેમની પાસેથી માગો પૈસા. આ સાંભળીને અણવર બગડ્યા. શૈલેશભાઈએ કહ્યું, હું એકેય પૈસો નહીં આપું, મારાં જૂતાં મને આપી દો. આ જોઈને અમને એટલું હસવું આવતું હતું કે વાત ન પૂછો. ભાઈની સાળીઓ માને જ નહીં. તેમને તો પૈસા જોઈતા હતા. અડધા કલાક સુધી બન્ને પક્ષ વચ્ચે દલીલો થઈ અને છેવટે વડીલોએ કહ્યું કે શુકનના રૂપિયા આપીને કિસ્સો ખતમ કરો, આગળ પણ હજી વિધિ બાકી છે. બસ, પછી જૂતાચુરાઈની ઍડ્વેન્ચરસ રાઇડનો અંત આવ્યો, પણ રોનક અને અનુપ સાથે મળીને ભાઈનાં જૂતાં છૂપાવવાની બહુ મજા આવી. છેલ્લે સુધી કોઈને હાથ પણ લગાવવા ન દીધો અને અમે અમારા મિશનમાં સક્સેસફુલ થયાં.’
બન્ને જૂતાંને જુદી ગાડીમાં છુપાવી દીધાં હતાં
જૂતાચોરી કરી ઝીલ ગોસ્વામી ઍન્ડ કંપનીએ શિવમ ગગલાણી પાસેથી ૨૫,૦૦૦ રૂપિયા કઢાવ્યા હતા
મુલુંડ વેસ્ટમાં રહેતી ૨૨ વર્ષની ઝીલ ગોસ્વામીએ તેનાં ૧૫થી ૨૦ કઝિન ભાઈ-બહેન સાથે મળીને કઝિન બહેનના લગ્નમાં જીજાજીનાં જૂતાં ચોરી કર્યાં હતાં અને એને બદલે ૨૫,૦૦૦ રૂપિયા પણ કઢાવ્યા હતા. જૂતાચુરાઈ દરમિયાન બન્ને પક્ષ વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો હતો એ વિશે વાત કરતાં ઝીલ કહે છે, ‘મારી બહેન પૂજાનાં લગ્ન શિવમ ગગલાણી સાથે થાણેમાં થયાં હતાં. જીજાજી ઑસ્ટ્રેલિયામાં જૉબ કરે છે તો એ વાતનો અમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. લગ્નમંડપમાં પ્રવેશતાં પહેલાં તેમણે પગનાં જોડાં કાઢ્યાં ત્યારે કોઈનું ધ્યાન નહોતું અને મોકાનો ફાયદો ઉઠાવીને અમે જૂતાં લઈને ભાગતાં હતાં ત્યાં વરરાજાના ભાઈઓએ અમને જોઈ લીધાં અને રીતસરની ખેંચાખેંચી થઈ હતી, પણ અમે જીતી ગયાં અને જૂતાં અમારા હાથમાં જ આવ્યાં. અમે થોડે દૂર જઈને ટોળું વળીને જૂતાં છુપાવવાનું પ્લાનિંગ કરીને અમારી બે કાર હતી એટલે બન્ને કારમાં એક-એક મોજડી છુપાવી નાખી. મંડપમાંથી નીકળતી વખતે વરરાજાને જૂતાં જોઈએ ત્યારે વરપક્ષના લોકો શોધવા લાગ્યા, પણ ન મળ્યાં. લગ્ન બાદ તરત જ રિસેપ્શન હતું અને સમયની કટોકટી હતી તોય જૂતાંના બદલે પૈસા આપો એ માટે અડધો કલાક સુધી બન્ને પક્ષ વચ્ચે રકઝક થઈ. અમે બે લાખ રૂપિયાની માગણી કરી હતી, અમને ખબર હતી કે આટલા નહીં મળે તોય જીજુ ઑસ્ટ્રેલિયાથી આવ્યા છે એ જોઈને તેમને ધમકીઓ પણ આપી કે આ રકમ રૂપિયામાં નહીં ચૂકવો તો ડૉલરમાં ચૂકવવા પડશે અને એ તમને વધુ ભારે પડશે. વરપક્ષે અમારી સાથે અડધા કલાક સુધી નેગોશિયેટ કર્યું પણ અમે નમતું જોખવા તૈયાર નહીં. તેમણે કહ્યું, અમે શગુનના જે કંઈ હશે એ આપીશું. પછી અમે થોડાં નીચે ઊતર્યાં અને છેવટે ૨૫,૦૦૦ રૂપિયામાં માની ગયાં. આ જોઈને મારો ભાઈ વરપક્ષ તરફ જતો રહ્યો. તેનાં પણ લગ્ન ટૂંક સમયમાં થવાનાં હોવાથી જીજુ સાથેની અમારી વાતચીત સાંભળીને તે પણ ટેન્શનમાં આવી ગયો હતો. અમે આશ્ચર્યમાં મુકાયાં અને અમે પછી તેને બહુ જ ચીડવ્યો અને હજી પણ વાત-વાતમાં સંભળાવી દઉં છું. આ તો સમયની કટોકટીને લીધે અમે ૨૫,૦૦૦માં માની ગયાં નહીં તો જીજુને આ જૂતાં હજી મોંઘાં પડત.’
મોજડી નહીં, પણ શૂઝ છુપાવ્યાં
દૃષ્ટિ વાલા તેની ગર્લ ગૅન્ગ તેજલ, ઉર્વશી અને ટિયા સાથે
વરરાજાની સાળીઓનો મેઇન ટાર્ગેટ મોજડી ચોરવાનો હોય છે, પણ સાયનમાં રહેતી દૃષ્ટિ વાલા અને તેની ગર્લ ગૅન્ગે મળીને તેમની કઝિન શ્વેતાનાં લગ્નમાં શૂઝ છુપાવવાનો ટાર્ગેટ બનાવ્યો હતો. આ વિશે વાત કરતાં દૃષ્ટિ કહે છે, ‘સામાન્યપણે બધી જ સાળીઓ જીજાજીની મોજડી ચોરતી હોય છે, પણ મારી બહેનનાં લગ્નમાં વચ્ચે બ્રેક હોવાથી એમાં કન્યા ડ્રેપિંગ થોડું ચેન્જ કરીને ઘરચોળું પહેરીને આવે છે અને વરરાજા પણ શેરવાની કાઢીને સૂટ પહેરે છે. મોજડી પહેરીને તો જીજાજી ઘરે જવાના નહોતા તેથી મોજડી ચોરવાનો કોઈ મતલબ નહોતો. એવો વિચાર કરીને મેં મારી બહેન તેજલ, ટિયા, રિયા અને ઉર્વશી સાથે જીજુનાં બૂટ ચોરવાનું નક્કી કર્યું. કોઈને ખબર ન પડે એ રીતે જાણે ઇન્વેસ્ટિગેશન કરવા જતાં હોઈએ એમ ગ્રૂમના રૂમમાં ગયાં. અંદરથી દરવાજો લૉક કર્યો અને મિશન શૂઝ ચાલુ કર્યું. બધું ફંફોસી નાખ્યા બાદ એક બૅગ મળી અને એમાં બે જોડી શૂઝ હતાં. આ જોઈને અમે મૂંઝવણમાં મુકાયાં કે કયાં શૂઝ જીજુનાં હશે? ખોટાં શૂઝ ઉપાડી લીધાં તો? આ બધું વિચાર્યા બાદ અમને લાગ્યું કે બીજાં શૂઝ અણવરનાં હશે. તો તેમની સાથે પણ થોડી મસ્તી થશે. બન્ને જોડી શૂઝ ઉપાડીને અમે દાદી પાસે ગયાં. એક શૂ તેમની બૅગમાં નાખ્યું. વરપક્ષવાળા મારાં દાદીને તો પૂછવા આવશે નહીં કે શૂઝ ક્યાં છે? આ વાતનો અમે ફાયદો ઉઠાવ્યો. એક શૂ મંડપની નીચે છુપાવ્યું. બીજાં શૂઝ ફઈને આપી દીધાં. તેમણે પણ પોતાની રીતે વરપક્ષની નજર ન પડે એ રીતે છુપાવી રાખ્યાં. જીજુનાં કપડાં બદલવાનો સમય આવ્યો ત્યારે તેમણે આખા રૂમમાં શોધખોળ કરી પણ શૂઝ મળ્યાં જ નહીં. પછી તેમને ખબર પડી કે અમે મોજડી નહીં પણ શૂઝ ચોર્યાં છે. જીજુનાં શૂઝની સાથે બીજી જોડી શૂઝ હતાં એ તેમના પપ્પાનાં હતાં. થોડા સમય સુધી તો અમે આપ્યાં જ નહીં. માહોલ થોડો સિરિયસ થતો જોઈને મારાં કાકી અને દાદીના કહેવા પર આપી દીધાં.’
આ રિવાજ પાછળનો અર્થ
આમ તો જૂતાચુરાઈની રસમમાં ખૂબ મજાક-મસ્તી ભરેલી હોય છે પણ એની પાછળ ઊંડો અર્થ છુપાયેલો હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જૂતાં ચોરવાના રિવાજ પાછળનું કારણ શું છે? આનો જવાબ એ છે કે જૂતાચોરીની રસમના માધ્યમથી વરરાજામાં કેટલો સંયમ છે એનો અંદાજ લગાવવામાં આવે છે. એ જોવામાં આવે છે કે કઈ રીતે તે કોઈને દુખી કર્યા વગર પોતાનાં જૂતાં પરત મેળવે છે. જો એક જ વારમાં વરરાજા સાળીએ જેટલા પૈસા માગ્યા હોય એટલા આપી દે તો તેને સીધો માનવામાં આવે છે. એવી જ રીતે વરરાજા કંઈ પણ આપ્યા વગર અને સાળીનું દિલ દુખાવ્યા વગર તેનાં જૂતાં મેળવી લે તો તેને ચાલાક માનવામાં આવે છે.
આપણને ઘણી વાર એવો પણ વિચાર આવતો હોય છે કે શા માટે વરરાજાનાં ફક્ત જૂતાં જ ચોરાય છે, કેમ બીજું કંઈ ચોરવામાં નથી આવતું? આનું કારણ એ છે કે એક વરરાજાની ઓળખ તેની પાઘડી, તલવાર કે કટાર અને જૂતાં હોય છે પણ ચોરી ફક્ત જૂતાંની કરવામાં આવે છે. કહેવાય છે કે કોઈનું પણ વ્યક્તિત્વ જૂતાંથી સમજી શકાય છે. પાઘડી અને તલવાર સમ્માન અને શૌર્યનાં પ્રતીક હોય છે. એને ખોઈ દેવાં એ કોઈ પણ વ્યક્તિ માટે અપમાનજનક હોય છે. સાથે જ એ તેની બેદરકારી અને મૂર્ખતા પણ દર્શાવે છે. એટલે લગ્નમાં સાળીઓ ખાસ કરીને જૂતાં જ ચોરે છે.