‘વાગલે કી દુનિયા’, ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ જેવી સિરિયલોમાં કામ કરતી માનસી જૈન માને છે કે કોવિડ પછીના આ સમયગાળામાં જો કંઈ સૌથી વધારે મહત્ત્વનું હોય તો એ હેલ્થ છે, એનાથી વિશેષ બીજું કંઈ નથી
માનસી જૈન
ગોલ્ડન વર્ડ્સ - ઍટ લીસ્ટ નિયમ કરો કે ડાયટ અને એક્સરસાઇઝ હું ત્યાં સુધી બંધ નહીં કરું જ્યાં સુધી મને એનાં પરિણામ દેખાવાનું શરૂ નહીં થાય. એક વખત રિઝલ્ટ જોવા મળ્યા પછી તમે એ ક્યારેય બંધ નહીં કરો.
મારા ફૅમિલી બૅકગ્રાઉન્ડમાં ક્યાંય ફિટનેસ બાબતમાં સતર્ક હોય એવું કોઈ નહોતું, જેને કારણે એવું બન્યું નહીં કે મને કોઈ હેલ્થ કે ફિટનેસ માટે મોટિવેટ કરે. આ ખાવું જોઈએ અને આ બિલકુલ ન ખાવું જોઈએ એવી સામાન્ય સમજ આપનારું પણ કોઈ નહોતું.
ADVERTISEMENT
હું ઓરિજિનલી રાજસ્થાનના જયપુર શહેરની એટલે તમે સમજી શકો કે ડાયટની બાબતમાં સાવ જુદા જ કલ્ચરમાંથી હું આવી છું. હા, મારે કહેવું જ રહ્યું કે મારાં નસીબ સારાં કે મને સારો બાંધો જિનેટિકલી જ મળ્યો, જેને મેં ઍક્ટિંગ ફીલ્ડમાં આવ્યા પછી જાળવવાનું કામ કર્યું. એ જરા પણ ખોટું નથી કે જિનેટિકલ બંધારણના કારણે મારે પ્રમાણમાં ઓછી મહેનત કરવી પડી છે પણ મહેનત તો સૌકોઈએ કરવી જ રહી. આજે એવી સિચુએશન છે કે હવે હું મારી ફૅમિલીને હેલ્ધી લાઇફ જીવવા ઇન્સ્પાયર કરું છું અને. લકીલી, મારી બહેન અને જીજાજીને મારી વાત ગળે ઊતરી છે એટલે એ લોકો ખાવાની બાબતમાં થોડાં કૉન્શિયસ થયાં છે તો ઍક્ટિવ રહેવાની બાબતમાં ખરેખર સારી રીતે સજાગ બન્યાં છે.
મહત્ત્વનું શું છે?
તમે સારા દેખાઓ એ મહત્ત્વનું કે તમે અંદરથી ખુશ હો એ મહત્ત્વનું? તમે જન્ક ફૂડ ખાઈને ધારો કે અંદરથી હૅપી ફીલ કરતા હો તો શું જન્ક ફૂડ ખાવું જોઈએ ખરું?
આ અને આવા પ્રશ્નો ઘણી વાર મનમાં આવતા હોય છે. મારી દૃષ્ટિએ ફિઝિકલી હેલ્ધી હોવું અને ઇન્ટરનલી હેલ્ધી ફીલ કરવું એ બન્ને બહુ મહત્ત્વનું છે પણ એના માટે સૅક્રિફાઇસ કરવું પણ એટલું જ જરૂરી છે. હા, ક્યારેક-ક્યારેક જાતને ટ્રીટ આપવી પણ જરૂરી છે પણ ક્યારેક અને એ ક્યારેક મહિનામાં એકાદ વાર હોય તો ચાલી શકે પણ જો તમે તમારા જ રૂટીન અને તમારી ડિસિપ્લિનને તોડ્યા કરો તો બૉડી પણ તમારા પ્રત્યે એટલું જ બેદરકાર થઈ જાય.
મારા રૂટીન વર્કઆઉટની વાત કરું તો હું યોગ, પિલાટેઝ, કાર્ડિયોઝ અને ઝુમ્બા આ ચારને મર્જ કરીને કંઈ ને કંઈ કરતી રહું છું. જિમમાં જવા કરતાં હું આ પ્રકારનું હોમ-વર્કઆઉટ વધારે પ્રિફર કરું છું, જેનો મને સૌથી મોટો ફાયદો લૉકડાઉન દરમ્યાન થયો હતો. રેગ્યુલર જિમમાં જનારા લૉકડાઉનમાં લાચાર થઈને હવે શું કરવું એનો વિચાર કરતા હતા, જ્યારે મારું તો બધું રૂટીન મુજબ જ આગળ વધતું હતું. આઇ બિલીવ કે જેને જે ગમે એ કરે અને ફિટ રહે તો એમાં કશું ખોટું નથી. મહત્ત્વનું ફિટ રહેવું છે અને ફિટનેસ માટે તમારે ઍક્ટિવ રહેવું જરૂરી છે.
હા, હું રોજ અડધો કલાક અચૂક વૉક કરું.
ડેઇલી ડાયટનું શું?
આપણે ત્યાં ડાયટના નામે ખૂબ મોટો અને અમુક અંશે ખોટો કહેવાય એવો હાઇપ ઊભો કરવામાં આવ્યો છે. તમે ડાયટ કરતા હો એટલે તમે સૂકું ખાતા હો અથવા તો ભૂખ્યા રહેતા હો અને કાં તો કહેવામાં આવ્યું હોય એ પર્ટિક્યુલર ટાઇપનું જ ફૂડ લેતા હો. મને લાગે છે કે એ બધો હાઇપ છોડીને બૅલૅન્સ્ડ આહાર લેવાનું શરૂ કરો એનાથી શ્રેષ્ઠ અને લૉન્ગ-લાસ્ટિંગ એક પણ ડાયટ નથી.
ઘરનો બનેલો સાત્ત્વિક આહાર લો. તળેલું અને શુગર અવૉઇડ કરો, કાચું કે પછી રૉ કહેવાય એવું ફૂડ વધારે ખાઓ. જો એ બધા પછી તમે રોટલી, શાક, દાળ-ભાત મર્યાદા સાથે અને હેલ્ધી રીતે બનેલાં ખાતા હો તો તમારે કંઈ નવું કરવાની જરૂર નથી. આટલું જ પૂરતું હોય છે. મને રાજસ્થાની ખાવાનું ખૂબ ભાવે. દાલ-બાટી, ચૂરમુ તો કૉમન છે પણ હું એટલું કહીશ કે મારી મમ્મીના હાથનું ગટ્ટાનું શાક અને કેર સાંગરીનું શાક જો તમે એક વાર ટેસ્ટ કરો તો તમે આંગળાં ચાટતા રહી જાઓ. ઇટાલિયન ફૂડ પણ મારું પ્રિય છે પણ એમ છતાં હું એટલું તો કહીશ કે ખાવાની બાબતમાં હું અતિશય શોખીન નથી. બૅલૅન્સ્ડ ડાયટને ફૉલો કરીને પણ હું ૭૦ ટકા મારી હેલ્થનું ધ્યાન રાખી લઉં છું.
આટલું ફૉલો થાય?
હું બધાને જ એટલું કહીશ કે તમારા શરીરને અબ્યુઝ કરવાનું બંધ કરો. સમયસર જમો, સમયસર એક્સરસાઇઝ કરો અને નિયમિતતા સાથે જીવન જીવો. હેલ્ધી રહેવા માટે આ બહુ જ જરૂરી છે. તમે કેવા દેખાઓ છો એ જ નહીં પણ અંદરથી તમે કેવું ફીલ કરો છો એના પર હેલ્થનો બહુ જ મોટો આધાર છે. હું દરેકને કહીશ કે ઇન્ટરનલ હેલ્ધીનેસ માટે તમે શું કરો છો એના પર વિશેષ ધ્યાન આપો, જેને આજના ફાસ્ટફૉર્વર્ડ દોટમાં લાગેલા લોકો સૌથી વધુ ઇગ્નૉર કરે છે.

