મંજરીએ વહાલથી ચિત્તુના ગાલ પર હાથ ફેરવ્યો, ‘નિર્મલાની દીકરી છે, તેર વર્ષની.’ મંજરીની આંખો ફરી ભીની થઈ ગઈ, ‘નિર્મલા તો વેડી થઈ ગઈ છે.
ઇલસ્ટ્રેશન
ઘણું વિચાર્યા પછી ચિત્તરંજન ભાઈને મળવાને બદલે પહેલાં ભાભી પાસે પહોંચ્યો. જે રીતે અચાનક ચિત્તુ અને દત્તુની વાત થઈ એ પરિસ્થિતિમાં વિતેલાં વર્ષોનો હિસાબ સમજ્યા વગર ચિત્તુ કોઈ નવી શરૂઆત કરવા માગતો નહોતો. ઍરપોર્ટથી તે સીધો ઘરે પહોંચ્યો... નાનકડા ત્રણ બેડરૂમના બંગલી જેવા મકાનમાંથી બની ગયેલો આ વિશાળ મહાલય જોઈને ચિત્તુને આશ્ચર્ય થયું. બહાર ચાર જણ પહેરો ભરતા હતા. તેમણે ચિત્તુને જતો રોક્યો, ‘હું ચિત્તુ છું, દત્તુનો ભાઈ...’ તે ચારમાંથી કોઈ માનવા તૈયાર નહોતું. અંતે ચિત્તુએ તેમને અંદર પૂછપરછ કરવાની વિનંતી કરી. એક માણસે અંદર જઈને માત્ર ચિત્તુનું નામ લીધું એટલે તરત મંજરી આંખમાં આંસુ સાથે દોડતી બહાર આવી. ભાભી-દિયરનું કહો કે મા-દીકરાનું મિલન જોઈને તે ચારેય પહેરેદારની આંખો પણ ભીની થઈ ગઈ. રડતી મંજરી ચિત્તુને વહાલ કરતી ગઈ ને મારતી ગઈ. ચિત્તુ પણ ભાભીને ગળે વળગીને નાના બાળકની જેમ ડૂસકે-ડૂસકે રડ્યો...
‘ભાઉએ મને એકદમ કેમ શોધ્યો? આટલાં વર્ષ...’ ઇમોશનલ શરૂઆત પછી ચિત્તુએ પોતાની શંકા સીધી જ મંજરી સામે મૂકી દીધી.
ADVERTISEMENT
‘તે તો તને શોધતા જ હતા, તું મળ્યો નહીં.’ મંજરીએ આંખો લૂછીને ચિત્તુને ફરી એક થપાટ મારી, ‘તું જીવતો હતો તો તારે અમને શોધવા જોઈતા હતા.’ તેણે વળી ચિત્તુના માથે હાથ ફેરવ્યો, તેનો કાન ખેંચ્યો, ‘તુલા માહિત નાહી કે તારો ભાઈ તને કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે એમ છે?’
‘ખબર છે... પણ મને લાગ્યું કે...’ ચિત્તુ પાસે ખરેખર જવાબ નહોતો, પણ સવાલ હતો, ‘શું થયું છે? ભાઈએ મને બોલાવ્યો...’
‘ખૂબ સારા સમાચાર છે.’ મંજરી ઉત્સાહી અને બેવકૂફ હતી. તેનાથી વાત પેટમાં રખાઈ નહીં, ‘તારી એક દીકરી છે, અજિતા.’ ચિત્તુ વિસ્મયથી સાંભળતો રહ્યો, ‘વાઈ ગામે તારું જે લફરું હતુંને?’ ચિત્તુને તેની પ્રેમિકા નિર્મલા યાદ આવી ગઈ. ભૂખરી-પારદર્શક આંખો, માખણ જેવો વાન અને સોનેરી ગૂંચળાવાળા લાંબા વાળ...
‘નિર્મલા?’ ચિત્તુ તેને ભૂલ્યો નહોતો.
‘હા...’ મંજરીએ વહાલથી ચિત્તુના ગાલ પર હાથ ફેરવ્યો, ‘નિર્મલાની દીકરી છે, તેર વર્ષની.’ મંજરીની આંખો ફરી ભીની થઈ ગઈ, ‘નિર્મલા તો વેડી થઈ ગઈ છે. તારી પાછળ ઝૂરી-ઝૂરીને તે છોકરીએ પોતાની જાત ઘસી નાખી...’ મંજરીએ ફરિયાદભરી આંખે ચિત્તુ સામે જોયું, ‘અન્યાય કર્યો તેં તેને.’
