ગોલ્ડન વર્ડ્સ - જમવા બેસતી વખતે એક વાત ખાસ યાદ રાખવી, તમારો મોબાઇલ તમારાથી દૂર કરી દેવો, ટીવી બંધ રાખવું અને પૂરતું ફોકસ ફૂડ પર રાખવું. તમારા ફૂડનો આખો એક્સ્પીરિયન્સ બદલાઈ જશે.
અદિતિ શેટ્ટી
આપણે જે વિચાર પણ ન કરીએ એ વિચાર ‘ભાગ્યલક્ષ્મી’, ‘પ્યાર કે સાત વચન-ધર્મપત્ની’ , ‘ગુમરાહ’, ‘કુછ તો હૈ’ અને ‘નાગિન-6’ જેવી સિરિયલો કરનારી ઍક્ટ્રેસ અદિતિ શેટ્ટીએ કર્યો હતો અને મમ્મીને આવી રોટલી બનાવીને ખવડાવેલી. ખાવાની ભરપૂર શોખીન અદિતિને રીઝવવાનો એક જ ઉપાય છે, તેને બેસ્ટ ટેસ્ટફુલ ફૂડ આપો
લોકો સો ટકા ફૂડી હોય પણ મારે એવું નથી, હું હજાર ટકા ફૂડી છું.
ADVERTISEMENT
દરેક પ્રકારનું ભોજન મને ભાવે. હા, એમાં સ્વાદ હોવો જોઈએ. સ્વીટ્સ મારી મોસ્ટ ફેવરિટ છે. આખો દિવસ જો મારે મીઠાઈઓ પર કાઢવાનો હોય તો હું એ આરામથી કાઢી શકું અને મને કોઈ ત્રાસ પણ ન થાય. જો આજની વાત કરું તો અત્યારે મારા મોસ્ટ ફેવરિટ ફૂડમાં સુશી, ચાઇનીઝ અને ચાટ આઇટમો આવે છે. હા, થોડા-થોડા સમયે મારા ફેવરિટ ફૂડનું ક્વિઝીન બદલાતું રહેતું હોય છે. મન ભરાય એટલે કંઈક નવું ટ્રાય કરવાનું. જુઓ, બહુ ઓનેસ્ટ્લી કહીશ કે જેટલો ખાવાનો શોખ છે એટલો બનાવવાનો નથી અને એટલે જ હું ધ ગ્રેટ કુક છું એવું નહીં કહું. હા, એટલું જરૂર કે કામચલાઉ ખાવાનું બનાવી લઉં. જનરલી તો જાતે કુક કરવાનું હોય તો પાસ્તા કે મૅગી પૂરતી મર્યાદિત રહું છું, કારણ કે એમાં બહુ મગજમારી નથી હોતી. પણ હા, એક વાર એવું બનેલું કે રાઇસ અને થાઇ કરી બનાવીને મેં મારા ફ્રેન્ડ્સ અને ફૅમિલીને ખરેખર મૂંઝવી દીધાં કે આ આટલું સારું કેવી રીતે બનાવી ગઈ!
દિલ આકારની રોટલી
નાનપણમાં મને કુકિંગમાં માત્ર એક જ બાબતમાં ઇન્ટરેસ્ટ હતો અને એ હતી રોટલી. એનું પણ કારણ એ કે હું મનોમન ઇમૅજિન કરતી કે હું એક દિવસ હાર્ટ શેપની રોટી બનાવીશ. જ્યારે પહેલી વાર મેં કિચનમાં પગ મૂક્યો ત્યારે મેં એ અખતરો કરેલો પણ ખરો અને હું એમાં સક્સેસફુલ પણ રહી.
બન્યું એમાં એવું કે મમ્મી ઑફિસ ગયાં હતાં અને ઘરમાં રોટલીનો લોટ તૈયાર પડ્યો હતો. એમાંથી મેં બહુ બધો લોટ લઈને રોટલા જેવી જાડી પણ હાર્ટ શેપની રોટલી બનાવેલી. મમ્મી જ્યારે ઑફિસથી ઘરે આવ્યાં ત્યારે તેઓ ખરેખર ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. ચા સાથે મારી સામે તેમણે હાર્ટ શેપની એ રોટી ખાધી હતી, મારી લાઇફનો એ મોસ્ટ મેમરેબલ દિવસ હતો. એવું તો આજે પણ બને કે મેં અમુક આઇટમ બનાવી હોય જે લુકવાઇઝ સારી ન હોય પણ ટેસ્ટમાં એ અવ્વલ દરજ્જાની બની હોય.
મમ્મી સ્પેશ્યલ આઇટમ્સ
બધાની જેમ મને પણ એવું જ લાગે છે કે મારાં મમ્મી બહુ જ મસ્ત કુક છે. મારાં મમ્મીની વાત કરું તો જો તમે તેમના હાથનાં દાલચાવલ ખાઓ તો પણ તમારું દિલ ખુશ જાય. દાલચાવલ તો બહુ સામાન્ય વરાઇટી કહેવાય, પણ એમ છતાં મમ્મી એને એવી અફલાતૂન રીતે બનાવે છે કે આપણે વિચાર્યું પણ ન હોય. મમ્મીનું ફૂડ પ્રેઝન્ટેશન પણ એકદમ સરસ હોય છે. હું એની માટે ટ્રાય કરું છું પણ સાચું કહું તો મારામાં એટલી ધીરજ નથી કે ગાર્નિશિંગ માટે હું એટલો બધો મારો ટાઇમ ઇન્વેસ્ટ કરું.
આ પણ વાંચો : જો ફોકસ સાથે કુક કરશો તો ટેસ્ટમાં ઓગણીસ-વીસનો પણ ફરક નહીં આવે
મમ્મીના હાથનાં દહીચાવલ જ નહીં, કઢીચાવલ, મૅન્ગ્લોરિયન ફૂડ, ખીર પણ બહુ સરસ હોય છે; પણ હું એક બીજી વાત કહીશ. જ્યારે પણ મને મમ્મીના હાથનું ફૂડ યાદ આવે ત્યારે એ ફૂડની સાથોસાથ મને તરત જ ઘી પણ યાદ આવે. મમ્મી કોઈ પણ વાનગી બનાવે એટલે એમાં તે બહુ બધું ઘી ઉમેરે. દાલચાવલમાં પણ તેણે ઘી નાખ્યું જ હોય અને કઢીચાવલમાં પણ તે સરસ મજાનું ઘી રેડે. ઘી રેડાયા પછી એ ફૂડની જે અરોમા હોય એ એવી સરસ આવે કે તમારી ભૂખ ડબલ થઈ જાય.
મને મારી ફ્રેન્ડની મમ્મીના હાથનું ગુજરાતી ફૂડ પણ ખૂબ જ ભાવે. થેપલાં, ખાંડવી, ઢોકળાં તો મારાં ફેવરિટ છે જ પણ સાથે ગુજરાતી થાળીનો પોતાનો રૂઆબ હોય એવું મને લાગતું રહ્યું છે. એ થાળી તમે જુઓ ત્યાં જ તમારી અંદર ભૂખ જાગે અને એ ખાવાનું શરૂ કરો પછી તમે જરા પણ અટકો નહીં. બસ, ખાધા જ કરો. ગુજરાતી થાળી માટે મને લાગે છે કે એ થાળી કોઈ બેસ્ટ શેફે ડિઝાઇન કરી હશે, કારણ કે એમાં બૉડીની સાથોસાથ જીભને જરૂર હોય એવી એકેક વરાઇટીઓ આવી જાય છે.
તમે જુઓ તો ખરા, કેટલી જાતની ચટણીઓ, કેટલી જાતનાં અથાણાં, કેટલી જાતનાં સૅલડ... આહાહાહા...અત્યારે પણ મારા મોઢામાં પાણી આવે છે.
હેલ્ધી પણ છું હું
મારા ઘણા ફ્રેન્ડ્સ મને ચીડવે કે જે રીતે હું ખાવાની શોખીન છું એ જોતાં હું બહુ ઝડપથી જાડી થઈ જઈશ પણ ના, એવું નથી. હું મારા ભોજનની સાથે વર્કઆઉટને પણ એટલું ઇમ્પોર્ટન્સ આપતી રહું છું. ભાવે એ ખાવાનો મેં નિયમ રાખ્યો છે પણ એની સાથે મેં એ પણ નિયમ રાખ્યો છે કે કોઈ પણ હિસાબે ક્વૉન્ટિટી પર પણ કન્ટ્રોલ રાખવાનો અને જે પણ ખાધું હોય એ બર્ન કરવાનું અને હા, મારી પાસે કોઈ કુકિંગ ટિપ્સની અપેક્ષા નહીં રાખો.હા, એક ઈટિંગ ટિપ છે. જો તમને બૉડી અલાઉ કરતું હોય તો જમતાં પહેલાં સ્વીટ્સ ખાઓ, કારણ કે સ્વીટ્સથી બેસ્ટ આ દુનિયામાં કશું છે જ નહીં.

