વિજ્ઞાન કહે છે કે શબ્દોમાં એટલી તાકાત છે કે તમે જે બોલો છો એને વાસ્તવિક કરવામાં સમગ્ર બ્રહ્માંડ અને મન લાગી પડે છે. સાયન્ટિફિકલી પુરવાર થયેલી આ બાબત જાણ્યા પછી તમે જ વિચારો કે તમે બોલો છો ત્યારે બફાટ કેટલો કરો છો
પ્રતીકાત્મક તસવીર
કિસ્સો પહેલોઃ અક્ષયકુમારે ટ્વિન્કલને વિડિયો-કૉલ કર્યો. ક્યારેય વિડિયો-કૉલ નહીં કરનારા અક્ષયનો કૉલ જોઈને ટ્વિન્કલને નવાઈ લાગી અને તેણે ફોન ઉપાડતાં સીધું જ પૂછ્યું કે શું થયું? અક્ષયે મજાક કરી કે મારો ઍક્સિડન્ટ થયો છે. ટ્વિન્કલ શૉક્ડ અને તેનાં એક્સપ્રેશન જોઈને અક્ષય હસી પડ્યો. વાત ત્યાં પૂરી થઈ? ના, વાત અહીંથી શરૂ થઈ. બે દિવસ પછી ‘સિંઘમ અગેઇન’ના શૂટિંગ પર ટાઇમપાસ કરતા અક્ષયકુમારનું સાઇકલ પરથી બૅલૅન્સ ગયું અને અક્ષય જબરદસ્ત રીતે જમીન પર પછડાયો.
મૉરલઃ શબ્દોમાં એ તાકાત છે કે માણસ જે બોલે છે એને એ સાર્થક કરી દેખાડે છે.
ADVERTISEMENT
કિસ્સો બીજો: પૉલિટિક્સમાં આવતાં પહેલાં નરેન્દ્ર મોદી એટલી વખત બોલી ચૂક્યા કે કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવીને એક સ્ટેટ બનાવવું જોઈએ અને ત્યાંથી ૩૭૦ અને ૩પ/એ હટાવવી જોઈએ. એ શક્ય નથી એવી કોઈ દલીલ કરે ત્યારે નરેન્દ્ર મોદી રીતસર એ ટૉપિક પર વાત કે ચર્ચા કરવાનું પણ અવૉઇડ કરતા. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ આ કામ કર્યું અને કાશ્મીરને મળતા વિશેષ રાજ્યના દરજ્જાને દૂર કર્યો.
મૉરલઃ વારંવાર બોલવામાં આવતા શબ્દોને સાર્થક કરવા માટે મન યોગ્ય અને વાજબી વાતાવરણ ઊભું કરવાનું કામ કરે છે.
lll
માણસ સતત પોતાને જો જાગ્રત રહીને કોઈ નકારાત્મક વાત ન કરે અને સકારાત્મક વાતને લાઇફસ્ટાઇલનો હિસ્સો બનાવે તો એ મૅજિક કહેવાય એ સ્તરનું પરિણામ લાવી શકે છે. પૉઝિટિવ થિન્કિંગ પર અનેક પુસ્તકો લખી ચૂકેલા જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર ડૉ. જિતેન્દ્ર અઢિયા કહે છે, ‘હું બીજાની ક્યાં વાત કરું, મારા પોતાના જ એટલા અનુભવ છે કે હું દાવા સાથે કહી શકું કે પૉઝિટિવ વાત અને પૉઝિટિવ થિન્કિંગથી ચમત્કાર થાય છે, પણ આજે મોટા ભાગના લોકો એ વાત ભૂલી ગયા છે, જેને લીધે તે મનને ખોટી દિશામાં લઈ જવાનું કામ સતત કરતા રહે છે. તમને એક સામાન્ય ઉદાહરણ આપુંઃ ‘હું ડાયાબિટીઝની દવા લઉં છું.’ આવું બોલવું એ બહુ સામાન્ય છે, પણ મનના સાયન્સ મુજબ આ ખોટી વાક્યરચના છે. હકીકતમાં એવું કહેવું જોઈએ કે ‘હું ડાયાબિટીઝ મટાડવાની કે પછી ડાયાબિટીઝથી છુટકારો મળે એની દવા લઉં છું.’ ડૉક્ટર છું એટલે એ જાણું છું કે ડાયાબિટીઝ મટે નહીં, પણ મારા આટલાં વર્ષોના અનુભવથી હવે હું કહી શકું છું કે જો શબ્દપ્રયોગમાં સભાનતા રાખવામાં આવે તો શુગર કન્ટ્રોલમાં લઈ આવવાનું કામ મન કરે જ છે.’
