એ રાત્રે એવો ભયાનક કાંડ બની ગયો હતો કે કોઈ એ રાતને યાદ કરવા તૈયાર નહોતું! કમલનાથને એવી ખબર હતી કે ચિત્તુ બંગલાની બહાર ગયો ત્યારે તેના શ્વાસ ચાલતા હતા
નવલકથા
ઇલસ્ટ્રેશન
‘મૂંગી મરીશ તો કોઈ તારું કંઈ નહીં બગાડી શકે પણ જો જીભડી ચલાવી તો તને ખબર જ છે કે તારું શું થશે!’ કહીને ઋતુરાજે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. ફોન મૂક્યા પછી ઋતુરાજનું મગજ પાંચગણી ઝડપે ચાલવા લાગ્યું. મોહિની ડરીને જો શામ્ભવી સામે બધું બકી નાખે તો એ રાત્રે પોતે ચિત્તુને બંગલાની બહાર લઈ જઈને જે રીતે ખતમ કર્યો હતો એ હકીકત પણ બહાર આવી જશે... ઋતુરાજને ખબર હતી કે ફક્ત એને બચાવવા માટે અને ઘરની પ્રતિષ્ઠાને અકબંધ રાખવા માટે કમલનાથ ચૌધરીએ પોતાની પત્નીને બલિનો બકરો બનાવી હતી. ઋતુરાજ જ્યારે ચિત્તરંજન શંકરરાવ મોહિતેને ઍમ્બ્યુલન્સમાં બંગલાની બહાર લઈ ગયો ત્યારે ચિત્તુ જીવતો હતો. તેને ગોળી વાગી હતી, પરંતુ છાતીમાં કે હૃદય પર કોઈ એવો ઘાવ નહોતો જેનાથી ચિત્તુનું મૃત્યુ થાય! તેને બહાર લઈ જવાનું કામ ઋતુરાજને સોંપવામાં આવ્યું કે પછી ઋતુરાજે સામેથી આ પરિવાર સામે પોતાની વફાદારી સાબિત કરવા ચિત્તુને ઠેકાણે પાડવાનું કામ પોતાના ખભે લઈ લીધું એ વાત હવે કોઈને યાદ નહોતી.
એ રાત્રે એવો ભયાનક કાંડ બની ગયો હતો કે કોઈ એ રાતને યાદ કરવા તૈયાર નહોતું! કમલનાથને એવી ખબર હતી કે ચિત્તુ બંગલાની બહાર ગયો ત્યારે તેના શ્વાસ ચાલતા હતા... એ પછી ચિત્તુનું શું થયું, તેની લાશ ક્યાં ગઈ... એ વિશે ઋતુરાજે તેમને કશું કહ્યું નહોતું અને કમલનાથે જાણી જોઈને ઋતુરાજને કશું પૂછ્યું નહોતું.
