આ કોઈ મોટું કામ નથી એવું માને છે ટીવી સિરિયલ ‘યે હૈ ચાહતેં’ કરી ચૂકેલી અને અત્યારે ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળતી ઍક્ટ્રેસ રુચિતા શર્મા. પોતાની વેઇટલૉસ જર્નીની ઇન્ટરેસ્ટિંગ વાતો જાણવા જેવી છે
રુચિતા શર્મા
ગોલ્ડન વર્ડ્સ - વર્કઆઉટમાં એક વાત બહુ અગત્યની છે : ડેડિકેશન, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી; જો તમે આ ત્રણમાંથી એક પણ ભૂલ્યા તો તમારી બધી મહેનત પાણીમાં જશે.
વજન વધતું હોય ત્યારે ન સમજાય, પણ જ્યારે લોકો એના વિશે કમેન્ટ કરવા માંડે ત્યારે આપણે એ જોતા થઈ જઈએ છીએ.
ADVERTISEMENT
મારી સાથે પણ એવું જ થયેલું. ૮૦ કિલો પ્લસ થયા પછી જ્યારે મને આન્ટી, દાદીના રોલ મળવા માંડ્યા ત્યારે મને રિયલાઇઝ થયું કે મારું વેઇટ મારી કરીઅરની આડે આવવા માંડ્યું છે અને એ મને પોસાય એમ નહોતું, કારણ કે મારી કરીઅરને લઈને મારાં ડ્રીમ્સ બહુ મોટાં હતાં.
સ્ટ્રૉન્ગ વિલપાવર મહત્ત્વનો | એક વાર જે ક્વૉન્ટિટીમાં ખાવાની આદત પડી હોય અને આરામની જિંદગીની આદત પડી હોય એ પછી તમને વર્કઆઉટ અને ડાયટ બન્ને કરવાનું અઘરું પડે. એવા સમયે તમારે આસપાસ એવા લોકોને વધારવા જોઈએ જેઓ ફિટનેસ ફ્રીક હોય, જેને જોઈને તમારો તૂટતો વિલપાવર પાછો આવી જાય.
મારાં નસીબ એટલાં સારાં કે મારા જીવનમાં એવી એક વ્યક્તિ હતી. મારો ભાઈ, મેન્ટર, ન્યુટ્રિશનિસ્ટ જે કહો એ બધું જ. તેણે મને ઓવરઑલ દરેક તબક્કે મનોબળ જાળવી રાખવામાં મદદ કરી. આજે વેઇટલૉસ પછી હું રસ કાઢેલી મૅન્ગો જેવી શુષ્ક નથી દેખાતી પણ મારું બૉડી ટોન્ડ રહે એનું પ્રૉપર પ્લાનિંગ હું મારા ભાઈને કારણે જ કરી શકી.
પ્લાનિંગ છે બહુ અગત્યનું | તમે ખાવાનું છોડી દો અને આડેધડ વર્કઆઉટ શરૂ કરો તો તમારી ત્વચા શુષ્ક થશે, શરીર ઢીલું પડી જશે. ચહેરા પરનું નૂર ઊડી જશે. એના બદલે જો પ્રૉપર પ્લાનિંગ સાથે આગળ વધો તો વજન ઘટે અને તમારી સુંદરતા વધે.
મેં વેઇટલૉસ પ્લાનિંગમાં વેઇટ ટ્રેઇનિંગને સરખું મહત્ત્વ આપ્યું હતું. વેઇટલિફ્ટિંગ કરવાને કારણે મારું શરીર વધુ ટોન્ડઅપ થયું, લચી પડ્યું નહીં. બીજું, ઇંચિસ લૉસ થઈ. શરૂઆતમાં તમારા શરીરમાં એક્સેસિવ પાણીનો ભાગ હોય તો વેઇટલૉસમાં એ ઘટતો જાય પણ પછી વજનના કાંટામાં વજન ઘટતું ન દેખાય તો પણ ઇંચ-વાઇઝ તમારી કમર પાતળી થતી જાય, તમારા પેટ, હાથ, પગ, ગાલના લચીલા મસલ્સમાં એક ટાઇટનેસ આવેલી દેખાય.
ડાયટ વિના કંઈ જ નથી | આ વાત તમને હજારો લોકોએ કહી હશે એટલે કદાચ રિપીટ લાગે તો પણ એ ભૂલતા નહીં કે આ વાત અત્યંત અગત્યની છે. તમારા વેઇટલૉસ પ્લાનમાં ડાયટ એંસી ટકા હિસ્સો ધરાવે છે. હું ખાવાની અતિશય શોખીન છું. દરેક પ્રકારની ફૅન્સી આઇટમો પેટ ભરીને ખાઉં, પણ વેઇટલૉસ જર્ની શરૂ કર્યા પછી મેં જબરો કન્ટ્રોલ મૂકી દીધો હતો.
પ્રોટીનની માત્રા વધારે અને બીજું બધું જ બૅલૅન્સ્ડ. જન્ક ફૂડ, તળેલું અને સાકરને સદંતર તિલાંજલિ. ફ્રેશ ફૂડ અને કાચી શાકભાજીને વધુ પ્રમાણમાં સામેલ કર્યાં. જ્યારે ડાયટ પર નિયંત્રણ આવી જાય પછી મૅજિક દેખાવાનું શરૂ થાય અને શરીરમાં દેખાતું, ફીલ થતું એ મૅજિક જ તમારું સૌથી મોટું મોટિવેશન છે.
યાદ રાખજો આ
ખૂબ પ્રયાસો કર્યા પછી પણ વજન ઘટતું જ નથી એટલે હિંમત હારીને તમે બધું પડતું મૂકી દો એ યોગ્ય નથી. સતત મચ્યા રહેવું એ વેઇટલૉસની જર્નીમાં ખૂબ મહત્ત્વનું છે. ઘણી વાર જ્યાં તમે છોડો ત્યાં જ પરિણામ દેખાવાનું શરૂ થવાનું હોય એવું પણ બને.

