પીત્ઝા મોસ્ટ ફેવરિટ હોવા છતાં આવો કન્ટ્રોલ કર્યો છે ઍક્ટર વ્યોમ યાદવે. ફિલ્મ ‘બધાઈ દો’થી કરીઅર શરૂ કરી નેટફ્લિક્સની ‘દિલ્હી ક્રાઇમ’ અને સોની લિવની ‘ગર્મી’માં લીડ કૅરૅક્ટર કરતો મૂળ વારાણસીનો વ્યોમ કહે છે કે ફિટનેસની પહેલી શરત છે, વિલપાવર વધારો
વ્યોમ યાદવ
ગોલ્ડન વર્ડ્સ - આ વાંચ્યા પછી મારી વાત સાચી લાગી હોય તો આ જ સેકન્ડે પેપર સાઇડ પર મૂકીને જૉગિંગ માટે નીકળી જાઓ અથવા જ્યાં છો ત્યાં જ પાંચ મિનિટ કોઈ ફિઝિકલ ઍક્ટિવિટી કરી લો.
મારી દૃષ્ટિએ ફિટનેસ ફિઝિકલ કરતાં, પણ મેન્ટલ બાબત વધુ છે.
ADVERTISEMENT
હેલ્ધી ખાવું અને નિયમિત એક્સરસાઇઝ કરવાનું પણ ક્યાંક ને ક્યાંક આપણી મેન્ટલ હેલ્થ સાથે કનેક્ટેડ છે. ઇન ફૅક્ટ, આ બધું તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે મેન્ટલી ફિટ હો. નહીં તો અધવચ્ચે જ બધું છૂટી જાય. દિવસ દરમ્યાન બૉડીમાંથી પસીનો પડવો જ જોઈએ. આ નિયમ સૌકોઈનો હોવો જોઈએ અને મેં પણ આ નિયમ બનાવ્યો છે. આ જ વાતની સાથે વિચારોમાં રહેલી સ્પીડમાં બ્રેક પણ લાગવી જ જોઈએ. મેં એ માટે પણ રસ્તો કર્યો છે અને દિવસ દરમ્યાન હું રોજ પંદર મિનિટ મેડિટેશન કરવાનો નિયમ પણ ચુસ્તપણે પાળું છું.
આ આદત આપણામાં ધીમે-ધીમે ડેવલપ થતી હોય છે. હું નાનપણથી જ સ્પોર્ટ્સ-પર્સન રહ્યો છું એટલે નૅચરલી હેલ્ધી લાઇફસ્ટાઇલ ફૉલો થતી રહી છે, પણ હા, ડાયટની બાબતમાં સભાનતા મોડી આવી. ઈટિંગ હૅબિટ્સ સારી રાખવી આજના સમયમાં ખૂબ જરૂરી છે. વર્ષોથી હું જોતો આવ્યો છું કે મારા પપ્પા દરરોજ બે કિલોમીટર વૉક માટે જાય અને સવારે પાંચ વાગ્યે તો જાગી જ ગયા હોય અને રોજ તે યોગ-પ્રાણાયામ કરે જ કરે. ધીમે-ધીમે એ આદત મારામાં પણ આવી અને એની મને ખુશી છે.
આ પણ વાંચો : ૮૨માંથી ૫૪, કિલો એ પણ માત્ર પાંચ મહિનામાં
ઍક્ટિવલી હેલ્ધી રહો | દરરોજ કોઈક ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની જ એ નિયમ રાખો પણ એમાં જડતા ન હોવી જોઈએ. ક્યારેક હું જિમમાં જઈને વર્કઆઉટ કરું તો ક્યારેક હું જૉગિંગ પર જાઉં અને ધારો કે હું કામમાં બહુ અટવાયેલો હોઉં તો ક્યારેક અને બહાર જઈ શકું એમ ન હોઉં તો હું ઘરમાં રહીને યોગ કરું. યોગ બેસ્ટ છે, યોગ બહુ જ સેલ્ફ-રિલાયન્ટ અને ઇફેક્ટિવ પ્રૅક્ટિસ છે. ઉંમર નાની હોય ત્યારે તમે ગમે એમ જીવો તો પણ હેલ્થ જળવાયેલી રહે, પણ જો લાંબા સમય સુધી હેલ્ધી રહેવું હોય તો તમારે એ પ્રોસેસ બને એટલી જલદી શરૂ કરી દેવાની હોય.
હેલ્ધી ફૂડ છે મહત્ત્વનું| જુઓ, હું ખાવાનો શોખીન છું. જબરો શોખીન અને એ પછી પણ મારો ડાયટ પર કન્ટ્રોલ છે અને એ પણ જબરદસ્ત લેવલનો. કન્ટ્રોલ છે અને અવેરનેસ પણ છે. જેમ કે દરરોજ મેં પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિઅન્ટ્સ લીધાં કે નહીં એના પર મારી નજર હોય જ. આ જીવનજરૂરિયાતની વાત છે. કાર્બ્સ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એમ બધું જ શરીરને મળવું જોઈએ.
મને ફ્રૂટ્સ ખૂબ પ્રિય છે. સવારે ઊઠીને એક પ્લેટ ફ્રૂટ્સ અચૂક ખાતો હોઉં છું. હોમ કુક્ડ ફૂડ તમારી ડાયટનો હિસ્સો હોવું જ જોઈએ. એમાં મોટિવેશન તમને રિઝલ્ટ આપે. મારા ફ્રેન્ડ્સ અમે બહાર જમવા જઈએ ત્યારે હું જે ફૂડ ઑર્ડર કરું એનાથી જબરા અકળાઈ જતા હોય છે, પણ શું થાય? હવે હેલ્ધી ફૂડ જ મને અટ્રૅક્ટ કરે છે.
હું ઑઇલી, ડીપ ફ્રાઇડ, જન્ક ફૂડ તદ્દન અવૉઇડ કરું છું. લગભગ બે વર્ષથી હું સંપૂર્ણ સુગર-ફ્રી ડાયટ લેતો થઈ ગયો છું તો છેલ્લાં ચાર વર્ષમાં એક પણ વાર પીત્ઝા ખાધો નથી. અરે, પીત્ઝાનો એક નાનકડો પીસ સુધ્ધાં ટેસ્ટ નથી કર્યો. જુહુ પર થોડા સમય પહેલાં એક પ્લેટ પાણીપૂરી મેં ખાધી, એ પણ લગભગ ત્રણ વર્ષના ગૅપ પછી. લોકો મને પૂછતા હોય છે કે શું કામ હું આટલી સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરું છું ત્યારે મારો એક જ જવાબ હોય છે, આ માત્ર ફિટનેસની વાત નથી પણ આ સેલ્ફ-કન્ટ્રોલ અને વિલપાવરની વાત છે. આલૂ પરાઠા, રાજમા-ચાવલ મારાં ફેવરિટ છે. પીત્ઝા, પાસ્તા અને બ્રાઉની પણ મને અતિશય પ્રિય છે પરંતુ મારી હેલ્થ મને એનાથી પણ વધારે પ્રિય છે અને એટલે હું આ બધી આઇટમોથી રીતસર દૂર થઈ ગયો છું.