ADVERTISEMENT
સપ્ટેમ્બરની એ રાત્રે આછો વરસાદ પડતો હતો. કમલનાથ અને પદ્મનાભ એક કાર્યક્રમમાં ગયા હતા, રાત્રે મોડા પાછા આવવાના હતા પરંતુ કમલનાથને ખૂબ થાક લાગ્યો હતો એટલે તેમણે પોતાના ભાષણ પછી નીકળી જવાનું સૂચન કર્યું. બન્ને ભાઈઓ ઘરે પાછા આવ્યા ત્યારે લગભગ ૧૦ વાગ્યા હતા. લલિતભાઈ અને ઋતુરાજ પણ તેમની સાથે કાર્યક્રમમાં ગયા હતા. પદ્મનાભ તેના રૂમમાં ગયો અને કમલનાથ પોતાના રૂમમાં... થોડી જ મિનિટોમાં પદ્મનાભના રૂમમાંથી મોટા અવાજે બૂમો સંભળાવા લાગી. કમલનાથ પોતાના રૂમમાંથી બહાર નીકળીને પદ્મનાભના રૂમ સુધી પહોંચ્યા, રાધા અને જાગી ગયેલી શામ્ભવી પણ પિતાની પાછળ દોડ્યાં. પદ્મનાભ પોતાના રૂમના દરવાજાની વચ્ચોવચ ઊભા હતા. તેમના હાથમાં રિવૉલ્વર હતી. તેમની સામે મોહિની ઊભી હતી, મોહિનીનો હાથ પકડીને ઊભેલો એક ખૂબ હૅન્ડસમ અને વેલબિલ્ટ અજાણ્યો છોકરો હતો. લલિતભાઈ અને ઋતુરાજ પણ બૂમો સાંભળીને ત્યાં પહોંચ્યા હતા. પદ્મનાભના હાથમાં રિવૉલ્વર ધ્રૂજતી હતી. બન્ને વચ્ચે જે બોલાચાલી-સંવાદ થયાં એનો સાક્ષી હતો ઋતુરાજ! ચિત્તરંજને ડર્યા વગર મોહિની માટેનો પોતાનો પ્રેમ જાહેર કર્યો, પરંતુ મોહિની ફરી બેઠી! તેણે ચિત્તરંજનને ઓળખવાની જ ના પાડી દીધી એટલું જ નહીં, ચિત્તરંજને તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો એવો આક્ષેપ કરીને તેણે બાજી પલટી નાખી. ડઘાયેલો ઋતુરાજ, લલિતભાઈ, કમલનાથ અને પદ્મનાભ આ નવી ચાલ પછી પોતાની મતિ સંભાળે એ પહેલાં ચિત્તુએ અચાનક ઝાપટ મારીને એ રિવૉલ્વર ઝૂંટવી લીધી, પિતાનો હાથ પકડીને ઊભેલી નાનકડી શામ્ભવી જોઈ રહી હતી. ચિત્તુએ બીજા હાથે રાધાને ખેંચી. રિવૉલ્વર રાધાના માથે ધરીને ચિત્તુએ બૂમ પાડી, ‘મોહિની! સાચું બોલ નહીં તો આ બાઈને મારી નાખીશ.’
શામ્ભવી રડવા લાગી. કમલનાથે એક હાથે શામ્ભવીની આંખો ઢાંકી દીધી, પરંતુ તેણે પિતાનો હાથ હટાવ્યો, ‘મારી મમ્મીને છોડી દો.’ તેણે કહ્યું.
‘તો કહે આ બાઈને...’ ચિત્તુએ મૂર્ખની જેમ શામ્ભવીને કહ્યું, ‘સાચું બોલે.’
‘સાચું કહી દો, કાકી...’ શામ્ભવીની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. કમલનાથનું હૃદય કંપી ગયું. તેમનું લોહી ગરમ થઈ ગયું હતું, પરંતુ રાધાને કંઈ થાય એ કમલનાથ સહી શકે એમ નહોતા એટલે ચૂપચાપ ઊભા રહીને તમાશો જોતા રહ્યા.
મોહિની ટસની મસ ન થઈ. આમ પણ શામ્ભવી તેની દીકરી નહોતી... રાધા ઊભી-ઊભી ધ્રૂજતી હતી. મોહિનીએ તદ્દન નફ્ફટ થઈને કહી દીધું, ‘આ માણસ રાધાને મળવા આવ્યો હશે, પણ મારો દરવાજો ખુલ્લો જોઈને અહીં ઘૂસી ગયો.’ તેણે કમલનાથની આંખમાં આંખ પરોવી છતાં જુઠ્ઠું કહ્યું, ‘એટલે જ આના માથે રિવૉલ્વર મૂકી છે.’
‘શું બોલો છો, ભાન છે?’ કમલનાથ આખી પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળી શકે એમ નહોતા...
‘હું કોઈ રાધાને નથી ઓળખતો.’ ચિત્તુ રિવૉલ્વર તાકીને રાધાનું બાવડું પકડીને ઊભો હતો, ‘હું મોહિનીને પ્રેમ કરું છું.’ તેણે મોહિની સામે જોઈને કહ્યું, ‘તારે મારી સાથે આવવું પડશે નહીં તો આને મારી નાખીશ.’
‘હું શું કામ આવું?’ મોહિનીનું રૂંવાડુંય ફરક્યું નહોતું. ઋતુરાજ એ દિવસે આ ધીટ સ્ત્રીને જોઈને સાચે જ ઇમ્પ્રેસ થઈ ગયો હતો. તેને પોતાની જાત સિવાય કોઈની ચિંતા નહોતી, નાનકડી શામ્ભવીની પણ નહીં! પરંતુ રાધા હાથ જોડીને વિનવતી રહી, ‘મારો કોઈ વાંક નથી...’
પણ ચિત્તુ હવે જીદ પર અડી ગયો હતો. મોહિની જુઠ્ઠું બોલી એ વાતે ચિત્તુનો ઈગો હર્ટ થઈ ગયો હતો, તે હવે કોઈ પણ ભોગે મોહિની પાસે સત્ય કબૂલાવ્યા વગર અહીંથી ખસવા તૈયાર નહોતો, ‘સાચું બોલ, બાકી આ બાઈની ખોપડી ખોલી નાખીશ.’ તેણે સેફ્ટી કૅચ ખોલી નાખ્યો. તે ગમે ત્યારે ફાયર કરી શકે એવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ.
‘તેને કંઈ ન કરતા...’ કમલનાથનો અવાજ આટલો ઢીલો પહેલાં ક્યારેય નહોતો સાંભળ્યો ઋતુરાજે... ‘મોહિની! પ્લીઝ તેને કહો, રાધાને છોડી દે.’
‘હું શું કામ કહું?’ મોહિનીએ ખભા ઉલાળ્યા, ‘હું તેને ઓળખતી પણ નથી...’ મોહિની તરફ જોઈ રહેલા કમલનાથની આંખોમાં પારાવાર તિરસ્કાર હતો, ‘તે રાધાને બચાવવા મારું નામ લઈ રહ્યો છે.’
પદ્મનાભ બેવકૂફની જેમ ત્યાં ઊભો રહીને આખો તમાશો જોઈ રહ્યો હતો. કમલનાથે પોતાના નાના ભાઈ તરફ જોઈને કહ્યું, ‘રાધાને કંઈ થશે તો હું મોહિનીને નહીં છોડું...’
‘સાચું બોલ...’ પદ્મનાભ એટલું જ કહી શક્યો.
આ રસાકસીમાં કોણ જાણે ક્યારે ચિત્તુ બેધ્યાન થયો, ક્યારે નાનકડી શામ્ભવીએ રિવૉલ્વર ઝૂંટવી અને ક્યારે તેણે ફાયર કર્યો એનું કોઈને પણ ભાન ન રહ્યું. ગુસ્સામાં મોહિની તરફ જોઈને બૂમો પાડી રહેલો ચિત્તુ અચાનક ગોળી ચાલવાના અવાજથી ચોંક્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના હાથમાંથી રિવૉલ્વર નાનકડી ઢીંગલી જેવી છોકરીએ ઝૂંટવી લીધી હતી. શામ્ભવીને ફાયર કરવાની આવડત નહોતી, તે પછડાઈ, ગોળી ચિત્તુના ખભાને વાગી. ચિત્તુ પણ જમીન પર પડ્યો. લોહીલુહાણ હાલતમાં તે પોતાના ડાબા હાથે જમણો ખભો દબાવીને જમીન પર પડ્યો-પડ્યો પણ બૂમો પાડતો રહ્યો, ‘સાલી રાં... સાલી જુઠ્ઠી...’ ચિત્તુના ગુસ્સામાં હવે પીડા પણ હતી, ‘હું આને જ મળવા આવ્યો હતો. આ બાઈએ જ મને ઇન્ટરનેટ પર કૉન્ટૅક્ટ કરીને મારી સાથે છેતરપિંડી કરી... આ કૂતરીએ જ મને તમારા ઘરમાં આવવાનો રસ્તો બતાવ્યો. આ બાઈએ મને ચીટ કર્યો છે. મારો ભાઈ નહીં છોડે તમને. એક-એકની બોટી-બોટી કરી નાખશે... ઓળખો છો, કોણ છે મારો ભાઈ? દત્તાત્રેય મોહિતે... સાતારાનો ભાઈ છે... તેના માણસો આવીને ભૂંજી નાખશે તમને બધાને...’ તે મોહિની સામે જોઈને આગ ઓકતો રહ્યો, ‘તારા જેવી સ્ત્રીઓને તો રસ્તા પર નાગી કરવી જોઈએ.’ તેણે પદ્મનાભ સામે જોઈને કહ્યું, ‘તું કઈ રીતે સહન કરે છે આ હરામીને...’
કમલનાથ માટે આ બધું અસહ્ય હતું. તેણે રાધાને ઇશારો કરીને શામ્ભવીને ત્યાંથી લઈ જવાની વિનંતી કરી. શામ્ભવી આખી ધ્રૂજતી હતી. માની કમર પર બન્ને હાથ લપેટીને તેની સાડીમાં મોં છુપાવીને ઊભેલી શામ્ભવીને કલ્પના પણ નહોતી કે તેણે શું કરી નાખ્યું હતું!
એ પછી જે કંઈ થયું એ ઋતુરાજે કર્યું!
ઍમ્બ્યુલન્સ બોલાવવાથી શરૂ કરીને ચિત્તુને એ જ ઍમ્બ્યુલન્સમાં નાખીને બહાર લઈ જવાનું પ્લાનિંગ ઋતુરાજે કર્યું. ઍમ્બ્યુલન્સમાં એક સ્ત્રીનું બૉડી ઘરમાં આવે અને બીજા દિવસે સવારે રાધાને મૃત જાહેર કરીને દત્તાત્રેય મોહિતેથી બચવાનું પ્લાનિંગ પણ ઋતુરાજે જે રીતે કર્યું એનાથી કમલનાથ ચકિત થઈ ગયા.
મૃત જાહેર કરેલી રાધાને ક્યાં રાખવી એ સવાલનો જવાબ પણ ઋતુરાજે જ શોધી આપ્યો... જેલમાં રાખીને રાધાને સૌની નજરથી બચાવી શકાય. શામ્ભવીની સ્મૃતિમાંથી આ આખીય ઘટનાને ભૂંસી નાખવાનો આનાથી વધુ સારો રસ્તો કમલનાથને સૂઝ્યો નહીં.
એ પછી ઋતુરાજ કમલનાથનો રહસ્યમંત્રી હોય એમ તેમના નાના-નાના, સાચા-જૂઠા પ્રસંગોનો સાક્ષી બનતો રહ્યો હતો... ઋતુરાજે આ બધાં વર્ષો દરમિયાન દત્તુનો ટ્રૅક રેકૉર્ડ રાખ્યો હતો. દત્તાત્રેય શંકરરાવ મોહિતે એક ભાઈમાંથી કઈ રીતે MLA બન્યો, કઈ રીતે સાતારાની સેંકડો વીઘા જમીન પર તેણે કબજો કર્યો, કઈ રીતે તેની ગૅન્ગ સાતારા અને એની આસપાસના વિસ્તારોમાં વધતી ગઈ, કઈ રીતે તેનો પાવર વધુ ને વધુ મજબૂત થતો ગયો... આ બધું ઋતુરાજ જાણતો હતો.
ઋતુરાજ જ નહીં, કમલનાથ પણ આ જાણતા હતા. તેમણે જેટલી વાર રાધાને પાછી લાવવાનો વિચાર કર્યો એ દરેક વખતે દત્તાત્રેયના પાવર અને તેના ભાઈના મૃત્યુની ઘટના વિશે વિચારીને તે અટકી ગયા! તેમણે રાજકારણ છોડી દીધું, દીકરીને અમેરિકા મોકલી દીધી પરંતુ રાધાને પાછી લાવવાનો વિચાર કરવાની કે એ જીવતી છે એવું જાહેર કરવાની કમલનાથની હિંમત થઈ નહીં. તેમણે દરેક વખતે મન મનાવ્યું, રાધા જેલમાં છે ત્યાં સુધી સેફ છે. તે મૃત્યુ પામી છે એવું માનતી શામ્ભવીની સ્મૃતિ નહીં જાગે ત્યાં સુધી દીકરી પણ સલામત છે... આ બે વાતના સધિયારાએ કમલનાથને ટકાવી રાખ્યા હતા.
ઋતુરાજ એટલો શાતિર હતો કે તેણે લલિતભાઈને પણ રાધાના જીવતાં હોવાની માહિતી આપી નહોતી... કમલનાથના રહસ્યને મુઠ્ઠીમાં બંધ કરીને જીવી રહેલા, ચૌધરી પરિવારના ‘અંગત’ બની ગયેલા અને મોહિનીને મહોરું બનાવીને અત્યાર સુધી રમતા રહેલા ઋતુરાજને કલ્પના પણ નહોતી કે ૧૩ વર્ષ પછી આ આખીયે ઘટના ફરી એક વાર સપાટી પર આવશે. રાધા અને શામ્ભવી આવી રીતે મળી જશે... શામ્ભવીની સ્મૃતિ હજી જાગી નહોતી, પરંતુ જો મોહિની સત્ય બકી નાખે તો શામ્ભવીની સ્મૃતિ જાગી જાય! જો એવું થાય તો એ રાત્રે જે કંઈ બન્યું એ કોણે કર્યું એની શોધખોળ કરતો દત્તુ આવી જ પહોંચે એ વાતની ઋતુરાજને ખાતરી હતી.
ઋતુરાજે ફોન ડિસકનેક્ટ કર્યો પછી મોહિનીનું મગજ ઍક્ટિવેટ થઈ ગયું. હવે કોઈ તેની મદદ નહીં કરે એ સત્ય મોહિનીએ સ્વીકારી લીધું... હવેની લડાઈ તેણે એકલાં લડવાની હતી. તેણે પોતે જ પોતાની મદદ કરવાની હતી એ સમજણ સાથે તેણે પોતાનાં પત્તાં ફરી ચીપીને બાજી નવેસરથી ગોઠવવાની શરૂઆત કરી.
ઊંડો શ્વાસ લઈ એક ગ્લાસ પાણી પીધું. ચહેરો સરખો કર્યો. મેકઅપ કરીને તે શામ્ભવીના રૂમ તરફ ચાલી નીકળી. શામ્ભવીનો રૂમ અંદરથી બંધ હતો. મોહિનીએ તેના દરવાજા પર ટકોરા માર્યા. શામ્ભવીએ દરવાજો ખોલ્યો, ‘શું છે?’ તેણે પૂછ્યું. તે ગુસ્સામાં હતી. મોહિની સાથે થોડી મિનિટો પહેલાં જે કંઈ થયું એ વાતની અસર હજી શામ્ભવીના મન પરથી ભૂંસાઈ નહોતી. મોહિનીએ શામ્ભવીની મા પર ગંદો આક્ષેપ કર્યો હતો... આ વાતથી ઉશ્કેરાયેલી, ચિડાયેલી શામ્ભવીએ તોછડાઈથી પૂછ્યું, ‘કંઈ બાકી રહી ગયું છે હજી?’
‘હંમમ્...’ મોહિનીએ ડોકું ધુણાવ્યું. તે શામ્ભવીને સહેજ હટાવીને હિંમત અને આત્મવિશ્વાસ સાથે તેના રૂમમાં દાખલ થઈ. શામ્ભવી ખસી તો ગઈ, પરંતુ મોહિનીની હિંમત જોઈને તેને વધારે ગુસ્સો આવ્યો. તે આંગળી ઉઠાવીને મોહિનીને બહાર નીકળવાનું કહેવા જતી હતી ત્યાં જ મોહિનીએ તેને રોકીને કહ્યું, ‘તારે જાણવું છેને, શું થયું? કેવી રીતે થયું? કોણે કર્યું? હું કહીશ તને... શબ્દેશબ્દ! સત્ય!’ મોહિનીએ ચાલાકીપૂર્વક શામ્ભવીની આંખોમાં આંખો નાખી, ‘એક વાત સમજી લેજે, સત્ય શોધવું તો અઘરું જ છે પણ એક વાર જાણ્યા પછી સત્ય પચાવવું એથી પણ અઘરું છે. હું જે કહીશ એ સાંભળી શકીશને તું? સાંભળ્યા પછી જીરવી શકીશને એ સત્યનો ભાર?’
કોણ જાણે કેમ મોહિનીનો સૂર, તેનો આત્મવિશ્વાસ અને હિંમત જોઈને શામ્ભવી ભીતરથી ધ્રૂજી ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું, ‘હા. હું જીરવી જઈશ. ગમે તેટલું કડવું... ગમે તેટલું ભયાનક હશે એ સત્ય! મારે જાણવું છે.’
‘જેને તું સતી સાવિત્રી, દેવી માનીને ઘેર પાછી લાવવાનો પ્રયત્ન કરી રહી છે એ બાઈને તારા બાપે કેમ કાઢી... સાંભળી શકીશ?’ મોહિનીના ચહેરા પરા એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો. હળાહળ જુઠ્ઠું બોલી રહેલી મોહિની જે રીતે એક પછી એક પત્તાં ઊતરી રહી હતી એનાથી શામ્ભવીની ભીતર એક ખળભળાટ મચી ગયો હતો. તેનું ગળું સુકાવા લાગ્યું. બાજુમાં પડેલો પાણીનો જગ ઉપાડી તેણે સીધો જ મોઢે માંડ્યો. મોહિની તેની સામે જોઈ રહી. તેની સોગઠી બરાબર લાગી હતી. તેણે સ્નેહથી શામ્ભવીના ખભે હાથ મૂક્યો, ‘હું જાણું છું, પોતાની મા વિશે કંઈ પણ સાંભળવું કેટલું પીડાદાયક અને અપમાનજનક હોય છે, પણ હવે તેં ખોદ્યું છે તો અંદરથી નીકળેલું મડદું પણ તારે જોવું જ પડશે.’
‘પ્લીઝ!’ શામ્ભવી ઉશ્કેરાઈ ગઈ, ‘સસ્પેન્સ પૂરું કરો અને કહો મને...’
શામ્ભવીનું વાક્ય પૂરું થાય એ પહેલાં મોહિનીએ હસીને કહ્યું, ‘કહું છું... એ દિવસે એ છોકરો તારી માને મળવા આવ્યો હતો. પોતાનાથી ૧૦ વર્ષ નાના છોકરા સાથે તારી માનું અફેર હતું.’
‘નો...’ શામ્ભવીએ જોરથી કહ્યું, ‘શક્ય જ નથી. મારી મા એક સીધીસાદી ગૃહિણી હતી. તે ક્યાં મળી આ છોકરાને? ક્યારે થયું અફેર?’ પોતાના ઘરે બોલાવે એટલી મૂરખ નથી મારી મા. તે ઓળખે છે મારા બાપને.
‘પ્રેમમાં પડેલો માણસ મૂરખ અને આંધળો કેમ કહેવાય છે?’ મોહિની ફરી હસી, ‘તારી માની ભૂલ જ થઈ ગઈ...’ તેણે નજીક જઈને શામ્ભવીના ખભે હાથ મૂક્યો, ‘કદાચ તારી માનું નસીબ ખરાબ હતું. કાર્યક્રમમાંથી બાર વાગ્યે આવવાના હતા કમલનાથ અને પદ્મનાભ! બિચારી નિશ્ચિંત હતી... પણ એ બન્ને જણ દસ વાગ્યે પાછા આવી ગયા... ગાડી જ્યારે કમ્પાઉન્ડમાં પ્રવેશી ત્યારે એ છોકરો બિચારો... રાધા સાથે તેના રૂમમાં...’ મોહિનીએ સહેજ અચકાઈને કહ્યું... ‘તેની પથારીમાં હતો.’ મોહિની હસી, ‘તું તો મોટાજીને ઓળખે છે. તેમણે બન્નેને પકડ્યાં... પછી કોઈએ કોઈને કશું કહેવાનું નહોતું.’
‘તો બાપુએ કેમ ન મારી નાખ્યો તેને?’ શામ્ભવીએ પૂછ્યું. મોહિનીએ સાચું કહ્યું હતું, તે તેના પિતાને ઓળખતી હતી. તેમના લોહીની ગરમીને, તેમના મિજાજને જે ઓળખે તેને આ સવાલ થાય જ! કમલનાથ ચૌધરી ઠંડા કલેજાના, ગણતરીબાજ માણસ નહોતા. પોતાની પત્નીને આવી રીતે કોઈ અન્ય પુરુષ સાથે જોયા પછી કમલનાથ તેને તરત જ મારી નાખે...
‘બેઉને મારી જ નાખ્યાં હોત જો એ રાત્રે હું ન હોત તો!’ મોહિની બરાબર શતરંજ બિછાવી હતી, ‘તારી માને મેં બચાવી.’ શામ્ભવી પહોળી આંખે સાંભળી રહી હતી, ‘તેને જીવતી રાખવી છતાં ઘરમાં ન રાખવી... એ ઉકેલ જ મેં સૂચવ્યો.’ મોહિની સમજી ગઈ કે શામ્ભવી તેની વાતમાં લપેટાઈ ચૂકી હતી, ‘એ છોકરો જે તારી માનો બૉયફ્રેન્ડ હતો...’
‘હું નથી માનતી...’ શામ્ભવીએ કહ્યું તો ખરું, પણ હવે તેનો અવાજ સાવ મંદ હતો.
‘માન્યા વગર છૂટકો નથી તારો!’ મોહિનીએ કહ્યું, ‘તેને મારી નાખ્યો... તારા બાપે મરાવ્યો તારી મા પાસે. તેનો ભાઈ ગૅન્ગસ્ટર છે. તારી મા જીવતી રહે એ માટે તેને મરેલી જાહેર કરી. જેલમાં મોકલી. ને તારા પર તેની અસર ન પડે માટે...’ મોહિનીએ નજીક આવીને શામ્ભવીના માથે હાથ ફેરવ્યો, ‘તને વિદેશ મોકલી.’ તેણે પૂરી સહાનુભૂતિ અને સ્નેહના અભિનય સાથે કહ્યું, ‘તું નથી જાણતી બેટા, તારા બાપે કેટલાં દુઃખ સહ્યાં છે. તારી માએ તેમને કેટલું દુઃખ આપ્યું છે...’
શામ્ભવીની આંખોમાંથી આંસુ સરતાં રહ્યાં. મોહિની કહેતી રહી, શામ્ભવી અવિશ્વાસ સાથે ‘ના’માં ડોકું ધુણાવતી રહી, પણ સાંભળવાની ના ન પાડી શકી.
(ક્રમશઃ)