Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હિરોઇનને પહેલાં ‘હર્ટ’ કરીને પછીથી તેનું ‘હાર્ટ’ પટાવવાની કળામાં રાજ કપૂર માહેર હતા

હિરોઇનને પહેલાં ‘હર્ટ’ કરીને પછીથી તેનું ‘હાર્ટ’ પટાવવાની કળામાં રાજ કપૂર માહેર હતા

Published : 19 June, 2022 01:49 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

‘સંગમ’ ફિલ્મની રજૂઆત પહેલાં જ લોકોને ફિલ્મમાં ખૂબ રસ પડવા લાગ્યો હતો

હોટેલમાં ડિનર લેતાં રાજ કપૂર, વૈજયંતીમાલા, દાદી, કાકી અને સરોશ મોદી

વો જબ યાદ આએ - રાજ કપૂર સ્પેશ્યલ

હોટેલમાં ડિનર લેતાં રાજ કપૂર, વૈજયંતીમાલા, દાદી, કાકી અને સરોશ મોદી


‘સંગમ’ આરકે ફિલ્મ્સની પહેલી કલર ફિલ્મ હતી. આ પહેલાં હિન્દી ફિલ્મોમાં કલર ફિલ્મો બનાવવાનો ક્રેઝ શરૂ થઈ ચૂક્યો હતો. રાજ કપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ બ્લૅક ઍન્ડ વાઇટમાં હતી. એની સામે દિલીપકુમારની ‘ગંગા જમના’ કલરમાં બની હતી. રાજ કપૂરની ઇચ્છા હતી કે ‘અંદાઝ’ની જેમ ‘સંગમ’માં પણ દિલીપકુમાર કામ કરે, પરંતુ દિલીપકુમાર એટલું જાણતા હતા કે આ ફિલ્મના ડાયરેક્ટર મેહબૂબ ખાન નહીં, પણ રાજ કપૂર છે. અહીં હુકમનું પત્તું રાજ કપૂરના હાથમાં હતું એટલે પૂરી શક્યતા હતી કે તેમના પાત્ર પર રાજ કપૂરનું પાત્ર ‘હાવી’ થઈ જાય. તેઓ એવું કોઈ જોખમ લેવા નહોતા માગતા. રાજ કપૂરના અથાક પ્રયાસ છતાં તેમણે રોલ કરવાની ના પાડી દીધી હતી.  


એ રોલ મેળવવા માટે અનેક યુવાન અભિનેતાઓ આરકે સ્ટુડિયોનાં ચક્કર લગાવતા હતા. સૌથી વધુ પ્રયત્ન ફિરોઝ ખાને કર્યા હતા. અંતમાં એ રોલ માટે રાજેન્દ્રકુમારની પસંદગી થઈ. રાજ કપૂરે ‘સંગમ’ના શૂટિંગ દરમ્યાન ફિલ્મની જબરદસ્ત પબ્લિસિટી શરૂ કરી દીધી. રાજ કપૂર, વૈજયંતીમાલા અને રાજેન્દ્રકુમાર જાહેર ફંક્શન્સમાં સાથે જ જતાં. ત્રણેયના ફોટોગ્રાફ્સ ન્યુઝપેપરમાં આવતા જેનું સ્લૉગન હતું, ‘ટૉપ ઑફ ધ વર્લ્ડ’. દિલ્હીના ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એકમેકના હાથ પકડીને વિજયી સ્મિત આપતી આ ત્રિપુટીનો ફોટો ખૂબ યાદગાર હતો. આમ ફિલ્મની રજૂઆત પહેલાં જ લોકોને ફિલ્મમાં ખૂબ રસ પડવા લાગ્યો હતો. 



એક પત્રકારે રાજ કપૂરને પ્રશ્ન કર્યો, ‘તમે ફિલ્મનું નામ ‘ઘરોંદા’ને બદલે ‘સંગમ’ કેમ રાખ્યું?


રાજ કપૂરનો જવાબ હતો. ‘ઘરોંદા’ એ કેવળ શીર્ષક છે, જ્યારે ‘સંગમ’ આપણી પરંપરા છે.

ફિલ્મ માટે વૈજયંતીમાલાની પસંદગી થઈ ત્યારે દક્ષિણના રૂઢિચુસ્ત પ્રેક્ષકો અને કલાકારોએ એનો વિરોધ કર્યો. પદ્‍મિની વખતે પણ રાજ કપૂરે આવી પરિસ્થિતિ સહન કરવી પડી હતી. પ્રેક્ષકોને ડર હતો કે રાજ કપૂરની હિરોઇનની સ્થિતિ અંતે નર્ગિસ જેવી થઈ જશે. રાજ કપૂરે કોઈને મચક આપ્યા વિના કામ શરૂ કર્યું. એક બાહોશ ‘શોમૅન’ તરીકે તેમણે વૈજયંતીમાલા અને પોતાની જોડીનું એક નવી રોમૅન્ટિક જોડી તરીકે માર્કેટિંગ કર્યું. એની અસર થોડા સમયમાં દેખાવા લાગી. 


ફિલ્મી વર્તુળોમાં રાજ કપૂરની ઇમેજ કેવી હતી એ વિશે વાત કરતાં વિખ્યાત ‘મેકઅપ-મૅન’ સરોશ મોદી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું નિયમિત વૈજયંતીમાલા સાથે કામ કરતો હતો. એ દિવસોમાં તેમનાં દાદી યદુગીરીદેવી શૂટિંગમાં સાથે રહેતાં. ‘ગંગા જમના’માં દિલીપકુમારના વ્યવહારથી તેઓ ખૂબ પ્રભાવિત થયાં હતાં. જ્યારે ‘સંગમ’ માટે વૈજયંતીમાલાનું શૂટિંગ શરૂ થવાનું હતું ત્યારે દાદીમાએ મને કહ્યું હતું કે મોદીજી, હું ઇચ્છું છું કે તમે પણ આ ફિલ્મમાં અમારી સાથે કામ કરો, જેથી વૈજુનું ધ્યાન રાખી શકો. તમને ખબર છે કે દિલીપકુમાર એક શરીફ માણસ છે, પણ આ રાજ કપૂર? તેના જેવા લુચ્ચા માણસનો ભરોસો ન કરાય.’

જેમ-જેમ ‘સંગમ’નું શૂટિંગ આગળ વધતું ગયું એમ ફિલ્મમેકર રાજ કપૂરના મનમાં નવા-નવા પ્રયોગ આકાર લેતા ગયા. આજ સુધી કોઈ પ્રોડ્યુસરે ન કર્યો હોય એવો એક અખતરો કરવાનું તેમણે નક્કી કર્યું. બન્યું એવું કે ઊટીમાં આઉટડોર શૂટિંગ પૂરું થયું. એનું ફુટેજ જોઈને ડાયરેક્ટર રાજ કપૂર એકદમ ખુશ હતા, પણ તેઓ ફ્રસ્ટ્રેટેડ હતા, કારણ કે એ પછી તેમની પાસે ત્રણ મહિના સુધી કલાકારોની તારીખ નહોતી. વૈજયંતીમાલા ‘ગંગા જમના’ની ટીમ સાથે કાર્લોવીવેરી ફેસ્ટિવલમાં અને ત્યાર બાદ રાજેન્દ્રકુમાર બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાના હતા. 
સરોશ મોદી એ વાતને યાદ કરતાં કહે છે, ‘રાજ કપૂર એ દિવસોમાં બહારની ફિલ્મોમાં કામ કરતા, પરંતુ ‘સંગમ’ના શૂટિંગ દરમ્યાન તેમણે કોઈ ફિલ્મ સ્વીકારી નહોતી. તેઓ પોતાનું સમગ્ર ધ્યાન એ ફિલ્મ માટે કેન્દ્રિત કરવા માગતા હતા. મારી પાસે આવીને કહ્યું કે હું એકદમ નાસીપાસ થઈ ગયો છું. ત્રણ મહિના નકામા જશે.’

મેં મજાકમાં કહ્યું, ‘તમે પણ યુરોપ જાઓ. ત્યાં શૂટિંગ કરજો.’

મને ખબર નહોતી કે રાજ કપૂર આ વાતને ગંભીરતાથી લેશે. એક અઠવાડિયા પછી તેમનો ફોન આવ્યો, ‘સરોશ, તારો પાસપોર્ટ રેડી છે? આપણે શૂટિંગ માટે યુરોપ જઈએ છીએ.’
એ દિવસોમાં ફૉરેન એક્સચેન્જ મેળવવું બહુ મુશ્કેલ હતું, પણ રાજ કપૂરની વાત જુદી હતી. તેમની ફિલ્મોએ દેશને ઘણું હૂંડિયામણ કમાવી આપ્યું હતું. ફટાફટ જરૂરી પરમિશન અને પેપરવર્ક પૂરું કરીને અમે યુરોપ જવા રવાના થયા. ભારતીય ફિલ્મ ઇતિહાસમાં આજ સુધી આટલું મોટું યુનિટ (લગભગ ૬૦ માણસો) શૂટિંગ માટે વિદેશ નહોતું ગયું. અમે વેનિસ, પૅરિસ, સ્વિટ્ઝરલૅન્ડ, રોમ, લંડન અને બીજાં સ્થળોએ શૂટિંગ કર્યું. ત્યાર બાદ હિન્દી ફિલ્મોમાં આ પરંપરા શરૂ થઈ. 

વિદેશમાં શૂટિંગ કરતા રાજ કપૂરે પોતાની મોહજાળથી વૈજયંતીમાલાના પરિવારનાં દિલ જીતી લીધાં. જીનિવામાં શૉપિંગ કરતાં દાદીમાને એક હીરાજડિત રિસ્ટ વૉચ ખૂબ ગમી ગઈ. તેમણે રાજ કપૂરને કહ્યું કે હું એ ખરીદવા ઇચ્છું છું, વૈજુની ફીમાંથી એ પૈસા કાપી લેજો.  ચાર્મિંગ બિઝનેસમૅન રાજ કપૂરે તરત કહ્યું, ‘વૉટ નૉનસેન્સ? જે પસંદ હોય એ ખરીદી લો. એ  રાજ કપૂર વતી તમને સપ્રેમ ભેટ છે.’ જે રાજ કપૂર પહેલાં એક લુચ્ચો, ભરોસો ન કરવા જેવો માણસ હતો તેનાં વખાણ કરતાં દાદીમા હવે કહેવા લાગ્યાં, ‘વોહ તો રાજસા’બ હૈ, રાજા હૈ રાજા.’

આ તરફ વૈજયંતીમાલાની નજીક આવવાના રાજ કપૂરના પ્રયત્ન શરૂ થઈ ગયા હતા. શૂટિંગ પૂરું થયા બાદ વૈજયંતીમાલા, તેમનાં કાકી, દાદીમા, રાજેન્દ્રકુમાર, રાધુ કરમાકર (કૅમેરામૅન), અલ્લાઉદીન (સાઉન્ડ રેકૉર્ડિસ્ટ), સરોશ મોદી (મેકઅપ-મૅન) અને ડૉક્ટર સી. એલ. બાલી (રાજ કપૂરના પર્સનલ ડૉક્ટર)ને લઈને રાજ કપૂર મોંઘી હોટેલમાં ડિનર લેવા જતા.

બે-ત્રણ પેગ લીધા પછી રાજ કપૂર પોતાના અસલી રંગમાં આવી જતા.  વૈજયંતીમાલાનું ‘પેટનેમ’ હતું ‘પાપા’. નશામાં  રાજ કપૂર તેને ‘પાપી’ કહીને સંબોધન કરતા. ‘પાપી’ પદ્‍મિનીનું ‘પેટનેમ’ હતું. સાઉથની ફિલ્મોની આ બે ટૉપની હિરોઇન વચ્ચે હરીફાઈ હોય એ નવાઈની વાત નહોતી, એટલે જ્યારે રાજ કપૂર આવું વર્તન કરતા ત્યારે વૈજયંતીમાલાને અપમાનજનક લાગતું. તેને થતું કે રાજ કપૂર હજી પદ્‍મિનીને ભૂલ્યા નથી. આ જ તો રાજ કપૂરની કમાલ હતી. બીજા દિવસે સવારે તેમની લાક્ષણિક ભોળી અદાઓથી માફી માગીને, ગુલાબનાં ફૂલોના ગુચ્છા સાથે મોંઘી ભેટ આપીને તેઓ વૈજયંતીમાલાને મનાવી લેતા. પહેલા ‘હર્ટ’ કરીને પછીથી તેનું ‘હાર્ટ’ પટાવવાની કળામાં રાજ કપૂર માહેર હતા.

અંતે ફિલ્મી ભાષામાં કહેવાય છે એમ ‘જિસકા ડર થા વો હી હુઆ.’ યુરોપના નયનરમ્ય વાતાવરણમાં રોમૅન્ટિક દૃશ્યો ભજવતાં વૈજયંતીમાલા રાજ કપૂર કપૂરની ચાર્મિંગ અદાઓને વશ થઈ અને બને વચ્ચેની નિકટતા વધવા લાગી. જ્યારે મહિનાઓ સુધી યુનિટના માણસો ઘરથી દૂર રહે ત્યારે સમયાંતરે પરિવારના સભ્યો સાથે વાતો થતી હોય છે. યુરોપમાં શૂટિંગ સિવાય બીજા શું હાલચાલ છે એ સવાલના જવાબમાં સ્વાભાવિક છે કે રાજ કપૂર અને વૈજયંતીમાલાની નિકટતાની વાતો થતી હતી. કૃષ્ણા કપૂરના કાને પણ એ ખબર આવવા લાગી, પરંતુ તેમણે પરિપક્વતા દાખવીને એ વિશે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું. રાજ કપૂરને એક કુશળ બિઝનેસમૅન તરીકે જાણતાં કૃષ્ણા કપૂરે એમ માનીને મન મનાવી લીધું કે તેઓ  હિરોઇન પાસેથી ઉત્તમ કામ લેવા માટે આવું કરતા હશે.  

પરંતુ યુનિટ મુંબઈ આવ્યું ત્યારે તેમને પ્રતીતિ થઈ કે એ વાતમાં દમ હતો. રાજ કપૂર સાચે જ વૈજયંતીમાલા પાછળ પાગલ હતા. એ કેવળ આકર્ષણ હતું કે પ્રેમ? જે હોય તે. એક વાત નક્કી હતી કે ફરી એક વાર કપૂર-પરિવારમાં નવું તોફાન આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. 

વૈજયંતીમાલાની મનોદશા પણ એવી જ હતી. યુરોપ જતાં પહેલાંની વૈજયંતીમાલા બદલાઈ ચૂકી હતી. દાદીની શેહશરમ છોડીને તેણે જિંદગીનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું હતું. પહેલાં તે દાદીની આમન્યા રાખીને ચૂપચાપ કહ્યાગરી પૌત્રી બનીને કામ કરતી. હવે તે બોલ્ડ અને બ્યુટિફુલ બનીને જીવવા માગતી હતી. યુરોપથી શૂટિંગ પતાવીને ભારત આવ્યા બાદ તેણે પોતાની ઇમેજ બદલવાનું નક્કી કર્યું. ‘મેરે મન કી ગંગા, ઔર તેરે મન કી જમના કા બોલ રાધા બોલ સંગમ હોગા કિ નહીં’માં સ્વિમિંગ-કૉસ્ચ્યુમ પહેરીને તેણે સૌને ચોંકાવી દીધા હતા. એનાથી એક પગલું આગળ વધીને તેણે ‘મૈં કા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા’માં  મારકણી માદક અદાઓ કરતાં જે અભિનય કર્યો હતો એ એ વાતની સાબિતી હતી કે તે હવે દાદીના નહીં, પણ રાજ કપૂરના કહ્યામાં છે. આ ગીતોના ફિલ્માંકનમાં જે ‘સેક્સ અપીલ’ હતી એ પ્રોડ્યુસર-ડાયરેક્ટર રાજ કપૂરના ‘કમર્શિયલ માઇન્ડ’ની ઊપજ હતી (આ ‘સેક્સી’ ગીત ગાવા માટે પહેલાં લતા મંગેશકર રાજી નહોતાં).
પોતાની આઝાદી પર કોઈ અંકુશ ન રહે એટલા માટે વૈજયંતીમાલાએ એકલીએ મુંબઈ રહેવાનું નક્કી કર્યું. દાદીમાએ પોતાની સાથે મદ્રાસ આવવાની વિનંતી કરી તો જવાબ આપ્યો, ‘હવે તમારી ઉંમર થઈ છે. આપ આરામ કરો. હું મારી કાળજી લેવા સક્ષમ છું.’ વૈજયંતીમાલામાં આ બદલાવ રાજ કપૂર સાથેની નિકટતાને કારણે આવ્યો છે એ વાત સ્વીકારવા સિવાય દાદી પાસે કોઈ છૂટકો નહોતો. 

ન્યુઝપેપર્સ અને મૅગેઝિનમાં ખૂબ ચર્ચા થતી કે રાજ કપૂર હવે ડિવૉર્સ લેવાના છે. એ માટે વૈજયંતીમાલાને જવાબદાર ગણવામાં આવતી કે તે રાજ કપૂરને આમ કરવા માટે મજબૂર કરી રહી છે. સ્વાભાવિક છે એ સમયે કૃષ્ણાદેવીની માનસિક હાલત અને તેમનું વિવાહિત જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. એ સમયનો એક કિસ્સો રાજ કપૂરના નિકટના પત્રકારમિત્ર  બની રુબેનના શબ્દોમાં પ્રસ્તુત છે... 

‘એ દિવસે હું, પત્રકાર દેવયાની ચૌબલ, રાજ કપૂર અને વૈજયંતીમાલા પવઈ લેક પર ફિશિંગ કરવા ગયાં હતાં. મોડી સાંજે પિકનિક પૂરી કરીને અમે ચેમ્બુરના આરકે સ્ટુડિયોના કૉટેજમાં ગયાં. અમે ગપ્પાં મારતાં હતા ત્યાં અચાનક દરવાજો ખૂલ્યો અને કૃષ્ણાભાભી બાળકો સાથે અંદર ધસી આવ્યાં.’

‘અમે સૌ જમીન પર બેઠાં હતાં. ભાભી અને બાળકો સોફા પર બેઠાં. ભાભીના ચહેરા પરના હાવભાવ જોઈને શું બોલવું એની કોઈને સૂઝ નહોતી પડતી. સૌ ચૂપ હતાં. જે રીતે ભાભી અમને તાકીને જોઈ રહ્યાં હતાં એ જોઈને અમે સમજી ગયાં કે મામલો ગંભીર છે. અમે ત્રણે જણ ‘ગુડ નાઇટ’ કહીને ઊભાં થઈને બહાર નીકળ્યાં.

એ રાતે બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો. એ પછીના દિવસોમાં વાતાવરણ એકદમ તંગ હતું. ‘સંગમ’નું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન વર્ક અને ટેક્નિકલર પ્રિન્ટ માટે રાજ કપૂર ત્રણ મહિના લંડન જવાના હતા. તેમણે એક કામ ડહાપણનું કર્યું હતું. એ ટ્રિપમાં તેઓ કૃષ્ણાભાભીને સાથે લઈને ગયા.’ 

જોકે આ શાંતિ થોડા દિવસો બાદ આવનારા મોટા તોફાન પહેલાંની શાંતિ હતી એની કોઈને ખબર નહોતી.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2022 01:49 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK