Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૩૯)

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૩૯)

Published : 30 March, 2025 08:10 AM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

નિર્મલાનું ઘર બરાબર યાદ હતું. તેના નાનકડા બંગલી જેવા ઘર સામે આવીને તેણે ગાડી પાર્ક કરી. તેર વર્ષમાં મકાનની હાલત ખૂબ બગડી ગઈ હતી. ઠેર-ઠેર ઝાંખરાં ઊગી આવ્યાં હતાં

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


ચિત્તુ વાઈ પહોંચ્યો ત્યારે રાતના અઢી વાગ્યા હતા. તેને નિર્મલાનું ઘર બરાબર યાદ હતું. તેના નાનકડા બંગલી જેવા ઘર સામે આવીને તેણે ગાડી પાર્ક કરી. તેર વર્ષમાં મકાનની હાલત ખૂબ બગડી ગઈ હતી. ઠેર-ઠેર ઝાંખરાં ઊગી આવ્યાં હતાં. રિપેરિંગ અને મેઇન્ટેનન્સના અભાવે મકાન પડવાના વાંકે ઊભું હતું. ઓટલા ઉપર બે જૂની-પુરાણી ખુરશીઓ પડી હતી. મકાનની બહાર એક ગુલાબી રંગની લેડીઝ સાઇકલ થાંભલા સાથે સાંકળ બાંધીને મૂકી હતી. ચિત્તુએ સ્નેહથી સાઇકલ પર હાથ ફેરવ્યો...


તે આગળ વધ્યો. તેણે બંધ દરવાજા પર ચાવીથી ટકોરા માર્યા. થોડી વારે અંદરથી અવાજ આવ્યો, ‘કોણ આહે?’



‘મી... ચિત્તુ...’ તેણે કહ્યું. અંદર સળવળાટનો અવાજ આવ્યો. દરવાજો ખૂલી ગયો. સામે નિર્મલાની મા ઊભી હતી. તેના ચહેરા પર અજબ જેવા આશ્ચર્યના, દુઃખ અને સુખના મિશ્ર ભાવો હતા. તેણે ચિત્તુને જોઈને ગુસ્સાથી કહ્યું, ‘આત્તા આલાસ... સર્વ કાહી પડલે. બધું પતી ગયું. એ છોકરીની જિંદગી ધૂળ થઈ ગઈ. તારી રાહ જોતાં-જોતાં બિચારીનું મગજ ખસી ગયું, પણ તને તેની ખબર કાઢવાની ફુરસદ નહોતી. જા મરી જા! હવે શું કામ આવ્યો છે?’ ધોળા વાળવાળી કોરા કપાળ સાથે ઊભેલી નિર્મલાની માએ ચિત્તુને શાપ આપ્યો, ‘તું સુખી નહીં થાય.’


ચિત્તુએ આંખમાં આંસુ સાથે હાથ જોડ્યા, તે કંઈ કહેવા જાય એ પહેલાં નિર્મલાની માએ દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો. ચિત્તુએ બંધ થતા દરવાજાની વચ્ચે પગ મૂકીને દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખૂલી ગયો, ‘મારે મારી દીકરીને જોવી છે.’

‘જતો રહે.’ નિર્મલાની માએ કહ્યું.


‘મારી દીકરીને જોયા વગર નહીં જાઉં...’ ચિત્તુ અંદર દાખલ થઈ ગયો. નાનકડા ઘરમાં એક ફાટેલો સોફા, બે પ્લાસ્ટિકની ખુરશી અને એક નાનકડું ટેબલ હતાં. રસોડામાં અંધારું હતું, પણ આ ઘરની ગરીબી છાની રહી શકતી નહોતી. ચિત્તુએ જોયું કે અંદરના ઓરડામાં નાનકડો લૅમ્પ હતો. આછા અજવાળામાં એક નાનકડી બાળકી દુનિયાથી બેખબર બન્ને હાથ ઊંચા કરીને ઊંઘતી હતી. ચિત્તુ એ રૂમમાં દાખલ થયો. તે શ્વાસ રોકીને ઊંઘતી અજિતાને જોતો રહ્યો. પોતાના જેવું નાક, પોતાનો જ ઘઉવર્ણો વાન અને પોતાની જેમ જ બન્ને હાથ ઊંચા કરીને, પગ પહોળા કરીને ઊંઘવાની એ રીત... ચિત્તુ તેની નજીક ગયો. તેણે છોકરીના માથે હાથ ફેરવ્યો. ત્યાં જ આજી (નાનીમા)થી રસોડામાં લોટો પડી ગયો. અવાજથી અજિતા જાગી ગઈ. તેણે પોતાના પર ઝૂકેલા ચિત્તુને જોયો. બે ક્ષણ માટે તે આછા અંધારામાં ચિત્તુને જોઈ રહી... પછી તેણે બન્ને હાથ ઉઠાવીને ચિત્તુના ગળામાં લપેટ્યા, ‘બાબા! તુ આલાસ?’ ચિત્તુ પોતાનું રૂદન રોકી શક્યો નહીં, ‘અમે કેટલી રાહ જોઈ!’ અજિતા તદ્દન નિર્દોષ અવાજમાં કહી રહી હતી, ‘આઈ તો બિચારી હૉસ્પિટલમાં છે...’ ચિત્તુએ બન્ને હાથ અજિતાની આસપાસ લપેટીને તેને ઉપાડી લીધી. અજિતાએ પોતાના બન્ને પગ ચિત્તુની કમરમાં ભેરવી દીધા, એના ખભા પર માથું મૂકીને અજિતાએ કહ્યું, ‘હવે તમે મને લઈ જશોને?’ ચિત્તુએ રડતાં-રડતાં, ડોકું હલાવીને ‘હા’ કહી.

પાછળ ઊભેલી આજીએ આંખો લૂછી. તેનો બધો ગુસ્સો ઓગળી ગયો હતો. તેણે ધીમેથી ચિત્તુને કહ્યું, ‘હવે લઈ જા તારા પાર્સલને...’

‘ચા તો પીવડાવ.’ ચિત્તુએ કહ્યું. તે મોડી રાત્રે જ્યારે નિર્મલાને મળવા આવતો ત્યારે સવારે અચૂક આજીના હાથની ચા પીને નીકળતો. દીકરી અને ચિત્તુ વચ્ચેના આ સંબંધને જાણતી હોવા છતાં નિર્મલાની માએ કોઈ દિવસ તેમને રોક્યાં નહીં કારણ કે ચિત્તુએ નજીકના શિવમંદિરમાં નિર્મલા સાથે લગ્ન કર્યાં હતાં. નિર્મલાની મા સિવાય આ લગ્નનો કોઈ સાક્ષી નહોતો... એટલે જ, જ્યારે ચિત્તુ ગુમ થઈ ગયો ત્યારે નિર્મલાની માએ દીકરીની ગર્ભાવસ્થાને છુપાવવા માટે તેને લઈને તીર્થયાત્રાએ નીકળી જવાનું નાટક કર્યું. મા-દીકરી પાછાં ફર્યાં ત્યારે હાથમાં નાનકડી બાળકી હતી, જે વારાણસીના ઘાટ પર મળી હોવાની વાર્તા નિર્મલાની માએ વહેતી કરી. પાછાં આવ્યા પછી તેને ખબર પડી કે ચિત્તુ મૃત્યુ પામ્યો છે એટલે હવે કોઈ સામે ફરિયાદ કરવાનો કોઈ અર્થ જ નહોતો!

