વિશ્વનાથ પોતે ખાવામાં જેટલા અખતરા કરે એટલા ભાગ્યે જ બીજું કોઈ કરતું હશે
કુક વિથ મી
વિશ્વનાથ ચૅટરજી
અઢળક ફિલ્મો, સિરિયલો અને નાટકો કરી ચૂકેલા જાણીતા ઍક્ટર વિશ્વનાથ ચૅટરજી અત્યારે એન્ડ ટીવીની ‘હપ્પૂ કી ઉલટન પલટન’માં જોવા મળે છે. વિશ્વનાથ પોતે ખાવામાં જેટલા અખતરા કરે એટલા ભાગ્યે જ બીજું કોઈ કરતું હશે. અલબત્ત, તે માને પણ છે કે તેના પર મા અન્નપૂર્ણાની કૃપા છે કે દરેક પ્રકારના અખતરાએ તેમની વરાઇટીનો સ્વાદ વધાર્યો જ છે
હું બહાર પણ કોઈ ફૂડ ખાતો હોઉં ત્યારે મારા મનમાં તો એ જ વિચાર ચાલતા હોય કે આ આઇટમ ઘરે કેવી રીતે બની શકે. એટલે એવું દર વખતે બને કે બહાર હોટેલમાં કે પછી કોઈ રેસ્ટોરાંમાં પણ જો મેં કોઈ આઇટમ ટ્રાય કરી હોય અને મને એ ભાવી હોય તો સો ટકા હું એ જ વીકમાં મારા ઘરે એ આઇટમ બનાવું જ બનાવું. બીજી પણ એક વાત કહું. મારા ઘરે કોઈ પણ નવી આઇટમ બનતી હોય તો એ સમયે ત્રણ જણ કામે લાગ્યા હોય. હું, મારી વાઇફ અને અમારી હાઉસહેલ્પ.
ADVERTISEMENT
તમારું ભોજન તમારા શરીરની સાથે તમારો આત્મા પણ તૃપ્ત કરે એ બહુ જ જરૂરી છે. એટલે જ ડાયટ કરો, પણ ડિક્ટેટરશિપવાળી ડાયટમાં હું બિલીવ નથી કરતો. ઘણી આઇટમો સાથે આપણી યાદો જોડાયેલી હોય છે. જેમ કે હું નાનો હતો ત્યારે મૉન્સૂનમાં મારા ઘરે પાલકના પકોડા બનતા તો આજે પણ મૉન્સૂન શરૂ થાય અને પહેલો-બીજો વરસાદ આવે ત્યારે મારે ત્યાં પાલકના પકોડા બને જ બને. મને માત્ર પકોડા નથી ભાવતા પણ વરસાદ અને પાલક એ બન્ને ભેગા હોય તો હું ખુશ થઈને બનાવું અને પ્રેમથી ખાઉં પણ ખરો. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ફૂડ માત્ર એનર્જી જ નહીં પણ એક ઇમોશન પણ છે. મને યાદ છે યુપીમાં એ સમયમાં જ્યારે લગ્નમાં જતાં તો પૂરી-ભાજી સાથે મટરની સબ્ઝી હોય અને સાથે કચોરી હોય. પથ્થર જેવી એકદમ કડક-કડક કચોરી. એ સમયે તો થતું કે આ શું પથ્થરનો ટુકડો ખાવાનો? પણ હવે એ કચોરી યાદોમાં એક રંગીન વ્યંજન તરીકે સ્ટોર થઈ ગઈ છે. તમે માનશો નહીં પણ મેં યુપીના મારા જૂના મિત્રોની મમ્મીને પૂછીને એ કચોરીની રેસિપી મગાવી અને ઘરે બનાવી. અફકોર્સ, ત્યાં જેવો સ્વાદ ન આવ્યો અને આવે પણ નહીં પણ અત્યારે વાત રેપ્લિકા જનરેટ કરવાની નહીં, ફૂડને એન્જૉય કરવાની ચાલે છે અને હું મારા દરેક ફૂડને આ જ રીતે એન્જૉય કરતો હોઉં છું.
જબ મૈં છોટા બચ્ચા થા...
આમ તો હું નિયમિત કુકિંગ કરું છું એટલે કંઈ ને કંઈ થયા કરતું હોય પણ જ્યારે યાદગાર કુકિંગ એક્સ્પીરિયન્સની આવે ત્યારે મને મારા બાળપણનો એક કિસ્સો જ યાદ આવે.
બન્યું એવું કે મારો એક ફ્રેન્ડ મારા ઘરે આવ્યો. એ હૉસ્ટેલમાં રહેતો. એ દિવસે મારા ઘરે કોઈ નહીં એટલે તેણે કહ્યું કે ચાલને આપણે જાતે કંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. અમે બન્નેએ પૂરી અને પનીરની સબ્ઝી બનાવી. સહેજ સબ્ઝી બળી ગઈ પણ ઓવરઑલ સ્વાદ સચવાઈ ગયો. હવે ઘરે મમ્મી-પપ્પા પાછાં આવે એ પહેલાં જાણે ઘરમાં કંઈ થયું જ નથી એમ બધું જેમ હતું એમ રાખી દીધું. ચાકુ સુધ્ધાં ધોઈને મૂક્યું. કિચન એકદમ સફાચટ. એક પણ ચીજવસ્તુ એવી રાખી નહીં કે જેનાથી અમે પકડાઈએ. મમ્મી ઘરે આવી. આવીને પહેલો જ પ્રશ્ન તેમણે પૂછ્યો, શું બનાવ્યું ઘરે, મને પણ ચખાડો. આજ સુધી મને નથી સમજાયું કે એક પણ સબૂત સામે નહોતું છતાં મમ્મીને એવું કયા બેઝ પર લાગ્યું કે અમે કંઈક રાંધ્યું છે. જોકે આ જ મમ્મીઓની ખાસિયત હશે. મારાં મમ્મી બંગાળી છે એટલે તેમના હાથની બંગાળી વરાઇટીઝ અપ્રતિમ હોય છે. ખાસ કરીને તેમના હાથની બંગાળી ખીર અને કોબીનું શાક.
આ પણ વાંચો : ગુજરાતી થાળી એટલે સ્વાદનો વૉલ્કેનો
સમજી-વિચારીને ખાઓ
ડાયટને બદલે કૉન્શિયસલી ખાઓ એ બાબતને હું મહત્ત્વની ગણું છું. સારું ખાવાની જ આદત પાડો. જન્ક ફૂડ ખાવું પણ હોય તો કોશિશ કરો કે એના પર તૂટી ન પડો. બાકી આપણા ભારતીય વ્યંજનમાં હેલ્ધી ખાવાનું વણાયેલું છે તો આપણા સ્વાદમાં પણ વૈવિધ્ય છે. એક જ સમોસા તમે એક જ સોસાયટીના બે જુદા-જુદા ઘરમાં ચાખો તો તમને સ્વાદ જુદો મળે. કોઈક સમોસામાં અજમો નાખે તો કોઈ જીરું અને એનો આખો સ્વાદ બદલાઈ જાય. આ કેટલી સરસ વાત છે!
આપણા દરેક રાજ્યની આઇટમો પણ યુનિક છે. મને યાદ છે કે હું કેરળમાં એકાદ મહિનો રહ્યો હતો અને ત્યાં મેં ઇડિયપ્પમ નામની એક ડિશ ખાધી હતી. આજે પણ એ મારા મોઢામાં પાણી લાવી દે. ઘરે બનાવ્યું, અહીંની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં એ ટ્રાય કર્યું પણ ત્યાં જેવો સ્વાદ નથી મળ્યો. દરેક સ્ટેટની પોતાની ખૂબી હોય છે એટલે હું રેસિપીને બ્લાઇન્ડ્લી ફૉલો નથી કરતો. હું માનું છું કે જેમ એક જ ઍક્ટર પોલીસ-ઇન્સ્પેક્ટરનો રોલ ચાર જુદી-જુદી ફિલ્મમાં કરે તો પણ દરેક વખતે તેનું પોલીસનું જ કિરદાર હશે તો પણ જુદું તરી આવશે તો આ તો વાનગી છે. એક રેસિપી ફૉલો કરવાથી એમાં એક સ્વાદ ન જ આવે.
ગોલ્ડન વર્ડ્સ
ગમે તેટલા અખતરાઓ કર્યા પછી પણ જો તમારા હાથે કોઈ વરાઇટી બગડે નહીં તો માનવું કે તમારા પર મા અન્નપૂર્ણાની કૃપા છે. પણ હા, એની માટે તમારે તૈયારી રાખવી પડે કે તમે જ્યારે કુકિંગ કરો ત્યારે એમાં પ્રેમ અને લાગણી ઉમેરો.