તેની સાથે મારો ભાઈ પણ ઘર છોડી જશે...’ કમલનાથે કહ્યું, ‘મેં મારા પિતાને વચન આપ્યું છે કે કોઈ પણ સ્થિતિમાં પદમનાભને મારી પાસે, મારી સાથે રાખીશ
ઇલસ્ટ્રેશન
...કમલનાથની વાત પૂરી થઈ ત્યારે બાપ-દીકરી બન્નેની આંખો રડી-રડીને લાલ થઈ ગઈ હતી.
‘મારી મા... મારા ગુનાની સજા ભોગવતી રહી.’ શામ્ભવી માટે આ સત્ય પચાવવું અઘરું હતું.
ADVERTISEMENT
‘ગુનો નહોતો બેટા!’ કમલનાથે કહ્યું, ‘તું તારી માને બચાવવા માગતી હતી...’
‘હા, પણ...’ શામ્ભવીએ કહ્યું, ‘ગોળી તો મેં ચલાવી.’
‘હા!’ કમલનાથે નિસાસો નાખ્યો, ‘ગોળી ચલાવવી પડે એવી સ્થિતિ જેને લીધે ઊભી થઈ તેને કોઈ નુકસાન નથી થયું.’ કમલનાથની આંખો ફરી છલકાઈ, ‘મેં મારી પત્નીનો વિરહ સહન કર્યો, દીકરીને દૂર રાખી...’ તે પહાડ જેવો માણસ રડી પડ્યો, ‘મારો પરિવાર વીંખાઈ ગયો.’
‘મોહિનીએ મારી માને ફસાવી... ને મને તેની વિરુદ્ધ...’ શામ્ભવી ઉશ્કેરાઈ ગઈ, ‘તમે મોહિનીને આ બધા પછી પણ ઘરમાં રાખી? ને મારી માને જેલમાં...’ શામ્ભવી ફરી ડૂસકે ચડી ગઈ, ‘તેને હમણાં ને હમણાં ઘરની બહાર કાઢો.’ તેણે નાના બાળકની જેમ જીદ કરી.
‘બેટા!’ કમલનાથના અવાજમાં આટલી મજબૂરી, આટલી ઉદાસી શામ્ભવીએ પહેલાં ક્યારેય નહોતી સાંભળી, ‘તેને કાઢી શકાતી હોત તો મેં ક્યારની, કેટલાંય વર્ષો પહેલાં કાઢી મૂકી હોત!’
‘કેમ? એવી શું મજબૂરી છે બાપુ?’ શામ્ભવી પૂછ્યા વગર ન રહી શકી.
‘તેની સાથે મારો ભાઈ પણ ઘર છોડી જશે...’ કમલનાથે કહ્યું, ‘મેં મારા પિતાને વચન આપ્યું છે કે કોઈ પણ સ્થિતિમાં પદમનાભને મારી પાસે, મારી સાથે રાખીશ.’ કમલનાથે આંખો મીંચી. તેમની આંખોમાં ભરાઈ ગયેલાં આંસુ સરકી પડ્યાં, ‘મારા પિતાને પદમનાભની બહુ ચિંતા હતી.’ કહીને તે ક્ષણભર અચકાયા. દીકરી સાથે આવી વાત થાય કે નહીં એવો સવાલ તેમના રૂઢિચુસ્ત ઉછેર સાથે જોડાયેલા મને તેમને પૂછ્યો, પરંતુ એ સવાલને પાછળ ધકેલીને તેમણે હિંમત કરીને કહી નાખ્યું, ‘પદમનાભ પુરુષમાં નથી.’ કહીને તેમણે ફરી આંખો મીંચી લીધી.
‘તો? એનાથી શું ફરક પડે?’ શામ્ભવી આધુનિક જમાનાની છોકરી હતી, વિદેશ રહી હતી. તેને આમાં કંઈ ‘બિગ ડીલ’ ન લાગી.
‘પદમનાભને ડર છે કે મોહિની બહાર નીકળીને લોકોને આ કહેશે...’ તે થોડીક ક્ષણો ફરી ચૂપ રહ્યા, પછી તેમણે કહ્યું, ‘મોહિનીને મારા ભાઈની નસ-નસ ખબર છે.’ દીકરી સાથે આવી વાત કરાય કે નહીં એ સવાલ હજીયે કમલનાથને મૂંઝવી રહ્યો હતો, ‘તે...’ તેમણે શામ્ભવી સાથે નજર મિલાવવાનું ટાળ્યું, ‘તે પદમનાભને ખુશ રાખે છે...’ નીચું જોઈને તેમણે બહુ ધીમા અવાજે ઉમેર્યું, ‘ફિઝિકલી તેને એ બધું આપે છે જે...’ કમલનાથના શ્વાસ પણ રૂમમાં સંભળાય એટલો સન્નાટો છવાઈ ગયો. ઊંડા શ્વાસ લેતાં કમલનાથે કહ્યું, ‘પદમનાભ તેની પાછળ પાગલ છે.’ તેમણે જરાક ફેરવીને ફરી કહ્યું, ‘તેણે પદમનાભને પોતાની પાછળ પાગલ કરી નાખ્યો છે. તે મોહિનીને નહીં છોડે...’ તેમણે ફરી ઊંડો શ્વાસ લીધો, ‘મોહિની છોડવા નહીં દે તેને.’
‘બાપુ!’ શામ્ભવી દ્રવી ગઈ, ‘તમે કેટલું બધું સહન કર્યું છે...’ નજીક આવીને તેણે કમલનાથના ગળામાં હાથ લપેટી દીધા, ‘એકલા!’ તેણે કમલનાથને વહાલ કરીને કહ્યું, ‘પણ હવે તમે એકલા નથી. હું છું તમારી સાથે...’
‘કોઈ દિવસ આવું થશે એ આશાએ તો આટલાં વર્ષ કાઢ્યાં છે મેં. હવે તારી માને ઘરે લાવવાનો વિચાર કરતો જ હતો... ત્યાં આ બધું...’ કમલનાથે ચિંતા સાથે કહ્યું, ‘તે કિડનૅપ થશે એવું મેં ધાર્યું નહોતું. જે છોકરો મરી ગયો તેનો ભાઈ બહુ પહોંચેલો માણસ છે.’
‘કૉન્ટૅક્ટ તમારા પણ ઓછા નથી બાપુ.’ શામ્ભવીએ કહ્યું.
‘કોઈની પણ મદદ માગું તો બધું કહેવું પડે.’ કમલનાથે કહ્યું, ‘હું નહીં કહું તો પણ આપોઆપ ખૂલી જશે...’ તેમણે સહેજ સંકોચ સાથે કહ્યું, ‘તારી માને આપણે જ શોધવી પડશે. કોઈની મદદ નહીં લેવાય.’
‘તો ચાલો, આપણે કોની રાહ જોઈએ છીએ?’ શામ્ભવીએ પૂછ્યું, ‘આ માણસ જે તમે કહ્યું તે... ચિત્તુનો ભાઈ, કોણ છે? ક્યાં મળે?’
શામ્ભવીના સવાલનો જવાબ આપતો હોય એમ કમલનાથનો ફોન રણક્યો. કમલનાથે ફોનમાં જોયું, અનનોન નંબર લખ્યું હતું. તેમણે ફોન ઉપાડ્યો. સામે દત્તુ હતો, ‘ભાઉ! મિસિસ મેરે પાસ હૈ. કાળજી નકો કરું.’
‘રાધા તમારી પાસે છે? મને ખાતરી હતી...’ કમલનાથે કહ્યું. તેમની અને શામ્ભવીની નજર મળી. શામ્ભવીના ચહેરા પર રાહત છવાઈ ગઈ. કમલનાથ ફોન પર વાત કરી રહ્યા હતા, ‘તેનો કોઈ વાંક નથી. તેણે કંઈ નથી કર્યું... તે તો બિચારી...’
‘માહિત આહે.’ દત્તુએ કહ્યું, ‘હવે મને સઘળી ખબર છે. વહિનીને મોકલું છું.’ તેણે કહ્યું. પછી ઉમેર્યું, ‘પણ એક લહાન શરત આહે.’
‘હું બધી શરત પૂરી કરવા તૈયાર છું.’ કમલનાથે કહ્યું, ‘કેટલા પૈસા જોઈએ?’
‘પૈસા?’ દત્તુ હસવા લાગ્યો, ‘તમે બોલો, કેટલા જોઈએ...’ કહીને તેણે મજાક કરી, ‘પૈસાથી બધું નથી મળતું ભાઉ.’ તેના અવાજમાં સહેજ ગંભીરતા ઊતરી આવી, ‘મને ઇન્ફર્મેશન જોઈએ છે.’
‘કેવી ઇન્ફર્મેશન?’ કમલનાથ ગૂંચવાયા.
‘પેલી બાઈ અને જેણે મારા ભાઈને એ રાત્રે તમારા ઘરમાંથી બહાર કાઢ્યા તે માણસની બધી ઇન્ફર્મેશન.’ હવે દત્તુ ઉશ્કેરાયો, ‘જેણે મારા જીવતા ભાઈને મરેલો જાહેર કર્યો તેને હું જીવતો નહીં છોડું.’
‘તારો ભાઈ જીવે છે?’ કમલનાથે પૂછ્યું, ‘કોણે કહ્યું?’
‘મારા ભાઈનો ફોન આવ્યો હતો.’ દત્તુએ કહ્યું, ‘તે ઇન્ડિયા આવે છે.’ કહીને તેણે ઉમેર્યું, ‘તેનું વેર લેવા.’
‘પણ...’ કમલનાથ ફરી ગૂંચવાયા, ‘જો તે જીવતો હતો તો આટલાં વર્ષ સુધી ચૂપ કેમ રહ્યો? ક્યાં હતો તે?’ કહીને તેમણે સ્વગત પૂછ્યું, ‘ને ઋતુરાજે મને ન કહ્યું?’
હવે શામ્ભવી અકળાઈ ગઈ. સામેનો માણસ ફોનમાં શું કહી રહ્યો હતો એ તેને સંભળાતું નહોતું, પરંતુ પિતાની વાતચીત પરથી જે અધૂરી માહિતી તેને મળતી ગઈ એના પરથી તેને એટલું સમજાયું કે જે માણસને બધા મરેલો માનતા હતા તે હજી જીવે છે. જેના પર ગોળી ચલાવવાને કારણે પોતાને વિદેશ મોકલવામાં આવી, જેને કારણે તેની મા વર્ષો સુધી મૃત બનીને જીવતી રહી, જેને કારણે તેણે જેલમાં રહેવું પડ્યું... તે માણસ મર્યો જ નથી એ સાંભળીને શામ્ભવીનો ગુસ્સો તેના કાબૂ બહાર નીકળી ગયો, ‘ફોન સ્પીકર પર કરો.’ તેણે કહ્યું. કમલનાથે ફોન સ્પીકર પર કર્યો. હવે શામ્ભવી પણ તેમની વાતચીત સાંભળી શકતી હતી. તે ધ્યાનથી સાંભળવા લાગી.
‘અચ્છા! તો તે હરામખોરનું નામ ઋતુરાજ છે... ક્યાં મળશે તે?’ દત્તુએ પૂછ્યું.
‘મળશે તો અહીં જ પણ...’ કમલનાથે જરા સાવચેત રહીને પૂછ્યું, ‘તમને ખાતરી છે કે ચિત્તુ ખરેખર જીવે છે?’ તેમને હજી ખાતરી નહોતી થતી, ‘આ બધી ગરબડ ઋતુરાજે કરી છે? ખરેખર?’
‘તેણે પોતે કહ્યું મને...’ દત્તુએ કહ્યું, ‘સૌથી પહેલાં તેનો જ ફોન આવ્યો હતો... ચિત્તુ જીવે છે એ સમાચાર જ તેણે આપ્યા.’ કહીને દત્તુએ ચેતવણી આપી, ‘તેને બચાવવાનો કે છુપાવવાનો પ્રયત્ન નહીં કરતા. તેનું મોત નક્કી છે.’
કમલનાથ હસ્યા, ‘હા!’ તેમણે કહ્યું, ‘જો તમારી વાત સાચી હશે તો તેનું મોત નક્કી છે.’
અત્યાર સુધી ચૂપ રહેલી શામ્ભવી અચાનક બોલી, ‘મા ક્યાં છે?’
‘અહીં છે.’ દત્તુએ કહ્યું, ‘વાત કરવી છે?’ તેણે પૂછ્યું.
‘હા...’ શામ્ભવીનો અવાજ એકદમ મહીન થઈ ગયો, કોઈ બાળક જેવો. સામે રાધાનો અવાજ સંભળાયો. શામ્ભવીએ ધીમેથી કહ્યું, ‘મા...’ રાધા રડવા લાગી, ‘રડ નહીં...’ શામ્ભવીએ કહ્યું, ‘જલદી ઘરે આવ. અમે બધાં તારી રાહ જોઈએ છીએ.’ તેણે વહાલથી કહ્યું, ‘આઇ ઍમ સૉરી મા...’
‘આઇ ઍમ સૉરી બેટા...’ રાધાથી કહેવાઈ ગયું, ‘તારા બાળપણમાં, તારી જિંદગીનાં ઉત્તમ વર્ષોમાં તારી સાથે ન રહી શકી એ માટે આઇ ઍમ સૉરી.’ રાધા રડતી રહી, ‘જેટલી મિનિટ, જેટલાં વર્ષ, જેટલી ક્ષણો તેં મારા વગર વિતાવી છે એ બધા સમય દરમ્યાન મેં તને બહુ મિસ કરી છે...’ રાધાએ ડૂસકાં ભરતાં કહ્યું, ‘આઇ ઍમ સૉરી કે મેં તને ઓળખવાની ના પાડી. આઇ ઍમ સૉરી હું તને કહ્યા વગર નીકળી ગઈ...’
રાધાને બોલતી સાંભળી રહેલા દત્તુની આંખો પણ ભીની થઈ ગઈ. સામે ઊભેલો રઝાક આ જોઈને સહેજ અકળાયો. આ ઇમોશનલ ફૅમિલી ડ્રામા જો ચાલતો રહ્યો તો તેના ભાગે કંઈ નહીં બચે એ વાતની તેને ધીમે-ધીમે ખાતરી થવા લાગી હતી. તેણે ચિડાઈને કહ્યું, ‘બસ હવે! ફૅમિલી ડ્રામા પૂરો કરો. તને ઘરે જ મોકલીશું અમે. બાકીનું ત્યાં જઈને રડજે.’ કહીને તેણે રાધાના હાથમાંથી ફોન ઝૂંટવીને દત્તુને આપી દીધો, ‘ભાઉ! ખતમ કરો...’ કહીને તેણે છણકો કર્યો, ‘ચિત્તુ આવશે ત્યારે જોઈ લઈશું આ બધું.’
‘હો! સાચું છે...’ કહીને દત્તુએ બૂમ પાડી, ‘માન્યા... ઝોપલા કી?’ તેમનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો અલાદીનના જીનની જેમ માન્યા હાજર થયો, ‘આમને ઘરે લઈ જા. જરા ફ્રેશ થાય એટલે જેવણ કરાવીને અમદાવાદ મૂકી આવ.’ દત્તુએ હુકમ કર્યો. ડોકું ધુણાવીને માન્યાએ રાધા તરફ જોયું, જાણે કહેતો હોય ચાલો! રાધાએ નમસ્તે કર્યું. માન્યા ઊંધો ફરીને ચાલવા લાગ્યો. રાધા પાછળ-પાછળ ચાલવા લાગી. દરવાજાની બહાર જઈ રહેલી રાધાને પાછળથી દત્તુનો અવાજ સંભળાયો, ‘ભૂલચૂક માફ કરજો વહિની... તમે અમને સાચી વાત કીધી એ માટે આભાર.’ રાધા સહેજ ડોકું ધુણાવીને દરવાજાની બહાર નીકળી ગઈ. હવે તેનું હૃદય તેની દીકરી સુધી પહોંચવા તલપાપડ હતું.
તેણે બહાર નીકળીને માન્યાને કહ્યું, ‘ઘરે નહીં જઈએ તો ચાલશે. મારે અમદાવાદ પહોંચવું છે...’
‘પણ તમે તો કંઈ ખાધું નથી...’ માન્યાએ તેના સાહેબનો હુકમ બજાવવાનો પ્રયાસ કર્યો.
‘ઠીક છે, રસ્તામાં જોઈ લઈશું.’ રાધાની આંખો ફરી ભીની થઈ ગઈ, ‘મારે મારી દીકરી પાસે પહોંચવું છે. હું બહુ વર્ષે મળીશ તેને.’ માન્યા તેની સામે જોઈ રહ્યો, ‘તમે કોઈને મળીને પણ ન મળો એનું કેટલું દુઃખ હોય એ તમને નહીં સમજાય! પ્લીઝ... આપણે જઈએ?’ રાધાએ હાથ જોડ્યા. માન્યા ખભા ઉલાળીને ગાડી તરફ ચાલવા લાગ્યો.
lll
મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રનવે પર વિમાનનાં પૈડાં ઘસાયાં, તણખા ઊડ્યા ને જે ઝટકો લાગ્યો એમાં ચિત્તુના વિચારોની શૃંખલા પણ તૂટી.
‘વિમાન લૅન્ડ કરે છે’ એવી જાહેરાત સાંભળ્યા પછી ચિત્તુનું મગજ ચકરાવે ચડ્યું હતું. સીધા સાતારા જવું કે નહીં, પોતે ભારત પહોંચી ગયો છે એ વાત દત્તુને જણાવવી કે સાતારા પહોંચીને પરિસ્થિતિની પૂરી માહિતી મેળવ્યા પછી જ પોતાના આગમનની જાહેરાત કરવી... આવા બધા સવાલોમાં તે ગૂંચવાઈ ગયો હતો. ચિત્તુને તેની ભાભી મંજરી પર પૂરો વિશ્વાસ હતો. મંજરી તેનું કશું જ ખોટું કે ખરાબ ન કરી શકે એ શ્રદ્ધા સાથે ચિત્તુએ મનોમન નિશ્ચય કર્યો કે સાતારા પહોંચીને પહેલાં મંજરીને મળવું, પરિસ્થિતિ સમજવી ને પછી દત્તુને મળવું! કોઈક કારણસર ચિત્તુ તેના ભાઈ પર ૧૦૦ ટકા વિશ્વાસ કરી શકતો નહીં...
મુંબઈ ઊતરીને તેણે સહારા સ્ટારમાં રૂમ બુક કરી. નાહીને, ફ્રેશ થઈને લંચ કર્યું. સાતારા જવા માટે ગાડી બુક કરી. મુંબઈના રસ્તાઓ પર સફેદ ઇનોવા નવી મુંબઈ, કલ્યાણ થઈને સાતારા તરફ જવા નીકળી ત્યારે મુંબઈ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો. સૂરજનો તડકો સોનેરી થઈ ગયો હતો...
lll
મંજરીએ તેના ઉત્સાહમાં બેવકૂફી કરી. તેણે રઝાકને કહી દીધું કે ચિત્તુને એક દીકરી હતી... ચિત્તુ જીવતો છે અને પાછો આવશે એ સમાચારથી જ મંજરી એટલી આનંદમાં આવી ગઈ કે તેને બીજો કોઈ વિચાર આવ્યો જ નહીં. રઝાકે પણ મંજરીને આ સમાચાર સમજી-વિચારીને જ આપ્યા હતા. રઝાકને બરાબર ખબર હતી કે ચિત્તુને તેના ભાઈ પર પૂરો વિશ્વાસ નહોતો. એક તરફ ચિત્તુ તેના ભાઈને ભગવાનની જેમ પૂજતો, પણ બીજી તરફ એ જ ભાઈ માટે તેને ખૂબ ગુસ્સો હતો. એક તરફ ચિત્તુને લાગતું કે તેનો ભાઈ તેના પિતા કરતાં પણ વિશેષ સ્નેહ કરે છે, પણ બીજી તરફ ચિત્તુને સતત દત્તાત્રેયથી ભય લાગતો. ચિત્તુ જ્યારે રઝાકની સાથે રખડતો ત્યારે તેણે અવારનવાર દત્તુની સામે ફરિયાદ કરી હતી. તેનો દત્તુની જોહુકમી સામેનો વિદ્રોહ, દત્તુની વધારે પડતી કાળજી સામેની ચીડ અને તેને કામ કરવા, ધંધો સંભાળવા માટે દત્તુ જે રીતે આગ્રહ કરતો, ન માને ત્યારે જેમતેમ બોલતો એ બધી બાબત વિશેના તેના અણગમા વિશે તેણે અવારનવાર રઝાક સામે બળાપો કાઢ્યો હતો. ચિત્તુએ ક્યારેક એવું પણ કહ્યું હતું કે દત્તુનું ચાલે તો તે ચિત્તુને મારી નાખે... આ બધાનો કુલ હિસાબ એ હતો કે રઝાક એવું ધારી શક્યો કે ચિત્તુ સીધો દત્તુને મળવા નહીં આવે.
જો સાતારા પાછો ફરે તો ચિત્તુ ક્યાં જાય એ વિશે વિચારતાં રઝાક એવો તાળો મેળવી શક્યો કે પૂરી માહિતી અને વિગતો જોઈતી હોય, સવાલ-જવાબ વગર આવકાર જોઈતો હોય અને જો સંપૂર્ણપણે વિશ્વાસ કરી શકાય એવી કોઈ એક વ્યક્તિ સાતારામાં ચિત્તુ શોધે તો તે તેની ભાભી મંજરી સિવાય કોઈ ન હોઈ શકે!
રઝાકની બુદ્ધિએ તેને કહ્યું કે મંજરીને વિશ્વાસમાં લેવી પડે!
રાધાને ઘરે મોકલ્યા પછી રઝાકે ધીમેથી દત્તુ પાસે રજા માગી, ‘મારા દીકરાને, બનેવીને પકડી ગયા હતા. બધા માંડ ઘરે પહોંચ્યા છે. તમે કહો તો જરા આંટો મારી આવું.’ દત્તુએ સ્મિત સાથે હા પાડી. તે પણ હવે ઘરે જવાના મૂડમાં હતો. મંજરીનો ફોન જરા કડકાઈથી મૂક્યા પછી તેને અફસોસ થયો હતો. જે સ્ત્રી આખો દિવસ પોતાની કાળજી, ચિંતા કર્યા કરતી હતી તે સ્ત્રી માટે તેનો જીવ ખેંચાતો. તે મંજરીને પૂરો ટાઇમ નહોતો આપી શકતો. બાળકો પણ નહોતાં એટલે તેની સાથે ગુસ્સો કર્યા પછી દત્તુ હંમેશાં પસ્તાતો. આજે પણ એવું જ થયું... ચિત્તુના સમાચાર સાંભળીને મંજરી ઉત્સાહમાં આવી ગઈ. તેણે દત્તુને ફોન કર્યો, દત્તુએ ફોન ખરાબ રીતે કાપી નાખ્યો. હવે... બધું ઠર્યા પછી દત્તુને સમજાતું હતું કે મંજરી માટે ચિત્તુ જ તેનું સર્વસ્વ હતો.
હવે તે ઘરે પહોંચીને મંજરીને ચિત્તુના સમાચાર અને તેની સાથે થયેલી વાતચીત વિશે જણાવવા ઉત્સુક હતો. દત્તુ ઘરે પહોંચ્યો ત્યારે રાતના સાડાઆઠ થયા હતા. સામાન્ય રીતે તેની ગાડીનો અવાજ સાંભળીને દોડી આવતી મંજરી બહાર આવી નહીં. દત્તુને લાગ્યું કે તે ચિડાયેલી હશે!
ઘરમાં પ્રવેશતાં જ દત્તુને લાગ્યું કે જાણે કોઈ જાણીતી સુગંધ તેનાં નસકોરાંમાં થઈને મગજ સુધી પહોંચી ગઈ હોય! તેણે બૂમ પાડી, ‘આહો!’ સાતારા જેવા વિસ્તારમાં હજી પણ પતિ-પત્ની એકબીજાનાં નામ ન લે, સંતાનના નામથી કે પછી ‘આહો!’ અથવા ‘આઇકતા કા?’ જેવા સંબોધનથી બોલાવે. દત્તુનો અવાજ સાંભળીને મંજરી રસોડામાંથી બહાર આવી. તેના ચહેરા પર રોજ કરતાં કંઈક જુદા જ ભાવ હતા. દત્તુ જેવા ચાલાક અને શાતિર માણસને આ ફેરફાર ન જણાય એ શક્ય જ નહોતું. તેણે બે ક્ષણ મંજરી સામે જોઈને પૂછ્યું, ‘ક્યાં છે ચિત્તુ?’
મંજરીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ...
(ક્રમશઃ)

