ગોલ્ડન વર્ડ્સ : ફિટનેસ એટલે જ્યારે તમે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી ગુડ ફીલ કરો છો. તમારા ચહેરા પર બાળક જેવું સ્મિત હોય અને તમારી બધી ઍક્ટિવિટી સહજ થતી હોય તો માનજો કે તમે ફિટ છો.
ફિટ એન્ડ ફાઇન
નિખિલ આર્ય
‘તેરે લિએ’, ‘કુમકુમ ભાગ્ય’, ‘કેસર’, ‘કસ્તુરી’, ‘મહાભારત’, ‘બ્રહ્મરાક્ષસ-ટૂ’ જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલા અને હવે ‘તેરે ઇશ્ક મેં ઘાયલ’થી કમબૅક કરતા વર્સટાઇલ સ્ટાર નિખિલ આર્યએ ફિટનેસમાં દરેક પ્રકારનો સમય જોયો છે અને છેલ્લે તેને સમજાયું કે દરેકનું સંતુલન એ જ શ્રેષ્ઠ મંત્ર છે
યસ, વન્સ અપૉન અ ટાઇમ આઇ વૉઝ અ ચબી કિડ. એટલો મસ્ત હટ્ટોકટ્ટો અને ખાતાપીતા ઘરનો ક્યુટ લાગતો કે બધા મારા એ રૂપને અપનાવી ચૂક્યા હતા. જેની પણ પાસે જાઉં તેને હું મારા લુકના કારણે બહુ ગમું. બધા મને પ્રેમ કરે તો મારા ફ્રેન્ડ્સ મને ચીડવવાની પણ મજા લે. મારા એ ટાઇમના ચબી કિડવાળા લુકનું શ્રેય પણ મારાં મમ્મીને જાય અને આજે જે હું મૅચો મૅન લુક ધરાવું છું એનું પણ શ્રેય મારાં મમ્મીને જ જાય.
ADVERTISEMENT
નાનપણમાં ફ્રેન્ડ્સ મને ચીડવતા, મને ભાગવાનું કહેતા; પણ વેઇટને કારણે દોડી ન શકું એટલે એ બધા મારા પર હસતા. બધા મને મજાકમાં ‘એય મોટુ’ કહીને બોલાવે અને હું પણ એ ટૅગને હસતાં-હસતાં જ સ્વીકારી લઉં, પણ મમ્મી એ બધું નોટિસ કરતી. એ બીજું તો કંઈ બોલતી કે કહેતી નહીં, પણ તેના મનમાં કંઈકને કંઈક ચાલતું રહેતું. આ જ પિરિયડમાં તેમણે નક્કી કરી લીધું હતું કે જો આ ચબી લુક લાંબો સમય રહેશે તો એ માનસિક રીતે મારા માટે તકલીફદાયી બનશે. એટલે જ જે ચીજવસ્તુ મને ખવડાવીને મમ્મી ખુશ થતી એ બધી જ આઇટમો પર મમ્મીએ પોતે જ કન્ટ્રોલમાં મૂકી દીધો અને એ આઇટમ મારી સામે લાવવાનું પણ છોડી દીધું. જેવું મારું ટેન્થ પત્યું કે તરત જ તેણે મારું જિમ શરૂ કરાવી દીધું.
એ સમયે પુણેમાં માત્ર એક જ જિમ, તલવલકર. અહીં મારું વર્કઆઉટ શરૂ થયું. મને આજે પણ મારાં મમ્મીના શબ્દો યાદ છે. તેણે મને જિમમાં ટ્રેઇનરને સોંપતી વખતે કહેલું, આપ કો જો કરના હૈ કરો પર મુઝે ઇસસે આધા કરકે દો.
તમને કદાચ નવાઈ લાગશે કે જ્યારે મારી ડાયટ ચાલુ થઈ ત્યારે મારી માએ પણ ડાયટ શરૂ કરી દીધી હતી તો બીજા પણ ઘણા નિયમો તેણે ઘરમાં લાગુ કરી દીધા હતા. ઘરમાં અનહેલ્ધી હોય એવું ખાવાનું જ બંધ થઈ ગયું. જે મારે ખાવાનું હોય એ જ બધા ખાય. ડાયટમાં પણ ટેસ્ટી ફૂડ બને અને મને મજા આવે એવા અખતરાઓ તેઓ શોધી લાવતા. લગભગ એક વર્ષની ટ્રેઇનિંગમાં મારો દેખાવ, મારો કૉન્ફિડન્સ, મારી પર્સનાલિટી બધું જ બદલાઈ ગયું અને બસ, એ પછી મારી ફિટનેસ-જર્નીમાં ક્યારેય બ્રેક નથી લાગી.
ઇમ્પોર્ટન્ટ શું છે?
મેં જિમથી શરૂ કર્યું અને હું કાર્ડિયો, વેઇટ-ટ્રેઇનિંગ જેવા વર્કઆઉટ કરતો પણ હવે હું જિમને બદલે બૉડી વેઇટનો ઉપયોગ કરીને ટ્રેઇનિંગ કરું છું. યોગ, રનિંગ, મેડિટેશન જેવું બધું જ મારા રૂટીનનો હિસ્સો છે. મારા પોતાના અનુભવ અને આટલા વાંચન અને સમજણ પછી હું કહીશ કે ફિટનેસમાં તમારી અનુકૂળતા અને તમારી ઓવરઑલ હેલ્થને નજરઅંદાજ ન કરાય એની સાવચેતી જરૂરી છે. દરેક ઉંમરે તમારું શરીર બદલાતું રહે છે.
વીસ વર્ષની ટ્રેઇનિંગ પછી મને એ સમજણ આવી છે કે પર્ટિક્યુલર સ્ટ્રક્ચર બનાવવામાં તમને જિમ મદદ કરે, પણ એ પછી તમારી સેલ્ફ-ટ્રેઇનિંગ પણ પૂરતી થઈ રહે છે. નાનપણથી યોગ કરતો હતો. બાસ્કેટબૉલ, ટેબલ-ટેનિસ, ફુટબૉલ પણ ખૂબ રમ્યો છું. આજે પણ વૉકિંગ, રનિંગ, બૅડ્મિન્ટન અને સૂર્ય નમસ્કાર મારી લાઇફના બહુ મહત્ત્વના હિસ્સા છે. બ્રીધિંગ પણ બહુ જ મહત્ત્વનું છે. હું ચોવીસ કલાક મારું બ્રીધિંગ ડીપ અને સ્લો હોય એના પર ધ્યાન આપતો હોઉં છું.
ડાયટનું મહત્ત્વ શું?
ડાયટમાં એક જ ધ્યાન રાખો કે ભૂખ કરતાં ઓછું ખાઓ, પ્રોસેસ્ડ ફૂડ અને શુગર નહીં ખાઓ અને ગ્રેઇન્સ બદલતા રહો જેથી દરેક પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ મળતા રહે. ક્યારેક જુવાર તો ક્યારેક રાગી તો ક્યારેક મકાઈ તો ક્યારેક ચણાના લોટની રોટલી પણ ખાવી જોઈએ.
પાણીમાં પલાળેલાં ડ્રાય ફ્રૂટ્સથી મારી સવાર પડે. ખાવાની બાબતમાં કોઈ પણ ટ્રેન્ડને આંધળો ફૉલો કરવાની જરૂર નથી. તમારા શરીર સાથે વાત કરો, જાતે જ તમે શું ખાવાથી કેવું ફીલ થાય છે એ ચેક કરો. દરેકનાં શરીર અને પ્રકૃતિ જુદાં છે એટલે એક જ જેવી બાબત બધાને લાગુ નહીં પડે. કોઈ એક સીઝનમાં કેળાં ખાઈ ન શકે તો ઘણા એવા પણ હોય કે વરસતા વરસાદ વચ્ચે પણ કેળાં અને આઇસક્રીમ બિન્દાસ ખાઈ શકે.