જર્મન રાઇટર એખાર્ટ ટોલે જ્યારે ‘ધ પાવર ઑફ નાઓ’ લખવાની શરૂ કરી ત્યારે તે પોતે જબરદસ્ત ડિપ્રેશનમાં હતા પણ બુક પૂરી કરતાં સુધીમાં ટોલે વર્તમાનની તાકાત અને વર્તમાનની ક્ષમતા જોઈ લીધી અને એ પછી તેણે એ જ તાકાતને પોતાની સાથે લીધી
બુક ટૉક
`ધ પાવર ઑફ નાઓ` અને જર્મન રાઇટર એખાર્ટ ટોલ
રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
ગઈ કાલ વીતી ગઈ છે, એમાં કોઈ સુધારો થઈ શકવાનો નથી. આવતી કાલ હજી આવી જ નથી અને ત્યાં સુધી પહોંચતાં સંજોગોમાં કેવો ઉતારચડાવ આવશે એ તમને ખબર નથી એટલે તમે એને પણ ડિઝાઇન કરી શકવાના નથી તો ગઈ કાલ અને આવતી કાલની ચિંતા કરવાને બદલે તમારા હાથમાં જે છે એ આજ એટલે કે Now સાથે રહેવું જ સારભર્યું છે.
આ વાત કહે છે એખાર્ટ ટોલ અને કહેતા જ નથી, તે સંપૂર્ણપણે આ થિયરી ફૉલો કરવાનું સૂચન પણ કરે છે. એખાર્ટ કહે છે, ‘વર્તમાનમાં જીવવું એ માત્ર માનસિક જ નહીં પણ શારીરિક અને આર્થિક રીતે પણ હિતાવહ છે. વર્તમાનમાં જીવનારો ક્યારેય આર્થિક, માનસિક અને શારીરિક રીતે દુખી નથી થતો. શાસ્ત્ર પણ આમ જ કહે છે અને સાયન્સની પણ આ જ શીખ છે.’
‘ધ પાવર ઑફ નાઓ’ની ફિલોસૉફી બહુ સરળ અને અમલમાં મૂકી શકાય એવી છે. મજાની વાત એ છે કે બુકમાં માત્ર એ ફિલોસૉફી સમજાવવામાં જ નથી આવી પણ એનો અમલ કેવી રીતે કરવો અને વર્તમાનમાં જીવવા માટે શું કરવું એની ટેક્નિક પણ શીખવવામાં અને સમજાવવામાં આવી છે. આ જ કારણે વિશ્વભરમાં એખાર્ટ ટોલની આ બુક બાઇબલ જેવી જ પૉપ્યુલર થઈ ગઈ. માત્ર અમેરિકામાં ‘ધ પાવર ઑફ નાઓ’ની ૬૦ લાખથી વધારે કૉપી વેચાઈ છે તો જગતભરમાં આ બુક પચાસથી વધુ લૅન્ગ્વેજમાં પ્રસિદ્ધ થઈ છે અને પાંચ કરોડથી વધારે નકલો વેચાઈ છે.
ADVERTISEMENT
નવ પબ્લિશરનું રિજેક્શન | ૨૯ વર્ષની ઉંમરે એખાર્ટની લાઇફમાં એવા તો ઉતારચડાવ આવવાના શરૂ થયા કે કાચાપોચા હૃદયનો માણસ પાંચ વાર સુસાઇડ કરી લે, પણ એખાર્ટ હિંમત હાર્યા વિના આગળ વધતા રહ્યા અને વાસ્તવિકતાને જ ફૉલો કરતા રહ્યા. એ દિવસોમાં તેમના મનમાં પહેલી વાર ‘ધ પાવર ઑફ નાઓ’નો વિચાર આવ્યો. શરૂઆતના તબક્કામાં ક્યાંય તેમને એવું નહોતું કે તે આ પુસ્તક લખે, પણ ડાયરી જેમ-જેમ લખાતી ગઈ એમ-એમ તેમને થતું ગયું કે આ વાત મૅક્સિમમ લોકો સુધી પહોંચે અને તેમના જીવનમાં પણ ચેન્જ આવે.
‘ધ પાવર ઑફ નાઓ’ માટે એખાર્ટ નવથી વધુ પબ્લિશરને મળ્યા પણ કોઈ આ પ્રકારની સ્પિરિચ્યુઅલ-મોટિવેશનલ બુક પ્રકાશિત કરવા તૈયાર નહોતું. નવમા પબ્લિશરની પણ ના જ હતી, પણ એખાર્ટ કૉપી મૂકીને ગયા. એખાર્ટની એ કૉપીનો નિકાલ કરતાં પહેલાં પબ્લિશરે એના પર નજર નાખવાની શરૂ કરી અને તે એવો બુકમાં ઓતપ્રોત થઈ ગયો કે તેણે એક જ બેઠકમાં બુક પૂરી કરી નાખી. એ જ રાતે તે એખાર્ટના ઘરે ગયા અને એ જ રાતે તેણે એખાર્ટ સાથે બુક પબ્લિકેશનનો કૉન્ટ્રૅક્ટ કર્યો.
સેમિનાર અને શિક્ષણ | ‘ધ પાવર ઑફ નાઓ’ પહેલાં તો માત્ર બુક તરીકે જ તૈયાર કરવામાં આવી હતી પણ જે ફરક પોતાની અંગત લાઇફમાં એખાર્ટે અનુભવ્યો એ જ ચેન્જ સૌકોઈ પામે એવી ઇચ્છાથી તેમણે સેમિનાર ડિઝાઇન કર્યો જે દુનિયાભરમાં પૉપ્યુલર થયો. અલબત્ત, આ સેમિનાર અટેન્ડ કરવો હોય તો લાખો રૂપિયા ખર્ચવા પડે છે. ઓપ્રા વિન્ફ્રીથી માંડીને બરાક ઓબામા જેવી હસ્તીઓ આ સેમિનાર અટેન્ડ કરી ચૂક્યા છે. આ સેમિનાર એખાર્ટ પોતે જ લે છે અને જે-તે દેશની શ્રેષ્ઠ જગ્યા પર જ એનું આયોજન કરવામાં આવ્યું છે. એખાર્ટ દ્વારા લેવામાં આવતા આ સેમિનાર પણ વર્ષ દરમ્યાન પાંચથી સાત જ કરવામાં આવે છે.
એખાર્ટ કહે છે, ‘સેમિનારનો હેતુ માત્ર લોકોને મળવાનો છે, બાકી બુકમાં જે છે એ જ વાત ત્યાં કરવામાં આવે છે. એવું નથી કે લોકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવ્યો હોય. હું તો કહીશ કે સેમિનાર આળસુ લોકો માટે છે જે જાતે વાંચવા રાજી નથી.’
મજાની વાત એ છે કે ‘ધ પાવર ઑફ નાઓ’નો એકમાત્ર એખાર્ટે જ સેમિનાર ડિઝાઇન કર્યો છે એવું નથી, આ બુક પરથી દુનિયામાં ઓછામાં ઓછા એક હજાર સેમિનાર ડિઝાઇન થયા છે અને એ બધા પરમિશન વિનાના છે પણ એખાર્ટે એક પણ વ્યક્તિ પર કોઈ લીગલ ઍક્શન લીધી નથી.
સ્ટોરી શૉર્ટકટ
‘ધ પાવર ઑફ નાઓ’ લાઇફની જ નહીં પણ સંબંધોથી માંડીને આધ્યાત્મિકતાની વ્યાખ્યા બદલવાની ક્ષમતા ધરાવતું સર્જન છે. આ બુકમાંથી માત્ર પાંચ ટકા વાત પણ જો લાઇફમાં ફૉલો કરી શકાય તો એક પણ ધર્મના પાલન વિના પણ આધ્યાત્મિકતાને અપનાવી શકાય અને જીવનને સાચો માર્ગ આપી શકાય. પ્રશ્ન-જવાબના ફૉર્મેટમાં લખાયેલી આ બુક વાંચવામાં વાર લાગે એવી છે તો એને સમજવામાં વધારે વાર લાગી શકે છે; પણ બિલીવ મી, એના માટે કરેલી મહેનત લેખે લાગે એવી છે.‘ધ પાવર ઑફ નાઓ’ માત્ર એક પુસ્તક નથી પણ શ્રેષ્ઠ જીવન અને સર્વોત્તમ વ્યક્તિત્વ કેળવવાની એક એવી પ્રૅક્ટિસ છે જે દરેકેદરેક વ્યક્તિએ કરવી જોઈએ. ‘ધ પાવર ઑફ નાઓ’ સમયાંતરે નિયમિતપણે વાંચતા રહેવી જોઈએ, કારણ કે એ જીવન જીવવાની રીત છે. એ સમજવા, શીખવા અને અમલ કરવાની પ્રક્રિયા આજીવન ચાલશે.
આ એવું પુસ્તક છે જે ક્યારેય પૂરું નહીં થાય. એને વાંચીને સમજવા અને એ મુજબ જીવવાનું સતત ચાલતું જ રહેશે.