Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૪૧)

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૪૧)

Published : 13 April, 2025 07:46 AM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

છેલ્લા કેટલાય સમયથી તે તમારી રાહ જોતાં હતાં. દીકરીની ચિંતા હતી, માની ચિંતા હતી. હવે તમે આવી ગયા છો એટલે તેના મનમાં રાહત છે

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


‘હું તેને લઈ જવા માગું છું...’ ચિત્તુએ ડૉક્ટરને કહ્યું, ‘તે એકદમ સાજી થઈ ગઈ છે.’


‘જુઓ, સર!’ ડૉક્ટરે ચિત્તુને સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘તમને કદાચ લાગતું હશે કે તે નૉર્મલ છે, પરંતુ આ ટેમ્પરરી પરિસ્થિતિ છે. છેલ્લા કેટલાય સમયથી તે તમારી રાહ જોતાં હતાં. દીકરીની ચિંતા હતી, માની ચિંતા હતી. હવે તમે આવી ગયા છો એટલે તેના મનમાં રાહત છે. તેની ઍન્ગ્ઝાયટી, અસુરક્ષા ઓછી થઈ ગઈ છે પરંતુ તેમની માનસિક સ્થિતિ આ જ રહેશે એવું નક્કી નથી.’ ડૉક્ટરે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘થોડા કલાક, થોડા દિવસ કદાચ થોડી મિનિટોમાં જ પરિસ્થિતિ ફરી બદલાઈ જાય તો નવાઈ નહીં...’



ચિત્તુ સાંભળતો રહ્યો. તેના ખોળામાં બેઠેલી અજિતા પણ ધ્યાનથી સાંભળતી હતી.


આજીની આંખોમાં આંસુ આવી ગયાં, ‘એટલે મારી દીકરી ક્યારેય સાજી જ નહીં થાય?’

‘હું એવું નથી કહેતો... પરંતુ સ્કિઝોફ્રેનિયા એક એવો રોગ છે જે ગમે ત્યારે ઊથલો મારી શકે. તે વાયલન્ટ થઈ જાય, કદાચ તમારી નાનકડી દીકરી તેમની સાથે એકલી હોય તો પરિસ્થિતિ ખતરનાક થઈ શકે.’ ડૉક્ટરે કહ્યું, ‘સમજો છો તમે?’ ચિત્તુએ ડોકું ધુણાવ્યું. અજિતા એક-એક શબ્દ ધ્યાનથી સાંભળી રહી હતી, ‘તે અવારનવાર પોતાની જાતને નુકસાન પહોંચાડી ચૂક્યાં છે, ફરી કદાચ...’


‘હા, બાબા!’ અજિતાએ સહેજ ડરીને કહ્યું, ‘એક દિવસ હું ઊંઘતી હતી ત્યારે છરી લઈને આઈ મારું ગળું કાપવા આવી હતી.’

આજી પણ ચૂપ ન રહી શકી, ‘એ પછી જ હું દત્તુભાઉને મળવા ગઈ હતી.’ આજીએ કહ્યું, ‘એક વાર તેણે કેરોસીન છાંટી દીધું હતું શરીર પર. એ તો હું જોઈ ગઈ ને પકડી લીધી, બાકી દિવાસળીનું બૉક્સ હાથમાં લઈ લીધું હતું તેણે...’ આજી બોલતી રહી, ‘એક વાર સાડી પંખા પર ભરાવીને લટકવા પણ તૈયાર થઈ ગયેલી, જોડે ટબૂડીને ગળામાં ફાંસો ભરાવેલો. બેય ગયાં હોત!’

‘જૂની વાતો છે, બધી...’ ચિત્તુ સહેજ ચિડાઈ ગયો, ‘તે એકલી હતી, ડરેલી હતી, શું થશે એની ચિંતામાં કદાચ મગજ પરનો કાબૂ ખોઈ બેઠી હોય...’
ચિત્તુને આ બધું સાંભળીને ભયાનક અપરાધની લાગણી થઈ રહી હતી, ‘મારે એ જાણવું છે કે તે સાજી, નૉર્મલ કેવી રીતે થઈ શકે?’

‘નિયમિત દવાઓ અને સુરક્ષાનો અનુભવ.’ ડૉક્ટરે કહ્યું, ‘તેને છેતરાયાની લાગણી થઈ છે, દીકરીની ચિંતા છે... આ બે વાત જો તેના મનમાંથી નીકળી જશે તો તે ઑલમોસ્ટ નૉર્મલ થઈ જશે, પરંતુ ધ્યાન તો રાખવું જ પડશે.’

‘હું ચોવીસ કલાકની બાઈ રાખીશ તેની પાસે. આપણે નર્સ રાખીશું...’ ચિત્તુએ કહ્યું, ‘મારે તેને ઘરે લઈ
જવી છે.’

‘મને પંદર દિવસનો સમય આપો. ઑબ્ઝર્વેશનમાં રાખીને તેનામાં કેટલો ફરક પડે છે એ જોયા પછી જ હું રજા આપીશ. દરમિયાનમાં તમે મળવા આવતા રહેજો, વારંવાર! તેને બને એટલી જલદી ઘેર લઈ જવાની તૈયારી બતાવજો અને હવે બધું બરાબર છે એવી સુરક્ષા આપતા રહેજો. ધૅટ વિલ હેલ્પ.’ ચિત્તુનો ચહેરો બદલાઈ ગયો એટલે ડૉક્ટરે ધીમેથી કહ્યું, ‘હું વિનંતી કરું છું, તમારી દીકરીની સલામતીનો વિચાર કરજો. નિર્મલાને લઈ જવાની ઉતાવળ નહીં કરતા, પ્લીઝ!’

આખરે ચિત્તુ માન્યો. હૉસ્પિટલના ગેટની બહાર નીકળતી વખતે ચિત્તુ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો, ‘મેં બધું બરબાદ કરી નાખ્યું. મારી નિર્મલા...’ તેણે બાજુમાં બેઠેલી અજિતાને વહાલથી પોતાના બાહુપાશમાં લઈને કહ્યું, ‘હવે બાબા આવી ગયા છે. કશું જ ખોટું નહીં થાય. હું તમારા બધાંનું ધ્યાન રાખીશ.’ તેણે પાછળ બેઠેલી આજી તરફ જોઈને કહ્યું, ‘હું નિમુને ઘરે લાવીશ, વચન આપું છું...’

lll

‘ચૌધરી રેસિડન્સ’ના લિવિંગ રૂમમાં જાણે મોતનું તાંડવ નાચ્યું હોય એવો ખોફનાક સન્નાટો છવાયો હતો. મોહિનીએ જે કંઈ કહ્યું એ પિન કાઢી લીધેલા હૅન્ડ ગ્રેનેડની જેમ પછડાયું હતું આ ઘરના ડ્રૉઇંગ રૂમમાં. સહુ જાણે ધડાકો થવાની, ડ્રૉઇંગ રૂમ અને અહીં બેઠેલા સહુના ફુરચેફુરચા થઈને ઊડી જવાની પ્રતીક્ષા કરતા સ્તબ્ધ બેઠા હતા...

કોણ પહેલાં બોલે અને આ સન્નાટાને ચીરીને ચિત્રવત્ત્ થઈ ગયેલા લોકોને ફરી સજીવ કરે એની જાણે રાહ જોવાતી હતી. અંતે શામ્ભવીએ કહ્યું, ‘જે થયું એ થઈ ચૂક્યું! સહુએ પોતપોતાના ભૂતકાળનો બોજ ઉપાડ્યો, સહુએ વર્ષો ગુમાવ્યાં, સહુએ તકલીફ સહન કરી છે...’ અત્યાર સુધી ડર્યા વગર નફ્ફટની જેમ લડી રહેલી મોહિની અચાનક રડી પડી. આટલાં વર્ષોમાં કોઈએ મોહિનીને રડતી જોઈ નહોતી, આજે પહેલી વાર તે ભાંગી ગઈ. તેણે શામ્ભવી સામે જોઈને બે હાથ જોડ્યા. શામ્ભવીએ નજર ફેરવી લીધી, ‘કોઈએ એકબીજા પર આરોપ મૂકવાનો અર્થ નથી. સહુની ભૂલ છે ને સહુએ ભોગવી છે.’

અત્યાર સુધી હાથ મસળતા, મુઠ્ઠી વાળીને બેસી રહેલા કમલનાથની આંખો લાલ થઈ ગઈ હતી, ‘આ રેકૉર્ડર મને આપી દે.’ તેમણે કહ્યું.

ચિત્તુ હસ્યો, ‘અચ્છા? ને બદલામાં મને શું આપશો? મોહિની?’ તેણે મોહિની સામે જોઈને કહ્યું, ‘છેલ્લાં તેર વર્ષથી રોજ આ બધું સાંભળું છું હું... મારા ઘા સુકાઈ ન જાય એ માટે રોજ એના પરના પોપડા ખોતરતો રહ્યો છું. લોહી વહેતું રહેવું જોઈએ... તો જ મારું વેર જીવતું રહે.’

તેણે કહ્યું, ‘તેં મને મારા પરિવારથી દૂર કર્યો છે. મારી સાથે દગો કર્યો છે... સજા તો આપીશ તને.’ ચિત્તુએ કહ્યું. તેણે કમલનાથ સામે જોયું, ‘મારી પાસે મોહિનીના એવા ફોટા છે જે વાઇરલ કરીશને તો...’

‘શું જોઈએ છે તારે?’ કમલનાથે પૂછ્યું.

‘આ ડાકણ રસ્તા પર આવી જવી જોઈએ.’ ચિત્તુએ કહ્યું.

‘તેને...’ પદ્મનાભનો અવાજ મહાપરાણે નીકળ્યો, ‘તેને માફ કરી દો...’ તેણે બે હાથ જોડ્યા, ‘તારી સાથે તેણે જે કર્યું એ માટે હું માફી માગું છું.’

આ સાંભળતાં જ શામ્ભવીની આંખો ફરી ગઈ, ‘તેણે મારી મા સાથે જે કર્યું એનું શું?’ શામ્ભવીએ પૂછ્યું, ‘એની સજા શું?’ અત્યાર સુધી પિતાનો આદર કરીને ચૂપ રહેલી શામ્ભવીએ કહ્યું, ‘હું પોલીસ બોલાવું છું. મોહિનીએ તેના એક-એક ગુનાની કબૂલાત કરવી પડશે.’

‘પણ મેં તો કોઈ ગુનો કર્યો જ નથી... ગોળી તો તેં ચલાવી હતી.’ મોહિનીએ કહ્યું. સૌ સડક થઈ ગયા. ‘પોલીસ આવશે તો સત્ય ખૂલશે... એક સત્ય ખૂલશે તો બધાં સત્ય ખૂલતાં જશે.’ તે વિક્ષિપ્ત વ્યક્તિની જેમ હસી, ‘તેર વર્ષ પછી બધાનાં કપડાં જાહેરમાં ધોવાય એ વાત મોટાજીને મંજૂર હોય તો ચોક્કસ બોલાવ પોલીસ.’

ત્યાં બેઠેલા સૌ માટે આ ડરાવનારું વાક્ય હતું. મોહિનીની વાત ખોટી નહોતી. શામ્ભવીએ પિતા તરફ જોયું. કમલનાથે આંખોથી જ શામ્ભવીને ના પાડી. શામ્ભવીની નજર ઝૂકી ગઈ.

‘બસ! એક માણસને સજા થવી જોઈએ.’ મોહિની બોલી, તેણે ઋતુરાજ સામે જોયું, ‘તને નહીં છોડું...’ તેની આંખોમાં ભારોભાર તિરસ્કાર હતો, ‘તેં મને છેતરી, મારો ઉપયોગ કર્યો.’

‘તો મારી સાથે શું કર્યું તેં?’ ચિત્તુએ પૂછ્યું. તેણે ઋતુરાજ સામે જોઈને કહ્યું, ‘તને તો હું પણ નહીં છોડું. મારા પરિવારથી દૂર કર્યો, ડ્રગ્સના ધંધામાં ઢસડ્યો મને. ડરાવી-ડરાવીને મારી પાસે એ બધું કરાવ્યું જે મારે નહોતું કરવું.’ તેણે થૂંક ગળે ઉતારીને કહ્યું, ‘કરવાની જરૂર પણ નહોતી, તેમ છતાં તેં મને...’ આંખમાં ધસી આવેલાં આંસુ લૂછીને ચિત્તુએ ઋતુરાજને કહ્યું, ‘તું કદાચ એમ માનતો હોઈશ કે મને કશી ખબર નથી... પણ આજે બધાની વચ્ચે કહી દઉં કે તારા ફોનના CDR પણ છે મારી પાસે. નક્કી જ હતું કે મારે એક દિવસ પાછા આવવું છે... મેં તારા ફોનને હૅક કરીને મને જોઈતા પુરાવા તૈયાર રાખ્યા હતા. સાંભળવો છે તારો પોતાનો અવાજ?’

‘હા...’ ઋતુરાજ હજીયે ડર્યો નહોતો, ‘હા તો સંભળાવી દે... મારી પાસે છુપાવવા જેવું કશું છે જ નહીં.’ તેણે તેના પિતા સામે જોઈને કહ્યું, ‘મેં કશું ખોટું નથી કર્યું, પપ્પા.’

‘તો સાંભળી લો...’ ચિત્તુએ રેકૉર્ડરને થોડું આગળ-પાછળ કર્યું. ઋતુરાજનો અવાજ સંભળાયો, ‘અજબ સેક્સી સ્ત્રી છે તું... હજી છવ્વીસની કમર છે તારી... અને બાકીનાં માપ તો... માશાઅલ્લાહ...’

‘બાય ધ વે, કેટલી સ્ત્રીઓ જોઈ છે તેં?’ મોહિનીનું સેક્સી હાસ્ય સંભળાયું, ‘કપડાં વગર...’

‘તને જોયા પછી બીજા કોઈને જોવાની તાકાત જ ક્યાં બચે છે. તું નિચોવી લે છે મને. એક દિવસમાં ત્રણ વાર સેક્સ કરી શકે એવી ચાલીસ વર્ષની સ્ત્રી નથી જોઈ મેં. મારી હથેળીઓમાં હજી તારાં સ્તનની સુગંધ...’

‘બંધ કરો...’ કમલનાથ ઊભા થઈ ગયા. તેમણે પદ્મનાભ સામે જોઈને કહ્યું, ‘હજી કંઈ સાંભળવું છે કે આ વાતનો નિવેડો લાવવો છે?’

ઋતુરાજે તદ્દન નફ્ફટાઈથી પદ્મનાભ સામે જોયું, ‘આ બધું તમે પણ સાંભળ્યું જ છેને?’ તેણે કમલનાથ સામે જોયું, ‘આ બધાં રેકૉર્ડિંગ તેમની પાસે પણ છે જ.’ તેણે લલિતભાઈ સામે જોઈને કહ્યું, ‘આ રેકૉર્ડિંગ્સ અને વિડિયોના બદલામાં તો મને ચૌધરી ટ્રાન્સપોર્ટ અને ચૌધરી ઇમ્પોર્ટમાંથી મારો ધંધો કરવાની પરવાનગી આપી હતી તેમણે.’ કમલનાથ સામે જોઈને ઋતુરાજે કહ્યું, ‘પોલીસ-ફરિયાદ કરશો તો મારી જોડે તમારો ભાઈ પણ જશે જેલમાં. મારા બધા ધંધામાં તે ભાગીદાર છે... કહો બધાને. હવે જ્યારે પત્તાં ખૂલે જ છે ત્યારે બાવન પત્તાં ટેબલ પર મૂકી દઈએ.’ ઋતુરાજ હજી સ્વસ્થ હતો. તેના ચહેરા પર સ્મિત હતું.

સહુ સમજી શકતા હતા કે તેણે જે કંઈ ગોઠવ્યું હતું એ અત્યંત સેફ અને પૂરેપૂરી ગણતરી સાથે ગોઠવ્યું હતું. પોતાને ઉઝરડો પણ ન પડે એવી રીતે અત્યાર સુધી ચૌધરી પરિવારના લોકોને મહોરાં બનાવીને તે પોતાનો સ્વાર્થ સાધતો રહ્યો હતો.

‘હું શું કહું?’ પદ્મનાભ પાસે હવે કહેવા જેવું કંઈ રહ્યું નહોતું.

કમલનાથનો અવાજ ભારે થઈ ગયો હતો. લલિતભાઈ સામે જોઈને તેમણે ધીરેથી કહ્યું, ‘ચાલો માન્યું કે મોહિનીનો વાંક છે, પણ ઋતુરાજ તો આસ્તિનનો સાપ નીકળ્યો. આપણે તો તેના પર પૂરો ભરોસો કર્યો, ને તેણે... આપણા જ ઘરમાં... ચોર પણ ચાર ઘર છોડી દે. લલિતભાઈ, તમારા દીકરાએ જે કર્યું છે એ માફ કરી શકાય એમ નથી. મેં એને દીકરાથી ઓછો નથી માન્યો. પણ તેણે તો...’

લલિતભાઈ નીચું જોઈ ગયા. તે નિઃશબ્દ થઈ ગયા હતા.

‘મેં શું કર્યું? હું તો નાનો હતો. મોહિનીએ જ મને...’ ઋતુરાજ હજીયે પોતાની વાત પર કાયમ હતો, ‘ત્રેવીસ વર્ષના છોકરાને એક પ્રગલ્ભ, સેક્સી સ્ત્રી અડપલાં કરે તો એ છોકરો શું કરે? તમારા ભાઈથી તેની બૈરી સંભાળાતી નથી ને બીજા પર... આરોપ મૂકો છો.’ ઋતુરાજે આજે કમલનાથનો પણ આદર કર્યા વગર કહી નાખ્યું, ‘ચાલો, હું ખોટો. બાકીના પુરુષો જેની સાથે આણે રંગરેલિયા મનાવી એનું શું? ને તમારો ભાઈ? તેને તો આ બધું જોઈતું હતું. બધું જાણવા છતાં તેણે મને છૂટ આપી... તેને કંઈ નહીં કહો?’

‘આપણે આ વાતનો નિકાલ કરવા ભેગા થયા છીએ, એકબીજા પર આક્ષેપ કરવા નહીં.’ અત્યાર સુધી તદ્દન મૌન બેઠેલી રાધાએ ધીમેથી કહ્યું, ‘સહુએ ભોગવ્યું છે. ચિત્તુએ, દત્તુભાઈએ, તેમણે, મેં, ને...’ રાધાની આંખ ભરાઈ આવી, ‘સૌથી વધારે મારી દીકરીએ...’

કમલનાથે સ્વસ્થ અવાજે કહ્યું, ‘ડિવૉર્સના પેપર તૈયાર કરાવો. મોહિનીએ આ ઘર છોડવું પડશે.’ તેમણે શાંતિથી ઉમેર્યું, ‘જ્યાં સુધી શક્ય હતું ત્યાં સુધી હું ચૂપ રહ્યો. હવે વાત મારી પ્રતિષ્ઠા સુધી પહોંચી ગઈ છે.’ તેમણે મોહિની સામે જોયા વગર કહ્યું, ‘એણે કોઈ રસ્તો છોડ્યો નથી. હવે એણે જવું પડશે.’

‘પચાસ કરોડ રૂપિયા.’ મોહિની અત્યાર સુધીમાં રડીને ફરી એક વાર એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી. તેણે પણ કમલનાથ સામે જોયા વગર સ્પષ્ટ અવાજે કહ્યું, ‘આંબાવાડીનો ફ્લૅટ, બે ગાડી અને અત્યાર સુધી મારા માટે ખરીદેલા બધા દાગીના મારી સાથે લઈ જઈશ હું...’ તેણે ઋતુરાજ સામે જોઈને સૌની હાજરીમાં પૂછ્યું, ‘હવે? મોહિની વિથ ફિફ્ટી ક્રોર્સ, ઑફર મંજૂર છે?’ ઋતુરાજના ચહેરા પર એક ખંધુ, ક્રૂર સ્મિત આવ્યું. તેણે સહુ સામે જોયું ને પછી નજર ઝુકાવી દીધી. તે અત્યારે કોઈ જવાબ આપવા માગતો નહોતો, પણ તેના સ્મિત પરથી સહુ સમજી શક્યા કે ઋતુરાજ આ ઑફર તરત નકારવા માગતો નહોતો.

‘તું નહીં તો કોઈ બીજું સ્વીકારી લેશે આ ઑફર.’ મોહિનીએ આરામથી ખભા ઉલાળ્યા, પછી કમલનાથ સામે જોઈને કહ્યું, ‘પચાસ કરોડ, પ્લસ પ્લસ પ્લસ...’ તે હસી, ‘તમારી પ્રતિષ્ઠા એના કરતાં ઘણી મોંઘી છે, મોટાજી.’

‘ડીલ કરે છે?’ પદ્મનાભને કદાચ પહેલી વાર તેની પત્નીની સચ્ચાઈ સમજાઈ.

‘તેં પણ તો ડીલ જ કરી છેને, આખી જિંદગી...’ મોહિનીએ કહ્યું, ‘હવે મારો વારો.’ તેણે સહુ સામે જોયું, ‘નક્કી કરીને જવાબ આપજો, મને ઉતાવળ નથી.’ તેણે શામ્ભવી સામે જોઈને ઉમેર્યું, ‘થૅન્ક યુ. તેં ક્યાંકથી શરૂ કર્યું તો આજે વરઘોડો અહીં પહોંચ્યો. બાકી આવી જ રીતે આ માણસ મને વાપરતો રહેત...’ શામ્ભવી કશું બોલી શકી નહીં પણ રાધાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મોહિની સાવ ખોટી તો નહોતી જ. આ પુરુષોની દુનિયામાં એક સ્ત્રીને કેટલી સહજતાથી ‘ચારિત્ર્યહીન’ કે ‘વેશ્યા’ જેવા શબ્દોનું લેબલ ચોંટાડી દેવામાં આવે છે! એની પાછળની આખી કથા, તેની વ્યથા કોઈ જાણતું પણ ન હોય... જાણવા માગતું પણ ન હોય, એવા કેટલા પરિવારો હશે! રાધાને વિચાર આવ્યો.

‘લઈ જજે, પચાસ કરોડ.’ રાધાએ કહ્યું. સહુ સ્તબ્ધ થઈ ગયા. આજ સુધી આ ઘરના બધા જ નિર્ણયો કમલનાથ ચૌધરીએ કર્યા હતા. કોઈની હિંમત નહોતી કે તેમને પૂછ્યા વગર આ ઘરનો કોઈ નાનકડો નિર્ણય પણ કરી શકે. મોહિનીની આવડી મોટી માગણી રાધાએ ચર્ચા કર્યા વગર મંજૂર કરી નાખી એ જોઈને સહુ ફરી એક વાર સ્તબ્ધ થઈ ગયાં, ‘ચૌધરી પરિવારની પ્રતિષ્ઠા ખૂબ મોંઘી છે એ વાત સાચી, પણ તારી જિંદગીય સસ્તી નથી. પદ્મભાઈએ તારી સાથે જે કંઈ કર્યું એ માટે, ને...’ તેણે કમલનાથ સામે જોયું, ‘ને તમે પણ ચૂપ રહ્યા એ માટે આપણે દંડ ભરવો જ પડે.’ રાધાએ કહ્યું. તે થોડી વાર સહુ સામે જોતી રહી, પછી તેણે ધીમેથી ઉમેર્યું, ‘મોહિની! તું જા અહીંથી... હજી જે જિંદગી બચી છે એને સારી રીતે જીવજે, એટલું જ કહી શકું તને.’

કોઈ કશું સમજે એ પહેલાં ચિત્તુ ઊભો થઈ ગયો. તેણે કઈ ઘડીએ પોતાના પૅન્ટના ગર્ડલમાં છુપાવેલી રિવૉલ્વર બહાર કાઢી એનું કોઈને ધ્યાન નહોતું રહ્યું. તેણે રિવૉલ્વર સીધી મોહિની સામે તાકીને બે ફાયર કર્યા. મોહિનીની બ્લુ શિફોન પર લાલ રંગ ફેલાવા લાગ્યો. એક બુલેટ છાતીમાં ને બીજી પેટમાં વાગી હતી. મોહિની ત્યાં જ ઢળી પડી. પદ્મનાભ દોડીને તેની પાસે બેસી ગયો, ‘મોહિની...’ તેણે ચીસ પાડી.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2025 07:46 AM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK