ગોલ્ડન વર્ડ્સ : યાદ રાખજો, મસાલા નહીં પણ તમે કેવા મનથી કુકિંગ કરો છો એનું વધારે મહત્ત્વ છે. જો દિલથી ફૂડ બનાવો તો ઓછી સામગ્રીની પણ દૂર-દૂર સુધી કોઈને ખબર ન પડે અને નિમક પણ ઓછું પડ્યું હોય તો પણ એની જાણ ન થાય.
કુક વિથ મી
સપના સિકરાવર
‘મે આઇ કમ ઇન મૅડમ’, ‘એક્સક્યુઝ મી મૅડમ’, ‘F.I.R.’ અને હવે ‘હપ્પૂ કી ઉલટન પલટન’ સિરિયલમાં જોવા મળતી સપના સિકરાવરના હાથે આમ તો બધું જ એટલું ટેસ્ટી બને કે વાત ન પૂછો, પણ એક વાર તેણે ગુલાબજાંબુ બનાવવામાં એવો તે ગોટાળો કર્યો કે આજે પણ એની વાત કરતી વખતે તેની આંખોમાંથી રીતસર ગંગા-જમના વહેવા માંડે છે
હું ખાવાની અતિશય શોખીન છું, પણ હું મૅક્સિમમ ઘરનું ખાવાનું પ્રિફર કરું છું. સામાન્ય રીતે તમે મૅચ્યોર થતા જતા હો ત્યારે સ્વાદની તમારી વ્યાખ્યા પણ બદલાતી હોય છે. ઘણી વાર ઑટોમૅટિકલી જ તમારો જન્ક પ્રત્યેનો લગાવ ઘટતો જાય અને તમે એ બધું ફૂડ ખાવાનું છોડી દો. તમને કોઈ કેટલો પણ આગ્રહ કરે પણ તમને એવું જન્ક ખાવાનું મન ન થાય. જોકે મારા માટે આ વાત લાગુ પૂરેપૂરી લાગુ નથી પડતી. મને તો પહેલેથી જ હેલ્ધી અને દેશી ફૂડ વધુ ભાવતું અને આજે પણ એ જ મારું ફેવરિટ છે. હા, પહેલાં ક્યારેક પણ જન્ક ખાવાનું મન થતું, પણ હવે જરા પણ મન નથી થતું.
ADVERTISEMENT
હું નિયંત્રણમાં કે પછી કન્ટ્રોલમાં ખાવામાં નથી માનતી, પણ નૅચરલી જ થોડું ખાઉં અને મારું પેટ ભરાઈ જાય. એનું કારણ જો કોઈ હોય તો એ મારો ખાવા કરતાં પણ વધારે બુલંદ ખવડાવવાનો શોખ હશે.
સપના હમારી અન્નપૂર્ણા
મને મારા ફ્રેન્ડ્સ અને નિયર-ડિયર, રિલેટિવ્સ અન્નપૂર્ણા કહીને જ બોલાવતા હોય છે. હા, સાચે જ; કારણ કે તેમને ખાતરી હોય છે કે જો સપના સાથે હશે તો આપણે ક્યારેય ભૂખ્યા નહીં રહેવું પડે. ઊલટાનું બેચારથી વધારે ટેસ્ટી વરાઇટી આપણને જમવા મળશે. ઘણાને નવાઈ થશે, પણ ઘણી વાર મારાં મમ્મી પણ લાંબું લિસ્ટ દેખાડીને મને કહે કે આ બધી આઇટમો તો તું મારા કરતાં પણ વધારે સારી બનાવે છે. બસ, આ કૉમ્પ્લીમેન્ટ્સ મારા જીવનનો સૌથી મોટો અવૉર્ડ છે.
હું મારાં મમ્મીને જોઈને ખાવાનું બનાવતાં શીખી છું. સામાન્ય દાલ-ચાવલ પણ જો તમે પ્રેમથી બનાવો તો એમાં એક જુદા જ પ્રકારનો સ્વાદ ઉમેરાતો હોય છે. રાજસ્થાની ફૂડ મારું ફેવરિટ છે. દાલ-બાટી, ચૂરમા અને સાથે જો ગટ્ટાનું શાક મળે એટલે બસ, જાણે મને સાત જનમનું સુખ એક જ પ્લેટમાં આવી ગયું હોય એવું લાગે. એવી જ રીતે પંજાબી ફૂડની પણ હું શોખીન છું. ઑથેન્ટિક પંજાબી ફૂડ મારી નબળાઈ છે એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય. મકાઈની રોટી અને સરસવનું શાક જેવું ટ્રેડિશનલ પંજાબી ફૂડ ખાવા માટે હું કલાકો ડ્રાઇવ કરીશું. આપણું ઇન્ડિયન ટ્રેડિશનલ ફૂડ હેલ્ધી છે. આપણા વડીલો એ ફૂડ વર્ષોથી ખાતા આવ્યા છે. તમે જોશો તો તમને દેખાશે કે એમાં ભલે હાઈ કૅલરી હોય પણ એમ છતાં એ ફૂડ આપણા શરીરને નુકસાન નહીં કરે, કારણ કે આપણને એ વડીલોના જીન્સમાંથી લોહીમાં આવ્યું છે.
કેવા હતા એ દિવસો?
લગભગ આઠ-દસ વર્ષની હોઈશ જ્યારે મેં પહેલી વાર ચા બનાવી હતી. મમ્મીને પૂછી-પૂછીને બધું જ નાખ્યું અને પ્રમાણમાં સારી ચા બની. એ પછી હું પ્લૅટફૉર્મ પર બેસી જતી અને મમ્મીને કુકિંગ કરતાં જોતી. મારા ચાઇલ્ડહુડની સૌથી બેસ્ટ જો કોઈ યાદ હોય તો એ આ છે. કદાચ આ જ મારી કુકિંગની ટ્રેઇનિંગ છે એવું કહું તો ચાલે. એ પછી ક્યારેય હું કંઈ શીખવા નથી ગઈ. હા, એવું બને કે ક્યારેક કંઈક ટેસ્ટી ખાવાનું મળે તો કેવી રીતે બને એ પૂછી લઉં. ઇન્ગ્રીડિઅન્ટ્સ જાણી લઉં, પણ પછી બનાવું હું મારી રીતે.
મારું માનવું છે કે કોઈ પણ મેથડને બ્લાઇન્ડ્લી ફૉલો કરવાની જરૂર નથી. આમ તો મારા હાથે બધી વસ્તુ સારી બને, પણ મીઠાઈમાં ક્યારેક બ્લન્ડર લાગી જાય. એ દિવસ હું ક્યારેક નહીં ભૂલી શકું જ્યારે મેં મારી લાઇફમાં પહેલી વાર બ્લન્ડર માર્યું અને એ પછી હું ખૂબ રડી. એ વખતે મેં ગુલાબજાંબુ બનાવવાની કોશિશ કરી.
ગુલાબજાંબુ બન્યાં જ નહીં. ચારે બાજુ બધું વેરવિખેર પડ્યું હતું. બધું એવું મેસ્ડઅપ હતું કે સમજાતું નહોતું કે હું શું કરું છું. મારી આંખોમાંથી પાણી આવવા માંડ્યું. જ્યારે તમે બધી આઇટમ અફલાતૂન બનાવતાં હો અને એક આઇટમ બનાવતી વખતે એવું થાય ત્યારે જાણે તમે અલીબાગથી આવ્યાં હો એવી ખીજ જાત પર ચડે અને આંખમાં આંસુ આવે. મારી સાથે પણ એવું જ થયું હતું. પણ હા, હું એક વાત કહીશ કે એ પછી પણ ફૂડ બનાવવાની બાબતમાં હું ક્યારેય કંટાળી, થાકી કે અટકી નથી. હવે ગુલાબજાંબુ બનાવવાનાં હોય તો એ બેસ્ટ ક્વૉલિટીનાં બનશે એની ગૅરન્ટી લઈ શકું, પણ મીઠાઈઓ મારા કરતાં મમ્મી વધારે સારી બનાવે છે એ મારે સ્વીકારવું જ રહ્યું. માત્ર મીઠાઈઓ જ નહીં પણ મમ્મીના હાથનાં બેસનનાં પરોઠાં, દાળઢોકળી પણ બહુ સરસ બને છે.