ગોલ્ડન વર્ડ્સ : કોઈ પણ વસ્તુનો ઓવરડોઝ સારો નહીં - એ પછી જિમ હોય કે ડાયટ. બૅલૅન્સ એ હેલ્ધી લાઇફનો મહત્ત્વનો ફન્ડા છે. એનું ધ્યાન રાખજો. સારી ઇમ્યુનિટી વધારો.
ફિટ & ફાઇન
ઍક્ટ્રેસ વેદિકા દત્ત
‘કાઠમંડુ કનેક્શન’, ‘અ સિમ્પલ મર્ડર’, ‘ગૅન્ગસ્ટર ગંગારાજુ’ જેવી સુપરહિટ વેબસિરીઝ કરી ચૂકેલી અને આ વીકમાં રિલીઝ થયેલી ‘ઑપરેશન મેફેર’માં જિમી શેરગિલ સાથે સ્ક્રીન શૅર કરનારી ઍક્ટ્રેસ વેદિકા દત્ત કહે છે કે જો તમે ગોલ ન બનાવો તો ક્યારેય એ દિશામાં આગળ વધી ન શકો
હેલ્થ માટે જો કોઈ ટૂંકમાં સમજાવવાનું કહે તો હું એક જ વાક્ય કહું...
ADVERTISEMENT
જબ તક ખોઓગે નહીં, તબ તક સમઝોગે નહીં.
ખરેખર, એવું જ હોય છે અને એમાં આપણી તો મેન્ટાલિટી રહી છે કે આપણને જે કંઈ ફ્રીમાં મળે છે એની આપણને વૅલ્યુ હોય જ નહીં. આપણને ભગવાને બહુ સરસ શરીર આપ્યું છે, પણ એ ફ્રીમાં મળ્યું છે એટલે આપણે એની કદર કરવા રાજી નથી; પરંતુ જો એક દિવસ એ તમારાથી દૂર થશે તો તરત જ તમને એની વૅલ્યુ સમજાશે. બહુ સિમ્પલ છે. જઈને પૂછો એક વાર એ વ્યક્તિને કે હાર્ટ-અટૅક આવે ત્યારે કેવી હાલત થાય છે? પૂછો એક વાર એ વ્યક્તિને કે ડાયાબિટીઝને કારણે તે કેટલી હેરાનગતિ સહન કરે છે?
પણ ના, આપણને વૅલ્યુ નથી અને એ જ કારણે આજના સમયમાં લોકો હેલ્થને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેતા થઈ ગયા છે. મારા માટે ફિટનેસની સિમ્પલી વ્યાખ્યા એટલી જ છે કે તમે હેલ્ધી હો અને નીરોગી હો. બૉડીના શેપ અને ફોર-સિક્સ પૅક કે પછી આઇડલ બૉડી-શેપ એ બધી દૂરની વાત છે. હું તો ત્યાં સુધી કહીશ કે જે હેલ્થનું મહત્ત્વ સમજીને પોતાની હેલ્થ પર કામ કરે છે એ લોકો મને હંમેશાં હીરો અને સુપરહીરો જેવા લાગ્યા છે.
જાણો શું છે હેલ્થ?
શરીર અને મનથી નીરોગી રહો, ઉત્સાહ સાથે કામ કરી શકો અને શરીરને સહેજ પણ તકલીફ આપ્યા વિના આગળ વધી શકો એ મારી દૃષ્ટિએ હેલ્ધી હોવાની બેસ્ટ નિશાની છે. સારું ફિઝિક્સ હોય એ તો સારી વાત છે જ છે, પણ માત્ર સારા શેપને લઈને તમે જો એવું માનો કે એ જ હેલ્ધી કહેવાય તો એ ખોટી વાત છે. યોગમાં જુઓ તમે. ઘણા લોકો તમને હૅપી-બૉડી દેખાય, પણ તેમની એનર્જી તમે જુઓ તમારી આંખો ખુલ્લી રહી જાય. કહેવાનો અર્થ મારો એટલો જ કે જો તમે તમારી જાતને ચાહતા હો તો તમારે તમારી બૉડી પર ધ્યાન આપવું જોઈએ. જોકે એ બૉડીમાં માત્ર બાહ્ય દેખાવ નહીં પણ આંતરિક વાતને વધારે મહત્ત્વ મળવું જોઈએ અને એ માટે જે ઉપયોગી હોય એ બધું જ કરો.
મારી વાત કરું તો હું સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ, વેઇટ ટ્રેઇનિંગ, પિલાટેઝ, યોગ, મેડિટેશન બધું જ કરું છું. મને જ્યારે જે મન હોય ત્યારે એ પ્રૅક્ટિસ કરું અને જરૂર પડે ત્યારે આરામ પણ કરવાનો. હા, દરરોજ શરીરને એક કલાક મિનિમમ આપવાનો એટલે આપવાનો જ. મેડિટેશનમાં પણ જબરદસ્ત પાવર છે એ પણ યાદ રાખજો. એક વાત તમને કહીશ કે મનને ગમે અને તનને ગમે એવી બન્ને પ્રકારની ઍક્ટિવિટી થતી રહેવી જોઈએ.
આ પણ વાંચો: એકસાથે ૩૦-૩૫ સૂર્યનમસ્કાર તો આરામથી કરું
યાદ રહે, ડાયટ છે મસ્ટ
દરેક પ્રકારની ફિટનેસ ઍક્ટિવિટીમાં ડાયટ સૌથી વધુ મહત્ત્વની છે. ૭૦ ટકા તમે શું ખાઓ છો એના પર નિર્ભર છે અને બાકીના ૩૦ ટકાનો તમે શું કરો છો, તમારી ઍક્ટિવિટી કેવી છે એના પર આધાર રાખે છે. આ સિમ્પલ સત્યની દુનિયાભરમાં વાતો થાય છે, પણ એનું પાલન કેટલું થાય છે? મારી દૃષ્ટિએ હાર્ડ્લી કોઈ એને ફૉલો કરતું હશે. આપણા ટેસ્ટ-બડ્ઝ પણ એટલા કરપ્ટ થઈ ગયા છે કે આપણને અનહેલ્ધી ફૂડ જોઈને જ મોઢામાં પાણી આવશે. ક્યારેય કોઈ એવું મળ્યું છે જે એમ કહે કે મને ખીચડી જોઈને મોઢામાં પાણી આવ્યું હોય. કેમ ન થાય? શું કામ આપણે ફૂડની અને સ્વાદની આપણી ડેફિનિશનમાં રી-થિન્ક ન કરવું જોઈએ.
હું જન્ક ફૂડ ખાઉં છું, પણ એ પછીયે કહીશ કે આ જે એક શબ્દ છે ‘જન્ક ફૂડ’ એ જ કહી દે છે કે એ ખાવા જેવું નથી. હા, એમ છતાં પણ હું કહીશ કે જ્યાં સુધી એ સમજણ ડેવલપ ન થાય કે આ મારા માટે ખરાબ છે ત્યાં સુધી એ ભાવતી વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરવાની જરૂર નથી, મન મારવાની જરૂર નથી. અત્યારની આપણી આહાર-પદ્ધતિ અને ફૂડની ક્વૉલિટીમાં જરૂરી કહેવાય એવાં બધાં પોષક તત્ત્વો આપણને મળતાં નથી એટલે વિટામિન્સ અને મલ્ટિ-વિટામિન્સ બહારથી લેવાં પડે તો લેવાં જોઈએ. એ માટે તમારે બૉડી ચેકઅપ કરાવીને જરૂરી ન્યુટ્રિશનિસ્ટનો સંપર્ક કરવો જોઈએ એવું મારું માનવું છે.
આદત પાડવી પડે
હું પાંચ વર્ષથી ફિટનેસની બાબતમાં ખૂબ જ સિન્સિયર થઈ ગઈ છું. ત્યારથી મારું રૂટીન એ મારું મોટિવેશન છે. યાદ રાખજો કે કોઈ પણ ચેન્જ માટે પહેલાં આદત પાડવી પડે અને હ્યુમન સાઇકોલૉજી છે કે હેલ્ધી આદત પાડવી મુશ્કેલ છે, પણ એક વાર આદત પડી ગઈ પછી તમને એમાંથી બહાર કાઢવા મુશ્કેલ છે. એટલે ત્રણેક મહિના હેલ્ધી હૅબિટ માટે જાતને સાચવી લો. ડિસિપ્લિનની જરૂર શરૂઆતના ત્રણ મહિના જ હોય છે. એ પછી તો તમારું શરીર તમને અવાજ કરશે અને તમે એને ફૉલો કરશો.