ગોલ્ડન વર્ડ્સ - સક્સેસની પહેલી સીડી તમારી હેલ્થ છે. જો હેલ્ધી હશો તો તમે આસાનીથી સક્સેસ મેળવવા માટેની મહેનત કરી શકશો.
ઇમરાન નાઝીર ખાન
‘મૅડમ સર’, ‘પ્રતીક્ષા’, ‘અલાઉદ્દીન’, ‘હમારી બહૂ સિલ્ક’, ‘ગઠબંધન’, ‘ભાબીજી ઘર પર હૈં!’ જેવી સિરિયલો કરી ચૂકેલો ઇમરાન નાઝીર ખાન ફિટનેસની બાબતમાં જબરદસ્ત અલર્ટ છે. ફિટ રહેવા માટે શું કરવું એના કરતાં શું ન કરવું એ બાબત પર ઇમરાન હંમેશાં ફોકસ રાખે છે અને અહીં પણ તે એ જ સલાહ આપે છે
હું ફર્મલી માનું છું કે ફિટ રહેવું એ તમારી ઇચ્છા નહીં, જરૂરિયાત છે અને આ જરૂરિયાતને સૌકોઈએ સમજવી રહી. જેટલી જલદી તમને આ વાત સમજાશે એટલા તમે સુખી થશો.
ADVERTISEMENT
મેં નાનપણથી જ અનહેલ્ધી કહેવાય એવું ફૂડ ઓછું ખાધું છે તો જિનેટિકલી પણ મને ઍથ્લીટ બૉડી મળ્યું છે એ પણ મારાં સદ્નસીબ. છતાં હું મારી જાતને એક વાત સમજાવતો રહું છું કે હેલ્થ માટે ઓછી મહેનત કરીશ તો ચાલશે નહીં. કુદરતનો નિયમ છે કે જે બાબતમાં તમે ઓછું ધ્યાન આપો, કુદરત એ બાબત તમારી પાસેથી લેવાનું શરૂ કરી દે. પૈસા હોય કે હેલ્થ, જો તમે ધ્યાન ન આપો તો કુદરત એવું માની લે કે તમને એની જરૂર નથી અને તે એ પાછું લેવા માંડે. વાત થોડી ફિલોસાફિકલ, પણ છે સાચી.
ઑલ્વેઝ બી ઍક્ટિવ | રેસ્ટ, રિલૅક્સ અને ઍક્ટ. એ ત્રણેય બાબતો હેલ્થની બાબતમાં બહુ જરૂરી છે અને પર્સનલી હું ત્રણેયને મહત્ત્વ આપું છું. એ વાત જુદી છે કે આજના ડિજિટલ વર્લ્ડમાં લોકો રેસ્ટ અને રિલૅક્સને જ વધારે મહત્ત્વ આપે છે અને એને લીધે એ ભાગ્યે જ ઍક્શન મોડમાં હોય છે. તમે પોતે જોઈ લેજો. આજકાલ લોકો પહેલી બે વાતને બહુ પ્રાયોરિટીમાં રાખે છે. એક જ જગ્યાએ બેસીને કલાકો સુધી ફોનમાં ઇન્સ્ટા-રીલ્સ કે યુટ્યુબ-શૉર્ટ્સ જોતા હોય ત્યારે બૉડીને રેસ્ટ અને રિલૅક્સેશન મળે છે, પણ એનું રિઝલ્ટ નથી આવતું. હું કહીશ કે આજના સમયમાં રેસ્ટ અને રિલૅક્સની સાચી ડેફિનેશન સમજાવવાની જરૂર છે અને સાથે જ ફિઝિકલી ઍક્ટિવ રહેવાની બાબતમાં નિયમિત બનાવવાની જરૂર છે. ફિઝિકલી ઍક્ટિવ રહો તો એની જુદી જ અસર ચહેરા પર ઉમેરાતી હોય છે.
હું નિયમિત ક્રૉસ ફીટ, વેઇટ-ટ્રેઇનિંગ, રનિંગ, સાઇક્લિંગ, જિમ્નૅસ્ટિક્સ કરું છું. મને બૉડી-બિલ્ડર બનવાનો શોખ નથી પણ હા, નૉર્મલ હેલ્ધી બૉડી અને માઇન્ડ હોવાં જોઈએ અને એ તમે કોઈ પણ ફીલ્ડમાં હો તો પણ જરૂરી છે એવું હું દૃઢપણે માનું છું. દરેકનું આ જ ધ્યેય હોય એવું મને લાગે છે. ઍક્ટર હોય એ જ શું કામ ફિટ હોય, સેલ્સમૅન પણ ફિટ હોવો જોઈએ અને પ્રોવિઝન સ્ટોર પર બેસતો વેપારી પણ ફિટ હોવો જોઈએ. આપણે ત્યાં ખોટું પર્સેપ્શન બની ગયું છે કે સારા દેખાવા માટે ફિટ રહેવું પડે. આ મેન્ટાલિટી ચેન્જ કરવાની જરૂર છે.
આ પણ વાંચો : હાર્ટ શેપની રોટલીની તમે કલ્પના કરી શકો ખરા!
હેલ્ધી ફૂડ ઇમ્પોર્ટન્ટ | મારી વાત કહું તો હું ડેરી પ્રોડક્ટ્સ નથી ખાતો, તળેલું નથી ખાતો. શુગર પણ સદંતર બંધ છે. સામાન્ય રીતે મારા ઇન્ટેકમાં પ્રોટીન અને કૉમ્પ્લેક્સ કાર્બની વરાઇટી વધારે હોય. તમે પેટમાં શું પધરાવો છો એનો તમારી હેલ્થ પર સૌથી મોટો આધાર છે. આજના ટીનેજર્સ અને ન્યુ એજ યંગસ્ટર્સ છે તેણે લાઇફમાં આ બાબતમાં બહુ મોટો ચેન્જ લાવવાની જરૂર છે. દરેક વખતે તેમના હાથમાં તમને જન્ક ફૂડ જ દેખાય. રસ્તે ચાલતાં જે મળે એ ખાઈ લેવું, રજામાં બહાર જ જમવા જવાનું, ટ્રાવેલિંગ દરમ્યાન અનહેલ્ધી ખાવાનું, કોલ્ડ ડ્રિન્ક્સ અને આઇસક્રીમને રોજબરોજની લાઇફમાં સેટ કરીને બૉડીમાં શુગરનો અતિરેક કરવાનો.
આ બધી વાતો હેલ્થને બહુ જ ડૅમેજ કરે છે અને અફસોસની વાત એ છે કે આ બાબતને લઈને કોઈ સભાનતા નથી. ઇન ફૅક્ટ, હાર્ડ્લી કોઈ એ વિશે વિચારે છે. આ બધું જોઉં ત્યારે દુઃખ પણ થાય કે શું કામ લોકો હેલ્થને ટેકન-ફૉર-ગ્રાન્ટેડ લે છે?
આજે તમે જુઓ, માંડ હજી તો ટીન એજમાંથી બહાર આવ્યા હોય ત્યાં છોકરાઓમાં વ્યસન આવી જાય છે. આ બધું જોઈને ભયંકર પીડા થાય. હું કહીશ કે ઘરની એક વ્યક્તિ પણ જો હેલ્થની બાબતમાં સભાન થઈ જાય તો આખા ઘરમાં ચેન્જ આવે અને એ સમય આવી ગયો છે.

