Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગરમાગરમ રોટલી આપો એટલે જાણે સ્વર્ગ મળી ગયું

ગરમાગરમ રોટલી આપો એટલે જાણે સ્વર્ગ મળી ગયું

Published : 13 December, 2022 04:38 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કામના કહે છે, ‘ઇન્દોર જેવી ફૂડની મજા જગતના બીજા કોઈ શહેરમાં ન હોય તો પછી આ મુંબઈ પાસે ક્યાંથી હોવાની?’

કામના પાઠક

કુક વિથ મી

કામના પાઠક


એન્ડ ટીવીના સુપરહિટ શો ‘હપ્પૂ કી ઉલટન-પુલટન’માં હપ્પૂસિંહની વાઇફ રાજેશના કૅરૅક્ટરમાં જોવા મળતી કામના પાઠક આજે આવી તોતિંગ સક્સેસ વચ્ચે પણ પોતાના ઇન્દોર શહેરને યાદ કરે છે. કામના કહે છે, ‘ઇન્દોર જેવી ફૂડની મજા જગતના બીજા કોઈ શહેરમાં ન હોય તો પછી આ મુંબઈ પાસે ક્યાંથી હોવાની?’


ઇન્દોરમાં તમે ક્યાંય પણ પૌંઆ અને જલેબી ટ્રાય કરો તો એ તમને ભાવે જ ભાવે. અહીંનું સરાફા માર્કેટ મારું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન છે. 



હું ફૂડી અને એ પણ પ્યૉર દેશી ફૂડી. મેં ભાગ્યે જ નવાં-નવાં ક્વિઝીન ટ્રાય કર્યાં હશે અને  જ્યારે પણ કર્યાં છે ત્યારે મારા બૅડ લકે જ મને સાથ આપ્યો છે અને એ ફૂડ મને ભાવ્યું નથી. ઘણી વાર તો મેં પરાણે ખાવાની મહેનત પણ કરી, પણ એ પછી પણ થઈ શક્યું ન હોય એટલે છેલ્લે નક્કી જ કરી લીધું હોય કે આપણે દેશી ફૂડ જ ફેવરિટ રાખવું. રોટલી, દાળ-ભાત, શાકથી લઈને આપણા ફાસ્ટ ફૂડમાં આવતું બધું ફૂડ મને ભાવે. પાણીપૂરી તમે મને ક્યાંયની પણ કહો, હું ખાઈ શકું. 


હું ઇન્દોરની છું. તમને ખબર ન હોય તો કહું કે ઇન્દોરવાળા જબરદસ્ત ફૂડી હોય છે. જે ઇન્દોર ગયું હશે તેને સરાફા માર્કેટની તમામ ફૂડ આઇટમની ખબર હશે. સરાફા માર્કેટ મારું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન છે. અહીં તમને આખા મધ્ય પ્રદેશનું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ મળે. રાતે તો એવી ભીડ જામે જાણે કે સવાર પડી. જોશીનાં દહીંવડાં, મારા મોઢામાં આ બોલતાં પણ પાણી આવે છે. ઇન્દોરમાં તમે ક્યાંય પણ પૌંઆ અને જલેબી ટ્રાય કરો તો એ તમને ભાવે જ ભાવે. લાલ બાલટી નામની એક જગ્યા છે, જ્યાં મોટી લાલ રંગની બાલટી ટિંગાડેલી છે. જેવી એની લાઇટ થાય કે સમજી જવાનું કે એ જગ્યા ચાલુ થઈ ગઈ. ત્યાંની કચોરી એટલી ફેમસ છે કે લોકલ ગાઇડ પણ તમને એ જગ્યાનું સજેશન આપે.

મુંબઈની પણ ઘણી વરાઇટીઓ મને ભાવે છે પણ એ વરાઇટી સામે જો ઇન્દોરની વાત આવે તો મારે કહેવું જ પડે કે મુંબઈ પાણી ભરે. અમુક જગ્યાઓ એવી છે જે જગ્યાઓ એના ફૂડના કારણે ફેમસ થઈ છે. દિલ્હી, અમ્રિતસર, અમદાવાદ, ઇન્દોર; આ બધી એવી જગ્યાઓ છે જે ફૂડના કારણે આજે પણ લોકોને દીવાના બનાવી દે.


બાત કરે મેરી અપની...

મારું ફૂડ ઇન્ટેક સિમ્પલ છે. મને ભાવતું દરેક ફૂડ મારી મમ્મી બનાવતી અને એ બધું આજે પણ મને ભાવે છે. કામને લીધે હવે ઘરે મારી મેઇડ રસોઈ કરે અને હું દિવસભરનું ફૂડ સાથે લઈને જ નીકળું.

સવારની શરૂઆત ગરમ પાણી અને પછી બીટ જૂસથી થાય. એ પછી નાસ્તો હોય અને પછી લંચ. સાંજે થોડો નાસ્તો અને રાત્રે ડિનર. મને ચા બહુ ભાવે એટલે થોડા-થોડા સમયે મને ચા જોઈએ. ઘરે હું મારી ચા જાતે જ બનાવું. એકદમ કડક અને મસાલેદાર ચા હોય. લંચમાં મને જો ગરમાગરમ રોટલી મળે તો મારાથી કન્ટ્રોલ થાય નહીં. 

મુંબઈ આવી ત્યારે પંચવટી નામની એક જગ્યાએ જમવા માટે જતી. એ સમયે નેવું રૂપિયાની અનલિમિટેડ થાળી હતી. મેં અહીં લાંબો સમય ફૂડ ખાધું છે. પંચવટીમાં એક ખૂણામાં મારી સ્પેશ્યલ જગ્યા હતી, ત્યાં જ બેસવાનું. એકલી જ ગઈ હોઉં અને ત્યાં જ બેસું. હું જમવા બેસું એટલે મને ગરમાગરમ રોટલી અને શાક પીરસવામાં આવે. 

ફૂડ બનાવતાં પણ હું મુંબઈ આવીને જ શીખી. ઇન્દોર તો મને મમ્મી કિચનની બહાર જ રાખતાં. એનું કારણ પણ છે. મમ્મી એકદમ સફાઈમાં માને, કિચન ગંદું થાય કે વેરવિખેર હોય એ તેમને જરા પણ ન ગમે. 

હું મમ્મી પાસેથી કુક કરતાં જેટલું શીખી એના કરતાં પપ્પા પાસેથી વધારે શીખી છું.

આ પણ વાંચો : કુકિંગ એક્સપર્ટ નથી છતાં બધું ટેસ્ટી બને એનું સીક્રેટ ખબર છે?

યાદગાર વાત પપ્પા સાથેની

પપ્પા ખાવાના શોખીન અને બનાવવાના પણ શોખીન. હું કહીશ કે કુક કરતી વખતે મારામાં જે ધીરજ છે એ પણ કદાચ પપ્પામાંથી જ આવી છે. પપ્પા રસોઈ બનાવતી વખતે અને મને અને મારી સિસ્ટરને શીખવતી વખતે એકદમ ધીરજથી શીખવે. હું રસોઈ બનાવતી હોઉં એ વખતે પણ પપ્પા એટલી જ ધીરજ રાખે. તમને એક દાખલો આપું. 

પપ્પા એક વખત મુંબઈ આવ્યા. મેં કહ્યું, હું તમને આજે આલૂ પરોઠા બનાવીને ખવડાવું છું. મેં તો બટાટાનું પૂરણ રેડી કરીને જ રાખ્યું હતું, પણ એમાં મેં પહેલેથી જ મીઠું નાખી દીધું. મને ખબર નહીં કે પહેલેથી મીઠું નાખીને રાખો તો એ પાણી છોડે. મારું પૂરણ આલૂ પરોઠા માટે યોગ્ય રહ્યું નહીં. માંડ મેં એક પરોઠું બનાવ્યું. 

પપ્પા ક્યારના ધીરજ રાખીને રાહ જોતા હતા. થોડી વાર પછી કિચનમાં આવ્યા અને મને કહે કે ચિંતા નહીં કર, તું રોટલી બનાવી નાખ. આપણે આ પૂરણ અને રોટલી ખાઈએ. એ દિવસે અમે બાપ-દીકરીએ એ પૂરણ અને રોટલી ખાધાં. પપ્પાને તો એ પણ ભાવ્યું હતું. આવું જ એક બ્લન્ડર મને યાદ છે જ્યારે હું પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી.

પાડોશમાં રહેતા અંકલના દીકરાનો બર્થ-ડે અને મને ખીર બનાવવાનું કહેવામાં આવ્યું. ખીર હું આજે વર્લ્ડ બેસ્ટ બનાવું છું પણ મને એ વખતે ખબર નહીં કે દૂધ અને ભાતની ક્વૉન્ટિટી કેટલી રાખવાની હોય. દૂધ વધારે હોય એટલે ભાત નાખું અને ભાત ફૂલે એટલે પાછું દૂધ નાખું. એમ કરતાં બધું દૂધ પૂરું થઈ ગયું અને ખીર બની જ નહીં અને બર્થ-ડેના દિવસે સ્વીટ ડિશ વિના જ બધાએ રહેવું પડ્યું.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 04:38 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK