‘એક આસ્થા ઐસી ભી’, ‘મેરે સાંઈ’, ‘મન કી આવાઝઃ પ્રતિજ્ઞા’, ‘એ મેરે હમસફર’ જેવી અઢળક સિરિયલો કરી ચૂકેલી અને ત્યારે ‘કુમકુમ ભાગ્ય’માં દેખાતી ઍક્ટ્રેસ ટીના ફિલિપની દૃષ્ટિએ હેલ્થની દિશામાં જો કોઈ સૌથી અઘરી વાત હોય તો એ એક જ છે, એક દિવસ એની શરૂઆત કરવી.
ટીના ફિલિપ
ગોલ્ડન વર્ડ્સ - વર્કઆઉટની શરૂઆત કરો અને પછી એને વળગી રહો. ફિટનેસની દિશાનું આ પહેલું અને અંતિમ સ્ટેપ છે. જો એ લેવામાં ચૂક્યા તો મસમોટા હૉસ્પિટલના બિલ માટે માનસિક તૈયારી બનાવી લો.
સ્વસ્થ હોવું એ ફિટનેસની પહેલી નિશાની છે. તમે હેલ્ધી ત્યારે જ રહી શકો જ્યારે તમારી હેલ્ધી લાઇફસ્ટાઇલ હોય.
ADVERTISEMENT
ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, સોશ્યલી એમ ત્રણેત્રણ સ્તર પર જ્યારે તમે હેલ્ધી હો ત્યારે એક જુદા જ પ્રકારની ઑરા તમે તમારી આસપાસ ડેવલપ કરતા હો છો. તમે બોલો કે કંઈ કહો એ પહેલાં માત્ર તમારી હાજરીથી જ વાતાવરણ તમને અનુકૂળ થવા માંડે એવી ઑરા ત્યારે જ ઊભી થાય જ્યારે તમે હેલ્થની બાબતમાં બધી રીતે પર્ફેક્ટ થઈ ગયા હો. હું તો ત્યાં સુધી કહીશ કે તમારે કામ લેવા જવું નથી પડતું પણ કામ તમને શોધતું આવે એ માત્ર અને માત્ર સારી હેલ્થ, સારી એનર્જી, પૉઝિટિવ ઑરા અને હકારાત્મક વિચારોની કમાલ છે.
હું ઍક્ટિંગ ફીલ્ડમાં આવ્યા પછી આ બાબતમાં વધારે સભાન થઈ પણ મારે કહેવું જ રહ્યું કે લકીલી મારા ઘરનું વાતાવરણ હેલ્થને અનુકૂળ કહીએ એવું જ રહ્યું છે. મારાં મમ્મી-પપ્પા બન્ને ફિઝિકલી ઍક્ટિવ છે. મમ્મીને યોગ ગમે છે તો પપ્પા નિયમિત રીતે જિમમાં જાય છે. આમ યોગ અને જિમ એમ બન્ને પ્રકારની પ્રૅક્ટિસનું વાતાવરણ મને સહજ રીતે વારસામાં મળ્યું છે એવું કહું તો ચાલે.
મારા ફેવરિટ છે યોગ | હા, મને યોગ વધારે ગમે છે. ઍક્ચ્યુઅલી મને લાગે છે કે યોગ વર્કઆઉટની સૌથી જૂની અને સૌથી બેસ્ટ ફૉર્મ્યુલા છે. હેલ્ધી રહેવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો જો કોઈ હોય તો એ યોગ છે, જેનાં બે કારણ છે.
પહેલું કારણ, યોગ માટે તમારે કોઈના પર નિર્ભર નથી રહેવું પડતું અને યોગ બેસ્ટ હોવાનું બીજું રીઝન, યોગમાં માત્ર બૉડીની વાત નહીં પણ માઇન્ડની વાત પણ જોડાયેલી છે જે આજના સમયમાં બહુ જરૂરી છે. જો તમે મેન્ટલી હેલ્ધી રહેશો તો ફિઝિકલી હેલ્ધી રહેશો અને તમે જો ફિઝિકલી હેલ્ધી હો તો તમારે મેન્ટલી હેલ્ધી રહેવું બહુ જરૂરી છે. કહેવાનો ભાવાર્થ એ કે બન્ને મહત્ત્વના છે પણ એમાં માઇન્ડ પહેલા ક્રમે આવે છે. આ કામ જિમમાં નથી થતું એવું મારું માનવું છે, પણ યોગમાં એકની સાથે જ બીજાને સાંકળી લો છો અને હેલ્થ માટે એ બહુ અગત્યનું છે. માઇન્ડ કે હેલ્થ એ બેમાંથી તમે કોઈ એકને ઇગ્નૉર ન કરી શકો. યોગ તમને એ ફૅસિલિટી આપે છે કે તમે બન્ને પર પૂરતા પ્રમાણમાં ફોકસ કરી શકો. બૉડી ઍન્ડ માઇન્ડને બૅલૅન્સ કર્યા પછી યોગ તમને જે કૉન્ફિડન્સ આપે છે એનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે. બીજી મહત્ત્વની વાત, જ્યારે પણ તમે કોઈ પણ પ્રૅક્ટિસને લાઇફનો એક ભાગ બનાવવા માગતા હો ત્યારે એની એક અલગ જ ઇફેક્ટ ઊભી થતી હોય છે.
મારા વર્કઆઉટની વાત કરું તો ક્યારેક મારા યોગ ક્લાસ મિસ થાય તો હું બ્રિસ્ક વૉકિંગ અથવા તો બીજા કોઈ પણ અન્ય અભ્યાસ દ્વારા એને કૉમ્પેન્સેટ કરી લઉં પણ વર્કઆઉટ વિના હું ન રહું.
ડાયટ વિનાની ડાયટ | યસ, હું બહુ જ સ્ટ્રૉન્ગલી માનું છું કે હેલ્ધી રહેવા માટે માત્ર આ જ ખાવાનું અને પેલું નહીં ખાવાનું જેવાં ગતકડાં કરવાની જરૂર નથી. હું હેલ્ધી ખાઈશ એટલું જ નક્કી કરો અને એને ફૉલો કરો તો પણ બહુ જ સરસ પરિણામ મળી શકે છે. મારી વાત કરું તો હું કોઈ પણ સ્પેસિફિક ડાયટ લો કરવાને બદલે હું બૅલૅન્સ ફૂડ ખાઉં છું.
મારા મીલમાં ફ્રેશ વેજિટેબલ્સ અને ફ્રૂટ્સની માત્રા વધારે હોય છે. શુગરવાળી કોઈ પણ મિઠાઈ કે ચૉકલેટ ખાવાનું મન થાય તો એ માત્ર રવિવારે જ ખાવાની એવું મેં નક્કી કર્યું છે. મનને મારી હું ડાયટ કરવામાં નથી માનતી. ચા, કૉફી કે પછી એક પણ જાતના ઠંડા પીણાની મને આદત નથી. ઘરનું ખાવાનું અને પ્લેઇન ગ્રીન ટી જ મારા રૂટીનમાં હોય. હું ખાવાની અતિશય શોખીન છું અને એમ છતાં પણ જો આ વાતને હું વાજબી રીતે ફૉલો કરતી હોઉં તો નૅચરલી એ પ્રૂવ થાય છે કે આ કામ કોઈ પણ કરી શકે.