‘ખરેખર? નિર્મલા પાગલ થઈ ગઈ?’ ચિત્તુ ખરેખર પસ્તાવાથી ભરાઈ ગયો, ‘એટલે એકદમ?’
‘હા! શરીરનું, કપડાંનું ભાન નથી તેને. મેન્ટલ હૉસ્પિટલમાં ભરતી કરવાની વ્યવસ્થા કરી છે તારા ભાઈએ.’ મંજરીએ કહ્યું, ‘તેની મા હવે મરવાના વાંકે જીવે છે. તે આવી હતી છોકરીને લઈને. અદ્દલ તારા જેવી દેખાય છે.’ કહીને મંજરીએ ફરી આંખો લૂછી, ‘મારા માટે તો દીકરાની દીકરી, નાતિન છે. તે છોકરીનાં પગલાં કેવાં શુભ... તને પાછો લઈ આવી!’
હવે ચિત્તુને સમજાયું, ભાઈ કેમ શોધતો હતો તે!
તેણે બીજા ઘણા પ્રશ્નો પૂછીને મંજરી પાસેથી આગળ-પાછળનો બધો હિસાબ કઢાવી લીધો. દત્તુ આજે ક્યાં છે, તેનો પાવર અને પોઝિશન શું છે એનો ટ્રૅક તો ચિત્તુએ બરાબર રાખ્યો હતો; પરંતુ ભાઈ આજે પણ પોતાને ચાહે છે, આટલાં વર્ષો પોતાને શોધતો રહ્યો છે એ જાણીને ચિત્તુના મનમાં રહેલાં ડર અને શંકા બન્ને લગભગ નિર્મૂળ થઈ ગયાં.
એ પછી ભાભી-દિયર અલકમલકની વાતો કરી રહ્યાં હતાં ત્યાં દત્તુની ગાડીનો અવાજ સંભળાયો. સામાન્ય રીતે ગાડીનો અવાજ સાંભળીને બહાર આવતી મંજરી આજે ન આવી!
દત્તુ જમાનાનો ખાધેલ માણસ હતો. સાવ એક નાનકડા પન્ટરમાંથી ભાઉ બનીને આજે સાતારા જિલ્લા પર રાજ કરતો હતો. મહારાષ્ટ્રની વિધાનસભામાં તેનો દબદબો હતો. મોટી સંખ્યામાં MLAને પોતાની સાથે લઈને ચાલતો. ધારે એની સરકાર બનાવે, ધારે એની સરકાર ઊથલાવે એવો પાવર તેની પાસે હતો એમ મહારાષ્ટ્રના રાજકારણીઓ માનતા હતા. આજે ઘરમાં દાખલ થતાંની સાથે તેને જે સુગંધ આવી એ ચિત્તુના યુડીકોલોનની સુગંધ હતી. દત્તુની સ્મૃતિ જાગી ઊઠી. મંજરી જે રીતે રસોડાની બહાર આવીને ઊભી રહી, એ જોઈને દત્તુ સમજી ગયો કે ઘરમાં કશુંક અસ્વાભાવિક બન્યું છે.
તેના માટે એ ધારવું અઘરું નહોતું કે ચિત્તુ સીધો તેની ભાભીને મળવા પહોંચ્યો હોય! તેણે ૨૫ ટકા ધારણા અને ૭૫ ટકા હોશિયારી સાથે પૂછી નાખ્યું, ‘ચિત્તુ ક્યાં છે?’
મંજરીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, ‘અ...’ તેને સમજાયું નહીં કે શું જવાબ આપવો... ત્યાં તો ચિત્તુ તેની ભાભીની પાછળથી નીકળીને બહાર આવ્યો. બન્ને ભાઈઓ એકમેકને જોઈ રહ્યા. દત્તુના વાળ ધોળા થઈ ગયા હતા, ચહેરા પર કરચલીઓ વધી હતી. આંખોની નીચેનાં કૂંડાળાં વધુ કાળાં થયાં હતાં અને વજનમાં દસ-બાર કિલોનો વધારો હતો. યુરોપમાં રહેવાને કારણે ચિત્તુ ગોરો થયો હતો. ફિટનેસ-ફ્રીક હતો એટલે શરીર જાળવ્યું હતું. ગયો ત્યારે નાનો છોકરો હતો. હવે એક પૂરો પુરુષ, એક સફળ માણસ બનીને પાછો ફર્યો હતો!
બન્ને ભાઈઓ ભેટી પડ્યા. દત્તુ ક્યાંય સુધી રડતો રહ્યો... ચિત્તુનું રુદન કદાચ ભાભીના ખભે પૂરું થઈ ગયું હતું એટલે તે ભાઈની પીઠ પર હાથ ફેરવતો તેને આશ્વાસન આપતો રહ્યો.
lll
રાધા ઘરે આવી રહી છે એ વિચારમાત્રથી શામ્ભવીનું મન બાકીના બધા સવાલોને પાછળ ધકેલીને માની પ્રતીક્ષા કરવા લાગ્યું. અત્યાર સુધી તે જેટલી વાર રાધાને મળી એ દરેક વખતે તેની માએ શામ્ભવીને પોતાનાથી દૂર રાખવાનો, પોતાની ઓળખ નકારવાનો પ્રયાસ કર્યો હતો. આજે પહેલી વાર રાધા આ ઘરની ગૃહલક્ષ્મી, શામ્ભવીની મા તરીકે ફરી પાછી ‘ચૌધરી રેસિડન્સ’માં પ્રવેશ કરવાની હતી! શામ્ભવીએ ઉત્સાહમાં પિતાને કહ્યું, ‘આપણે માના સ્વાગત માટે સરસ તૈયારી...’
‘શશશ...’ કમલનાથે હોઠ પર આંગળી મૂકી, ‘તે પહોંચે નહીં ત્યાં સુધી કોઈને ખબર ન પડવી જોઈએ.’ તેમની આંખોમાં ભય ઊતરી આવ્યો, ‘ઋતુરાજ વિશે જાણ્યા પછી હું ડરી ગયો છું. કોના પર ભરોસો કરવો ને કોના પર નહીં! લલિતભાઈનો દીકરો છે ઋતુરાજ...’ તેમનો અવાજ સહેજ ગળગળો થઈ ગયો, ‘બે પેઢીના સંબંધ છે. તે છોકરો આવું કરશે એવું તો મેં ક્યારેય નહોતું ધાર્યું. હમણાં શાંતિ રાખ. એક વાર તારી મા હેમખેમ ઘરે પહોંચી જાય...’
‘જી બાપુ.’ શામ્ભવીએ કહ્યું.
કમલનાથ ઊંડા વિચારમાં પડ્યા હતા. એ રાતની બધી ઘટનાઓ એક પછી એક યાદ કરવાનો કમલનાથ પ્રયાસ કરી રહ્યા હતા. શામ્ભવીએ અચાનક ચિત્તુ પર ગોળી ચલાવી, ચિત્તુ ઘવાયો એ પછી ઘરમાં સૌ ગભરાઈ ગયા. કોઈને કશું સમજાયું નહીં. ચિત્તુ બેહોશ થઈ ગયો હતો, પણ સૌને લાગ્યું કે તે મરી ગયો છે અથવા ઋતુરાજે એવો ભાસ ઊભો કર્યો કે શામ્ભવીના હાથે ખૂન થઈ ગયું છે! ઋતુરાજ બરાબર જાણતો હતો કે શામ્ભવી તેના પિતાની નબળી કડી હતી... તેણે મદદ કરવાના બહાના હેઠળ જે કંઈ કર્યું એ વિશે કોઈએ પૂરી તપાસ કરવાનો પણ પ્રયત્ન ન કર્યો એ વાતનો પારાવાર અફસોસ અત્યારે કમલનાથને થઈ રહ્યો હતો.
આ સિવાય પણ ઋતુરાજ શું-શું જાણતો હશે, તેણે શું કર્યું હશે એ વિશે પૂરી તપાસ કર્યા વગર, સમજ્યા વગર કમલનાથ તેની સાથે કોઈ યુદ્ધ શરૂ કરવા માગતા નહોતા. પરિસ્થિતિનો પૂરો ક્યાસ કાઢવો જોઈએ - એ માટે શું કરવું જોઈએ એ બધી ગણતરી તેમના મનમાં શરૂ થઈ ગઈ હતી.
ઘરમાં કોઈ ન સાંભળે એ માટે કમલનાથના રૂમમાં બેસીને વાત કરી રહેલાં પિતા-પુત્રીને ‘ચૌધરી રેસિડન્સ’નો મુખ્ય ગેટ ખૂલવાનો અવાજ સંભળાયો. કમલનાથના રૂમની મોટી ફ્રેન્ચ વિન્ડોમાંથી શામ્ભવીએ જોવાનો પ્રયત્ન કર્યો. એક BMW ગાડી ગેટમાંથી દાખલ થઈ, ‘અનંત આવ્યો છે બાપુ!’ શામ્ભવીએ સમાચાર આપ્યા.
‘અત્યારે?’ કમલનાથે ઘડિયાળ જોઈ. સાડાનવ વાગવા આવ્યા હતા, ‘મારે આજે અખિલેશને ફોન કરવાનો જ હતો. એક વાર રાધા પાછી આવે એટલે મારે તારાં લગન ઉકેલી નાખવાં છે...’ કમલનાથે સ્નેહથી શામ્ભવીના માથે હાથ ફેરવ્યો. તેમના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘ચાલો, જમાઈરાજાનું સ્વાગત કરીએ.’ કહીને તેમણે વાળમાં હાથ ફેરવ્યો, ઝભ્ભો સરખો કર્યો, સ્લિપરમાં પગ નાખીને નીચે ઊતરવા તૈયાર થયા.
lll
છેલ્લા બે-અઢી કલાકથી કમલનાથના રૂમનો દરવાજો બંધ કરીને પિતા-પુત્રી શું વાત કરતાં હશે એ વિશે મોહિનીના મનમાં ચટપટી થઈ. આજે જે કંઈ થયું એ પછી આવી ગંભીર ચર્ચા ચાલતી હોય તો કમલનાથ પાસે કોઈ મહત્ત્વના સમાચાર પહોંચ્યા જ હોવા જોઈએ એવું તેનું શિયાળ જેવું મગજ તેને વારંવાર કહી રહ્યું હતું.
પદમનાભને તો મોહિની પોતાની આંગળીનાં ટેરવે નચાવતી, પણ કમલનાથથી તેને ડર લાગતો. હજી સુધી કંપનીનો વ્યવહાર અને લગભગ બધી જ આર્થિક લેવડદેવડ કમલનાથના હાથમાં હતી. ઘરના તમામ આર્થિક વ્યવહારો કમલનાથના ભરોસે હતા એટલે તેમની સાથે બગાડવાનું પોતાને નહીં પોસાય એ વાતની મોહિનીને બરાબર ખબર હતી. કમલનાથની સામે તે કહ્યાગરી પુત્રવધૂ અને કુશળ ગૃહિણી બનવાનો દેખાવ કરતી, શામ્ભવી માટે તેને ખૂબ જ પ્રેમ છે એવું જતાવવાનો પ્રયાસ કરતી; પરંતુ મનોમન કમલનાથ અને શામ્ભવીને તે ખૂબ ધિક્કારતી. એમાંય આજે શામ્ભવીના મગજમાં તેણે જે વાત નાખી એ પછી શામ્ભવી ચૂપ નહીં બેસે એ વાતની મોહિનીને ખાતરી હતી. જોકે કમલનાથ કદાચ પોતાની દીકરીને બધું જ સત્ય નહીં કહે, નહીં કહી શકે એ વાતે મોહિની મુસ્તાક હતી! તેણે બે-ચાર વાર કમલનાથના રૂમની બહાર આંટા મારવાનો, વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો; પરંતુ સીસમના મજબૂત બંધ દરવાજાને પેલે પાર શું વાત ચાલતી હતી એનો તાગ મોહિની મેળવી શકી નહીં. તે બેચેન હતી, ઉત્સુક હતી અને થોડી ડરેલી પણ હતી.
lll
કમલનાથ પોતાના રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા ત્યારે તેમણે સામે જ ઊભેલી મોહિનીને જોઈ. તેમણે સહજ થવાનો પ્રયત્ન કરતાં સ્મિત કરીને પૂછ્યું, ‘ઑલ ઓકે?’ આ સવાલ મોહિનીને પૂછવો હતો, પરંતુ કમલનાથનો દબદબો તે તોડી શકતી નહીં. તેણે ડોકું હલાવીને કહ્યું, ‘યસ...’
કમલનાથ સડસડાટ નીચે ઊતરી ગયા. તેમની પાછળ રૂમમાંથી બહાર નીકળેલી શામ્ભવીને જોઈને મોહિની એટલું સમજી શકી કે તે ખૂબ રડી છે. તેનો ગોરો ચહેરો લાલઘૂમ હતો, આંખો સૂજેલી અને પાંપણો હજી ભીની હતી. મોહિનીએ સ્નેહથી આગળ વધીને શામ્ભવીનો હાથ પકડ્યો, ‘ઑલ ઓકે?’ તેણે પૂછ્યું. શામ્ભવીએ હાથ છોડાવ્યો, ‘બેટા! શું થયું છે?’ મોહિનીએ વળી ખોતરવાનો પ્રયાસ કર્યો. શામ્ભવી જવાબ આપ્યા વગર લગભગ મોહિનીને ધક્કો મારીને નીચે ઊતરી ગઈ. મોહિનીએ ગુસ્સામાં જમણા હાથની મુઠ્ઠી વાળી ડાબા હાથ પર પછાડી, ‘સાલી, હરામખોર... તે અને તેનો બાપ... મરતાં પણ નથી.’ તે ગુસ્સામાં પગ પછાડતી કમલનાથની પાછળ ચાલતી એવી જગ્યાએ આવીને ઊભી રહી જ્યાંથી ડ્રૉઇંગરૂમમાં થતી બધી જ વાત સાંભળી શકાય. બંગલાના ઍટ્રિયમની ડબલ હાઇટમાં એક નાનકડી રેલિંગ હતી જેની બન્ને તરફ બેડરૂમ્સ આવેલા હતા. આ ઍટ્રિયમ પર ઊભા રહેલા માણસને ડ્રૉઇંગરૂમ દેખાય, પણ ડ્રૉઇંગરૂમમાં અંદરની તરફ ઊભેલા માણસને ઍટ્રિયમ પર ઊભેલો માણસ ન દેખાય એ વ્યવસ્થા કમલનાથે એટલા માટે ગોઠવી હતી કે કેટલીક વાર ન મળવા જેવા માણસોને તે જોઈ શકે, પણ માણસ તેને ન જોઈ શકે! આજે આ વ્યવસ્થા મોહિનીને કામ આવી ગઈ.
કમલનાથ નીચે ઊતર્યા ત્યારે અનંત ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. તે અકળાયેલો, ધૂંધવાયેલો હતો. બપોરે ઑફિસથી નીકળી ગયા પછી તેણે શામ્ભવીને અનેક ફોન કર્યા હતા, પરંતુ ક્યારેક તેનો ફોન એન્ગેજ મળ્યો તો ક્યારેક શામ્ભવીએ ફોન ઉપાડ્યો જ નહીં. શામ્ભવીનો સંપર્ક થયો જ નહીં એટલે અંતે અનંત જાતે અહીં પહોંચી ગયો. કમલનાથ ચૌધરી અને અખિલેશ સોમચંદ જેવા પરિવારોમાં આવી રીતે ફોન કર્યા વગર કોઈના ઘરે પહોંચી જવું એ થોડું ‘આઉટ ઑફ એટિકેટ’ લાગે, પણ અનંત તો શામ્ભવીના પ્રેમમાં એવો પાગલ હતો કે શામ્ભવીને ખોઈ બેસવાના વિચારમાત્રથી તેની ભીતર ઊથલપાથલ થઈ ગઈ હતી. અખિલેશે લગ્નની વાત જે રીતે ટાળી દીધી એ પછી અનંત માટે આ સમસ્યા કોઈ પણ રીતે તરત જ ઉકેલવી જરૂરી બની ગઈ. પિતાની સામે શામ્ભવી સાથે વાત નહીં કરી શકેલો અનંત થોડો ગિલ્ટી હતો ને થોડો ચિંતામાં પણ હતો જ. તેણે ઘરમાં દાખલ થતાંની સાથે કમલનાથને કહ્યું, ‘અંકલ, તમને જરા ઑડ લાગશે, પણ તમે મારા ડૅડ સાથે વાત કરી લો...’ અનંતે હૈયાવરાળ કાઢી, ‘કંઈ સમજતા નથી. કારણ વગર જે નથી એ બધું શોધવાનો પ્રયત્ન કરે છે. દરેકને પાસ્ટ હોય. હવે જે થઈ ગયું છે એ બદલી નહીં શકાય એવું સમજવાને બદલે મારા અને શામ્ભવીના ફ્યુચરમાં...’ પિતા સાથે ચિડાયેલા અનંતે પોતાની ફરિયાદ કમલનાથ સામે મૂકી.
અનંતે જે રીતે કહ્યું એ પછી કમલનાથ જરા સાવધ થઈ ગયા, ‘શેની વાત કરી લઉં?’ કમલનાથ અહંકારી અને બે સ્ટાન્ડર્ડ ધરાવતા અખિલેશને બરાબર ઓળખતા હતા. ફાયદા વગર તે માણસ સ્મિત પણ ન કરે એ વાતની કમલનાથને જાણ તો હતી જ, પરંતુ સોમચંદ પરિવારમાંથી સામે ચાલીને આવેલું માગું તેમના માટે એક આનંદની ઘટના હતી. હવે કંઈક બદલાયું છે એવું તેમને અનંતની વાત પરથી સમજાયું. તેમણે અનંતને સમજવાનો પ્રયત્ન કર્યો, ‘શું થયું છે, બેટા?’
‘હું ગોળ-ગોળ વાત નહીં કરું અંકલ...’ અનંત તેના આખા પરિવારથી સાવ જુદો હતો. પ્રમાણમાં સીધો અને સરળ સ્વભાવનો આ છોકરો આજે પિતાને છોડીને કમલનાથની મદદ માગવા આવી પહોંચ્યો હતો, ‘રાધાઆન્ટી વિશે શામ્ભવીએ મને જે કંઈ કહ્યું એ બધી વાતની ડૅડને ખબર પડી ગઈ છે.’ કમલનાથના પગ નીચેથી કોઈએ કાર્પેટ ખેંચી લીધી હોય એમ તે સોફામાં ફસડાઈ પડ્યા, ‘તમે ચિંતા ના કરો...’ અનંતે કહ્યું, ‘હું શામ્ભવીને ચાહું છું. મારે તેના પાસ્ટ જોડે કઈ લેવાદેવા નથી. રાધાઆન્ટી જીવે છે અને જેલમાં છે એ બધું...’
‘મેં કોઈના પર ગોળી ચલાવી હતી.’ શામ્ભવીએ કહ્યું, ‘આજથી ૧૩ વર્ષ પહેલાં.’ કમલનાથ રોકવાનો પ્રયત્ન કરે એ પહેલાં શામ્ભવીએ કહી દીધું, ‘મને બચાવવા માટે જે થઈ શકે એ મારા પિતાએ કર્યું. તે માણસ મરી ગયો છે એમ ધારીને મારી માને જેલમાં સેફ રાખી.’ તે કહેતી રહી, ‘તારા ડૅડને લાગતું હોય કે અમારા પરિવારમાં પ્રૉબ્લેમ છે તો પ્લીઝ... અત્યારે જ પૂરું કર.’ અનંત પહોળી આંખે જોતો રહ્યો. કમલનાથે નજીક આવીને શામ્ભવીને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે કમલનાથને રોકી દીધા. તેણે કહી જ નાખ્યું, ‘તું સરસ છોકરો છે. તારો પરિવાર અમીર છે, તને ઘણી છોકરીઓ મળશે... અત્યારે મારી જિંદગીની પ્રાયોરિટી અલગ છે. મારી મા પાછી આવી રહી છે. અમારે ઘણા હિસાબ સેટલ કરવાના છે. તારી સાથે લગન કરવાં કે નહીં એ વિશે મેં હજી વિચાર્યું જ નથી...’ કહીને શામ્ભવીએ છેલ્લી વાત કહી, ‘ને આપણે એટલું સમજી જ લઈએ કે આપણાં અરેન્જ્ડ મૅરેજ છે, હું તારા પ્રેમમાં નથી... હજી તો નથી જ. સોમચંદ અને ચૌધરી બન્ને ફૅમિલી સંમત નહીં થાય તો આ લગ્ન નહીં થઈ શકે અનંત સોમચંદ.’ તેણે પિતાની સામે જોઈને કહ્યું, ‘ને તમે અખિલેશ સોમચંદને ફોન કરીને કોઈ એક્સપ્લેનેશન નહીં આપતા કે વિનંતીઓ નહીં કરતા. હું અનંત સાથે પરણ્યા વગર મરી નહીં જાઉં.’ પછી ફરી અનંતને પૂછ્યું, ‘બીજું, કંઈ?’
શામ્ભવીની વાતથી ડઘાઈ ગયેલા અનંતના ચહેરા પર આશ્ચર્ય કરતાં વધુ આઘાતના ભાવ હતા. તેણે ડોકું ધુણાવીને ‘ના’ પાડી. આગળ કોઈ વાત કર્યા વગર નિરાશ ચહેરે તે મુખ્ય દરવાજેથી બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)

