કડકડાટ ગુજરાતી બોલતા મરાઠી ઍક્ટર અને ટીવી પર પાછી આવી રહેલી પૉપ્યુલર સિરિયલ CIDના ACP પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમનું ગુજરાતી સાંભળીને તમારી આંખો પહોળી ને કાન ઊભા થઈ જાય
શિવાજી સાટમ
લોકોની માતૃભાષા અને રાષ્ટ્રભાષા હોય, પણ મારે તો માસી-ભાષા પણ છે. ગુજરાતી મારી માસી-ભાષા છે. હિન્દી બોલવા કરતાં પણ મને ગુજરાતી બોલવી વધારે ગમે. શું ભાષા છે, શું મીઠાશ છે! મજા આવી જાય.’
મરાઠી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા ઍક્ટર અને ‘CID’ સિરિયલથી દેશભરમાં પૉપ્યુલર થઈ ગયેલા ACP પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમના મોઢે કડકડાટ બોલાતી ગુજરાતી સાંભળીને ગુજરાતી યંગસ્ટર્સને પોતાની ગુજરાતી-ઇંગ્લિશ પર શરમ આવવા માંડે. પોતાના ગુજરાતી કનેક્શન વિશે વાત કરતાં ૭૫ વર્ષના શિવાજી સાટમ કહે છે, ‘મારું નાનપણ ગુજરાતીના ઘરમાં પસાર થયું છે. અમે ભાયખલાની ચાલમાં રહેતા. હવે તો એ નથી પણ એ સમયે અમારા માળામાં ૧૪ રૂમ, એમાંથી નવ રૂમમાં ગુજરાતી ફૅમિલી રહે. અમારા પડોશમાં કૈલાસબહેન રહેતાં. હું તેમને માસી જ કહેતો અને તે હતાં પણ મારાં રિયલ માસી જેવાં. સ્કૂલથી આવીને હું રોજ તેમના ઘરે જ જમું. મારી આઈને સંકોચ થાય એટલે તે મારી થાળી લઈને કૈલાસબહેનના ઘરે આવે, પણ હું તો તમારું ગુજરાતી જ જમું. આહાહાહા... મને ઊંધિયું યાદ આવી ગયું. હવે એની સીઝન આવશે.’
ADVERTISEMENT
શિવાજી સાટમમાં પ્રવેશી ગયેલો ગુજરાતી આત્મા અટકવાનું નામ નથી લેતો. તેઓ કહે છે, ‘ગ્રીન અને રેડ બન્ને ઊંધિયાં તમે ખાધાં હશે પણ મેં તો તેલ વિનાનું ઊંધિયું પણ ખાધું છે. ખાંડવી તો હું આજે પણ આઠ-દસ દિવસે લઈ આવું. ખમણ પણ મને ભાવે ને તમને નવાઈ લાગશે, અમને મરાઠી પૂરણપોળી કરતાં તમારી ગુજરાતીઓની પૂરણપોળી બહુ ભાવે.’
અસ્ખલિત ગુજરાતી બોલતા શિવાજી સાટમને ગુજરાતી રંગભૂમિ પર પણ ઘણા મિત્રો છે. શિવાજી કહે છે, ‘શૈલેશ દવે અને અરવિંદ ઠક્કરે તો મને ગુજરાતી નાટક માટે પણ બહુ કહેલું. શૈલેશ દવેનું એક નાટક છે, ‘રમત શૂન્ય ચોકડીની’. એ નાટક શૈલેશે મને ઑફર કર્યું હતું પણ એ સમયે હું સેન્ટ્રલ બૅન્કમાં જૉબ કરતો અને રાતે મરાઠી નાટક હોય. મેં હા પણ પાડી પણ એ સમયે ચાલતું મરાઠી નાટક અચાનક હિટ થઈ ગયું અને મારે એ ગુજરાતી નાટક છોડવું પડ્યું. અરવિંદ ઠક્કર તો સસ્પેન્સ-થ્રિલરનો બાદશાહ ગણાતો. તેની સાથે નાટક માટે મેં એક વાર્તા પણ લખી જેમાં અમે સ્ટેજ પર હેલિકૉપ્ટર લાવવાના હતા પણ અનફૉર્ચ્યુનેટ્લી એ નાટકને ફાઇનૅન્સર મળ્યા નહીં અને ગુજરાતી સ્ટેજ પર આવવાનો મારો એ ચાન્સ પણ ગયો.’
આવી સિરિયલ ‘CID’
શિવાજી સાટમને આજે પણ યાદ છે એ દિવસ જ્યારે તેમને ‘CID’ના ACP પ્રદ્યુમનનો રોલ ઑફર થયો હતો. શિવાજી સાટમ કહે છે, ‘બન્યું એવું કે મેં ‘100’ નામની સિરિયલ કરી હતી, પોલીસ કન્ટ્રોલમાં ફોન આવે અને પોલીસ-ઑફિસર એ કેસ પર કામ કરે એવી બેઝિક વનલાઇન હતી. એમાં હું ઇન્સ્પેક્ટર હતો. સોની ટીવીના સ્ટાફમાંથી કોઈએ મને એ રોલમાં જોયો હશે એટલે સોની ટીવીએ મારું નામ પ્રદ્યુમનના કૅરૅક્ટર માટે સજેસ્ટ કર્યું. સાચું કહું તો પોલીસની વર્દીથી હું નાનપણથી બહુ ઇમ્પ્રેસ.’
છેલ્લાં ૧૦૦ વર્ષની મુંબઈની ક્રાઇમ-હિસ્ટરી તમે કાઢો તો એમાં એક કેસ કાઝી મર્ડર કેસ આવે. આ કાઝી મર્ડર કેસ જેણે સૉલ્વ કર્યો હતો એ ઇન્સ્પેક્ટર સદાનંદ પરબ શિવાજી સાટમના પપ્પાનાં ફૈબાના દીકરા એટલે એ રિલેશનથી કાકા થાય. ઇન્સ્પેક્ટર પરબ ઘરે આવે એટલે શિવાજી બસ તેમને જોયા જ કરે. શિવાજી સાટમ કહે, ‘શું તેમની પર્સનાલિટી હતી. એ સમયે તો આપણને બધી ખબર પડે નહીં પણ ‘CID’ના શરૂઆતના દિવસોના શૂટિંગ દરમ્યાન મને અચાનક યાદ આવ્યું કે અંકલ એક ડાયલૉગ બોલતા... કુછ તો ગરબડ હૈ. મેં એ લાઇન મારા ડાયલૉગમાં લીધી અને બસ, પછી તો એ લાઇન બહુ ચાલી. ઍનીવેઝ, હું તેમનાથી ઇમ્પ્રેસ હતો પણ મને પોલીસ-ઑફિસર બનવાનો વિચાર ક્યારેય આવ્યો નહોતો. હા, મને ઍરફોર્સમાં જવું હતું. એક વખત મેં એક્ઝામ પાસ પણ કરી લીધી પણ ફિઝિકલ એક્ઝામ સમયે મને જૉન્ડિસ થયો અને પછી એજ-બૅરિયર આવી ગયું એટલે ઍરફોર્સમાં પણ જઈ શક્યો નહીં.’
શરૂઆતમાં ACP પ્રદ્યુમનનો રોલ કરવા માટે શિવાજી સાટમની કોઈ ઇચ્છા નહોતી. શિવાજી સાટમ કહે છે, ‘નાટકોમાં બહુ સરસ કામ ચાલતું હતું તો હિન્દી અને મરાઠી ફિલ્મો પણ અઢળક મળવા માંડી હતી. મહેશ માંજરેકર, નાના પાટેકર એ બધા ખાસ ફ્રેન્ડ્સ એટલે એ પણ આગ્રહ કરીને પોતાની સાથે ફિલ્મોમાં રોલ કરાવે, એમાં ક્યાં આ ટીવી કરવું
અને એ પણ થોડા ટાઇમ પહેલાં કરેલો પોલીસનો જ રોલ, પણ ચૅનલનો આગ્રહ હતો. શો જેણે ડિઝાઇન કર્યો એ બી. પી. સિંહ પણ ફ્રેન્ડ એટલે નક્કી કર્યું કે ત્રણ મહિના કરીશ પણ પછી મજા નહીં આવે તો મને ટ્રાન્સફર આપી નવા ACPને ઇન્ટ્રોડ્યુસ કરવાનો. ચૅનલ અને પ્રોડક્શન હાઉસ ઍગ્રી થયાં, પણ પછી ટીમ સાથે એવું બૉન્ડિંગ બની ગયું કે ૨૦ વર્ષ નીકળી ગયાં.’
ઍક્ટર અને આવ્યા મોદક
પ્રાઇમરી એજ્યુકેશન ભાયખલાની ડિસોઝા હાઈ સ્કૂલમાં અને એ પછી દેવલાલી બોર્ડિંગ સ્કૂલમાં ભણનારા શિવાજી સાટમના પપ્પા ટેક્સટાઇલ મિલમાં કામ કરતા. નાનપણથી નાટકો જોવાની આદત શિવાજીમાં પડી ગયા પછી એક સમયે શિવાજીએ નક્કી કર્યુ કે પોતે ઍક્ટિંગ કરશે. શિવાજીને એ રાત આજે પણ યાદ છે. તેઓ કહે છે, ‘પહેલાંના સમયમાં ગુજરાતી ફૅમિલીમાં છોકરો જો આવું બોલે તો માબાપ ખીજ કાઢે પણ મારા ફાધરનું રીઍક્શન જુદું હતું. રાતે મેં તેમને વાત કરી. તેમણે શાંતિથી સાંભળી અને પછી તે ઊભા થઈને બહાર ગયા. અમારી ચાલી પાસે એક સ્વીટ શૉપ હતી. તે ત્યાં જઈને મોદક લઈ આવ્યા અને ઘરે આવીને તેમણે પહેલો મોદક મારી આઈને ખવડાવ્યો કે આપણો દીકરો આપણું નામ રોશન થાય એવું કરવા માગે છે.’
મરાઠી અને ગુજરાતીઓમાં આ ફરક આજે પણ જોવા મળશે એમ જણાવતાં શિવાજી સાટમ કહે છે, ‘કલ્ચર અને આર્ટની વાત આવે તો અમે બધું ભૂલી જઈએ. આજે પણ મને મરાઠી પિક્ચર મળે તો હું હિન્દી ફિલ્મ છોડી દઉં. ગુજરાતી નાટકની મને જ્યારે ઑફર હતી ત્યારે મને ગુજરાતીના એક શો કરતાં માંડ વીસ ટકા પૈસા મરાઠી નાટકમાં મળતા પણ મેં મારું એ નાટક છોડ્યું નહોતું. તમારી ભાષા માટે તમને ગર્વ હોવો જોઈએ. બાકી તમારા અને ભાષા વિના જીવતાં પ્રાણીઓમાં શું ફરક રહ્યો?’