ઇન્ટેલિજન્સ બ્યુરોના રિટાયર્ડ જૉઇન્ટ ડિરેક્ટર મલોય ક્રિષ્ન ધરની સત્યઘટના પર આધારિત નૉવેલ ‘મિશન ટુ પાકિસ્તાન’ વાંચો તો આઝાદી અને લોકશાહીની સાચી વ્યાખ્યા સમજાય
બુક ટૉક
વાત એવા એજન્ટની, જેના માટે દેશથી આગળ કશું નથી
એક માણસ પોતાના ફૅમિલીથી માંડીને પોતાની કરીઅર અને પોતાનાં સપનાંઓ ભૂલીને પોતાની જાતને હેવાનોના હાથમાં ધરી દે અને દેશ માટે જીવ સુધ્ધાંની પરવા કર્યા વિના આગળ વધી જાય એને શું કહેવાય? જ્યારે એ પણ તેને ખબર હોય કે શહાદત સિવાય તેના નસીબમાં કશું આવવાનું નથી અને આ શહાદતની નોંધ પણ કોઈ લેવાનું નથી ત્યારે આવું સ્ટેપ લેનારાને શું કહેવું જોઈએ?
આવી જ એક વ્યક્તિને મેળવે છે મલોય ક્રિષ્ન ધરની સત્યઘટના પર આધારિત નૉવેલ ‘મિશન ટુ પાકિસ્તાન’. મલોય ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરી ચૂક્યા છે અને જૉઇન્ટ ડિરેક્ટરના સ્તર સુધી તે પહોંચ્યા હતા. લાલબહાદુર શાસ્ત્રીના વડા પ્રધાનપદ હેઠળ તેમણે અમુક એવાં મિશન સંભાળ્યાં જેણે દેશની અખંડતાને અકબંધ રાખવાનું કામ કર્યું. રિટાયર થયા પછી મલોય ક્રિષ્ન ધરના મનમાં એક વાત વારંવાર આવતી હતી કે એવા લોકોને દેશ યાદ નથી કરતો જેની શહીદી હંમેશાં ગુમનામ રહી. મલોય ક્રિષ્ન ધર કહે છે, ‘સેનાના જવાનોની શહીદીને આપણે ક્યારેય ભૂલતા નથી અને એની સામે દેશ માટે ખુફિયા સૈનિક બનીને જીવ જોખમમાં મૂકનારાઓને આપણે ક્યારેય યાદ કરતા નથી. આપણા દેશના સેંકડો જવાનો એવા છે જેણે પાકિસ્તાન જઈને દુશ્મનો વચ્ચે બેસીને પણ દેશને માહિતી આપવાનું કામ કર્યું અને જીવ ગુમાવ્યો. આજે પણ એવા અનેક યુવાનો છે, જે ત્યાંની જેલમાં સડે છે અને આપણે તેમને પાછા લાવવાનું કામ પણ કરી શકતા નથી.’
જાસૂસી કરવી એ જ્યારે આંતરરાષ્ટ્રીય ગુનો બની ગયો છે એવા સમયે જ્યારે તમે એ જવાનોનો પક્ષ પણ લઈ શકતા નથી ત્યારે તમે ઍટ લીસ્ટ એ જવાનોની શહાદતને તો યાદ કરો એવું માનતાં મલોય ક્રિષ્ન ધર કહે છે, ‘દુશ્મનના ઘરમાં જઈને ત્યાં રહેવાનું કામ અને ત્યાં રહીને દરરોજ માહિતી પહોંચાડવાનું કામ અઘરું જ નહીં, પણ અસંભવ છે પણ આપણા દેશના અનેક યુવાનો દેશદાઝ વચ્ચે એ કામ કરવા તૈયાર છે. ‘મિશન ટુ પાકિસ્તાન’ એવા જ એક યુવાનની વાત છે, જેને મેં તૈયાર કરીને મોકલ્યો હતો.’
મલોય ક્રિષ્ન ધરને એ વાતનું દુઃખ પણ છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો જે જવાનને તૈયાર કરી પાકિસ્તાન મોકલે છે એ ભાગ્યે જ જીવતો પાછો આવવાનો હોય છે અને એ પછી પણ તેમણે દેશ ખાતર એ કામ કરવું પડે છે.
ઝ્યાદા સચ, થોડાં ફિક્શન
મલોય ક્રિષ્ન ધર પોતાની નૉવેલ ‘મિશન ટુ પાકિસ્તાન’માં આ જ થિયરી પર ચાલ્યા છે. લાલબહાદુર શાસ્ત્રીના કાર્યકાળ સમયે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ગણ્યાગાંઠ્યા લોકો જ હતા. એ સમયે યાહ્યા ખાનની સરકારે પાકિસ્તાનમાં રહેલા જાસૂસો શોધવાનું ચાલુ કર્યું અને શોધી-શોધીને તેમણે ભારતના ખબરીઓને ખતમ કર્યા, જેમાં અનેક એવા મુસલમાનો પણ મરાયા જેને ભારત કે હિન્દુસ્તાન સાથે કંઈ નિસબત નહોતી. એક તબક્કો એવો આવી ગયો કે ભારતનો એક પણ જાસૂસ પાકિસ્તાનમાં નહોતો અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર ધ્યાન રાખવું પણ અત્યંત આવશ્યક હતું.
ક્રિષ્ન ધરે એ એવા માણસને જાસૂસી માટે તૈયારી કર્યો જેના ફૅમિલીમાં માત્ર એક એવી છોકરી છે જે તેની સાથે મૅરેજ કરવા માગે છે અને એમ છતાં પેલી વ્યક્તિ પાકિસ્તાન જવા તૈયાર થાય છે અને તેની આખી નવી જ આઇડેન્ટિટી ઊભી કરવામાં આવે છે. અહીંથી જ તેની નવી લાઇફ શરૂ થઈ અને નવી દુનિયામાં તે દાખલ થયો.
બુક પરથી બની વેબ-સિરીઝ
‘મિશન ટુ પાકિસ્તાન’ બુકના રાઇટ્સ સાતેક વર્ષ પહેલાં ખરીદવામાં આવ્યા હતા અને એના પરથી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ ચાલતું હતું. સ્ક્રિપ્ટ તૈયાર પણ થઈ પણ ફિલ્મની અવધિની મર્યાદાને કારણે બુકમાંથી ઘણું કાપવું પડ્યું, જે મલોય ક્રિષ્નધરને મંજૂર નહોતું અને એવામાં ઓટીટી પ્લૅટફૉર્મનો ઉદય થયો અને ‘મિશન ટુ પાકિસ્તાન’ને વેબ- સિરીઝમાં કન્વર્ટ કરવામાં આવી, જે અત્યારે ‘મુખબીર-ધ સ્ટોરી ઑફ સ્પાય’ના નામે રિલીઝ થઈ.
આ વેબ-સિરીઝમાં પણ આખી બુકની વાત હજી પૂરી નથી થઈ. ચાલીસ ટકા જ કન્ટેન્ટ ખર્ચાઈ હોવાથી એવી ધારણા સહજ રીતે થઈ શકે કે ‘મુખબીર-ધ સ્ટોરી ઑફ સ્પાય’ની સેકન્ડ સીઝન આવશે અને એમાં હીરો હરફનની વાત આગળ વધશે.
સ્ટોરી શૉર્ટકટ
‘મિશન ટુ પાકિસ્તાન’માં વાત છે એક એવા જાસૂસની જેને ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ટ્રેઇનિંગ આપીને પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.
કુણાલ દિલ્હીમાં રહે છે અને નાની-મોટી ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. કુણાલની લાઇફમાં આમ તો કોઈ નથી પણ એક અંકલ છે, જે કુણાલને ચોરીમાં સાથ આપે છે અને કુણાલના આધારે જ જીવે છે તો પાડોશમાં એક એવી છોકરી છે જે કુણાલને દિલ-ઓ-જાનથી ચાહે છે અને તેની સાથે મૅરેજ કરવા માગે છે, પણ કુણાલને તેના માટે એવી કોઈ લાગણી નથી. એક દિવસ કુણાલ ઇન્ટેલિજન્સ બ્યુરોના એક ઑફિસરની ગાડીમાંથી ટાયર ચોરી લે છે, પણ તે એ ભંગારમાં વેચે એ પહેલાં અનાયાસે ક્રિષ્ન ધરને મળી જાય છે. અહીંથી ક્રિષ્ન ધર અને કુણાલની દોસ્તી થાય છે અને ક્રિષ્ન ધર તેની પાસે ઇન્ડિયામાં જ કામ ચાલુ કરાવે છે, પણ સમય જતાં અને પાકિસ્તાનમાં આપણી કોઈ વ્યક્તિ હોય એવી અનિવાર્યતા ઊભી થતાં ક્રિષ્ન કુણાલને પાકિસ્તાન જવા માટે તૈયાર કરે છે અને હરફનના નામ સાથે તેને પાકિસ્તાન માટે તૈયાર કરે છે.
હરફન બનીને પાકિસ્તાન ગયેલા કુણાલ ત્યાં જઈને શું કરે છે અને કેવી રીતે ભારત સરકારને હેલ્પફુલ બને છે તો હેલ્પફુલ થવા જતાં કુણાલની લાઇફમાં કેવા ચક્રાવત આવે છે એની વાત ‘મિશન ટુ પાકિસ્તાન’માં કહેવામાં આવી છે.