નિર્મલાને કોણ જાણે કેમ ખાતરી હતી કે ચિત્તુ પાછો આવશે. તે રોજ ગાંડાની જેમ ચિત્તુની રાહ જોતી ધીરે-ધીરે સાચે જ ગાંડી થઈ ગઈ. રોજ રાત્રે તૈયાર થઈને ઓટલે બેસતી. વાળમાં ગજરો, રંગીન સાડી પહેરીને આવતા-જતા લોકોને પૂછ્યા કરતી, ‘ચિત્તુને જોયો?’ નિર્મલાની માએ થઈ શકે એટલી દવા કરાવી, પછી લોકોની હાંસી અને અપમાનથી બચવા તેણે નિર્મલાને ઘરમાં પૂરી રાખવાનું શરૂ કર્યું. નિર્મલા ધમપછાડા કરતી, ચીસો પાડતી... ધીમે-ધીમે તેણે જીવવાની આશા છોડી દીધી. કલાકો એક જ જગ્યાએ જોઈને બેસી રહેતી, રડ્યા કરતી. દીકરી મોટી થઈ રહી હતી ને તેની મા ઘરડી થઈ રહી હતી.

એવામાં ચિત્તુ પાછો આવી ગયો. નિર્મલાની માની બધી બાધા ફળી!

આજે પિતા-પુત્રીનું મિલન જોઈને નિર્મલાની માને લાગ્યું કે હવે તેને મરવાની છૂટ મળી ગઈ. અત્યાર સુધી તેણે ગાંડી દીકરી અને નાનકડી દોહિત્રીમાં પોતાનો જીવ અટકાવીને રાખ્યો હતો, પણ હવે એક ઊંડા શ્વાસ સાથે તેણે ઈશ્વરને કહ્યું, ‘હે પાંડુરંગા! આતા તુ માલા બોલવ... મી તૈયાર આહે.’

lll

‘ગુડ મૉર્નિંગ!’ શામ્ભવીની આંખો ફોનની રિંગથી ખૂલી. તેણે વિડિયો કૉલ ઑન કર્યો ત્યારે તેને શિવ દેખાયો, ‘જાગી?’ તેણે પૂછ્યું. શામ્ભવીએ આશ્ચર્યથી ઘડિયાળ સામે જોયું. સાત વાગ્યા હતા. રાત્રે શિવ સાથે વાત કરતાં-કરતાં ક્યારે તેની આંખ મીંચાઈ ગઈ એ તેને યાદ જ નહોતું.

ફોન સામેના સ્ટૅન્ડ પર હતો... શિવ આખી રાત ઊંઘતી શામ્ભવીને જોતો રહ્યો. લગભગ સાત વાગ્યે તેણે ફોન ડિસકનેક્ટ કરીને શામ્ભવીને વિડિયો કૉલ કર્યો. તે જાગી ત્યારે તેને સમજાયું કે શિવ આખી રાત તેને જોતો જાગતો રહ્યો!

‘તું ઊંઘ્યો નથી?’ શામ્ભવીએ પૂછ્યું.

‘ના...’ શિવના ચહેરા પર શરમાળ સ્મિત આવ્યું, ‘તને જોતો હતો. જાગતી હોય ત્યારે ડેવિલ જેવી લાગે છે ને ઊંઘતી હોય ત્યારે ઍન્જલ જેવી...’ તેણે કહ્યું, ‘આજે મળીશ મને?’

‘હા.’ શામ્ભવીને પહેલી વાર શરમાતી જોઈને શિવ હસી પડ્યો.

‘શરમાતી હોય ત્યારે જરાય સારી નથી લાગતી તું.’ તેણે કહ્યું, ‘તું દાદાગીરી કરતી જ સારી લાગે છે.’

‘જા ને...’ શામ્ભવીએ કહ્યું.

‘નહીં જાઉં...’ શિવે કહ્યું, ‘પ્રૉમિસ.’ બન્ને હસી પડ્યાં.

શામ્ભવી ઝડપથી ઊભી થઈ, ‘પછી ફોન કરીશ... અત્યારે માને લઈને નીચે જવાનું છે. મોહિનીને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવાનો છે...’ તે હસી, ‘આજે તેનું આવી બનશે.’

‘ધ્યાન રાખજે.’ શિવે કહ્યું.

‘હવે એ કામ તો મેં તને સોંપ્યું...’ શામ્ભવીએ કહ્યું, ‘મારું ધ્યાન રાખવાનું.’ બન્ને એકબીજા સામે થોડીક ક્ષણ જોતાં રહ્યાં, પછી શામ્ભવીએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.

શિવે ડિસકનેક્ટ થઈ ગયેલા ફોનની સ્ક્રીનને પોતાના હોઠ નજીક લાવીને એક ચૂમી ભરી લીધી.

lll

સવારે આંખો ખૂલી ત્યારે રાધાના વાળ તેની બાજુમાં સૂતેલા કમલનાથના હાથ અને ખભા નીચે દબાયેલા હતા. તેની સાડી પણ કમલનાથના શરીર નીચે હતી. ચણિયો અને બ્લાઉઝ પહેરેલી રાધાએ પોતાના તૃપ્ત શરીર તરફ જોયું. કેટલીયે રાતો તેણે સળગતા શરીર અને બળતી આંખો સાથે વિતાવી હતી. આજે તેના પતિના સ્પર્શ અને સ્નેહથી તેનું શરીર જ નહીં, તેનું મન પણ શાંત અને સંતુષ્ટ હતું. તેના ચહેરા પર શરમ અને સુખનું સ્મિત આવી ગયું. રાધાએ વાળને કમલનાથના શરીર નીચેથી કાઢવાનો પ્રયત્ન કર્યો એમાં કમલનાથની ઊંઘ ઊડી ગઈ. તેમણે રાધાની આસપાસ પોતાનાં મજબૂત બાવડાં લપેટીને તેને પલંગમાં ખેંચી લીધી, ‘ક્યાં જાય છે?’

‘અરે! સવાર થઈ ગઈ.’ રાધાએ કહ્યું.

‘તો? સદીઓ પછી આવી રીતે પહેલાં તારો ચહેરો અને પછી સૂરજ જોવાની તક મળી છે મને! ધરાઈને જોઈ તો લઉં તને...’ કમલનાથે પત્નીનો ચહેરો બે હથેળી વચ્ચે પકડ્યો, ‘સાચું કહું? તારા વગરની દરેક સવાર મારે માટે એક ઉદાસ અને એકલવાયી સવાર હતી. શામ્ભવી ન હોત તો કદાચ જીવ્યો જ ન હોત...’ રાધાએ તેની હથેળી કમલનાથના હોઠ પર મૂકી દીધી. તેણે ‘ના’માં ડોકું ધુણાવ્યું, ‘બોલવા દે મને... આટલા દિવસ ચૂપ રહીને મનને મારીને, હોઠ સીવીને જીવ્યો છું હું. ફક્ત આ દિવસની રાહ જોઈ છે મેં.’ કમલનાથની આંખોમાં પાણી જોઈને રાધા પણ પોતાની જાતને રોકી ન શકી. પતિ-પત્ની એકબીજાને ભેટીને વીતેલાં વર્ષોના વિરહને આંસુમાં વહાવી દીધો.

બન્ને એકબીજામાં ખોવાયેલાં હતાં ત્યાં જ દરવાજા પર ટકોરા પડ્યા, ‘લવબર્ડ્સ! જાગ્યાં છો કે નહીં?’ શામ્ભવીનો અવાજ સાંભળીને બન્ને છૂટાં પડ્યાં. રાધાના ચહેરા પર ફરી એ જ શરમાળ સ્મિત આવી ગયું. તેણે ઊઠીને, સાડી લપેટીને દરવાજો ખોલ્યો. શામ્ભવી અંદર ધસી આવી. માને ભેટીને તેણે કહ્યું, ‘આ રૂમમાં તને જોઈને મને મારું બાળપણ પાછું ફર્યું હોય એવો આનંદ થાય છે. તને યાદ છે? પેલા ઘરમાં હું આવી જ રીતે તમારા રૂમમાં આવીને તમારી વચ્ચે સૂઈ જતી...’ રાધાએ વહાલથી તેના માથે હાથ ફેરવ્યો, ‘ચલ, જલદી નીચે.’ શામ્ભવીએ પિતા સામે જોઈને કહ્યું, ‘તમે પણ જલદી આવો...’ તેણે જરા વ્યંગથી કહ્યું, ‘મોહિનીના ક્લાસ લેવાના છે.’ શામ્ભવી બહાર નીકળી ગઈ.

નાહી-ધોઈને રાધા જ્યારે ડાઇનિંગ ટેબલ પર આવી ત્યારે તેને જોઈને જડીબહેન ડઘાઈ ગયાં, ‘ભાભી તમે?’ તેમણે પૂછ્યું.

‘જડીબહેન, કેમ છો?’ રાધાએ સ્નેહથી પૂછ્યું. જડીબહેને ડરતાં-ડરતાં ડોકું ‘હા’માં ધુણાવીને ‘ઠીક છું’ એવો સંકેત તો આપ્યો પણ રાધાને જીવિત જોઈને જડીબહેનના પેટમાં તેલ રેડાયું હતું. જે કંઈ બન્યું એમાં જડીબહેને બીજા દિવસે, રાધાને મૃત જાહેર કરવાના ષડયંત્રમાં ઋતુરાજનો સાથ આપ્યો હતો.

જડી અને રઝાકનો વિશ્વાસુ માણસ જયરાજ મામા-ફોઈનાં ભાઈ-બહેન હતાં. રઝાકના કહેવાથી જયરાજે બહુ પૂછપરછ કરી ત્યારે ડરતાં, અચકાતાં જડીએ પોતાના ભાઈ પાસે કબૂલાત કરી લીધી હતી, ‘જે હળગી ગ્યા ઈ ભાભી હતાં કે, ઓલી બાઈનું બૉડી... એ મને આજેય હમજાયું નથ. જોકે એ દિવસ પછી મેં ભાભીને જોયાં નથ.’ આજે એ જ ભાભીને જીવતાં જોઈને જડીની જીભ સિવાઈ ગઈ હતી. હવે જે થવાનું હતું એ ભયાનક હશે એ વિચારે જડી ખૂબ ડરી ગઈ.

અત્યાર સુધી મોહિનીને તેનાં કરતૂત છુપાવવામાં મદદ કરતી રહેલી જડીને હવે ડર પેઠો હતો કે મોહિનીની સાથે-સાથે તેનો હિસાબ પણ ખૂલી જશે. તેણે બે હાથ જોડીને રાધાની સામે કરગરતાં કહ્યું, ‘ભાભી! મારો કોઈ વાંક નથી. હું તો આ ઘરની નોકર છું. જેમ માલિક કહે એમ મારે કરવું પડે.’

‘શેની વાત કરો છો?’ રાધાએ પૂછ્યું.

‘ભાભી...’ જડી એટલી ડરી ગઈ હતી કે ગુનેગારના પાંજરામાં ઊભા રહેવાને બદલે તેણે તાજના સાક્ષી બનીને સાચી વાત રાધાને કહી નાખવામાં પોતાની સલામતી લાગી, ‘મોહિનીબહેન સર્વન્ટ ક્વૉર્ટરમાંથી રાત્રે બહાર જતાં. હું કેવી રીતે ના પાડું? એ પેલા...’ જડી અચકાઈ, ‘ઋતુરાજભાઈને મળવા...’

‘ખબર છે મને.’ રાધાએ કહ્યું, ‘તમારો કોઈ વાંક નથી.’ પછી તેણે ધીમેથી ઉમેર્યું, ‘પણ સાહેબ પૂછે ત્યારે આ વાત ચોક્કસ કહેજો.’

‘સાહેબ પૂછશે?’ જડીના મોતિયા મરી ગયા.

‘હા.’ રાધાએ સધિયારો આપીને કહ્યું, ‘તમે સાચું બોલજો. તમને કંઈ નહીં થાય.’

‘હું ગરીબ માણસ છું...’ જડીએ કહ્યું, પછી હાથ જોડીને તે રડવા લાગી. રડતાં-રડતાં તે જમીન પર પડી ગયાં. અચાનક જ તેમનું આખું શરીર કડક થઈ ગયું. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં. તેમનું શરીર જોર-જોરથી ઝટકા ખાતું હતું. રાધા ગભરાઈ નહીં. તેને ખબર હતી કે જડીબહેનને એપિલેપ્સી-વાઈ કે ફિટની બીમારી હતી. રાધાએ જડીબહેનની મુઠ્ઠી ખોલી નાખી. તેમનાં જકડાઈ ગયેલાં જડબાંમાં એક ચમચી ભરાવીને જીભ કચરાય નહીં એનું ધ્યાન રાખ્યું. જડીબહેનનું ઝટકા ખાતું શરીર થોડી મિનિટોમાં શાંત થઈ ગયું. તે બેહોશ થઈ ગયાં.

આ બધું પૂરું થયું લગભગ ત્યારે જ મોહિની ઉપરથી નીચે ઊતરી. પૂરો મેકઅપ અને સ્ટ્રેટન કરેલા વાળ સાથે તે સ્કાય બ્લુ ટૉપ અને ગ્રે ફૉર્મલ ટ્રાઉઝર્સમાં કોઈ મૉડલ જેવી દેખાતી હતી. તેણે રાધાને જોઈ કોઈ નવી ઘટના ન હોય એમ તેણે સ્મિત કરીને કહ્યું, ‘ગુડ મૉર્નિંગ, ભાભી! ગુડ મૉર્નિંગ, મોટાજી.’

 મોહિનીને જરાય નવાઈ ન લાગી એ જોઈને શામ્ભવીને નવાઈ લાગી, ‘તને ખબર હતી કે મા ઘરે આવી ગઈ છે?’ શામ્ભવીએ પૂછી નાખ્યું. તેના આ ઉતાવળા સવાલ પર કમલનાથને અફસોસ થયો, પણ તે કંઈ બોલ્યા નહીં.

મોહિનીના ચહેરા પર એક ક્રૂર, લુચ્ચું સ્મિત આવ્યું, ‘તને લાગે છે કે હું ઘણીબધી વસ્તુઓથી અજાણ છું, પણ તું માને છે એના કરતાં હું ઘણી વધારે સ્માર્ટ છું.’ તેણે રાધા સામે જોઈને કહ્યું, ‘ઘણું વધારે જાણું છું હું.’

આ વાત અટકાવવા માટે પદ્મનાભે આંખો ઝીણી કરીને મોહિની સામે જોયું, પછી તેણે કમલનાથ સામે જોઈને કહ્યું, ‘મને આનંદ થયો, મોટાભાઈ! આખરે ભાભી ઘરે પાછાં આવી ગયાં.’

‘હા.’ કમલનાથે કંઈ જવાબ ન આપ્યો. તે બધું જ જાણતા હતા. જે કંઈ બન્યું હતું એ તેમની નજર સામે જ બન્યું હતું. એ પછી મોહિનીએ આટલાં વર્ષો સુધી ઊભો કરેલો દંભ અને જુઠ્ઠાણાની સાથે જીવતાં-જીવતાં કમલનાથ થાકી ગયા હતા. પદ્મનાભને બચાવતાં, તેને સાચવતાં-સાચવતાં પોતાના પરિવારનો ભોગ લેવાયો હતો એ વાત કમલનાથને હવે ખૂંચવા લાગી હતી.

‘ભાભી! અત્યાર સુધી તમારો હાર ચડાવેલો ફોટો જોઈને હું રોજ જીવ બાળતો હતો.’ પદ્મનાભે કહ્યું, ‘હવે એ ફોટો પરથી તમે જ હાર ઉતારી લો.’

‘એ હાર ગઈ કાલે રાત્રે જ ઊતરી ગયો.’ કમલનાથે કહ્યું, ‘ફોટો પણ આજે નીકળી જશે.’ પછી એમણે મોહિની સામે જોઈને કહ્યું, ‘મારે થોડી વાત કરવી છે. લંચ પછી બધા બંગલાની ઑફિસમાં ભેગાં થઈશું.’

‘શું વાત કરવી છે?’ મોહિની પૂછ્યા વગર ન રહી શકી.

‘હમણાં નથી કહેવી એટલે તો બધાને ઑફિસમાં બોલાવ્યાં.’ શામ્ભવીએ રોકડું પરખાવ્યું, ‘લલિત અંકલ અને...’ તેણે દાઢમાંથી કહ્યું, ‘ઋતુરાજ પણ આવી જાય, પછી...’

‘પરિવારની વાત છે.’ મોહિનીએ છેલ્લી વારનું યુદ્ધ લડી લેવાનું નક્કી કર્યું હતું, ‘તેનું શું કામ છે?’

‘એ તો બધા સામસામે આવશે ત્યારે જ ખબર પડશે.’ શામ્ભવીએ કહ્યું. પછી બધા ચૂપચાપ નાસ્તો કરતાં રહ્યાં. રાધા એક અક્ષર પણ ન બોલી એ વાતની પદ્મનાભ અને કમલનાથ બન્નેએ મનોમન નોંધ લીધી.

એ પછી રાધાએ પોતાનું ઘર સંભાળવાની શરૂઆત કરી.

‘જો બેટા! મેં વર્ષોથી તેમનું નમક ખાધું છે. હું તેમની સામે કંઈ બોલી નહીં શકું.’ ઘરેથી નીકળીને ચૌધરી રેસિડન્સ આવતાં ગાડીમાં લલિતભાઈએ સ્પષ્ટ શબ્દોમાં ઋતુરાજને કહ્યું.

‘મારે કોઈની વકીલાત નથી જોઈતી. મેં કંઈ ખોટું કર્યું જ નથી.’ ઋતુરાજ મુસ્તાક હતો. મોહિનીનો ફોન સાંભળ્યા પછી લલિતભાઈ મનોમન સહેજ ડરી ગયા હતા. તે મોહિનીને બરાબર ઓળખતા હતા. તેની લફરાબાજી અને ખર્ચાળ શોખ, પેજ થ્રી લાઇફસ્ટાઇલથી તે વાકેફ હતા. કમલનાથ બોલતા નહોતા, પણ તેમને આ બધું નહોતું ગમતું અને પરિવારમાં પણ ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું હતું એ વાત લલિતભાઈ જેવા અનુભવી માણસને સમજાતી હતી, પણ તે અત્યાર સુધી કોઈ મુદ્દા પર આંગળી મૂકી શક્યા નહોતા. મોહિનીએ ફોન ઉપર જે રીતે ઋતુરાજ સાથેના સંબંધની વાત કરી એ પછી લલિતભાઈ સતત પોતાના મનને પૂછી રહ્યા હતા કે ઋતુરાજ સોએ સો ટકા નિર્દોષ હોઈ શકે કે નહીં? તેમનું મન વારંવાર તેમને કહી રહ્યું હતું કે મોહિની જેવી સ્ત્રી કોઈ કારણ વગર આક્ષેપ કરે એ શક્ય નથી. ક્યાંક તો આગ હતી, એટલે જ આ ધુમાડો ઊઠ્યો હતો એ સમજાતું હોવા છતાં લલિતભાઈ સ્પષ્ટ અને સ્વસ્થ રીતે વિચારી શકતા નહોતા.

‘હું આશા રાખું છું કે તેં કંઈ ખોટું ન જ કર્યું હોય, પણ સાથે જ તને કહી દઉં કે જો તારી કોઈ ભૂલ હશે, કે તેં કંઈ ખોટું કર્યું હશે તો હું તને નહીં બચાવું...’ લલિતભાઈએ સ્પષ્ટ કહ્યું.

‘પણ મેં કંઈ ખોટું કર્યું જ નથી...’ ઋતુરાજે ફરી પોતાની વાત દૃઢતાથી કહી. પોતાની સફાઈ અને ચાલાકી પર મુસ્તાક ઋતુરાજને કલ્પના પણ નહોતી કે તેના ષડયંત્રનો ઘડો ભરાઈ ગયો હતો. ફૅમિલી મીટિંગમાં હાજર થવા માટે દત્તુ અને ચિત્તુની જોડી સાતારાથી નીકળીને મુંબઈ પહોંચવાની તૈયારીમાં હતી.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2025 08:10 AM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK