કમલનાથ તેને રોકવા ગયા, પણ શામ્ભવીએ આંખોથી જ પિતાને ‘ના’ પાડી. કમલનાથને થોડું દુઃખ થયું, પરંતુ દીકરીની આ સ્પષ્ટ વાત અને હિંમત જોઈને એક પિતા તરીકે તેમને ગૌરવ પણ થયું!
ઇલસ્ટ્રેશન
અનંત પોતાના પિતાથી નારાજ થઈને કમલનાથને મળવા આવ્યો હતો... તેને એવી આશા હતી કે કમલનાથને વિનંતી કરવાથી કદાચ તે અખિલેશ સાથે વાત કરે તો તેનું કામ આસાન થઈ જાય. થોડી વાર પહેલાં જ અખિલેશે સ્પષ્ટ શબ્દોમાં અનંત અને શામ્ભવીનાં લગ્ન માટે ના પાડી હતી. બેચેન થઈને અનંત અહીં ધસી આવ્યો હતો, પરંતુ શામ્ભવીનો ચહેરો જોઈને અનંતને લાગ્યું કે અહીં આવીને તેણે ભૂલ જ કરી હતી! અનંતની વાત સાંભળ્યા પછી શામ્ભવીએ કહી નાખ્યું, ‘આપણાં અરેન્જ્ડ મૅરેજ છે, હું તારા પ્રેમમાં નથી... હજી તો નથી જ. સોમચંદ અને ચૌધરી બન્ને ફૅમિલી સંમત નહીં થાય તો આ લગ્ન નહીં થઈ શકે.’
કમલનાથ તેને રોકવા ગયા, પણ શામ્ભવીએ આંખોથી જ પિતાને ‘ના’ પાડી. કમલનાથને થોડું દુઃખ થયું, પરંતુ દીકરીની આ સ્પષ્ટ વાત અને હિંમત જોઈને એક પિતા તરીકે તેમને ગૌરવ પણ થયું! તેમણે નજીક આવીને શામ્ભવીને બાથમાં લઈ લીધી. પિતાની છાતી પર માથું મૂકીને શામ્ભવીએ કહ્યું, ‘પહેલાં ઘરના પ્રશ્નો તો ઠેકાણે પાડીએ! જે રીતે બધું ફેલાયું છે એ તમે એકલા ભેગું નહીં કરી શકો.’ કમલનાથ સ્નેહથી શામ્ભવીના માથે હાથ ફેરવતા રહ્યા. ઉપરની તરફ ઊભેલી મોહિનીએ આ બધું સાંભળ્યું. તેને બરાબર સમજાઈ ગયું કે તેની બાજી ઉઘાડી પડી ગઈ છે એટલું જ નહીં, હવે પિતા-પુત્રી એક થઈને આખી પરિસ્થિતિને બદલવા માટે જે થઈ શકશે એ કર્યા વગર રહેશે નહીં. રાધા પાછી આવે છે એ વાત સાંભળીને મોહિનીને ફાળ પડી. રાધા આ ઘરમાં પાછી આવે એનો અર્થ એ થયો કે ઋતુરાજનાં પત્તાં પણ ઉઘાડાં પડી શકે... મોહિનીએ તેના લોમડી જેવા મગજમાં પોતાની બાજી ફરી ગોઠવવા માંડી. રાધા આ ઘરમાં પાછી આવી રહી છે એ વાત ઋતુરાજને કહેવા માટે મોહિની ઉતાવળી થઈ ગઈ.
ADVERTISEMENT
lll
આટલાં વર્ષે મળેલા બે ભાઈઓ સાથે બેસીને જમ્યા. મંજરી બન્નેને એવી રીતે જોઈ રહી હતી જાણે સ્વયં ભગવાનનાં દર્શન થઈ ગયાં હોય. તેની આંખોમાંથી આંસુ અટકતાં જ નહોતાં. ચિત્તુને પોતાના હાથે કોળિયા ભરાવતી, તેના માથે હાથ ફેરવતી, તેને આગ્રહ કરીને જમાડતી મંજરીને જોઈને દત્તુને પણ ઘડી-ઘડી ડૂમો ભરાઈ આવતો હતો! ભાઈ-ભાભીનો આ પ્રેમ જોઈને ચિત્તુ એટલું તો સમજી જ ગયો કે અહીં કોઈનાથી ડરવા જેવી કે કોઈના પર શંકા કરવા જેવી પરિસ્થિતિ નહોતી. હવે તેણે પોતાની બધી ઢાલ ખસેડી નાખવાનું નક્કી કરી દીધું.
જમ્યા પછી મંજરી રસોડું આટોપતી હતી ત્યારે બન્ને ભાઈઓ બહાર હીંચકા પર બેઠા. ચિત્તુએ ધીમેથી કહ્યું, ‘ભાઈ, આટલાં વર્ષ સુધી છુપાઈને રહેવા માટે તમારી માફી માગું છું... તમને ખૂબ દુઃખ આપ્યું છે. મારે બીજા પર વિશ્વાસ કરવાને બદલે તમારી પાસે આવવું જોઈતું હતું... મેં પેલા હરામીનો ભરોસો કરીને મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી છે.’ તેણે બે હાથ જોડીને દત્તુને કહ્યું, ‘મને માફ કરો ભાઉ. મારી ભૂલ થઈ ગઈ.’
‘ભૂલ કરે તે માણસ! પણ મને સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે તને ત્રીજા માણસે કહ્યું ને તેં માની લીધું કે હું તારી મદદ નહીં કરું...’ દત્તુએ દુઃખી હૃદયે ચિત્તુના ગાલ પર હળવી ટપલી મારી.
‘તે રાસ્કલ છે. તેણે જ મને દેશની બહાર મોકલી દીધો. ઋતુરાજે મને ડરાવીને રાખ્યો. આટલાં વર્ષ સુધી પાછો આવવા ન દીધો. તે કહેતો રહ્યો કે હું પાછો આવીશ તો તમે મને...’ ચિત્તુએ ફરી હાથ જોડ્યા, ‘હું તેની વાતમાં આવી ગયો...’
‘તેને તો આપણે ખતમ કરી નાખીશું.’ દત્તુની આંખો બદલાઈ ગઈ, ‘જેણે મને તારાથી દૂર રાખ્યો તે માણસ તેના મોતની ભીખ માગશે એ... તું જોજે!’
‘તેની સાથે પેલી ડાકણને પણ રડતી-તરફડતી જોવી છે મારે.’ ચિત્તુની આંખોમાં લોહી ઊતરી આવ્યું, ‘ઋતુરાજ તો પછી આવ્યો, પહેલો ઘા તો આ બાઈએ કર્યો મારી પીઠમાં...’ ચિત્તુએ આખી વાત પોતાના ભાઈને કહી સંભળાવી. કઈ રીતે રઝાક સાથે અમદાવાદ ગયો ત્યાંથી શરૂ કરીને શામ્ભવીએ અચાનક કરી દીધેલા ફાયર સુધીની આખી કથા... દત્તુ આંખ મીંચીને સાંભળતો રહ્યો. રાધાએ આપેલી વિગતો અને ચિત્તુની વાર્તા એકબીજાથી જરાય જુદાં નહોતાં! ‘એ પછી ઋતુરાજ મને ઍમ્બ્યુલન્સમાં બહાર લઈ ગયો. એક ઓળખીતા ડૉક્ટરની હૉસ્પિટલમાં મારી સારવાર કરાવી. ગોળી મને વાગી નહોતી, ઘસાઈ હતી. મરવાના તો કોઈ ચાન્સ જ નહોતા... ઋતુરાજે મને હૉસ્પિટલમાંથી બહાર કાઢ્યો, એક હોટેલમાં લઈ ગયો. એ પછી તેણે મને ડરાવવાનું શરૂ કર્યું. મોહિનીના નવરાની બીક બતાવી, તેના જેઠની બીક બતાવી, તમારી...’ ચિત્તુ ફરી હાથ જોડવા લાગ્યો, ‘હું ડરી ગયો ભાઉ!’ દત્તુએ વહાલથી ચિત્તુને પંપાળ્યો, ‘તેણે મને પહેલાં દુબઈ ને ત્યાંથી ઍમ્સ્ટરડૅમ, ત્યાંથી બેલ્જિયમ મોકલ્યો. હું છેલ્લાં આઠ વર્ષથી બેલ્જિયમની નજીક આવેલા એક નાનકડા શહેર બ્રુજમાં રહું છું.’ સહેજ અટકીને તેણે ઉમેર્યું, ‘મને બહુ મોડું સમજાયું કે તેણે તેના સ્વાર્થ માટે મને દેશની બહાર ધકેલ્યો, મારો ઉપયોગ કર્યો... કરતો રહ્યો. એક ભૂલ બચાવવા જતાં હું એવો ફસાયો કે...’
‘તું ત્યાં શું કરે છે?’ દત્તુએ પૂછ્યું, ‘કમાવા માટે...’
‘નહીં પૂછતા...’ ચિત્તુ નીચું જોઈ ગયો, ‘ઍમ્સ્ટરડૅમથી જુદા-જુદા રસ્તે ડ્રગ્સ ઇન્ડિયામાં ઘુસાડવાનું કામ કરું છું. આ...’ ચિત્તુ ચૂપ થઈ ગયો, ‘આ ઋતુરાજ મારો પાર્ટનર છે. તેણે જ મને આ ધંધામાં...’
‘બેટા! આપણે ગમે એ ખોટાં કામ કરતા હોઈએ, પણ આ દેશની આવનારી નસલને બરબાદ કરવાનું કામ તો ન જ કરાય.’ દત્તુએ કહ્યું, ‘હું હજાર ગુના કરું છું. ફિરોતી, લૂંટ, ધાકધમકી, તોડપાણી અને ખૂન સુધી...’ તેણે નિઃશ્વાસ નાખ્યો, ‘પણ ડ્રગ્સના નામથી મને ચીડ છે. મારી આસપાસમાં કોઈ ડ્રગ્સના ધંધામાં છે એવી શંકા પણ પડે તો હું તેને...’ દત્તુ બાકીના શબ્દો ગળી ગયો. થોડીક ક્ષણો ચૂપ રહીને તેણે કહ્યું, ‘હું બધાને રોકું ને મારો જ ભાઈ...’ તેણે ચિત્તુ સામે જોઈને કહ્યું, ‘તારો વાંક નથી. તું તેની જાળમાં ફસાયો, પછી તારી પાસે પણ રસ્તો નહોતો એ વાત મને સમજાય છે.’ ચિત્તુ રડી પડ્યો. દત્તુએ સ્નેહથી કહ્યું, ‘આજ પછી આમાંનું કશું જ કરવાની જરૂર નથી તારે. સાત પેઢી ખાય એટલા પૈસા છે આપણી પાસે.’
‘નહીં કરું ભાઉ...’ ચિત્તુએ બાજુમાં બેઠેલા ભાઈના ખોળામાં માથું મૂકી દીધું, ‘મને પણ નથી ગમતું. એ ઋતુરાજ પાસે પુરાવા છે. પહેલાં ફસાવ્યો ને પછી બ્લૅકમેઇલ કરતો રહ્યો... બહુ ભૂલો કરી છે મેં. એક પછી એક...’ તેણે રડતાં-રડતાં કહ્યું, ‘પણ હવે મારે તમારી સાથે રહેવું છે, સુખેથી જીવવું છે. નિર્મલા અને અજિતાને...’ તે બોલતાં બોલી ગયો, પછી ચૂપ થઈ ગયો.
દત્તુ હસી પડ્યો, ‘તારી ભાભીએ તને કહી દીધું? તેના પેટમાં કોઈ વાત રહેતી નથી.’ કહીને દત્તુએ ખોળામાં સૂતેલા ભાઈના માથે હાથ ફેરવ્યો, ‘ચાલ, સારું જ થયું. હું સવારે વાઈ ગામ તરફ ગાડી મોકલીશ. અજિતા અને તેની આજીબાઈને બોલાવીએ.’ તેણે દુઃખી અવાજે કહ્યું, ‘નિર્મલા તો બિચારી...’
‘ખબર છે મને.’ ચિત્તુને તે ભોળી, બિલોરી કાચ જેવી આંખો ધરાવતી, માખણમાંથી બની હોય એવી શુદ્ધ અને પવિત્ર નિર્મલાની છબિ એક વાર નજર સામે દેખાઈ, ‘પણ હું તેને મળવા જઈશ...’
‘કોને ખબર! તને જોઈને કદાચ તેની હાલત થોડીઘણી સુધરી જાય!’ દત્તુએ કહ્યું. તે હજીયે ખોળામાં સૂતેલા ભાઈના વાળમાં આંગળાં ફેરવી રહ્યો હતો.
‘હું વિઠોબાને પ્રસાદ ચડાવીશ, પંઢરપુર જઈને પાલખી ઉપાડીશ...’ ચિત્તુ ફરી રડી પડ્યો, ‘મારી નિર્મલા સાજી થઈ જાય! મેં તેની સાથે પણ ખોટું કર્યું છે! બહુ પાપી છું હું. સૌનો ગુનેગાર...’ ચિત્તુ રડતો રહ્યો ને દત્તુનાં આંગળાં સ્નેહથી તેના વાળમાં ફરતાં રહ્યાં.
મંજરી એક વાર બહાર આવી, પરંતુ બન્ને ભાઈઓને એકબીજા સાથે આત્મીયતાથી વાતો કરતા જોઈને તે દરવાજેથી પાછી વળી ગઈ. આજની રાત આટલાં વર્ષે મળેલા આ બે ભાઈઓની હતી... તેણે તેમના આ સ્નેહમિલનમાં પ્રવેશીને તેમનું એકાંત ડિસ્ટર્બ ન કર્યું.
lll
‘મારી વાત સાંભળ...’ ઋતુરાજે ચેતવણી આપી હોવા છતાં મોહિની તેને ફોન કર્યા વગર ન રહી શકી, ‘અહીં બધું ઊથલી પડ્યું છે.’ ઋતુરાજે કોઈ પ્રતિભાવ ન આપ્યો, ‘શામ્ભવી લગ્ન તોડવા તૈયાર થઈ ગઈ છે. મોટાજીને ખબર પડી ગઈ છે કે ચિત્તુનો કાંડ તેં કર્યો હતો... અને...’ મોહિની ખચકાઈ, પછી તેણે કહી જ નાખ્યું, ‘રાધા પાછી આવે છે. સત્યાનાશ થઈ ગયું.’ મોહિનીએ ગુસ્સામાં ઉમેર્યું, ‘કંઈ કર... નહીં તો આપણે બન્ને...’
‘આ બધું મને શું કામ કહો છો? કોણ ચિત્તુ? કયો કાંડ? શું બોલો છો તમે?’ ઋતુરાજ જે રીતે બોલ્યો એનાથી મોહિનીને ફાળ પડી. તે અચાનક ‘તું’માંથી ‘તમે’ પર ઊતરી આવ્યો હતો, ‘જુઓ ભાભી! હું સમજી શકું છું કે હવે તમને પકડાઈ જવાનો ડર લાગે છે, પણ એથી મને ફસાવવાનો પ્રયત્ન નહીં કરતા.’ તેનો અવાજ આઘાત પમાડે એટલો સ્વસ્થ હતો, ‘મારા પિતાએ કમલઅંકલની વફાદારી નિભાવી છે ને મેં પણ...’
‘હેં!’ મોહિની આ ભયાનક પલટો જોઈને ડઘાઈ ગઈ.
‘કેમ? તમે જ મને કહ્યું હતું... કે આ બધું તમે કર્યું છે.’ ઋતુરાજ એક-એક શબ્દ દાઢમાંથી ચાવીને, ગોઠવીને બોલી રહ્યો હતો, ‘હૉસ્પિટલમાંથી ચિત્તુને ભગાડવાની વ્યવસ્થા તો તમે જ કરી હતીને?’ ઋતુરાજે સાવ નિરાંતે કહ્યું, ‘મેં તો તમને એ જ વખતે કહ્યું હતું કે કમલઅંકલ એક દિવસ આ શોધી જ કાઢશે, ત્યારે તમે મને કહ્યું હતું કે જોયું જશે...’ ઋતુરાજ એકદમ નફ્ફટની જેમ બોલી રહ્યો હતો, ‘ભાભી! ગુનો ક્યારેય છુપાવી શકાતો નથી. તમે જે કર્યું છે એની સજા તો કમલઅંકલ તમને આપશે જ...’ તેણે ઊંડો શ્વાસ લીધો, ‘થૅન્ક ગૉડ, રાધા આન્ટી પાછાં આવે છે. કેટલા સારા સમાચાર છે.’ તેનો અવાજ નિર્દોષ હતો, ‘આન્ટી ક્યાં હતાં અત્યાર સુધી? કંઈ ખબર પડી?’
‘તું... શું...’ મોહિનીના શબ્દો ખોવાઈ ગયા. તેણે ક્યારેય નહોતું ધાર્યું કે ઋતુરાજ તેને આવી રીતે ફસાવશે. મોહિનીને સમજાઈ ગયું કે હવે જ્યારે પણ આ વિશે વાત થશે ત્યારે ઋતુરાજ દોષનો આખો ટોપલો પોતાના માથે મૂકી દેશે. તે વધુ બેબાકળી અને બેચેન થઈ ગઈ, ‘પ્લીઝ ઋતુરાજ... મને આવી રીતે ફસાવ નહીં. આઇ લવ યુ...’
‘શું બોલો છો?’ ઋતુરાજે ફરી એક ડામ દીધો, ‘તમે જ્યારે મને પહેલી વાર આ વાત કહી ત્યારે જ મેં તમને કહ્યું હતું કે મને તમારામાં આવો કોઈ ઇન્ટરેસ્ટ નથી. પ્લીઝ... કોઈ સાંભળે તો કેવું લાગે? કમલઅંકલનો પરિવાર અમારા માટે અન્નદાતા છે. પદમનાભઅંકલ મારા માટે મોટા ભાઈ જેવા છે... મારા પપ્પાને ખબર પડે તો... પ્લીઝ...’ મોહિનીએ આ છેલ્લી વાત સાંભળી ત્યારે તેને લાગ્યું કે કોઈએ તેના પગ નીચેથી કાર્પેટ ખેંચી લીધી છે. ઋતુરાજે છેલ્લું વાક્ય કહ્યું, ‘પ્લીઝ, હવે મને ફોન નહીં કરતાં. આ ફોન સ્પીકર પર છે. મારા પપ્પા સાંભળી રહ્યા છે.’ મોહિનીએ પોતાના હાથમાં પકડેલો સેલફોન છુટ્ટો ફેંક્યો. તે માથે હાથ દઈને જમીન પર ફસડાઈ પડી. ઋતુરાજે તેને બરાબર સપડાવી હતી, પોતે ક્લીન-ચિટ લઈને બહાર નીકળી જવાની પૂરી વ્યવસ્થા કરી લીધી હતી.
ફોન ડિસકનેક્ટ કર્યા પછી ઋતુરાજે સામે ઊભેલા લલિતભાઈને કહ્યું, ‘મેં ક્યારેય કશું ખોટું નથી કર્યું, તમે જાણો જ છો...’ તેણે ચાલાકીથી ઉમેર્યું, ‘એટલે જ મેં ફોન સ્પીકર પર મૂક્યો.’ ઋતુરાજ અત્યંત ચાલાક માણસ હતો, લોમડી જેવો ખંધો. તેને સમજાઈ ગયું કે હવે તેણે પોતાની બાજી સંભાળી લેવી પડશે. એટલે લલિતભાઈ સુધી આ આખા કિસ્સાની માહિતી પહોંચે એ પહેલાં તેણે પાળ બાંધવાની શરૂઆત કરી દીધી.
રાધાબહેનને જેલમાંથી કિડનૅપ કરી લેવામાં આવ્યાં હતાં એની વાત શરૂ કરીને તેણે જ દત્તુની માહિતી કમલનાથ સુધી પહોંચાડી એવો દાવો કરીને ચિત્તુને પોતે જ શોધ્યો એવી સાવ હમ્બગ માહિતી પિતાના મગજમાં નાખીને ઋતુરાજે એવો મજબૂત કેસ તૈયાર કર્યો કે હવે કદાચ કમલનાથ તેના સૌથી વિશ્વાસુ માણસ લલિતભાઈને તેના જ દીકરાની ફરિયાદ કરે તો લલિતભાઈ તેમની સામે જડબેસલાક દલીલો પેશ કરીને એવું સાબિત કરી શકે કે પોતાનો દીકરો બેગુનાહ છે!
lll
મોહિની પોતાના ઓરડામાં બેચેન થઈને આંટા મારતી હતી. કમલનાથ અને શામ્ભવીએ તેને જણાવા દીધું નહોતું, પરંતુ મોહિની જાણતી હતી કે અડધી રાત્રે ‘ચૌધરી રેસિડન્સ’ના ગેટ ખૂલ્યા અને એમાંથી જે સફેદ સ્વિફ્ટ ગાડી પ્રવેશી એમાં રાધા ૧૩ વર્ષ પછી પોતાના ઘરમાં પાછી ફરી રહી હતી.
ફોયરમાં બનાવેલા સુંદર કમળની ડિઝાઇન પર ગાડી ઊભી રહી. સહેજ અચકાઈને રાધા એ ગાડીમાંથી ઊતરી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. સામે ઊભેલા કમલનાથ અને શામ્ભવી તેને ધૂંધળાં દેખાયાં. બન્ને હાથે આંખો લૂછીને રાધાએ હાથ પહોળા કર્યા. શામ્ભવી ઝડપથી પગથિયાં ઊતરીને માના બાહુપાશમાં સમાઈ ગઈ, ‘વેલકમ હોમ મા...’
‘આજ સુધી સાંભળ્યું હતું કે મા પોતાના સંતાનને લઈને ઘરે આવે, આજે તું મને ઘરે લઈ આવી...’ શામ્ભવીને ભેટેલી રાધાનાં આંસુ કોઈ રીતે રોકાતાં નહોતાં, ‘આટલાં વર્ષોથી બસ આ જ ક્ષણની પ્રતીક્ષા કરી છે મેં. હવે ઈશ્વર પાસે જવું પડે તો કોઈ ફરિયાદ નથી...’
‘હજી તો ઘરે આવી છે.’ કમલનાથે રૂંધાયેલા ગળે કહ્યું, ‘હવે ક્યાંય નહીં જવા દઉં તને. મારી જિંદગીનાં રહી ગયેલાં બધાં વર્ષો તારી સાથે વિતાવવા છે મારે.’ શામ્ભવીની પાછળ ઊભેલા કમલનાથની નજર સાથે રાધાની નજર મળી. પતિ-પત્નીના અથાગ સ્નેહ અને સમર્પણનો દરિયો બન્નેની આંખોમાં છલકાયો.
રાધાને લઈને પિતા-પુત્રી ઘરમાં પ્રવેશ્યાં.
ડ્રૉઇંગરૂમમાં સોનાની ફ્રેમમાં લટકતા પાંચ બાય પાંચના પોતાના જ ફોટો સામે જઈને રાધા સહેજ અટકી. યુવાનીનો આ ફોટો તેની નજર સામે હતો અને ફ્રેમના કાચમાં તેને પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું. સમયે તેના ચહેરા પર ચાસ પાડ્યા હતા. આંખો નીચે કાળાં કૂંડાળાં, ચહેરા પર કરચલી અને વાળ ધોળા થઈ ગયા હતા. તેણે કમલનાથ તરફ જોયું. પત્નીની આંખમાં રહેલી ફરિયાદ કદાચ તે સમજી ગયા. તેમણે કહ્યું, ‘આ તસવીરના સહારે તો મેં આટલાં વર્ષો કાઢ્યાં છે. હવે તું આવી ગઈ છે... તસવીર હટાવી દઈશું આપણે. આની જગ્યાએ આપણા ત્રણેયનો એક ખુશખુશાલ ફોટો મૂકીશ હું.’ પૂરા સંકોચ છતાં સંપૂર્ણ અધિકારથી કમલનાથે પત્નીના ખભાની આસપાસ પોતાનો હાથ વીંટાળ્યો. રાધાએ સ્નેહથી કમલનાથના ખભા પર માથું મૂકી દીધું. શામ્ભવીએ પણ પિતાના બીજા ખભા પર પોતાનું માથું ઢાળ્યું. ત્રણેયની આંખોમાં પાણી હતાં; પણ આજે આ વિરહનાં આંસુ નહીં, ખુશીની ગંગોત્રી હતી.
રાધા થોડી અચકાઈને કમલનાથના ઓરડામાં પ્રવેશી, ‘આવ, તારો જ રૂમ છે.’ કમલનાથે કહ્યું. ત્યાં ગોઠવેલા સિટિંગ પર રાધા અધૂકડી બેઠી. શામ્ભવી માના પગ પાસે બેસી ગઈ. તેણે માના ખોળામાં માથું મૂકી દીધું. થોડી વાર ઓરડામાં મૌન છવાયેલું રહ્યું. કમલનાથ મોટી ફ્રેન્ચ વિન્ડો પાસે ઊભા રહીને બગીચામાં ગોઠવાયેલી લાઇટ્સના નાનકડા વર્તુળમાં દેખાતાં વૃક્ષોનાં પાંદડાં અને બાકીના બગીચામાં છવાયેલો અંધકાર જોતા રહ્યા...
‘બાપુ! હવે મા આવી ગઈ છે... આપણે કાલે સવારે મોહિની સાથે વાત કરીશું.’ શામ્ભવીએ કહ્યું, ‘હવે તેણે પોતાનાં બધાં કર્મોનો હિસાબ આપવો પડશે. તમે કાલે લલિતઅંકલ અને તેના દીકરાને પણ બોલાવી લો...’
‘અટકી જા બેટા!’ કમલનાથે પૂરા ઠહેરાવ અને સ્વસ્થતાથી શામ્ભવીને અટકાવી, ‘આ બધું તું માને છે એટલું સહેલું નથી. ઋતુરાજ ભયાનક ચાલાક માણસ છે. અત્યાર સુધીમાં તેને ખબર પડી જ ગઈ હશે કે હું બધું જાણી ગયો હોઈશ. તેણે પોતાની બેગુનાહી સાબિત કરવાની વ્યવસ્થા ઊભી કરી લીધી હશે...’
‘તો?’ શામ્ભવીએ પૂછ્યું, ‘આપણે કંઈ નહીં કરીએ?’
‘કરીશું.’ કમલનાથે એટલી જ શાંતિથી કહ્યું, ‘તેને અપેક્ષા હોય ત્યારે હુમલો કરીએ તો તે સામનો કરવા માટે સાવધ અને તૈયાર હશે. તેને એવી જગ્યાએ પકડવો પડશે જ્યાં તે ગાફેલ હોય.’ તેમણે લગભગ સ્વગત કહ્યું, ‘એ પળ અને જગ્યાની રાહ જોવી પડશે બેટા!’
(ક્રમશઃ)

