Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૭)

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૨૭)

Published : 05 January, 2025 07:14 AM | Modified : 05 January, 2025 07:34 AM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

મોહિની ઉશ્કેરાઈ ગઈ. તે બાથરૂમમાંથી જસ્ટ બહાર નીકળી હતી. શૉકિંગ પિન્ક કલરનો વિક્ટોરિયા સીક્રેટનો બાથરોબ તેના શરીર પર જેમતેમ લપેટાયેલો હતો.

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


‘તું? તું અહીં શું કરે છે?’ શામ્ભવીને પોતાના રૂમમાં નિરાંતે બેઠેલી જોઈને મોહિની ચોંકી.


‘પ્રાઇવેટ જેટ કેવી રીતે ઉડાડવું એ શીખવા આવી છું.’ શામ્ભવી હસી.



‘ગેટ આઉટ!’ મોહિની ઉશ્કેરાઈ ગઈ. તે બાથરૂમમાંથી જસ્ટ બહાર નીકળી હતી. શૉકિંગ પિન્ક કલરનો વિક્ટોરિયા સીક્રેટનો બાથરોબ તેના શરીર પર જેમતેમ લપેટાયેલો હતો. તેના વાળ એવા જ રંગના સુંવાળા ટૉવેલમાં ઉપરની તરફ બાંધેલા હતા. મેકઅપ વગરની સદ્યસ્નાતા ત્વચા ચમકતી હતી, પરંતુ મોહિનીની સાચી ઉંમરની ચાડી પણ ખાતી હતી, ‘મારા રૂમમાં મને પૂછ્યા વગર...’


શામ્ભવી આગળ વધી. તેણે મોહિનીના ગાલ પર એક હળવી ટપલી મારી, ‘કાકીજાન! રૂમ નહીં, આખું ઘર મારું છે.’ તે ફરી હસી, ‘કમલનાથ ચૌધરીના બંગલાની એકમાત્ર વારસ છું હું!’

‘શું છે તારે?’ મોહિનીને આમ પણ શામ્ભવી બહુ ગમતી નહીં. તેની હિંમત, બેબાકી અને લૉજિક સામે મોહિની હંમેશાં હારી જતી. શામ્ભવી ૧૩ વર્ષની હતી ત્યારે મોહિની તેની ‘મા’ બનવાનો પ્રયાસ કરી ચૂકી હતી, પરંતુ શામ્ભવીએ તેના બનાવટી વહાલ અને લાગણીના દેખાડાને ક્યારેય રિસ્પૉન્સ કર્યો નહોતો. એ પછી શામ્ભવી અને મોહિની વચ્ચે સતત એક ઠંડું યુદ્ધ ચાલતું રહ્યું. મોહિનીને સૌથી મોટો વાંધો એ હતો કે કમલનાથ શામ્ભવીનો જ પક્ષ લેશે, ઘરમાં તેનું જ ધાર્યું થતું... મોહિનીને પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવા માટે સતત ઝઝૂમવું પડતું.


આજે પણ શામ્ભવી રજા લીધા વગર તેના રૂમમાં ઘૂસી આવી હતી. નિરાંતે તેના રૂમના ખૂણામાં આવેલા સિટિંગ પર પગ ફેલાવીને એવી રીતે બેઠી હતી જાણે... ખેર, મોહિનીએ પોતાની જાત પર સંયમ કેળવવાનો પ્રયત્ન કર્યો, ‘શું કામ છે?’

‘ઇન્ફર્મેશન જોઈએ છે.’ શામ્ભવીએ કહ્યું.

‘શેની?’ મોહિનીએ પૂછ્યું.

‘સપ્ટેમ્બર ૨૦૧૦ની એ રાત્રે જે થયું હતું એની ઇન્ફર્મેશન.’ શામ્ભવીએ કહ્યું.

