‘અવૈધ’, ‘બેડ સ્ટોરીઝ’, ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ વેબ સિરીઝ પછી એન્ડ ટીવીના ‘હપ્પૂ કી ઉલટન પલટન’માં જોવા મળતી ગઝલ સૂદ સ્પષ્ટ માને છે કે હેલ્થ ફિટનેસનું એકમાત્ર પૅરામીટર છે અને એને ફૉલો કરવું એ દરેક વ્યક્તિ માટે કમ્પલ્સરી છે
ફિટ & ફાઇન
ગઝલ સૂદ
ગોલ્ડન વર્ડ્સ
માત્ર આપણે જ છીએ જે ફૂડને રાંધીએ છીએ, આપણા સિવાય આ પૃથ્વી પર એક પણ જીવ ફૂડ કુક નથી કરતો અને એને કોઈ પ્રૉબ્લેમ પણ નથી થતો. મતલબ આપણે કુકિંગ પર ફોકસ ઓછું કરવું જોઈએ.
મારો મોટો ભાઈ ન્યુ ઝીલૅન્ડમાં જિમ ટ્રેઇનર છે અને મારો નાનો ભાઈ પણ ફિટનેસની બાબતમાં એટલો જ સભાન છે. જોકે એમ છતાં હું એક વાત સ્વીકારીશ કે મારી લાઇફમાં ફિટનેસની શરૂઆત હું ઍક્ટિંગ ફીલ્ડમાં આવી એ પછી થઈ. યસ, ટુ બી વેરી ઑનેસ્ટ, એ પણ એટલું જ કે પહેલાં તો હું મસ્ત રીતે ખાઈપીને જલસા કરવામાં જ માનતી, આજે પણ એમ જ જીવું છું પણ હવે જલસા કરવામાં સમજણ ઉમેરાઈ છે કેમ કે ફિટનેસની સાચી ડેફિનિશન મને સમજાઈ છે.
ADVERTISEMENT
બૉડી, મન, હાર્ટ, ફીલિંગ્સ, ઑરા એ બધું જ હેલ્ધી હોવું જોઈએ. જોકે મોટા ભાગના લોકો અહીં થાપ ખાઈ જતા હોય છે. તેમને માત્ર સારા દેખાવું છે પરંતુ સારા દેખાવાની સાથે સારું ફીલ પણ થાય, સારી ઇમોશનલ હેલ્થ પણ હોય, સારી ફિઝિકલ હેલ્થ પણ હોય એ જરૂરી છે. એક દાખલો આપું.
તમારી પાસે બે વ્યક્તિ છે. એક એવી જે સવાર-સાંજ જિમમાં જાય છે. તેણે બરાબર મસલ્સ બનાવ્યા છે, ઍબ્સ પણ મજબૂત છે. પરંતુ અંદરથી તે અસ્વસ્થ છે. મેન્ટલી ડિસ્ટર્બ્ડ છે. અંદરખાને ડિપ્રેસ્ડ છે તો તમે તેને હેલ્ધી કહેશો? બીજી તરફ એક આન્ટી છે જે દેખાવે થોડાં ખાતાં-પીતાં ઘરનાં છે, પણ તમે તેમની એનર્જી જુઓ તો તમને ઈર્ષ્યા આવે. હંમેશાં તેમના ચહેરા પર આનંદ હોય, તેમને જોઈને તમારો દિવસ સુધરી જાય એવું સ્માઇલ હોય તો તમે તેમને અનહેલ્ધી કહેશો ખરા?
ફિટનેસનો સાચો માપદંડ તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જ હોવું જોઈએ. તમારા ચહેરાની ચમક તમારી ફિટનેસની શાખ પૂરતી હોય એ મહત્ત્વનું છે.
હું છું બહુ ઍક્ટિવ
હું દરરોજ વર્કઆઉટ કરું છું. જિમમાં પણ જાઉં છું અને વીકના અમુક દિવસોમાં યોગ અને રનિંગ પણ કરી લઉં છું. મેડિટેશન વિના મારો દિવસ પૂરો નથી થતો અને સાથે એનર્જી ક્લેન્ઝિંગ પ્રૅક્ટિસ પણ કરું છું.
મારી સ્ટેબિલિટી દરેક સંજોગમાં અકબંધ રહે છે. એમાં હું મારા ફિટનેસ રેજીમને બહુ જ મોટી ક્રેડિટ આપીશ. તમારા વાઇબ્સ કેવા છે એ તમને જોનારાને તરત જ ખબર પડી જશે. તમે અંદરથી આનંદિત અને ખુશ હશો તો એક જુદો જ પ્રભાવ તમારી આસપાસના લોકો અને વાતાવરણ પર પડશે. એક સલાહ હું ખાસ આપીશ કે પ્રયત્નપૂર્વક હૅપીનેસ તમારા ફિટનેસ-ગોલનો હિસ્સો બની જાય એવી રીતે જીવવું જોઈએ.
હું જે ફીલ્ડમાં છું ત્યાં લુક પણ મહત્ત્વનો છે એટલે એ રીતે પણ સતત સક્રિય રહેવાની પ્રેરણા મને મળતી રહે છે. ગાર્ડનમાં નિયમિત એક કલાક વૉક કરવા માટે જઈ શકું એવા પ્રયાસો કરતી રહું છું. નેચર સાથે જેટલું વધારે રહેશો એટલી જ વધારે તમે તમારી જાતને શુદ્ધ કરી શકશો.
આ પણ વાંચો: એંસી વર્ષે પણ હું ફિટ ઍન્ડ ફાઇન રહું એની તૈયારી હું અત્યારે કરું છું
ડાયટ ડિફિકલ્ટ નથી
હું નૉર્થની છું અને ટિપિકલ પંજાબી ફૅમિલીની વ્યક્તિ પણ, એટલે ખાવાની શોખીન હોવાનું સ્વાભાવિક છે. પણ મારે અહીં એક વાત કહેવી છે.
કોણ જાણે એક બહુ ખોટી માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે કે ડાયટ એટલે ભૂખ્યા રહેવાનું, બાફેલું ખાવાનું અથવા તો સ્વાદહીન ખાવાનું. અરે..... કોણે કહ્યું આ? એવું જરાય નથી.
મેં મારી મમ્મીને કહ્યું કે હું ડાયટ પર છું તો તેને ચિંતા થઈ ગઈ કે મારી દીકરી બિચારી ભૂખી રહેશે, તેનામાં અશક્તિ આવી જશે, તે પાતળી થઈ જશે અને કોણ જાણે કેવા-કેવા વિચારો તેણે કરી લીધા હતા પણ પછી મેં તેમને સમજાવવાનું શરૂ કર્યું કે એવું બિલકુલ નથી. ડાયટ મીન્સ ભૂખ્યા રહેવું નહીં પણ સારું ખાવાનું, હેલ્ધી ખાવાનું અને સમયસર ખાવાનું. વધુ પોષક તત્ત્વો મળે એવો આહાર લેવાનો અને સાથે શરીરની જરૂરિયાત પ્રમાણે ખાવાનું. આટલું સિમ્પલ લૉજિક આપણને નથી સમજાતું. ઇન ફૅક્ટ, હું એક પણ ડાયટ-પ્લાન ફૉલો નથી કરતી.
બસ, બે જ નિયમ છે કે જન્ક ફૂડ નહીં ખાવાનું અને નિયમિત સમય પર ખાવાનું. બસ, આટલું પણ પૂરતું છે. જો આટલું ધ્યાન પણ તમે ન રાખી રહ્યા હો અને આડેધડ ખાઈને પછી કસરત કરતા હો તો ખરેખર મારે તમને કહેવું રહ્યું કે તમે જાતને છેતરો છો, કારણ કે હેલ્ધી ડાયટ સિવાય ફિટનેસ શક્ય જ નથી.
છેલ્લા થોડાક મહિનાથી મેં પેઠાં જેને ઘણા કદ્દુ પણ કહે છે એનો જૂસ પીવાનો શરૂ કર્યો છે, એના કારણે મને અદ્ભુત પરિણામ મળ્યું. રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ કદ્દુ જૂસ પીઓ, એ એનર્જી વધારવાથી લઈને શરીરને ડિટૉક્સ કરવામાં બેસ્ટ રિઝલ્ટ આપે છે.