અનેક સંશોધનો પછી પુરવાર થયું છે કે બોલવામાં આવતા શબ્દો વાસ્તવિકતા ઊભી કરવાનું કામ કરે છે. કારણ કે જીભ પર આવતા પ્રત્યેક શબ્દની જીવન પર અસર પડતી હોય છે. નકારાત્મક ફીલિંગ્સને હળવાશ સાથે કે મજાકરૂપે બોલો તો પણ એનું નુકસાન છે જ, પણ એ બાબતમાં ગંભીરતા સાથે ધ્યાન રાખવામાં નથી આવતું અને એટલે જ સમસ્યા કે તકલીફો અકબંધ રહે છે.
ટૉકિંગ સાયન્સની દુનિયા
‘આવું જોતાં પહેલાં ભગવાને ઉપાડી શું કામ ન લીધા’, ‘હોશિયાર તો એ જ, બાકી આપણે તો ડફોળ છીએ’, ‘હું જ મૂર્ખો કે તેની વાત માની ગયો’, ‘કામનો તો ઢગલો થઈ ગયો છે’, ‘બધા હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે’, ‘શ્વાસ લેવાનો પણ ટાઇમ નથી’ કે પછી ‘મારા મગજની નસ નહીં ખેંચ...’
આ અને આ પ્રકારનાં વાક્યો રોજબરોજ બધા બોલતા હોય અને એ સ્વાભાવિક પણ લાગે છે, જેને લીધે આ પ્રકારનાં વાક્યો
સાંભળીને આપણી આંખો પહોળી નથી થતી પણ ટૉકિંગ સાયન્સની જે દુનિયા છે એમાં કહેવામાં આવે છે કે આ પ્રકારનાં સ્ટેટમેન્ટ ક્યારેય કરવાં ન જોઈએ.
આજકાલ હસવા-હસાવવા માટે લોકો પોતાની જ મજાક ઉડાડે છે તો ક્યારેક ફ્રસ્ટ્રેશન કાઢવા માટે લોકો પોતાની તકલીફો કે નબળાઈઓ વધુ ઘૂંટાય એવાં વાક્યો બોલ્યા કરે છે. કહેવાય છે કે મજાકમાં બોલવાની આદતથી પણ સહજ રીતે બોલાતા કોઈ પણ શબ્દોની અસર બ્રેઇન પર થાય છે અને બ્રેઇન એનું પુનરાવર્તન કરે છે. આ જ કારણે એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પ્રકારની હસીમજાકમાં બોલાતી નકારાત્મક વાત પણ ટાળવી જોઈએ. બ્રેઇન અને ટંગ વચ્ચે એક એવું અદૃશ્ય અનુસંધાન છે કે એ બન્ને એકબીજાની વાત માને છે. જીભ પર આવતા શબ્દોને રિપીટ કરવાની અને એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી બ્રેઇન સંભાળે છે, તો બ્રેઇનના કોઈક ખૂણે રહેલી ફીલિંગ્સને બહાર લાવવાનું કામ જીભ કરે છે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘હંમેશાં યાદ રાખવું કે બોલાયેલી જ નહીં, મનમાં વિચારાયેલી વાત પણ એક શબ્દ છે એટલે બોલવામાં જ નહીં, વિચારવામાં પણ એ આદત કેળવવી જેમાં પૉઝિટિવિટી હોય. મેં મારી મેડિકલ કરીઅર દરમ્યાન અનેક એવા પેશન્ટ્સ જોયા છે જે ક્રિટિકલ સિચુએશનમાં હોય અને એ પછી પણ માત્ર પોતાની પૉઝિટિવિટીને કારણે એ સિચુએશનને સફળતા સાથે પાર કરી ગયા હોય અને એવા પેશન્ટ્સ પણ જોયા છે કે સામાન્ય તાવ વચ્ચે પણ તેમની નેગેટિવ મેન્ટાલિટી તેમને ખૂબ હેરાન કરે છે.’
મનુષ્યમાં હું મન છું...
મોટિવેશનલ સ્પીકર અને જાણીતા વક્તા સ્નેહ દેસાઈ શ્રીમદ ભગવદ્ગીતાને ટાંકીને સમજાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડતાં અર્જુનને કહ્યું હતું કે ‘નદીમાં હું ગંગા છું, પર્વતોમાં હું હિમાલય છું, પક્ષીઓમાં હું મોર છું, શસ્ત્રોમાં હું સુદર્શન છું અને મનુષ્યમાં હું મન છું.’ સ્નેહ દેસાઈ કહે છે, ‘મનમાં ચાલતી ફીલિંગ્સ પર જો બરાબર કન્ટ્રોલ કરતાં ફાવી જાય તો ટૉકિંગ સાયન્સનો જે મૅજિક છે એનો અનુભવ થઈ શકે. ફલાણો માણસ ખરાબ છે અને ફલાણો માણસ હરામખોર છે. આવું સતત કહેવા કે વિચારવાથી તે માણસ સારો હશે તો પણ તમારે માટે તો તે ખરાબ અને હરામખોર જ રહેવાનો છે. કારણ કે તમે એ વાઇબ્રેશન્સ યુનિવર્સને પણ આપ્યાં અને તમારા મનને પણ આપ્યાં. આ ઉપરાંત સતત આવું બોલીને તમે પોતે પણ એ નેગેટિવિટીને સાથે રાખી એટલે ક્યારેક એ સારું કામ કરશે તો પણ મન સતત તર્ક લડાવશે કે આમાં પણ એની કોઈ ચાલ છે. પણ જો એને બદલે વાતને પૉઝિટિવ બનીને લેવામાં આવે તો નકારાત્મકતા નહીં આવે અને નકારાત્મકતા નહીં હોય તો બ્રેઇન પણ પૉઝિટિવ રિઝલ્ટની જ તૈયારી કરશે.’
આ જ વાતને ડૉ. જિતેન્દ્ર અઢિયા સંદર્ભ સાથે સમજાવતાં કહે છે, ‘વાત કહેવાની જ છે તો એને એવી રીતે મોઢામાંથી બહાર લાવો કે એમાં નેગેટિવ એનર્જી ન હોય અને ધારો કે સારું બોલતા હો તો એમાં એક્સ્ટ્રા પૉઝિટિવ એનર્જી ભરો. શબ્દો પોતાની એવી તાકાત દેખાડશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.’
ટૉકિંગ સાયન્સના મહત્તમ લાભ મળે એ માટેના સાત સરળ સિદ્ધાંત
શબ્દો બેધારી તલવાર જેવા છે એટલે એને જીભ પર લાવતાં પહેલાં અને એનો સીધો વપરાશ કરતાં પહેલાં વિચારો.
કોઈને પણ માટે નકારાત્મક બોલવાનું ટાળો અને એમાં જાતનો પણ સમાવેશ કરો. કોઈ ખરાબ કરતું હોય તો એનાથી દૂર જતા રહો.
કોઈને હાસ્યાસ્પદ નહીં બનાવો, કારણ કે મનને સેન્સ ઑફ હ્યુમરની સમજ નથી. એ તો એ મજાકને વાસ્તવિકતામાં પરિવર્તિત કરશે.
મન ‘નહીં’ કે ‘ના’માં સમજતું નથી, એ નેગેટિવ વાતને પણ હકારમાં લે છે અને એવું રિઝલ્ટ આપવાનું કામ કરે છે.
સામે મળે તેને સ્માઇલ આપો. કારણ કે સ્માઇલ પણ શબ્દ છે, જે તમને પૉઝિટિવ એનર્જી આપવાનું કામ કરે છે.
નકારાત્મક લોકોથી દૂર રહો, કારણ કે નકારાત્મક લોકો બ્લૅક હોલ જેવા હોય છે, તે તમને ઝડપથી નેગેટિવ બનાવશે.
દિવસમાં ઘટેલી તમામ સારી વાતો યાદ કરીને દિવસ પૂરો કરો. સૂતી વખતે તમારી બેટર આવતી કાલ કે ભવિષ્યના વિચાર સાથે સૂઓ, જે તમારી સવારને વધારે મીઠાશભરી બનાવશે.