કમલનાથ અત્યાર સુધી એમ જ માનતા હતા કે ચિત્તુ મરી ગયો છે. તેર વર્ષમાં તેના ભાઈએ પણ આ વાત સ્વીકારી લીધી હશે, તે પણ ભૂલી ગયો હશે એમ માનીને સૌ એ ભયાનક ઘટનાને ભૂલી ગયા હતા
ઇલસ્ટ્રેશન
શામ્ભવીના ફોનથી કમલનાથ વિચલિત થઈ ગયા હતા. એક તો રાધા કિડનૅપ થઈ એ પછી એને શોધવાના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા. પોલીસ, પ્રાઇવેટ ડિટેક્ટિવ અને અન્ડરવર્લ્ડનું તંત્ર પણ કામે લગાડ્યા છતાં ચોવીસ કલાક થવા આવ્યા હતા. રાધા વિશે માત્ર એટલી જ માહિતી મળી કે એક વાઇટ સ્વિફ્ટમાં બેસીને એને સાતારા તરફ લઈ જવામાં આવી હતી. આ માહિતી પણ રાધાએ પબ્લિક ટૉઇલેટ સાફ કરનારાં એક બહેનના ફોન પરથી કમલનાથને આપી હતી...
કમલનાથ અત્યાર સુધી એમ જ માનતા હતા કે ચિત્તુ મરી ગયો છે. તેર વર્ષમાં તેના ભાઈએ પણ આ વાત સ્વીકારી લીધી હશે, તે પણ ભૂલી ગયો હશે એમ માનીને સૌ એ ભયાનક ઘટનાને ભૂલી ગયા હતા; પરંતુ અચાનક થયેલા રાધાના અપહરણથી સૌ ચોંકી ગયા. કમલનાથ માટે આ સૌથી વધુ ડરાવનારી ઘટના હતી કારણ કે જો કોઈ રાધાના જીવતાં હોવાની વાત જાણે છે તો એનો અર્થ એ થાય છે કે એ વ્યક્તિ કદાચ શામ્ભવી વિશે પણ જાણતી હોય...
ADVERTISEMENT
ચિત્તુ પર ગોળી શામ્ભવીએ ચલાવી હતી એ વાત જો આ વ્યક્તિ જાણતી હોય અથવા જાણી જાય તો શામ્ભવીને માથે જોખમ હતું એ વિચાર જ કમલનાથને હચમચાવી મૂકતો હતો. રાધાને શોધવા માટે કમલનાથ જેટલા બેચેન હતા એનાથી વધારે બેચેની તેમને એ જાણવાની હતી કે રાધાને કિડનૅપ કરવાની હિંમત કોણે કરી છે?
ઑફિસના કામમાં તેમનું ચિત્ત ચોંટતું નહોતું એમાં શામ્ભવીનો ફોન આવ્યો. ઉશ્કેરાયેલી અને ઇમોશનલ થઈ ગયેલી શામ્ભવી કશું જ સાંભળવા તૈયાર નહોતી. મોહિનીએ તેના મગજમાં જે કચરો ભર્યો એ પછી ઊભા થયેલા સવાલોનો જવાબ શામ્ભવીને તરત જ જોઈતો હતો...
કમલનાથે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ શામ્ભવીએ કશું જ સાંભળ્યું નહીં. ઊલટાની તેણે કમલનાથને ધમકી આપી, ‘તમે મને ફોન પર જવાબ નહીં આપો તો હું ત્યાં આવી જઈશ. બધાની વચ્ચે પૂછીશ તમને...’
અંતે કમલનાથ તેનો ફોન લઈને બહાર નીકળી ગયા, ‘શું છે બેટા?’ તેમણે પૂછ્યું.
‘આ મોહિની કહે છે કે...’
‘તું મને પણ ઓળખે છે, મોહિનીને પણ ઓળખે છે અને...’ કમલનાથે થૂંક ગળે ઉતાર્યું, ‘તારી મા વિશે પણ જાણે જ છે.’ થોડીક ક્ષણો માટે બાપ-દીકરી વચ્ચે મૌન રહ્યું, ‘આજે મારે સત્યનો સામનો કરવો જ પડશે.’ તેમણે કહ્યું. ફરી થોડી ક્ષણો મૌન રહ્યું, પછી કમલનાથે કહ્યું, ‘રાધા જીવે છે બેટા. તને એ ફરી ન મળે એ માટે તેને જેલ ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં રાધા કિડનૅપ થઈ ગઈ છે...’
‘વૉટ?’ શામ્ભવીનો અવાજ ફાટી ગયો, ‘કોણે?’
‘અમે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ બેટા.’ કમલનાથનો અવાજ ઢીલો થઈ ગયો, ‘અત્યારે મને તારા સપોર્ટની, સમજદારીની જરૂર છે. એક વાર તારી મા મળી જાય પછી હું તારા બધા પ્રશ્નોના જવાબ આપીશ.’ તેમણે કહ્યું.
‘માને અત્યાર સુધી જેલમાં કેમ રાખી?’ ઘણો પ્રયત્ન કરવા છતાં શામ્ભવી પૂછ્યા વગર રહી શકી નહીં.
‘કારણ કે...’ કમલનાથે ઊંડો શ્વાસ લીધો, ‘મને લાગ્યું કે તારી મા ત્યાં જ સેફ છે.’ પછી તેમણે કહ્યું, ‘બસ... નામની જેલ હતી એ. જુદો રૂમ, ટીવી, ફ્રિજ, ફર્નિચર... કશાની કમી ન રહે એવી વ્યવસ્થા કરી હતી મેં.’ જાણે તેમના હૃદયનો બંધ ખૂલી ગયો હોય એમ કમલનાથ બોલતા રહ્યા, ‘તેને બહાર નીકળવાની છૂટ હતી... બંદી નહોતી તે...’ કમલનાથનું ગળું રુંધાઈ ગયું, ‘એ રાત્રે જે કંઈ થયું એ પછી મને જે શ્રેષ્ઠ લાગ્યું એ કર્યું.’
‘શું થયું હતું એ રાત્રે?’ શામ્ભવીએ પૂછ્યું તો ખરું, પણ પછી તરત જ ઉમેર્યું, ‘તમે ઘરે આવી જાઓ... હું તમારી રાહ જોઉં છું.’
‘હા, બેટા!’ કમલનાથે કહ્યું. તેમણે આંસુ લૂછ્યાં. થોડીક ક્ષણો ત્યાં જ ઊભા રહીને સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો, પછી ફરીથી બોર્ડરૂમમાં પ્રવેશ કર્યો. એ પછી મીટિંગમાં તેમનું ધ્યાન રહ્યું નહીં. કમલનાથે ઑફિસનું કામ જલદી પતાવવાનો પ્રયત્ન કરીને ઘરે આવવા નીકળી ગયા. તેમને ખબર હતી કે આજે સંઘર્ષ ટાળી નહીં શકાય. જે કંઈ બન્યું હતું એના વિશે શામ્ભવીને અડધી કે કાચી ખબર પડે એના બદલે હવે તેને સત્ય કહેવાનો, સાચી પરિસ્થિતિ જણાવવાનો સમય કદાચ આવી ગયો હતો એવું વિચારીને તેમણે મન અને મગજને તૈયાર કરવા માંડ્યું.
ઑફિસમાંથી નીકળીને ઘર સુધી પહોંચવાના સમય દરમિયાન તેમણે એ તમામ સવાલો વિચારી લીધા જે શામ્ભવી પૂછી શકે ને મનોમન એના જવાબો પણ ગોઠવી રહ્યા હતા ત્યાં તેમને વિચાર આવ્યો કે આ બધી પળોજણમાંથી જો શામ્ભવીને બહાર કાઢી લેવી હોય તો તેનું મન ક્યાંય બીજે વાળવું જોઈએ.
અનંત સાથે એન્ગેજમેન્ટ થઈ જાય ને લગ્નની તારીખ જો નક્કી થઈ જાય તો શામ્ભવીને એ તૈયારીઓમાં વ્યસ્ત કરી શકાય. પ્રેમ બધું ભુલાવી દે છે... વિચારી રહેલા કમલનાથના ચહેરા પર આટલી ચિંતામાં પણ સ્મિત આવી ગયું, એ જ બરાબર છે! તેમણે વિચાર્યું, આજે જ અખિલેશ સાથે વાત કરી લઉં. તેમણે નક્કી કરી લીધું.
કમલનાથ ઘરે આવ્યા ત્યાં સુધી બેચેન શામ્ભવી ગાર્ડનમાં, ફોયરમાં, ડ્રૉઇંગરૂમમાં ને બેડરૂમમાં આંટા મારતી રહી...
lll
પિતાની વાત સાંભળીને અનંત ઉશ્કેરાઈ ગયો હતો. શામ્ભવીને તે પહેલી વાર મળ્યો ત્યારથી જ તેણે શામ્ભવીને કોઈ આરાધ્યદેવીની જેમ જોઈ હતી. તેણે પિતા પાસેથી આવી ભાષા કે આવા શબ્દોની આશા નહોતી રાખી. અખિલેશ સોમચંદે જે રીતે તેના દીકરાને કહ્યું કે ‘માણસને તરસ લાગે તો પાણી પી લે ક્યાંક... પણ ઘરનું માટલું તો ગાળીને જ ભરવું પડે, સમજ્યો?’ એ સાંભળીને જીવનમાં કદી જેણે અવાજ ઊંચો નહોતો કર્યો એવો આજ્ઞાકારી દીકરો અનંત ઉશ્કેરાઈ ગયો.
‘આજે બોલ્યા એ બોલ્યા ડૅડ. હવે પછી શામ્ભવી વિશે ડેરોગેટરી વાત નહીં સાંભળું હું!’ અનંતના અવાજમાં ધાર નીકળી આવી. તેની આંખના ખૂણા લાલ થઈ ગયા.
‘ના સાંભળવી હોય તો કાન બંધ કરી દેજે.’ અખિલેશ પર કોઈ અસર ન થઈ, ‘જ્યાં સુધી આ બધી વાતની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી તારા સપનાને ડબ્બામાં પૅક કરીને રાખ...’ તેણે કહ્યું.
‘આ સપનાં નથી ડૅડ. પ્રેમ છે મારો.’ આજે અનંતે સ્પષ્ટતા કરી લેવાનું નક્કી જ કરી લીધું હતું, ‘હું શામ્ભવી સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરું.’
‘એમ?’ અખિલેશ હસી પડ્યો, ‘તારી ઉંમરે આવું જ લાગે.’ તેણે અનંત તરફ જોઈને આંખ મારી, ‘બેવકૂફીની પણ એક મજા હોય છે, કરી લે!’ કહેતાં-કહેતાં તેનો અવાજ બદલાઈ ગયો, ‘પણ એ બેવકૂફીની કિંમત સોમચંદ પરિવાર નહીં ચૂકવે એ પણ સમજી જ લેજે...’ અખિલેશે અલ્ટિમેટમ આપી દીધું, ‘હમણાં લગ્નનો વિચાર પેન્ડિંગ ફાઇલ્સ ભેગો મૂકી દે, પછી જોયું જશે.’ કહીને અનંતનો જવાબ સાંભળવાની પરવાહ કર્યા વગર જ અખિલેશ રૂમમાંથી બહાર નીકળી ગયો. ચિડાયેલા અનંતે ટેબલ પર મૂકેલું પેપરવેઇટ ઉપાડીને દીવાલમાં છુટ્ટું મારવા માટે ઊંચું કર્યું, પણ એને હાથમાં જ પકડી રાખ્યું!
સામાન્ય રીતે આવી બધી દલીલો પછી અનંત પોતાના રૂમમાં બેસી રહેતો. કલાકો સુધી મનોમન દુખી થતો, પરંતુ આજે અખિલેશની વાત સાંભળ્યા પછી તે એક ક્ષણ માટે પણ રોકાઈ શકે એમ નહોતો. શામ્ભવીનો ફોન આવ્યો એ પછી તેને બહાર નીકળવાની તાલાવેલી લાગી હતી, એમાં અખિલેશ સાથેની વાતચીત પછી ઉદ્વેગ અને ચિંતા ઉમેરાયાં. અનંત ઊભો થઈને ચેમ્બરની બહાર નીકળી ગયો. સામાન્ય રીતે બહાર જતાં પહેલાં તેની અસિસ્ટન્ટને જણાવવાની સોમચંદ ગ્રુપની પરંપરા પણ આજે તેને નિભાવવા જેવી ન લાગી. તેની અસિસ્ટન્ટે તેને પૂછ્યું પણ ખરું, ‘આર યુ ગોઇંગ આઉટ, સર?’ જવાબમાં ડોકું ધુણાવીને અનંત એક્ઝિક્યુટિવ લિફ્ટમાં દાખલ થઈ ગયો.
lll
કમલનાથ ઘરે પહોંચ્યા ત્યારે તે શામ્ભવીના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હતા. ગાડી પૉર્ચમાં દાખલ થઈ. લિન્ટલની નીચે બનાવેલા સુંદર કમળ પર ગાડી પૂરી ઊભી રહે એની પ્રતીક્ષા કર્યા વગર જ કમલનાથ ઊતરી ગયા. એકસાથે બબ્બે પગથિયાં ચઢતાં એ ડ્રૉઇંગ રૂમમાં દાખલ થયા ત્યારે શામ્ભવી સામે જ ઊભી હતી. દોડીને પિતાને ભેટી પડતાં શામ્ભવીએ કહ્યું, ‘હું જાણું છું બાપુ... મારી મા કદી ખોટું કરે જ નહીં.’ તેને ડૂમો ભરાઈ ગયો, ‘...પણ મોહિનીએ જે કંઈ કહ્યું એ પછી હું મારી જાતને રોકી ન શકી. આઇ ઍમ સૉરી બાપુ.’
‘ના બેટા!’ કમલનાથે દીકરીની પીઠ પર હાથ ફેરવ્યો. તેના સુંવાળા વાળમાં આંગળાં પરોવ્યાં, ‘આઇ ઍમ સૉરી... મારે તને બધું જ પહેલાં કહી દેવું જોઈતું હતું.’ તેમનો અવાજ રુંધાઈ ગયો. કમલનાથ જેવા મજબૂત માણસની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં, ‘હું ડરતો હતો બેટા...’ તેમનાથી કહેવાઈ ગયું, ‘આજે પણ ડરું છું.’
‘કોનાથી?’ શામ્ભવીએ પૂછ્યું.
તેના સવાલનો જવાબ આપવાને બદલે કમલનાથે કહ્યું, ‘એક દિવસ આ થઈને રહેશે એવો ભય હતો મને...’ શામ્ભવીએ અનુભવ્યું કે પોતાની પીઠ પર મૂકેલો પિતાનો હાથ ધ્રૂજતો હતો, ‘તારી મા...’ કમલનાથની આંખો છલકાઈ ગઈ, ‘તારી માને ઉપાડી ગયા છે સાતારા...’ તેમણે સ્વગત કહ્યું, ‘દત્તાત્રેય શંકરરાવ મોહિતે.’
‘એ કોણ છે?’ શામ્ભવીએ પૂછ્યું, ‘માને શું કામ ઉપાડી ગયા છે?’
‘એ લોકો માને છે કે દત્તાત્રેયના ભાઈનું ખૂન તારી માએ કર્યું છે...’ કમલનાથે જવાબ તો આપ્યો, પણ હવે એમને લાગ્યું કે આખી વાત કહ્યા વગર શામ્ભવીના સવાલોનો જવાબ નહીં આપી શકાય. તેમણે ધીમે-ધીમે ટુકડે-ટુકડે શામ્ભવીને એ રાતની કથા કહેવાનું શરૂ કર્યું...
lll
ઋતુરાજ સાથે વાત કર્યા પછી ચિત્તુ ભારત આવવા તૈયાર થઈ ગયો. ખાસ કરીને જ્યારે ઋતુરાજે તેને મોહિનીની યાદ અપાવી ત્યારે ચિત્તુના મનમાં વર્ષોથી સૂતેલું વેરનું સાપોલિયું સળવળ્યું. છેલ્લાં તેર વર્ષમાં જેટલી વાર તેણે મોહિનીને યાદ કરી એ દરેક વખતે ચિત્તુને એ જ ક્ષણે મોહિનીના ચહેરા પર તેજાબ ફેંકવાના, તેને હન્ટરથી મારવાના, તેના શરીરના ટુકડા કરી નાખવાના ભયાનક વિચારો આવતા રહ્યા. પરંતુ દરેક વખતે તેનાથી ભારત અવાય એમ નથી એમ સમજાવીને ઋતુરાજે તેને રોક્યો. ઋતુરાજ સામેથી આ વખતે ચિત્તુને ભારત બોલાવી રહ્યો હતો... ચિત્તુને લાગ્યું કે જાણે તેનું વેર, તેનો પ્રતિશોધ તેને બોલાવી રહ્યો છે.
‘મોહિનીનો હિસાબ તો હું બરાબર કરીશ.’ તેણે ઋતુરાજને કહ્યું.
‘જાણું છું.’ ઋતુરાજે બળતામાં ઘી હોમ્યું, ‘તારી આ હાલત માટે એ જ જવાબદાર છે. જીવતી નહીં છોડતો તેને.’
‘મોત તો બહુ સસ્તી સજા છે...’ ચિત્તુએ કહ્યું, ‘મરવા નહીં દઉં તેને...’ એના અવાજમાં તેર વર્ષનું વેર સળગી રહ્યું હતું, ‘જિંદગીનો એક-એક દિવસ ભારે પડશે તેને. જેણે મને તેર વર્ષ સુધી મારા પરિવારથી દૂર રાખ્યો તેને તડપાવી-તડપાવીને લોહીનાં આંસુ રડાવીશ હું.’ ચિત્તુને મોહિનીનું એ જુઠ્ઠાણું યાદ આવી ગયું. તેનું રોમ-રોમ ગુસ્સાથી તપી ગયું, ‘તેના મોઢે કબૂલ કરાવીશ કે એ રાત્રે હું તેને જ મળવા ગયો હતો...’
‘હંમમ્...’ ઋતુરાજે હોંકારો ભણ્યો, ‘તેના ઘરમાંથી તેને લાત મારીને બહાર કાઢે એ મારે પણ જોવું છે...’ તેણે ચિત્તુને વળી ચડાવ્યો, ‘આવી જા. આપણે બેય મળીને તેની સાન ઠેકાણે લાવી દઈએ.’
‘બસ, થોડા કલાક...’ ચિત્તુએ કહ્યું. તેણે ફોન ડિસકનેક્ટ કર્યો પણ તેનું મન હવે કલાક નહીં, ક્ષણો ગણવા લાગ્યું હતું.
તેણે મુંબઈની ટિકિટ કરાવી. સામાન પૅક કરવા માંડ્યો... એ જ દિવસની રાતની ટિકિટ હતી. રાતના સાડાબારની ફ્લાઇટ બપોરે દોઢ વાગ્યે મુંબઈ ઉતારવાની હતી. ત્યાંથી સાતારા બીજા ત્રણ કલાક... એટલે સાંજે પાંચ વાગ્યે તે ઘેર પહોંચી જવાનો હતો! ચિત્તુનું મગજ ઑલરેડી સાતારાના ઘરના દરવાજાની સામે ઊભું હતું. તેનું મન બહાર લટકાવેલો ઘંટ વગાડી
રહ્યું હતું અને તેની નજર સામે તેની વહિની-તેની મા મંજરી તેની આરતી ઉતારી રહી હતી! ચિત્તુએ ધૂંધળું થઈ ગયેલું દૃશ્ય બન્ને હાથે આંસુ લૂછીને ચોખ્ખું કર્યું. તેણે હજી ઘણાં કામ કરવાનાં હતાં... વહિની અને દાદા માટે શૉપિંગ કરવાનું હતું. ઘર બંધ કરવાનું હતું. અહીંના બિઝનેસ અને ઑફિસ માટે સૂચનાઓ આપવાની હતી...
ચિત્તુ વિમાનમાં બેઠો અને ઍમ્સ્ટરડૅમના સ્કિફોલ ઍરપોર્ટથી વિમાને ટેકઑફ કર્યું ત્યારે ચિત્તુ નાના બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. ઍર-હૉસ્ટેસે નજીક આવીને તેને પૂછ્યું, ‘ઑલ ઓકે સર?’ આંસુ લૂછતાં, ‘હા’માં ડોકું ધુણાવતાં ચિત્તુએ આંખો મીંચીને ભારતની ભૂમિ પર લૅન્ડ કરવાની પ્રતીક્ષા કરવા માંડી.
lll
મંજરી સાથે વાત થયા પછી રઝાકનું મગજ ચકરાવે ચડ્યું. અત્યાર સુધી તેના મનમાં એમ હતું કે આજે નહીં તો કાલે દત્તાત્રેય શંકરરાવ મોહિતેના આ સામ્રાજ્યનો મોટો વારસો તેના હાથમાં આવશે, પણ હવે જો ચિત્તુ પાછો આવે તો તેના નસીબમાં એ જ ગુલામી ચાલુ રહેવાની એ સમજાતાં રઝાકને ખૂબ ગુસ્સો આવ્યો. ચિત્તુને કેવી રીતે હટાવવો એના વિચાર રઝાકના મગજમાં ફરી એક વાર શરૂ થઈ ગયા. જોકે આ વખતે તેને ખાતરી હતી કે દત્તુભાઉ ખૂબ સાવચેત રહેશે. ચિત્તુની આસપાસ સિક્યૉરિટી રહેશે અને સાથે જ ચિત્તુ પણ હવે પહેલાં જેવો નફીકરો, બેપરવા અને ઐયાશ નહીં રહ્યો હોય!
મંજરીનો ફોન ડિસકનેક્ટ કર્યા પછી રઝાક ફરી પાછો દત્તાત્રેય પાસે પહોંચ્યો, ‘આતા હે બાઈ ચ કાય કરાય ચ?’ દત્તાત્રેયે પૂછ્યું.
‘તેને ઘેર પાછી મોકલી દો.’ રઝાકે જવાબ આપ્યો, ‘તેણે આપણને બધું સાચું કહી દીધું. તેને તકલીફ આપવાનો કોઈ અર્થ નથી.’
‘અને પેલી?’ દત્તાત્રેયનો ઇશારો મોહિની તરફ હતો, ‘જેણે મારા ચિત્તુને ફસાવ્યો તેનું શું કરવાનું?’
રઝાકે થોડી વાર વિચાર્યું, પછી કહ્યું, ‘ચિત્તુને આવવા દો.’ દત્તાત્રેયને આ વાત બરાબર લાગી, પણ રાધાને પાછી મોકલવાની વાતમાં તે જરા અચકાઈ ગયો. રઝાક સમજ્યો એટલે તેણે વકીલાત કરી, ‘આ કોઈને કશું નહીં કહે.’ તેણે રાધા સામે જોઈને કહ્યું, ‘જુઓ બાઈ, અમે તમારું નુકસાન નહીં કરીએ, સામે તમે અમારું નુકસાન નહીં કરતાં.’ રાધા તેની સામે જોઈ રહી, ‘હવે અમને ખબર પડી ગઈ છે કે ચિત્તુને કોણે ફસાવ્યો...’
‘જેણે ફસાવ્યો તેની તો ખબર પડી ગઈ...’ રાધાએ ધીમા અવાજે કહ્યું, ‘પણ જેણે આટલું મોટું કારસ્તાન કર્યું, ચિત્તુને દેશથી, તમારાથી દૂર રાખ્યો... મરેલો જાહેર કરીને અમને મૂરખ બનાવ્યા તેને... કંઈ નહીં?’ રાધાના અવાજમાં પીડા હતી, ‘મેં તેર વર્ષ જેલમાં કાઢ્યાં. મારી દીકરીથી દૂર... ફક્ત એ ડરથી કે ચિત્તુનું ખૂન થઈ ગયું છે!’ તેની આંખો કોરી હતી, પણ અવાજમાં ભીનાશ અનુભવી શક્યો દત્તુ. ‘એક માને તેની દીકરીથી, એક ભાઈને તેના ભાઈથી દૂર રાખ્યો. એક નહીં, બબ્બે પરિવારને વીંખી નાખ્યા. કોઈ કારણ વગર... તેને સજા નહીં કરો તમે?’ રાધાએ પૂછ્યું.
દત્તાત્રેયે અને રઝાકે એકબીજાની સામે જોયું. રાધાનો સવાલ સાચો હતો. મોહિની તો સજાને પાત્ર હતી જ, પણ એથી મોટો ગુનેગાર હતો ઋતુરાજ! બન્નેએ વિચાર્યું, ‘તેને તો સજા થવી જ જોઈએ.’
(ક્રમશઃ)

