રાધાએ પોતાનો નાનકડો પટારો ઉઠાવ્યો. છ-સાત સાડીઓ, થોડાક ફોટોગ્રાફ્સ, ભગવદ્ગીતા, લગ્નનું આલબમ અને રોજિંદા વપરાશની થોડી ચીજવસ્તુઓ ચેક કરીને તેની જેલ-ટ્રાન્સફરની તૈયારી કરવામાં આવી.
નવલકથા
ઇલસ્ટ્રેશન
રાધાએ પોતાનો નાનકડો પટારો ઉઠાવ્યો. છ-સાત સાડીઓ, થોડાક ફોટોગ્રાફ્સ, ભગવદ્ગીતા, લગ્નનું આલબમ અને રોજિંદા વપરાશની થોડી ચીજવસ્તુઓ ચેક કરીને તેની જેલ-ટ્રાન્સફરની તૈયારી કરવામાં આવી. તે આ જેલમાં છે એ વિશે કોઈ પુરાવા નહોતા એટલે પેપરવર્ક તો કંઈ હતું જ નહીં, માત્ર એક જેલથી બીજી જેલમાં જતી વખતે તેની સલામતીની કાળજી લેવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. પોતાના લાંબા વાળનો અંબોડો વાળીને, સાદી સુતરાઉ સાડી પહેરીને રાધા જેલની ડોકાબારી પાસે આવીને ઊભી રહી ત્યારે તેને વિદાય આપવા ઊભેલા સોલંકીએ દરવાજો ખોલતી વખતે તેને નમસ્તે કર્યા. રાધાએ સામે નમસ્તે કર્યા.
‘કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મૅડમ.’ સોલંકીએ કહ્યું.
ADVERTISEMENT
રાધાએ હાથ જોડીને કહ્યું, ‘શામ્ભવી ગમે એટલી જીદ કરે, તેને મારું લોકેશન નહીં આપતા.’
સોલંકીએ સહેજ ભીની આંખે ડોકું ધુણાવીને ‘હા’ પાડી.
ડોકાબારી ખોલીને રાધા બહાર નીકળી. તેણે કોઈ પોલીસવૅનમાં નહોતું જવાનું. એક પ્રાઇવેટ સ્વિફ્ટ ગાડી તેને લેવા આવી હતી. એ ગાડીમાં બેસીને રાધાએ દરવાજો બંધ કર્યો. સાબરમતી જેલ લખેલા મોટા સાઇનબોર્ડ સામે જોઈને તેણે ક્ષણભર માટે આંખો મીંચી.
ગાડી રાધાને લઈને અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થવા લાગી.
રાધાના નીકળી ગયાના ૧૦ મિનિટ પછી એક સફેદ સ્વિફ્ટ આવીને ઊભી રહી. એમાંથી એક માણસ ઊતર્યો. તેણે ડોકાબારી પર ટકોરા માર્યા. સંત્રીએ દરવાજો ખોલ્યો, ‘રાધા ચૌધરી...’ ત્યાં આવેલા ડ્રાઇવરે પૂછ્યું.
‘તે તો...’ સંત્રી બેબાકળો થઈ ગયો. શું જવાબ આપવો એ તેને સૂઝ્યું નહીં. રાધા ચૌધરી તો નીકળી ગયાં! હવે આ માણસ તેને લેવા આવ્યો હતો. એનો અર્થ એ થયો કે રાધા ચૌધરી કોઈ ખોટા માણસ સાથે ગયાં. આ વાતનો ખ્યાલ આવતાં જ સંત્રીનું મગજ ચકરાઈ ગયું. તેને ૧૦૦ વિચાર આવી ગયા. તેણે ડ્રાઇવરને દરવાજે જ ઊભો રાખ્યો અને ઘાંઘો થઈને સોલંકીની કૅબિન તરફ દોડ્યો.
‘સાહેબ... સાહેબ...’ સંત્રી હાંફતો હતો, ધ્રૂજતો હતો.
‘શું થયું લ્યા?’ રાધા હવે પોતાની જેલમાં નથી, હવે પોતે કમલનાથ ચૌધરીને જવાબ નહીં આપવો પડે, તેમની દીકરીથી કંઈ છુપાવવું નહીં પડે એ વિચારે નિરાંત અનુભવી રહેલા સોલંકીને અહીં બની ગયેલા કાંડ વિશે કોઈ કલ્પના જ નહોતી.
‘રાધા ચૌધરીને લેવા માણસ આવ્યો છે.’ સાંભળતાં જ સોલંકીને જાણે ખુરશીમાં વીજળીનો આંચકો લાગ્યો હોય એમ તે ઊછળીને ઊભો થઈ ગયો, ‘સાહેબ... પેલો માણસ તો...’ આગળ કહેવાની સંત્રીની હિંમત નહોતી.
‘શું બકે છે?’ સોલંકીએ પૂછ્યું, ‘તેમને લઈ ગયો તે...’
‘ખોટો માણસ હતો.’ સંત્રીએ કહી નાખ્યું. સોલંકીને સમજાઈ ગયું. તે દોડ્યો. બહાર ઊભેલા ડ્રાઇવર સાથે ખાસ્સી વાર રકઝક કર્યા પછી સોલંકીને સમજાયું કે તેમણે પૂરી ખાતરી કર્યા વગર કમલનાથ ચૌધરીની પત્ની રાધા ચૌધરીને ખોટા માણસ સાથે રવાના કરી દીધી હતી. આ એવો ગુનો હતો જેની સજા શું હોઈ શકે એના વિચારમાત્રથી સોલંકીનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં.
હવે આ સમાચાર કમલનાથ ચૌધરીને કેવી રીતે આપવા, રાધાને કોણ લઈ ગયું હશે, તેની સાથે કંઈ ખોટું થશે તો પોતે શું કરશે... એવા અનેક સવાલો જેલ-સુપરિન્ટેન્ડેન્ટ સોલંકીના મગજમાં કોઈ કેબલકારની જેમ ધડામ-ધુડુમ અફળાવા લાગ્યા.
પોતાની કૅબિનમાં જઈને તે ખુરશી પર ફસડાઈ પડ્યો. ખાસ્સી વાર વિચાર્યા પછી તેણે કમલનાથ ચૌધરીને ફોન લગાવ્યો, ‘સાહેબ... સાહેબ...’
‘બોલો!’ કમલનાથે સહજતાથી કહ્યું, ‘રાધા નીકળી ગઈ?’
તેમનું વાક્ય પૂરું થાય એ પહેલાં સોલંકીએ સોગિયું મોઢું કરીને જણાવ્યું, ‘સાહેબ, મૅડમ ખોટી ગાડીમાં અહીંથી નીકળી ગયાં.’
‘હેં?!?’ કમલનાથ ચૌધરીએ જાણે જીવતો સાપ પોતાની છાતી પર જોયો હોય એમ તેમની આંખો પહોળી થઈ ગઈ, કપાળે પરસેવો વળી ગયો, તેમની જીભ સુકાવા લાગી, ‘શું બોલે છે?’ તેમનાથી સોલંકીને તુંકારો થઈ ગયો.
‘બહુ મોટી ભૂલ થઈ છે સાહેબ. આપે સૂચના આપેલી કે સફેદ સ્વિફ્ટ આવશે. મને કહેલું કે સાંજે બૅરૅકની હાજરી લેવાઈ જાય પછી સાડાછએ આવશે. ડ્રાઇવરે આવીને મૅડમ વિશે પૂછ્યું. ગાડી સવાછએ આવી હતી. મને લાગ્યું કદાચ, વહેલો પહોંચ્યો...’ સોલંકી થોથવાયો, ‘તેણે મૅડમને ગાડીમાં બેસાડ્યાં અને નીકળી ગયો. અમે નંબર ચેક કરવાનું ચૂકી ગયા. પછી પાંચ-સાત મિનિટ રહીને બીજી ગાડી આવી... એનો નંબર એ જ હતો જે અમને આપ્યો હતો એટલે... એટલે...’ સોલંકી થોથવાયો, ‘આ... આ ડ્રાઇવર સાચો, પણ પેલો...’
‘મૂરખ, ગધેડા.’ કમલનાથ ઉશ્કેરાટમાં ધ્રૂજતા હતા, ‘કોણ લઈ ગયું તેને?’ કમલનાથને ફાળ પડી. ‘હું આવું છું.’ તેમણે કહ્યું અને ફોન મૂકી દીધો. રાધાને લેવા આવેલો સાચો ડ્રાઇવર હુકમની રાહ જોતો ત્યાં જ ઊભો હતો. આવી રહેલી મુસીબતની તૈયારી માટે સોલંકીએ પોતાના મનને મજબૂત કરવા માંડ્યું.
* * *
અમદાવાદની બપોર બહેનના નાનકડા ઘરમાં માંડ વિતાવ્યા પછીના અલસ વાતાવરણમાં આંખો મીંચવાનો પ્રયાસ કરી રહેલો રઝાક બેચેન હતો. રઝાકનું મગજ કામે લાગ્યું હતું. સામાન્ય રીતે બાબાસાહેબ ચિત્તુને ક્યાંય એકલો જવા દેતા નહીં. તેના ઇશ્કી મિજાજ અને ગરમ મગજ વિશે બાબાસાહેબને સતત ચિંતા રહેતી. તે જ્યારે રઝાક સાથે અમદાવાદ આવવા જીદે ચડ્યો ત્યારે બાબાસાહેબે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાના બાળકની જેમ હઠ કરીને ચિત્તુ રઝાક સાથે અમદાવાદ આવ્યો હતો. એ સાંજે ચિત્તુ કોઈકને મળવા ગયો હતો... તેને ઇન્ટરનેટ પર મળેલી કોઈ છોકરીને! રઝાકે તેને ત્યારે પણ સમજાવ્યો હતો, પરંતુ ચિત્તુ નીકળી ગયો. એ પછી ચિત્તુ પાછો નહોતો આવ્યો કે ન તેનો ફોન! તે જે ફોન લઈને ગયો હતો એ ફોન પણ ક્યાં ગયો એ વિશે કોઈ માહિતી નહોતી મળી શકી. તેને ટ્રૅક કરવો કે શોધવો હોય તો પણ ક્યાં અને કેવી રીતે શોધવો એ કોઈને સમજાયું નહોતું. છતાં અંધાધૂંધ શોધ કરવામાં આવી હતી. ચિત્તુ બસ, ખોવાઈ ગયો હતો.
આજે ૧૩ વર્ષ પછી રઝાક ફરીથી એ જ જગ્યાએથી શરૂઆત કરી રહ્યો હતો જ્યાં તેણે આ તપાસ અધૂરી છોડી હતી. બાબાસાહેબનો લાડકો નાનો ભાઈ - દીકરા કરતાંય વધુ, ચિત્તુને પોતાની સાથે લઈને અમદાવાદ આવેલો રઝાક પોતાની જવાબદારી સમજતો હતો એટલે ચિત્તુ નીકળ્યો તેની પાછળ-પાછળ રઝાક પણ નીકળ્યો હતો. રઝાકે કોઈ દિવસ બાબાસાહેબને આ વાત કહી નહોતી, પરંતુ આવા ‘ઇન્ટરનેટિયા’ ચક્કરમાં ક્યાંક ચિત્તુ સપડાય, છોકરીના નામે કોઈ ટ્રૅપ નીકળે તો બૅકઅપની જરૂર પડશે એ વિચારે રઝાક તેને ખબર ન પડે એમ ચિત્તુની પાછળ-પાછળ કમલનાથ ચૌધરીના જૂના બંગલા સુધી ગયો હતો. તેણે ચિત્તુને બંગલામાં પ્રવેશતાં જોયો હતો. એ વખતે કમલનાથ ગૃહપ્રધાન હતા. બહાર પોલીસનો પહેરો, મોબાઇલ વૅન અને બીજી ભીડ જોઈને એક વાર રઝાકને વિચાર આવ્યો હતો કે ચિત્તુને રોકવો જોઈએ; પરંતુ સેક્સ માટે કંઈ પણ કરી શકે એવો આ માણસ, વૉટ્સઍપ પર છોકરીના લલચાવનારા ફોટો જોયા પછી ચિત્તુ તેનું નહીં માને એમ વિચારીને રઝાકે તેને રોકવાનું ટાળ્યું... એ વાતનો અફસોસ રઝાકને આજ સુધી રહ્યો.
જોકે ચિત્તુના અંદર દાખલ થયા પછી પણ લગભગ ત્રણેક કલાક રઝાક ત્યાં ઊભો રહ્યો, પણ ચિત્તુ બહાર ન આવ્યો એટલે ‘સબ સલામત’ છે એમ માનીને રઝાક ત્યાંથી નીકળી ગયો. એ વાતે પણ રઝાક પસ્તાતો રહ્યો. પોતે ચિત્તુની પાછળ ગયો હતો એમ છતાં તે બહાર આવ્યો એ પહેલાં પોતે ત્યાંથી નીકળી ગયો ને પછી આ કાંડ થયો... એ વાત જાણીને બાબાસાહેબ નારાજ થશે એવું વિચારીને રઝાકે તેમનાથી આ માહિતી છુપાવી હતી, પરંતુ જ્યારે ફરી એક વાર બાબાસાહેબે તેને ચિત્તુને શોધવાનું કામ સોંપ્યું ત્યારે રઝાકે ફરી એક વાર એ જ બંગલાથી શરૂઆત કરી જ્યાં તેણે છેલ્લી વાર ચિત્તુને દાખલ થતો જોયો હતો! જે બંગલામાં ચિત્તુ પ્રવેશ્યો હતો એ ગૃહપ્રધાનનો બંગલો હતો એ વાતની રઝાક જેવા ચાલાક માણસને ખબર ન પડે એ શક્ય જ નહોતું. ચિત્તુ સવાર સુધી પાછો ન ફર્યો ત્યારે રઝાકને કશું ભયાનક બન્યાની આશંકા આવી જ ગઈ હતી. એમ છતાં બાબાસાહેબના હુકમ પર તેણે ચિત્તુને શોધવાના તનતોડ પ્રયાસ કર્યા. હજી સુધી બાબાસાહેબને આ બધાં સત્યો રઝાકે જણાવ્યાં નહોતાં, પરંતુ હવે જ્યારે બાબાસાહેબ ફરી એક વાર ચિત્તુને શોધવા મરણિયા થયા હતા ત્યારે આ સત્યો દત્તાત્રેય શંકરરાવ મોહિતેને જણાવ્યા વગર નહીં ચાલે એ વાત રઝાકને અંદર ને અંદર ખાઈ જતી હતી. રઝાક તો માનતો જ હતો કે ચિત્તુ હવે આ જગતમાં નથી, પરંતુ આ વાત બાબાસાહેબને મોઢામોઢ કહેવાની રઝાકની હિંમત નહોતી.
રઝાકના ખબરીઓએ તેને આપેલી વિગતો મુજબ એ રાત્રે ચિત્તુ તેમના ઘરમાં ઘૂસ્યો એ પછી બીજા દિવસે ગૃહપ્રધાનનાં પત્નીનું મૃત્યુ થયું... તે સળગીને ગુજરી ગઈ! આ માહિતી રઝાકને બીજા દિવસે જ મળી ગઈ હતી. એ ઘડીએ જ રઝાકના મનમાં બે ને બે ચાર થઈ ગયું હતું - ચિત્તુ આગલી રાત્રે ગૃહપ્રધાનનાં પત્નીને મળવા ગયો હોવો જોઈએ... પકડાયો હશે... કદાચ મારી નાખવામાં આવ્યો હોય કે પછી પકડાઈ જવાના ભયથી ચિત્તુ રાતોરાત ગાયબ થઈ ગયો! જોકે ગાયબ થયો હોય તો અત્યાર સુધી બાબાસાહેબનો સંપર્ક કર્યા વગર રહે નહીં. ૧૩ વર્ષ સુધી ચિત્તુ છુપાઈને ક્યાં રહી શકે? એ સવાલનો જવાબ રઝાકને મળતો નહોતો. તેણે અમદાવાદ આવ્યા પછી વિચારવાનું શરૂ કર્યું ત્યારે એ પણ સમજાયું કે જ્યારે આ બધું બન્યું ત્યારે બાબાસાહેબ પક્ષના કાર્યકર માત્ર હતા, તેમના જીવનની પહેલી ચૂંટણી પણ લડ્યા નહોતા એટલે તેમની એવી કોઈ પહોંચ નહોતી કે જેના વડે તે પોતાના ભાઈને ગુજરાતના ગૃહપ્રધાનના ઘરમાં ભયાનક અપરાધ કર્યા પછી પણ બચાવી શકે; પરંતુ આજે કમલનાથ ચૌધરી ગૃહપ્રધાન નહોતા ને દત્તાત્રેય શંકરરાવ મોહિતે પક્ષના સામાન્ય કાર્યકર નહીં, મહારાષ્ટ્રના ગૃહપ્રધાન હતા! બાજી પલટાઈ ગઈ હતી એટલે જો ચિત્તુ જીવતો હોય તો ભાઈના મિનિસ્ટર બન્યા પછી તેણે તરત તેના ‘બાબા’નો સંપર્ક કર્યો જ હોત... હજી સુધી, ૧૩ વર્ષ સુધી તેણે બાબાસાહેબનો સંપર્ક ન કર્યો એનો અર્થ જ એ છે કે ચિત્તુ હવે હયાત ન હોય. આ સ્થિતિમાં તેના મૃત્યુના સંજોગો અને હત્યારાની તપાસ કરવી કેટલી અઘરી હતી એ રઝાકને બરાબર સમજાતું હતું, પરંતુ બાબાસાહેબનો હુકમ નહીં ઉઠાવવાની રઝાકની હેસિયત નહોતી.
ચિત્તુના ગાયબ થવાના બીજા દિવસે ગૃહપ્રધાનનાં પત્નીનું મૃત્યુ થયું. એ પછી થોડા જ દિવસમાં ચૌધરી પરિવાર તેમનો શહેરમાં આવેલો મોટો બંગલો છોડીને ફાર્મહાઉસમાં શિફ્ટ થઈ ગયો. એ અમંગળ ઘટના પછી જૂના બંગલાને સૌ એ હદે ભૂલી જવા માગતા હતા કે કમલનાથ ચૌધરીએ એ ઘર બજારકિંમત કરતાં સસ્તા ભાવે વેચી નાખ્યું. બે પેઢીની સ્મૃતિઓ જ્યાં સચવાઈ હતી એ ઘર પર જે દિવસે બુલડોઝર ફર્યું એ દિવસે કમલનાથ ચૌધરીનું હૃદય વલોવાઈ ગયું, પરંતુ તેમણે આંખમાં આંસુ આવવા દીધાં નહીં. થોડા જ દિવસોમાં દીકરીને અમેરિકા મોકલી દીધી અને પોતે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી.
આ બધું જાણ્યા પછી રઝાકની શંકા ખાતરીમાં પલટાઈ ગઈ હતી. તેને તો ખબર જ હતી કે અમદાવાદ આવવાનો અથવા અમદાવાદમાં રોકાવાનો કોઈ અર્થ નહોતો. બાબાસાહેબના સંતોષ ખાતર એક વાર અમદાવાદ આવીને તપાસ કરવાનો ડોળ કર્યા પછી ચિત્તુના મૃત્યુના સમાચાર આપવા એવું નક્કી કરીને જ રઝાક અમદાવાદ આવ્યો હતો. ચિત્તુ એ રાત્રે બંગલામાં મરી ગયો એ વાત નક્કી જ હતી. આ સમાચાર બાબાસાહેબને કેવી રીતે આપવા એનાં ચોકઠાં પોતાના મનમાં ગોઠવતો રઝાક અમદાવાદથી નીકળવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે રઝાકનો એક અતિવિશ્વાસુ માણસ આખી બાજી પલટાવી નાખે એવા સમાચાર લઈને આવ્યો. તેણે રઝાકને સમાચાર આપ્યા કે એ રાત્રે બંગલામાં એક ઍમ્બ્યુલન્સ આવી હતી... અમદાવાદના મડદાઘરમાંથી એક સ્ત્રીનું શબ કમલનાથ ચૌધરીના બંગલામાં લાવવામાં આવ્યું હતું; પરંતુ એ ઍમ્બ્યુલન્સ પાછી ગઈ ત્યારે ખાલી નહોતી, એમાં એક ઘવાયેલા માણસને લઈ જવામાં આવ્યો હતો. તે માણસને ગોળી વાગી હતી! જયરાજ પાસે આ સમાચાર બંગલામાં કામ કરતી એક અત્યંત જૂની બાઈ જડી પાસેથી આવ્યા હતા. જડી અને જયરાજ મામા-ફોઈનાં ભાઈ-બહેન હતાં. પોતાનું નામ ન આવે એ શરતે જડીએ આ ભયાનક રહસ્ય જયરાજ સામે ઉઘાડી નાખ્યું હતું.
બે દિવસથી રઝાકનો મિત્ર જયરાજ ચૌધરી રેસિડન્સના ફાર્મહાઉસ પર નજર રાખતો હતો. તે રઝાકનો સૌથી જૂનો માણસ હતો. અમદાવાદમાં રઝાકની બ્રાન્ચ-ઑફિસ કહી શકાય એટલો વિશ્વાસુ! સજાગ અને સભાન! તેજ એવો કે ઊંધો ઊભો હોય તો પણ કોઈનાં ધીમાં ડગલાં તેને સંભળાઈ જાય. તે આંખો મીંચીને અવાજની દિશામાં વીંધી શકતો. અત્યંત કામનો માણસ હોવા છતાં રઝાક તેને પોતાની સાથે રાખી શકતો નહીં, કારણ કે આ માણસ, જયરાજ બહુ ઇમોશનલ હતો. દરેક વાતમાં સાચા-ખોટાનાં ત્રાજવાં લઈને તોલવા બેસી જતો. તેની પાસે તેની પોતાની ખરા-ખોટાની વ્યાખ્યા હતી એટલે રઝાકની પ્રવૃત્તિઓ સાથે તે સહમત નહોતો. જોકે દોસ્ત તરીકે રઝાકને જ્યારે જરૂર હોય ત્યારે મિત્રભાવે મદદ કરવા તે હંમેશાં તૈયાર રહેતો, પરંતુ ધંધામાં સાથે રાખવાના રઝાકના પ્રયત્નો પછી તેને સમજાઈ ગયું હતું કે આ જયરાજ આખી જિંદગી લોખંડની જાળીઓ બનાવશે, દરવાજા બનાવશે, મજૂરી કરશે; પણ બાબાસાહેબના ધંધામાં રઝાક સાથે જોડાવાનું તે ક્યારેય મંજૂર નહીં કરે.
ચૌધરી રેસિડન્સમાં એ રાત્રે લાવવામાં આવેલું શબ, ઍમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલા તે ઘાયલ માણસની વિગતો જાણ્યા પછી રઝાકના મનમાં ગડમથલ શરૂ થઈ. ઍમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો તે માણસ કદાચ ચિત્તુ હોઈ શકે, ન પણ હોઈ શકે! રઝાકનું લૉજિક અને બુદ્ધિ કહેતાં હતાં કે જો તે માણસ ચિત્તુ ન હોય તો ચૌધરી પરિવારનો કોઈ એવો સભ્ય હોવો જોઈએ જેના પર ચિત્તુએ ગોળી ચલાવી હોય... એક શક્યતા એવી પણ હતી કે ઍમ્બ્યુલન્સમાં બંગલાની બહાર નીકળીને ઘાયલ ચિત્તુ ત્યાંથી જ ભાગી છૂટ્યો હોય, પછી ક્યાંક તેનું મૃત્યુ થયું હોય? સવાલો હજાર હતા, આશંકાઓ અનેક! રઝાકને એક પણ છેડો જડતો નહોતો જ્યાંથી આ અનેક શક્યતાઓના ગૂંચવાડાને ઉકેલવાની તે શરૂઆત કરી શકે!
તેનો મિત્ર જયરાજ ચતુર હતો. તેણે પોતાની ફોઈની દીકરી જડી પાસેથી એ રાત વિશે પૂરેપૂરી માહિતી કઢાવી. આ ચૌધરી પરિવારના જૂના બંગલામાં બનેલી ઘટના હતી. રાતના ભોજન પછી સામાન્ય રીતે સૌ પોતપોતાની રૂમમાં ચાલી જતા, એ રાત્રે પણ ગયા. જડી રસોડું પરવારીને તેના સર્વન્ટ ક્વૉર્ટરમાં ચાલી ગઈ હતી ત્યારે ‘સાહેબ’ના બંગલામાંથી રિવૉલ્વરનો ધડાકો સંભળાયો હતો. અચાનક બધી રૂમની લાઇટો થઈ... થોડી દોડાદોડી થઈ. જડી સર્વન્ટ ક્વૉર્ટરથી બંગલા તરફ આવી, પરંતુ ચોકીદારે તેને અંદર જવા દીધી નહોતી. થોડી જ મિનિટોમાં એક ઍમ્બ્યુલન્સ આવી જેમાંથી સ્ટ્રેચર પર એક સ્ત્રીનું શરીર ઉતારવામાં આવ્યું. જડીએ આમ તો થોડે દૂરથી જ જોયું, પરંતુ તે અજાણી સ્ત્રીનું શરીર હાલતું-ડોલતું નહોતું. જડીને ખાતરી થઈ ગઈ કે એ શબ હતું. થોડી વાર પછી એ જ સ્ટ્રેચર પર એક ઘાયલ માણસને લઈ જવામાં આવ્યો જે પીડાથી કરાંજતો હતો. તે માણસ ચૌધરી પરિવારનો સભ્ય હતો કે નહીં એ જડી જોઈ શકી નહોતી. તેણે ફક્ત ચીસો સાંભળી હતી એટલે તે ચોક્કસ રીતે કંઈ કહી શકે એમ નહોતી...
બીજે દિવસે ‘સાહેબ’નાં ઘરવાળાં રાધાભાભીનું મૃત્યુ થયું; પરંતુ જડી એ વખતે રસોડામાં નહોતી, લીમડો તોડવા ગઈ હતી. જયરાજે બહુ પૂછપરછ કરી ત્યારે ડરતાં-અચકાતાં જડીએ પોતાના ભાઈ પાસે કબૂલાત કરી લીધી, ‘જે હળગી ગ્યાં ઈ ભાભી હતાં કે ઓલી બાઈનું બૉડી... એ મને આજેય હમજાયું નથ. જોકે એ દિવસ પછી મેં ભાભીને જોયાં નથ.’
જયરાજની વાત સાંભળી લીધા પછી રઝાકે ઊંડો શ્વાસ લીધો. તેણે નિરાંતે એક પછી એક અંકોડા ગોઠવવા માંડ્યા.
(ક્રમશઃ)