નમિતા રોજ સવારે સૌથી પહેલાં ઑઇલ પુલિંગ કરે, ઘી નાખીને કૉફી પીએ અને સાંજે સાત વાગ્યા પહેલાં જમી લે. આ તેનો નિત્યક્રમ છે.
કૂક વિથ મી
નમિતા લાલની તસવીર
‘કન્ટ્રી ઑફ માઇન્ડ’, ‘મેડ ઇન હેવન’ જેવી વેબ સિરીઝની ઍક્ટ્રેસ અને ‘બિફોર લાઇફ આફ્ટર ડેથ’, ‘સના’, ‘બ્રેકિંગ ન્યુઝ’, ‘માય લાઇફ ફુટબૉલ’ જેવી ફિલ્મોની પ્રોડ્યુસર નમિતા લાલ માને છે કે જેને આ સાઇકલ સમજાઈ જાય તેની જીવવાની દિશા અને દશા બન્ને બદલાઈ જાય. નમિતા રોજ સવારે સૌથી પહેલાં ઑઇલ પુલિંગ કરે, ઘી નાખીને કૉફી પીએ અને સાંજે સાત વાગ્યા પહેલાં જમી લે. આ તેનો નિત્યક્રમ છે.
ફિટનેસ માટે હું કહીશ કે તમે જીવનને કેવી રીતે લો છો એ તમારી ફિટનેસ પરથી ખબર પડે. તમે લાઇફને જેટલો વધારે પ્રેમ કરતા હશો એટલી જ બહેતર જીવનશૈલી બનાવવાની કોશિશ તમે કરતા હશો. શારીરિક અને માનસિક રીતે ઍક્ટિવ રહેવું એ મારી દૃષ્ટિએ સૌથી અગત્યનું છે. મારી વાત કરું તો એક દિવસ પણ જો હું કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝ વિના પસાર કરું તો સાંજ પડતાં સુધીમાં મને ડિપ્રેશન જેવી ફીલિંગ્સ આવે.
ADVERTISEMENT
એક્સરસાઇઝ માત્ર તમારા શરીરની નહીં, પણ તમારા માઇન્ડની પણ જરૂરિયાત છે. મારા પપ્પા આજે ૮૬ વર્ષની ઉંમરે પણ એકદમ ઍક્ટિવ છે. કોઈ માણસ તેમને કામ કરતાં જુએ ત્યાં જ તેનો પોતાનો અડધો થાક ઊતરી જાય. મારું પણ એવું જ છે. તમે તંદુરસ્ત વ્યક્તિને મળો ત્યાં જ તમને પૉઝિટિવ ઑરાનો અનુભવ થાય.
કરું સતત કંઈક નવું | હું કોઈ એક એક્સરસાઇઝ લાંબા સમય માટે નથી કરી શકતી. ચેન્જ મારો સ્વભાવ છે અને એટલે મને સતત ચેન્જની જરૂર પડે. હું મારા ફિટનેસ રૂટીનમાં સતત નવું વેરિએશન ઉમેરતી રહું છું. ક્યારેક યોગ કરું તો ક્યારેક પિલાટેઝ. ક્યારેક વેઇટ ટ્રેઇનિંગ લઉં તો ક્યારેક ક્રૉસ ફીટ એમ દર થોડાક દિવસો પછી મારું વર્કઆઉટ ચેન્જ થાય.
હું તમને પણ કહીશ કે કંટાળીને છોડી દેવા કરતાં તો બહેતર છે કે કંટાળો આવવાનું શરૂ થાય એ પહેલાં જ ચેન્જ લઈ આવવો, કારણ કે વર્કઆઉટનો આપણો મૂળ ગોલ એ છે કે કોઈ પણ હિસાબે હેલ્થ સાચવવી. ફરી મારી વાત પર આવું તો ક્યારેક મારો મૂડ હોય તો હું સ્વિમિંગ અને ડાન્સિંગ પણ કરું. પણ હા, આ વેરિએશન વચ્ચે પણ મારો એક નિયમ અકબંધ છે કે દરરોજ એક કલાક ફિટનેસ ઍક્ટિવિટી કરવાની એટલે કરવાની જ. હા, ક્યારેક શૂટિંગમાં પંદર કલાક કામ કર્યું હોય ત્યારે એ શક્ય ન બને તો હું મારા ઍક્ટિવિટીના એક કલાકને બે પાર્ટમાં ડિવાઇડ કરી ત્રીસ-ત્રીસ મિનિટ વૉક કરી લઉં. શરીરનો એક સીધો અને સરળ નિયમ છે, જો તમે હેલ્થ-વાઇઝ ફિટ હો તો તમે માઇન્ડથી પણ તંદુરસ્ત રહેવા માંડો.
મહત્ત્વનું છે તમારું રૂટીન | હું માનું છું કે તમારી સવાર સારી તો તમારો દિવસ સારો અને જો તમારો દિવસ સરસ તો રાતે તમને મસ્ત સાઉન્ડ સ્લીપ આવે અને સાઉન્ડ સ્લીપ આવે તો તમારી રાત સારી જાય. સિમ્પલ છે, જેની રાત સારી તેનો દિવસ સારો. આ સાઇકલને સૌકોઈએ વ્યવસ્થિત સમજવાની જરૂર છે. જે આ સાઇકલ સમજી ગયા તે લાઇફમાં ક્યારેય હેરાન નથી થતા.
આજે લોકોનું સૂવાનું ટાઇમટેબલ બદલાયું છે તો ખાવાપીવામાં પણ હવે કોઈ પર્ફેક્ટ ટાઇમિંગ નથી. દિવસ દરમ્યાન પણ શેડ્યુલને પહોંચી વળવાની તૈયારી નથી એટલે પરિસ્થિતિ એ થાય છે કે ચારે બાજુથી બધું ડામાડોળ થાય અને એની સીધી અસર હેલ્થ પર પડે અને હેલ્થ ડિસ્ટર્બ થાય.
મારી વાત કરું તો હું રોજ સવારે સાડાછથી સાડાસાત વચ્ચે જાગી જાઉં. જાગીને સૌથી પહેલાં તલ, નારિયેળ કે પછી રાઈનું તેલ કે પછી આ બધાં કૉમ્બિનેશન સાથેનું તેલ લઈ એ મોઢામાં ભરીને હું આખા મોઢામાં ફેરવી દઉં. આ જે પ્રક્રિયા છે એને ઑઇલ પુલિંગ કહેવામાં આવે છે. ઑઇલ પુલિંગથી તમારા શરીરનાં ઘણાં ટૉક્સિન્સ નીકળી જાય તો સાથોસાથ ઑઇલ સાથે ગલોફામાં જીભ ફેરવો તો ચહેરાને પણ મસાજ મળે. ઑઇલ પુલિંગ કર્યા પછી હું શુગર વિનાની બ્લૅક કૉફી લઉં, જેમાં બેસ્ટ ક્વૉલિટીનું ગાયનું ઘી ઍડ કરીને એ પીવાની. એ પછી બાર વાગ્યા પહેલાં ફ્રૂટ્સ, સ્પ્રાઉટ્સ કે ડ્રાયફ્રૂટ્સ ખાઉં અને બપોરે એક વાગ્યે લંચમાં શાક, રોટલી, દાળ એમ ફુલ મીલ હોય. દરરોજ સાંજે એક ગ્લાસ રેડ વાઇન ફિક્સ છે. જે આલ્કોહૉલ ન લેતા હોય તે દ્રાક્ષાસવ લઈ શકે છે. દ્રાક્ષાસવ સાથે એક પીસ ડાર્ક ચૉકલેટ ખાવી જોઈએ, કારણ કે એ ડોપમાઇન જન્માવવાનું કામ કરે છે જે તમારામાં હૅપી હૉર્મોન્સ પેદા કરે. રાતનું ડિનર હું સાત વાગ્યા પહેલાં લઈ લઉં છું.
ગોલ્ડન વર્ડ્સ
ફિટનેસની બાબતમાં લોકો કાં તો ખૂબ શિથિલ હોય ને કાં તો જડ. ઍક્ચ્યુઅલી બન્ને વચ્ચે રહેવાનું હોય. જીવનમાં ૭૦ઃ૩૦નો નિયમ પાળવો જોઈએ એટલે કે નક્કી કર્યો હોય એ નિયમ સિત્તેર ટકા તો પાળવાનો જ, ત્રીસ ટકા બાકી રહી જાય તો ચાલે. આ ઍડ્જસ્ટમેન્ટથી તમે તમારા વર્કઆઉટથી સાવ કટ-ઑફ નહીં થાઓ.