મોહિની છંછેડાઈ ગઈ, ‘તું કેમ બધાનું લોહી પીએ છે? કારણ વગર પેટ ચોળીને પીડા ઊભી કરે છે. પહેલાં જેલમાં ધક્કા ખાધા, પછી ઘર ઉપર-તળે કર્યું, મોટાજીને હેરાન કર્યા, પદમને પણ...’ તેણે માથા પર બાંધેલો ટૉવેલ છોડી નાખ્યો. તેના ભીના વાળ ખૂલીને ખભા પર ફેલાઈ ગયા, ‘હવે મને હેરાન કરે છે.’ તેણે અરીસામાં દેખાતા શામ્ભવીના પ્રતિબિંબ સાથે આંખો મેળવી, ‘તારે શું સાબિત કરવું છે?’

‘મારે એ સાબિત કરવું છે કે મારી મા જીવે છે.’ કહેતાં-કહેતાં શામ્ભવીનું ગળું ભરાઈ આવ્યું, ‘મારે એ પણ સાબિત કરવું છે કે મારી મા નિર્દોષ છે અને હા, એ પણ સાબિત કરવું છે કે મારી મા જે ગુના માટે આટલાં વર્ષથી ઘર અને પરિવારથી દૂર રહે છે એ ગુનો આ ઘરમાંથી જ કોઈએ કર્યો છે. મારે એ વ્યક્તિને ગુનેગાર સાબિત કરવી છે, મારી માને આ ઘરમાં પાછી લઈ આવવી છે.’ શામ્ભવીએ ડર્યા વગર મોહિનીની આંખોમાં આંખો પરોવીને કહ્યું, ‘ગૉટ ઇટ?’

મોહિની હસી પડી. તે અંદરથી ધ્રૂજી ગઈ હતી, પરંતુ શામ્ભવીને તેના ભયની કે તેની અંદર ચાલી રહેલી હલચલની ખબર ન પડે એનો પૂરો ખ્યાલ રાખીને તેણે કહ્યું, ‘આ બધી તારા મગજમાં ચાલતી ખુરાફાત છે. ઑફિસ જવાનું શરૂ કર, બિઝી થઈ જઈશ તો આ બધામાંથી મગજ બહાર નીકળશે. ભાભીજી હવે નથી.’ તેણે નજીક આવીને શામ્ભવીના માથે હાથ ફેરવ્યો, ‘હું તારું દુઃખ સમજું છું બેટા! પણ કોઈ શું કરી શકે?’

‘ઓકે.’ શામ્ભવીએ કહ્યું, ‘આ તો હું વર્ષોથી સાંભળતી આવી છું, પણ હવે મારી પાસે તમારા માટે એક સરપ્રાઇઝ છે. તમે જોયા પછી નક્કી કરો કે તમારે ઇન્ફર્મેશન આપવી છે કે નહીં...’ આટલું સાંભળતાં જ મોહિનીને પરસેવો વળવા લાગ્યો. શામ્ભવીએ આગળ કહ્યું, ‘બાપુ પણ કોઈક કારણસર આખી વાતને ટાળે છે, દબાવે છે...’ તેનું ગળું ફરી સહેજ રૂંધાયું, ‘તેમના પર કોઈક પ્રેશર છે એ હું સમજી શકું છું - બસ! તે શેનાથી ડરે છે એટલું જ મારે શોધવું છે.’ તેણે બ્રાઉન પેપરનું કવર મોહિની તરફ લંબાવ્યું, ‘એ શોધવામાં તમે જ મારી મદદ કરી શકો એમ છો માય ડિયર મોહિની ચૌધરી.’

મોહિનીએ ધ્રૂજતા હાથે કવર હાથમાં લીધું. શામ્ભવીનો આત્મવિશ્વાસ અને વાત કરવાની રીત જોઈને મોહિની સમજી જ ગઈ હતી કે તે કશું જબરદસ્ત લઈને આવી હશે. મોહિનીએ કવર ખોલ્યું. એક પછી એક સરકતી તસવીરો, કાગળો અને ધ્રૂજતી આંગળીઓ પરથી શામ્ભવી સમજી ગઈ કે આ પુરાવાએ મોહિનીને અંદરથી તોડી નાખી છે. કૂવાના કાંઠે ઘસાઈ-ઘસાઈને દોરડાનો છેલ્લો વળ બાકી રહ્યો હોય એમ મોહિનીની હિંમતનો આ છેલ્લો વળ હતો. શામ્ભવીએ કહ્યું, ‘હવે...’ મોહિની ઊંચું જોઈ શકે એમ નહોતી. તેના બાથરોબનો પટ્ટો બાંધેલો નહોતો, પરંતુ ખુલ્લા થઈ ગયેલા બાથરોબમાંથી દેખાતા તેના કમનીય વળાંકોને ઢાંકવાની પણ સૂધ તેને રહી નહોતી. હાથમાં પકડેલા ફોટો અને રિપોર્ટ્સ, FIR અને બીજા કાગળોએ મોહિનીને અવાક કરી દીધી હતી.

‘જો શામ્ભવી...’ મોહિનીના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. શામ્ભવી મનોમન રાજી થઈ રહી હતી. શિવે કરેક્ટ જગ્યાએ તીર મારવાનો આઇડિયા આપ્યો હતો. ડરી ગયેલી મોહિની હવે બધું જ બકી નાખશે એવી ખાતરી સાથે શામ્ભવીએ તેની સામે જોઈને ભ્રમરો ઉલાળી, ‘હું આમાં...’ મોહિનીને શબ્દો જડતા નહોતા. શામ્ભવીના ચહેરા પર સ્મિત હતું, ‘મને... આ...’

‘શું થયું હતું એ રાત્રે?’ શામ્ભવીએ પૂછ્યું, ‘વન બાય વન... મારે પૂરી સીક્વન્સ જાણવી છે.’

‘હું... હું... કપડાં પહેરી લઉં?’ મોહિનીએ સાવ ગરીબડા થઈને પૂછ્યું. શામ્ભવીએ ડોકું ધુણાવ્યું. મોહિની પોતાના રૂમ સાથે જોડાયેલા વૉકઇન વૉર્ડરોબમાં દાખલ થઈ. તેણે બારણું બંધ કર્યું. શામ્ભવીએ એક ચતુર નજર તેના ઓરડામાં ફેરવી. મોહિનીનો ફોન ડ્રેસિંગ ટેબલ પર પડ્યો હતો એટલે તે નિરાંતે બેઠી. શામ્ભવીને કલ્પના પણ નહોતી કે અંદર વૉકઇન વૉર્ડરોબના ડ્રૉઅરમાં મોહિનીનો એક સીક્રેટ ફોન હતો!

lll

બાથરૂમ સાફ કરવાવાળી બાઈના ફોનથી રાધાએ ત્રણ વખત કમલનાથનો નંબર ડાયલ કર્યો, પરંતુ અજાણ્યો નંબર હોવાને કારણે કમલનાથને ફોન ઉપાડ્યો નહીં. આ નોકિયાનો સાદો ફોન હતો, સ્માર્ટફોન નહોતો એટલે મેસેજ કરવાનો સમય રાધા પાસે નહોતો. લગભગ ચાર-પાંચ મિનિટ ફોન ટ્રાય કર્યા પછી રાધા બાથરૂમની અંદર પરસેવો લૂછી રહી હતી. તેની આંખોમાં પાણી ધસી આવ્યાં હતાં. આ માણસ પોતાને સાતારા કેમ લઈ જાય છે, ત્યાં લઈ જઈને શું કરશે... પોતાને કિડનૅપ કરીને તેના પરિવાર પર તો કોઈ મુશ્કેલી નહીં આવેને? આવા વિચારોથી રાધા સાચે જ ગભરાઈ ગઈ હતી. તેણે છેલ્લી વાર, ચોથી વાર કમલનાથનો ફોન ટ્રાય કર્યો.

વારંવાર એક જ નંબરથી ફોન આવી રહ્યા હતા. કમલનાથને અચાનક ઝબકારો થયો કે કિડનૅપરનો ફોન હોઈ શકે! તેમણે ફોન ઉપાડી લીધો, ‘હલો!’

‘ફોન કેમ નથી ઉપાડતા?’ રાધાનો અવાજ ડરેલો અને ઉતાવળિયો હતો, ‘મને કિડનૅપ કરી છે.’ જવાબની રાહ જોયા વિના જ તેણે કહી દીધું, ‘સાતારા લઈ જાય છે.’ તેની પાસે હતી એટલી માહિતી તેણે કમલનાથને આપી દીધી, ‘મને... મને સાતારા લઈ જાય છે.’

‘જતી રહે.’ કમલનાથે કહ્યું, ‘વિરોધ નહીં કરતી. તેની સામે થવાનો પ્રયત્ન નહીં કરતી, નહીંતર કદાચ...’ તેમના અવાજમાં રહેલી ચિંતા અને કાળજી બન્ને રાધા સુધી પહોંચ્યાં, ‘કેટલા માણસો છે?’

‘એક જ, ડ્રાઇવર.’ રાધાએ કહ્યું, ’૩૦-૩૨નો લાગે છે. ચોખ્ખા દાંત, વ્યવસ્થિત ઓળેલું માથું, ગોરો ચહેરો, ભૂરી આંખો અને ઊંચો-પહોળો છે.’ રાધા પાસે સમય ઓછો હતો, ‘કોઈ ‘સાહેબ’ની વાત કરે છે.’

‘હું જોઉં છું.’ કમલનાથે કહ્યું, ‘આ ફોન તેનો છે?’

‘ના...ના... હું બાથરૂમ જવાના બહાને અહીં આવી છું.’ રાધાએ કહ્યું, ‘નાથ! બધું બહુ ગૂંચવાઈ ગયું. તમે...’ તેનું ગળું ભરાઈ આવ્યું, આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં, ‘મારી શામ્ભવીનો ખ્યાલ રાખજો.’ રાધાએ ઉમેર્યું, ‘તેને કંઈ ન થવું જોઈએ. મૂરખ છે, નાની છે, ઉશ્કેરાટમાં છે... મને જોઈ ત્યારથી...’

‘સમજું છું.’ કમલનાથ પણ આગળ બોલી શક્યા નહીં. તેમની આંખમાંથી બે આંસુ ટપકી ગયાં, ‘ખોટી નથી તે! તેની મા વિશે બધું જ જાણવાનો હક છે તેને.’ તેમનાથી કહેવાઈ ગયું.

‘પણ, એ સત્ય તો બૉમ્બ જેવું છે. જો શામ્ભવી સુધી પહોંચશે તો બધું જ એક ધડાકામાં...’ રાધાબહેનનો અવાજ સાવ ક્ષીણ થઈ ગયો, ‘આટલાં વર્ષો સુધી આપણે માંડ બધું બચાવીને રાખ્યું છે. શામ્ભવીની એક બેવકૂફી આખા પરિવારને...’

‘રાધા!’ કમલનાથનો અવાજ અસહાય થઈ ગયો. જાણે બહુ દૂરથી આવતો હોય એમ ધીમા અવાજે કમલનાથે કહ્યું, ‘હવે ઈશ્વરને ગમે એ સાચું. મેં હાથ-પગ પછાડવાના છોડી દીધા છે. ત્યારે શામ્ભવી નાની હતી, મને ચિંતા હતી તેની. હવે...’ તેમણે ગળું ખોંખાર્યું, ‘મેં વિલ કરી દીધું છે. બધું ગોઠવાઈ ગયું છે. હવે મોતનો ડર નથી રહ્યો રાધા.’

‘મોતથી તો હું પણ નથી ડરતી.’ રાધા બોલી અને બહારથી બાથરૂમ સાફ કરનારી બહેને ટકોરા માર્યા, ‘ડર તો એ વાતનો છે કે ભૂતકાળના પડછાયા શામ્ભવીના જીવનમાં અંધારું ન કરી દે.’

‘એવું નહીં થાય.’ કમલનાથે કહ્યું.

બહાર ફરી ટકોરા પડ્યા. સાથે જ લેડીઝ બાથરૂમની બહારથી ગાડી લઈને આવેલા છોકરાનો અવાજ સંભળાયો, ‘અરે ચલો રે... આખી ઝિંદગી ઇધર બૈઠને કા હૈ ક્યા? સાહબ કા ફોન આયા થા... ભાગને કી કોશિશ કરેગી તો ગોલી માર દૂંગા.’ તેણે ખુલ્લેઆમ ધમકી આપી.

રાધાએ ફટાકથી દરવાજો ખોલ્યો, ‘આવી...’ તેણે કહ્યું. ફોન ઝાડુવાળા બહેનને આપ્યો અને ધીમેથી ઉમેર્યું, ‘મારા વરના માણસો તમને આ હેલ્પનો બદલો આપશે.’ કહીને રાધા સડસડાટ એ લેડીઝ બાથરૂમની બહાર નીકળી ગઈ. ઝાડુવાળી બહેન હાથમાં ફોન પકડીને રાધાને જતી જોઈ રહી. તેણે ફોન પાછો બ્લાઉઝમાં મૂકી દીધો. બનેલી ઘટના વિશે મનોમન તાણાવાણા ગૂંથતી તે પોતાના કામે લાગી.

‘કેટલી વાર?’ રાધા બહાર નીકળી ત્યારે બાથરૂમના બારણાની બહાર ઊભેલા પેલા ગાડીના ચાલકે પૂછ્યું, ‘કોઈ ચાલાકી તો નથી કરીને?’ રાધાએ ડોકું ધુણાવીને ‘ના’ પાડી એટલે તે હસ્યો, ‘કરી હશે તો તને જ ભારે પડશે. સાહેબ કોઈને છોડતા નથી... ને તારી સાથે તો જૂનો હિસાબ સેટલ કરવાનો છે આન્ટી!’

lll

‘હં...’ ઋતુરાજે બેધ્યાનપણે ફોન ઉપાડ્યો, ‘કેટલી વાર કહ્યું છે કે ઑફિસમાં ફોન નહીં કરવાનો...’

‘બધું બરબાદ થઈ જશે.’  મોહિની હાંફી રહી હતી, ‘આ... શામ્ભવી...’

‘સવારના પહોરમાં ઊંઘી ગઈ હતી કે શું?’ ઋતુરાજે તોછડાઈથી કહ્યું, ‘સપનાં પણ શામ્ભવીનાં જ આવે છે તને!’

‘ઇડિયટ!’ મોહિની ચીડાઈ, ‘તે બહાર બેઠી છે, હું ડ્રેસરમાંથી ફોન કરું છું.’ ઋતુરાજ કંઈ બોલે એ પહેલાં તેણે કહ્યું, ‘જે ફાઇલ ગુમ કરવાનો તેં દાવો કર્યો હતો એ ફાઇલના બધા જ કાગળ શામ્ભવી લઈને આવી છે. હવે મને ઇન્ટરોગેટ કરે છે.’

‘તો?’ ઋતુરાજને જરાય પરવા નહોતી, ‘તને કંઈ ખબર હોય તો તું કહે...’ તેણે કહ્યું, પછી તે હસ્યો એવું મોહિનીને લાગ્યું.

‘ખબર?’ મોહિનીનો અવાજ ઊંચો થઈ ગયો, ‘ખબર તો છે જને...’ ડ્રેસરમાંથી ધીમા અવાજે થતી વાતચીતને કારણે શામ્ભવી સહેજ સજાગ થઈ ગઈ. તેણે ડ્રેસરના દરવાજા પર કાન માંડ્યા, ‘તે જે કાગળ લઈને આવી છે એ બધા સાચા છે.’ બહાર કાન માંડીને સાંભળી રહેલી શામ્ભવી દરવાજાની સહેજ વધુ નજીક આવી, ‘પેલો આપણા ઘરમાં મર્યો એ વાતની જાણ જો તેના ભાઈને થશે તો કોઈને નહીં છોડે.’ મોહિની દબાયેલા અવાજે બોલી રહી હતી, પરંતુ ડ્રેસરના દરવાજા એટલા મજબૂત નહોતા કે શામ્ભવી સાંભળી ન શકે, ‘આપણે જે રહસ્યને ૧૩ વર્ષથી ઘરમાં જ દાટી દીધું છે એની ભનક પણ લાગશે તો તે માણસ આખા પરિવારને ફૂંકી મારશે.’ મોહિની કહેતાં-કહેતાં ધ્રૂજતી હતી, ‘તું બચી જઈશ એમ નહીં માનતો. તું પણ...’ તેણે કહ્યું, ‘મને ડર લાગે છે.’

‘તો જા...’ ઋતુરાજ કંટાળ્યો હતો, ‘જઈને બકી માર.’ તેણે વધુ તોછડાઈથી કહ્યું, ‘સહેજ પણ અક્કલ નથી તારામાં.’ તેણે ખૂબ ચીડ અને ગુસ્સાથી કહ્યું, ‘ડરીશ તો મરીશ. કાગડી છે શામ્ભવી, તારી આંખો વાંચી લેશે. તું નહીં બોલે એ પણ સાંભળી લેશે તે કૂતરી. જો ગરબડ કરીને તો... મરશો બધા.’ ઋતુરાજે વાત પૂરી કરી, ‘હું પહેલા દિવસથી તને કહું છું કે કશું બન્યું જ નથી, મગજની સ્લેટ કોરી કરી નાખ; પણ તું તો રોજેરોજ ગોખી-ગોખીને એ જ પ્રસંગ યાદ કર્યા કરે છે. જા મર.’ કહીને તેણે ફોન કાપી નાખ્યો. સેલફોન હાથમાં પકડીને થપ્પડ ખાધેલા બાળકની જેમ ડઘાયેલી મોહિની નગ્નાવસ્થામાં ઊભી હતી. તેની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં, શ્વાસ અટકી-અટકીને ચાલતો હતો. તેણે મહામહેનતે કબાટ ખોલ્યું, ઉપર પડેલાં આંતઃવસ્ત્ર અને પછી જે દેખાયાં એ કપડાં પહેરીને તેણે સ્વયંને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો. બે-ચાર ઊંડા-ઊંડા શ્વાસ લઈને તેણે ડ્રેસરનો દરવાજો ખોલ્યો ત્યારે શામ્ભવી ફરી પાછી એ જ સોફામાં નિરાંતે બેઠી હતી.

‘થઈ ગઈ વાત?’ શામ્ભવીએ સાવ સહજતાથી પૂછ્યું.

‘હેં!?!’ મોહિની પકડાઈ ગઈ, ‘કઈ વાત? કોની સાથે?’ તેણે સ્વસ્થતા જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો.

‘જો મોહિની! આ છેલ્લી વાર કહું છું...’ શામ્ભવી એટલી નજીક આવી ગઈ કે તેના શ્વાસ મોહિનીના ગાલ પર અથડાવા લાગ્યા, ‘સાચું કહીશ તો ફાયદામાં રહીશ.’

‘શું કહું સાચું?’ મોહિનીનો અવાજ ફાટી ગયો, ‘ક્યારની મારી પાછળ પડી છે... મને કંઈ ખબર નથી. પૂછ તારા બાપને... તારા કાકાને...’ તે ઊંચા અવાજે બરાડી રહી હતી. તેનો અવાજ સાંભળીને ઘરના નોકરચાકર, જડીબહેન સૌ દોડી આવ્યાં અને મોહિનીના દરવાજાની બહાર ઊભા રહીને તમાશો જોવા લાગ્યાં, ‘સાચું કહીશને તો અહીં ઊભી નહીં રહી શકે તું. જે માને બચાવવા ધમપછાડા કરે છેને તેનું મોઢું પણ જોવા તૈયાર નહીં થાય તું. તારો બાપ... બધું જાણે છે એમ છતાં કેમ જેલમાં પૂરી રાખી છે બૈરીને? પૂછ તેને...’ મોહિની જોરજોરથી બૂમો પાડીને બોલી રહી હતી. તેની આંખોમાંથી આંસુ સરતાં હતાં, નાકમાંથી પણ પાણી વહેવા લાગ્યું હતું. ઉશ્કેરાટમાં તેનું શરીર ધ્રૂજતું હતું, ‘જા... જા... કર તપાસ. શોધી કાઢ સત્ય... તારી માનો કાળો ચહેરો તારી સામે આવશે ત્યારે સમજાશે તને કે સત્યની કિંમત શું છે.’ મોહિની કોઈ કપાયેલા વૃક્ષની જેમ ધબ દઈને જમીન પર બેસી પડી. તેણે ત્યાં ઊભેલા નોકરો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો, ‘સર્કસ ચાલે છે અહીં? ગેટ આઉટ...’ ડરેલો સ્ટાફ ત્યાંથી ભાગી ગયો.

‘વૉટ ધ હેલ યુ મીન?’ આ પૂછતાં-પૂછતાં શામ્ભવીના પેટમાં ફાળ પડી. મોહિની ખોટું તો નહોતી જ કહેતી. તેના પિતા જાણતા હતા કે મા જીવે છે, જેલમાં છે. ઘરમાં સૌ જાણતા હતા એમ છતાં રાધાને ત્યાં જ રહેવા દેવામાં આવી... કેમ? આ સવાલનો જવાબ શામ્ભવીને જડતો નહોતો. સૌ કેમ રાધાના અસ્તિત્વને નકારતા હતા? કોઈ શામ્ભવીની મદદ કરવા કેમ તૈયાર નહોતું? આ બધા સવાલો અચાનક ભૂતોની જેમ શામ્ભવીની આસપાસ નાચવા લાગ્યા... તેને મોહિનીના રૂમની દીવાલો ગોળ-ગોળ ફરતી લાગી. તે પણ મોહિનીની બાજુમાં બેસી ગઈ, ‘શું કહેવા માગે છે? મારી માનો કાળો ચહેરો એટલે? તેણે શું કર્યું છે?’

શામ્ભવી સહેજ ઢીલી પડી એ જોઈને મોહિનીએ બાજી પલટી, ‘લફરું.’ શામ્ભવી અવિશ્વાસ અને આઘાત સાથે મોહિનીની આંખોમાં જોઈ રહી. મોહિનીએ આગળ કહ્યું, ‘તારી માનો પ્રેમી તેને મળવા આવ્યો હતો, અડધી રાત્રે...’ શામ્ભવીની આંખોમાં અવિશ્વાસ વધતો ગયો, ‘મોટાજીએ તેને જોયો... તું મોટાજીને ઓળખે છે.’ મોહિનીએ બે આંગળીઓ ભેગી કરીને રિવૉલ્વર બનાવી અને ગોળી છોડવાની ઍક્ટિંગ કરી, ‘મોટાજીએ તારી મા પાસે જ તેનું ખૂન કરાવ્યું.’

‘ના...’ શામ્ભવીએ ડોકું ધુણાવ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. આઘાતથી તેનો અવાજ રૂંધાઈ ગયો, ‘આ... આ ખોટું છે.’ તેણે કહ્યું. મોહિની હસી પડી. તેનો દાવ નિશાના પર લાગ્યો હતો.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2025 07:34 AM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK