Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૧૮ ફ્રૅક્ચર ને ૮ પાંસળી તૂટ્યા બાદ અઢી વર્ષમાં રિકવરી કેવી રીતે થાય?

૧૮ ફ્રૅક્ચર ને ૮ પાંસળી તૂટ્યા બાદ અઢી વર્ષમાં રિકવરી કેવી રીતે થાય?

Published : 10 January, 2023 04:37 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

એશ્રા પટેલે પોતાના વિલપાવર અને વર્કઆઉટની તાકાતથી જીવનને કેવી રીતે નવી દિશામાં વાળ્યું એ તેની પાસેથી જાણવા જેવું છે

એશ્રા પટેલ

ફિટ એન્ડ ફાઇન

એશ્રા પટેલ


ફેમિના મિસ ઇન્ડિયાની ૨૦૧૧ની રનરઅપ પછી મોસ્ટ પૉપ્યુલર એવા કિંગફિશર કૅલેન્ડરના પેજ પર ચમકી અનેક પ્રોડક્ટ્સનું બ્રૅન્ડિંગ કરી ટીવી-સિરિયલ અને વેબ-સિરીઝમાં ચમકેલી એશ્રા પટેલે પોતાના વિલપાવર અને વર્કઆઉટની તાકાતથી જીવનને કેવી રીતે નવી દિશામાં વાળ્યું એ તેની પાસેથી જાણવા જેવું છે


ગોલ્ડન વર્ડ્‍સ - કોઈ પણ સિચુએશન સામે લડી લેવા માટે વિલપાવર બહુ મહત્ત્વનો છે અને વિલપાવર ડેવલપ કરવાનું કામ મેડિટેશન સૌથી બેસ્ટ રીતે કરે છે.



ફિટનેસનું મહત્ત્વ શું? શા માટે તમારું બૉડી ફિટ હોવું જોઈએ? ફિટ હોવાથી શું ફાયદા થાય? ફિટ હોવું એટલે શું? 


આ અને આવા બીજા ઘણા પ્રશ્નોના જવાબ દરેક વ્યક્તિના પોતપોતાના મત મુજબના જુદા-જુદા હોવાના, પણ મારો જવાબ બહુ સિમ્પલ છે. મારે મન ફિટનેસ એટલે સર્વાઇવ કરવાની સામાન્ય પ્રક્રિયા. હા, સર્વાઇવ કરવું એટલે ફિટ રહેવું. પછી એ કોઈ ભયાનક બીમારી સામે હોય, કોવિડ જેવા પૅન્ડેમિક સામે હોય કે કૅન્સર જેવી તકલીફ સામે ફાઇટ આપવાની વાત હોય કે પછી મને થયો હતો એવો બહુ ખરાબ કોઈ ઍક્સિડન્ટ હોય. 

હા, મારો ઍક્સિડન્ટ એટલો ખરાબ હતો કે મને સ્પષ્ટ કહી દીધું હતું કે કમ્પ્લીટ્લી રિકવર થવામાં મને મિનિમમ બેથી અઢી વર્ષ લાગશે, પણ મારી ફિટનેસ કહો કે મારો વિલપાવર કહો; હું સાત જ મહિનામાં રિકવર થઈ ગઈ અને આજે હું ફરી ચાલી-ફરી શકું છું અને મારી મોટા ભાગની બીજી ઍક્ટિવિટી પણ કરતી થઈ ગઈ છું. ઍક્સિડન્ટ કેવો ડેન્જરસ હતો એ મને થયેલી ઈજા પરથી તમને સમજાશે. મારા આખા શરીરમાં કુલ અઢાર ફ્રૅક્ચર હતાં, પગમાં ચાર મેજર ફ્રૅક્ચર અને હાથની નર્વ્સ ડૅમેજ થઈ હતી. આઠ પાંસળીઓ તૂટી હતી, લંગ્સ કૉલેપ્સ થઈ ગયાં હતાં. ઍક્સિડન્ટ પછી મારું ઑક્સિજન લેવલ ચાલીસથી નીચે હતું અને મને બહારથી ઑક્સિજન આપતા હતા. એક મહિનો હું આઇસીયુમાં રહી છું અને એ પછી પણ મારે દોઢ મહિનો હૉસ્પિટલમાં રહેવું પડ્યું. 


મને જ્યારે કહેવામાં આવ્યું કે રિકવરીમાં અઢી વર્ષ થશે ત્યારે મનોમન મને ખરેખર એવું લાગતું હતું કે આ શું મજાક છે? એક મહિનો તો બહુ થઈ ગયો અને એ પછી મેં વિચાર્યું કે આ જ સમય છે મારી જાતને ટેસ્ટ કરવાનો અને મારી જાતને એક્સ્ટ્રીમ લેવલ સુધી લઈ જવાનો. 

હું અને મારું વર્કઆઉટ | ઍક્સિડન્ટ પહેલાં પણ વર્કઆઉટ મારા રૂટીનનો પાર્ટ રહ્યું છે. મારા પ્રોફેશનને લીધે હું નિયમિત વર્કઆઉટ કરતી. શૂટને કારણે થાકી ગઈ હોઉં તો પણ વર્કઆઉટ થાય જ થાય. વર્કઆઉટથી એક નવી એનર્જી આવે છે. મારી વાત કરું તો વર્કઆઉટ મને મોટિવેટ કરે છે એટલે હું થાકી હોઉં તો વર્કઆઉટનું મન ન થાય, પણ જેવું વૉર્મઅપ શરૂ થાય કે તરત જ મારો થાક, કંટાળો બધું ચાલ્યું જાય. 

અત્યારે વર્કઆઉટ કરું છું તો સાથોસાથ યોગ અને મેડિટેશન પણ કરું છું અને આ ઉપરાંત પ્રૉપર ફિઝિયોની દેખરેખમાં ફિઝિયોથેરપી સેશન અને વૉટરથેરપી પણ ચાલે છે. યોગ અને સ્ટ્રેચિંગ ઍક્ટિવિટી પહેલેથી મને ગમ્યાં છે, જેને લીધે હું મારી બૉડી ફ્લેક્સિબિલિટી જાળવી શકી છું. 

ઍક્સિડન્ટ પછી મને સમજાયું છે કે બૉડી ધારે એ કરી શકે, ધેર ઇઝ નો લિમિટ ફૉર યૉર બૉડી ઍન્ડ માઇન્ડ. હવે મને સમજાય છે કે લોકો કઈ રીતે એવરેસ્ટ ચડી શકતા હશે. બૉડીને ખરેખર ટ્રેઇન કરશો, એને કોઈ પણ એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જશો તો પણ એ સર્વાઇવ કરી લેશે અને એ જ કદાચ ફિટનેસની નિશાની છે. આપણે આપણા બૉડીને બહુ પૅમ્પર કરીએ છીએ અને એટલે જ એ બહુ લાડ કરે છે, પણ બૉડીને લાડ નહીં આપો. એની પાસે લોખંડને તોડવાની ક્ષમતા પણ છે અને પાણીને ચીરી નાખવાની તાકાત પણ છે. રણદીપ હુડા સાથે મારી વેબ-સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’નું શૂટ પૂરું થયું અને એકાદ વીકમાં જ મારો ઍક્સિડન્ટ થયો. હમણાં રણદીપ મને મળ્યો ત્યારે તે મારી સામે તાજ્જુબથી જોતો જ રહ્યો પણ આ મારી ક્ષમતા નહોતી, બૉડીનો પાવર હતો.

મેડિટેશન પણ એટલું જ પાવરફુલ છે જેટલા વર્કઆઉટ અને યોગ. હું તો કહીશ કે મેડિટેશનને રૂટીન લાઇફમાં પણ લોકોએ જીવનમાં અપનાવવું જોઈએ. મેડિટેશન તમને ફોકસ્ડ કરે છે તો સાથોસાથ તમે ક્યાં-ક્યાં ખોટા છો એ પણ સમજાવે છે.

ફૂડનું મહત્ત્વ ભૂલતા નહીં | મારું ફૂડ ઇન્ટેક સિમ્પલ છે. હું દિવસ દરમિયાન આઠ મીલ લઉં છું, સવારે હેવી બ્રેકફાસ્ટ અને એ પછી દર બે કલાકે કશુંક ખાવાનું. વેજિટેબલ્સ અને સૂપ મને બહુ ભાવે એટલે મારી સાથે અલગ-અલગ સૅલડ હોય, સૂપ હોય. આ ઉપરાંત મને અલગ-અલગ સીડ્સ પણ ભાવે એટલે સનફ્લાવર, પમ્પકિન, ફ્લેક્સ અને એવાં બીજાં સીડ્સ મારી સાથે હોય જ. પ્રોટીનબારમાં હું ચોકો કે મિલ્ક પાઉડર ઍડ નથી કરતી અને એમાં હની તથા ડેટ્સનો ઉપયોગ કરું છું. ઓવરઈટિંગ હું બિલકુલ ટાળું છું. ઓવરઈટિંગ ટાળવાનો બેસ્ટ રસ્તો મારી પાસે છે. ધારો કે તમે રોટલી ખાતા હો અને રૂટીનમાં તમે ત્રણ ટુકડામાં રોટલી પૂરી કરતા હો તો રોટલી શરૂ કરતાં પહેલાં એના છથી આઠ ટુકડા કરી દો અને પછી એકેક ખાતા જાઓ. નિયમ રાખો કે મોઢામાં રહેલો ટુકડો જ્યાં સુધી પેટમાં નહીં જાય ત્યાં સુધી બીજો ટુકડો મોઢામાં નહીં મૂકો. જુઓ તમે, તમે રૂટીનમાં જમો છો એના કરતાં અડધા ફૂડ ઇન્ટેકમાં તમારું પેટ ભરાઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2023 04:37 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK