Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઝાકિર હુસેનની વિરાસત આગળ વધાવનાર અનેક કલાકારો છે, પણ Tabla will never sound the same again

ઝાકિર હુસેનની વિરાસત આગળ વધાવનાર અનેક કલાકારો છે, પણ Tabla will never sound the same again

Published : 12 January, 2025 04:53 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

પૃથ્વી જો ધબકતી હોત, તો એની ધડકનની ગુંજ તબલાની ગુંજ જેવી હોત. તબલાં કેવળ વાદ્ય નથી, એક ભાષા છે જે સમગ્ર માનવજાતને સ્પર્શે છે.

ઝાકિર હુસેન

વો જબ યાદ આએ

ઝાકિર હુસેન


The sound of Tabla is like heartbeat of the universe, connecting us all.


- Abhijit Banerjee



પૃથ્વી જો ધબકતી હોત, તો એની ધડકનની ગુંજ તબલાની ગુંજ જેવી હોત. તબલાં કેવળ વાદ્ય નથી, એક ભાષા છે જે સમગ્ર માનવજાતને સ્પર્શે છે. તબલાંની થાપ આપણાં દુઃખદર્દ પર મલમનું કામ કરે છે. તબલાં માનવજાતને સૌથી મોટો સંદેશ આપે છે કે જીવનમાં લય નહીં હોય તો સઘળું વ્યર્થ  છે.


જેમ એક ચિત્રકાર પોતાની પીંછી વડે સરસ મજાનો Landscape ઊભો કરે એમ એક કુશળ કલાકાર પોતાના વાદ્યને સથવારે કર્ણપ્રિય Soundscape રચે છે. બિસ્મિલ્લા ખાનની શરણાઈ, રવિશંકરનો સિતાર, શિવકુમાર શર્માનું સંતૂર, હરિપ્રસાદ ચૌરસિયાની બાંસુરી,  સુલતાન ખાનની સારંગી કે પછી ઝાકિર હુસેનનાં તબલાં; દરેક કલાકારે પોતાના સાજને જીવનનું એક મહત્ત્વનું અંગ માન્યું  છે. ઝાકિર હુસેને તબલાંને પોતાના અસ્તિત્વના અંતરંગ સાથી બનાવી એની સાથે એવો તાલમેલ સ્થાપિત કર્યો કે કોઈ વિસંગતિ ન રહે.

એક ઇન્ટરવ્યુમાં ઝાકિર હુસેન કહે છે, ‘તમારે વાદ્ય સાથે ઘરોબો બાંધવો જોઈએ. એની સાથે વાતચીત નહીં, સંવાદ થવો જોઈએ. પંડિત કિશન મહારાજને કાર્યક્રમ પહેલાં કોઈએ ‘Best of luck’ કહીને શુભેચ્છાઓ આપી. પંડિતજીએ કહ્યું, ‘દેખતે હૈં આજ તબલા ક્યા કહના ચાહતા હૈ. હમ તો સિર્ફ ઉસકે પાસ જા સકતે હૈં. અગર ઉસકી ઇચ્છા નહીં હુઈ તો બાતચીત નહીં હોગી.’


 ફ્યુઝન આલબમ ‘શક્તિ’ બનાવતી વખતે ઝાકિર હુસેનનાં તબલાં તેમની સાથે અલગ ઢંગથી સંવાદ કરવાના મૂડમાં હશે. એ વિના આવો નવતર પ્રયોગ શક્ય ન બન્યો હોત. આલબમની લોકપ્રિયતા બાબત તેમણે જે નિખાલસ અભિપ્રાય આપ્યો એ સાંભળી સૌને નવાઈ લાગી. ‘સાચું કહું તો ‘Fusion’ સંગીતને માટે મારા મનમાં  ઘણું ‘Confusion’ છે. મને ખબર નથી હું શું કરી રહ્યો છું. આપણે સૌ એક એવા દૌરમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં દરેક ક્ષેત્રમાં નવા-નવા પ્રયોગ થઈ  રહ્યા છે. મનમાં  આવે કે ચાલો, નવી થાઇ રેસ્ટોરાં ખૂલી છે, ત્યાં જઈને ટ્રાય કરીએ. માર્કેટમાં નવું ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું છે, જેમાંથી અનેક પ્રકારના સાઉન્ડ નીકળે છે, એ લઈને જોઈએ કે કેવું લાગે છે. દેખતે હૈં, કુછ નયા કરતે હૈં. કયા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે બીજું કયું ઇન્સ્ટ્રુમેન્ટ મૅચ થાય એ બાબત સતત પ્રયોગ થતા રહે છે. દરેક પ્રાંત, દરેક દેશનું મ્યુઝિક અલગ છે. કયું કૉમ્બિનેશન પર્ફેક્ટ છે એની ખબર નથી. એટલે આ પ્રવૃત્તિ ચાલતી રહે છે.’

પહેલાં રેકૉર્ડ શૉપમાં જતા ત્યારે અલગ-અલગ વિભાગ હતા - જૅઝ, ભક્તિસંગીત, ક્લાસિકલ, ઇન્સ્ટ્રુમેન્ટલ વગેરે. કંપનીને એક નવો વિભાગ જોઈતો હતો એટલે અલગ-અલગ દેશના સંગીતના Fusionને World Music નામ આપીને એક નવું સેક્શન બનાવી દીધું. શ્રોતાઓને પણ એમ કે ચીલાચાલુ સંગીતને બદલે કંઈક નવું સાંભળીએ. જોકે પિતાજીને આ નહોતું ગમતું. મને કહેતા, ‘તુમ ઇસ તરહ કી ચીઝોં મેં મત પડના.’ દરેક ગુરુને એ ભય હોય કે  શિષ્ય ખોટા ચક્કરમાં ન પડે. તેમને એમ જ લાગતું હોય કે મેં જે શીખવાડ્યું છે એ જ ઉત્તમ છે.

મારું માનવું છે કે આપણે મોટું મન રાખવું જોઈએ. જો મારે કોઈ વિદેશી મ્યુઝિશ્યનને ભારતીય સંગીત સમજાવવું હોય તો પહેલાં મારે તેનું સંગીત સમજવું પડે. તે જે ભાષા સમજતો હોય એ ભાષા શીખવી પડે. તે કોઈ રિધમ વગાડે તો એનો સમાનાર્થી ભારતીય રિધમ કયો છે એ બતાડવું પડે. તો જ આપણું સંગીત વિશ્વભરમાં પહોંચે. હિન્દુસ્તાની સંગીત બીજા સંગીતને અપનાવે નહીં એ અગત્યનું છે, પણ બીજા સંગીતની જાણકારી હોવી જરૂરી છે.’

ઝાકિર હુસેનને  ઉસ્તાદનો ખિતાબ કોણે અને ક્યારે આપ્યો એ કિસ્સો રસપ્રદ છે. એક સમય હતો જ્યારે મુંબઈની સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં મ્યુઝિક ફેસ્ટિવલ થતા જે વહેલી સવાર સુધી ચાલતા (મારા કૉલેજકાળ દરમ્યાન અને ત્યાર બાદ પણ એવા અનેક જલસા માણ્યા છે).  ૧૯૮૮માં આવા એક જલસામાં ઝાકિર હુસેન પંડિત રવિશંકર સાથે સંગત કરતા હતા. વહેલી સવારનું છાપું આવ્યું જેમાં ઝાકિર હુસેનને પદ‍્મશ્રી અવૉર્ડ મળ્યો એ સમાચાર હતા.  ઑડિયન્સમાં બેસેલા પિતા અલ્લારખાએ આ સમાચાર પંડિત રવિશંકરને આપ્યા. તેમણે ઑડિયન્સને કહ્યું, ‘આજ મેરા સાથી ઉસ્તાદ બન ગયા.’ ત્યાર બાદ ૨૦૦૨માં તેમને પદ‍્મભૂષણ અને ૨૦૨૩માં પદ‍્મવિભૂષણનો ખિતાબ મળ્યો.

ઝાકિર હુસેન કહે છે, ‘આપણા શાષ્ટ્રીય સંગીત પર સૌને ગર્વ છે કારણ કે એ દેવીદેવતાઓનું વરદાન છે. જ્યારે અમે સાજ વગાડીએ છીએ ત્યારે એમાંથી સરસ્વતીદેવીની વીણાની ઝંકાર, કૃષ્ણજીની મુરલીની તાન, શંકર ભગવાનના ડમરુનો તાલ અને ગણેશજીના પખવાજના બોલ ગુંજે છે. મંચ અમારું મંદિર છે. અમે સૌ પૂજામાં બેઠા હોઈએ છીએ અને શ્રોતાઓને પ્રસાદ પીરસીએ છીએ.’

ઝાકિર હુસેન સાચા અર્થમાં ભારતીય  હતા. ‘સેક્યુલર’ની તેમની વ્યાખ્યા સંકુચિત નહોતી. કોઈએ પૂછ્યું કે આજકાલ દેશનું વાતાવરણ ડહોળાયેલું છે. તમને ડર નથી લાગતો? જવાબ  મળ્યો, ‘આ દેશના લોકોએ એ. આર. રહમાનને ખૂબ ઇજ્જત આપી છે, આમિર ખાન અને શાહરુખને પ્રેમ કર્યો છે, ઉસ્તાદ અમજદ અલી ખાન અને બીજા અનેક કલાકારોને ખૂબ માન-સન્માન આપ્યું છે. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોનો પ્યાર મળ્યો છે. હું નથી માનતો કે આપણો સમાજ અસહિષ્ણુ (Intolerant) છે. રાજકારણીઓ પોતાના ફાયદા માટે ગમે તે બોલે, આ દેશ એક મહાન દેશ છે.’

ઝાકિર હુસેનનાં વાણી અને વર્તનમાં એક ફિલોસૉફરની છબી ડોકિયાં કરે. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘ગમે એવો મોટો કલાકાર હોય, તેની વિદાય થાય એટલે એમ લાગે કે ‘बर्तन खाली हो गया’. પણ એવું નથી. તેનો સૂર, તેની ગુંજ, તેણે આપેલું સુકુન, શ્રદ્ધા, હરેક વસ્તુ થાપણ બનીને જીવંત રહે છે. પંડિત ઓમકારનાથ ઠાકુર ગયા, પણ એનો અર્થ એવો નથી કે ઠૂમરીનો અંત આવી ગયો. મનમાંથી એ વિચાર કાઢી નાખવાનો કે કલાકાર જાય  એટલે સઘળું જતું રહે. આપણે સૌ નિર્વસ્ત્ર આવ્યા હતા અને નિર્વસ્ત્ર જવાનું છે. જીવનભર જે પામ્યા હોઈએ એ અહીં જ છોડીને જવાનું હોય છે. એ જ બીજાના જીવનની અણમોલ મૂડી બની જાય છે.’

સંગીતની દુનિયામાં અનેક મહાન તબલાવાદકો થઈ ગયા. ૯૨ વર્ષની ઉંમરે અબ્દુલ જાન થિરકવાનો પર્ફોર્મન્સ રંગભવનમાં માણ્યો હતો. તેમને ખુરસીમાં બેસાડી સ્ટેજ પર લાવવામાં આવ્યા હતા પણ જેવાં હાથમાં તબલાં આવ્યાં, તેમની આંગળીઓ વીજળીવેગે થનગનાટ કરવા લાગી. કિશન મહારાજ, પંડિત સામતાપ્રસાદ અને બીજા અનેક કલાકારોએ પોતાની અલગ છાપ છોડી; પણ  ઝાકિર હુસેનનો કરિશ્મા કંઈક ઓર હતો.  

વર્ષો પહેલાં કુમાર ગાંધર્વના કાર્યક્રમની સાંજ યાદ આવી જાય છે. તેમણે કહ્યું હતું, ‘જ્યારે એક કલાકાર સ્ટેજ પર પર્ફોર્મ કરે છે ત્યારે તે જન્મે છે અને મૃત્યુ પામે છે. બીજા દિવસે તેનો પુનર્જન્મ થાય છે એક નવા પર્ફોર્મન્સ માટે.’ કલાકારનો સ્થૂળ દેહ નશ્વર છે પરંતુ તેની કળા અવિરત અનેક ખોળિયામાં જીવંત રહીને સંગીતની દુનિયાને ધન્ય કરતી રહે છે. ઝાકિર હુસેનની વિરાસત આગળ વધાવનાર અનેક કલાકારો છે, પણ શંકર મહાદેવને કહ્યું એમ  ‘Tabla will never sound the same again.’

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2025 04:53 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK