Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તારાચંદ બડજાત્યાએ અમિતાભ બચ્ચનની સામે જોવાની તસ્દી પણ નહોતી લીધી!

તારાચંદ બડજાત્યાએ અમિતાભ બચ્ચનની સામે જોવાની તસ્દી પણ નહોતી લીધી!

Published : 15 February, 2023 05:24 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આ અને આવી અનેક તાજ્જુબ પમાડે એવી વાતો એક સમયના સુનીલ દત્તના રાઇટ હૅન્ડ અને માઇલસ્ટોન કહેવાય એવી અનેક ફિલ્મો સાથે જોડાયેલા રાજ ગ્રોવરે બુક ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’માં લખી છે

બુક ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ અને રાજ ગ્રોવર

બુક ટૉક

બુક ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ અને રાજ ગ્રોવર


રાજ ગ્રોવરની બુક ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’ વાંચતી વખતે તમારી આંખોમાં સતત અચરજ અંજાયેલું રહે અને એકધારું એ સમજાતું રહે કે મહેનત, ધીરજ અને નસીબથી આગળ આ દુનિયામાં કશું હોતું નથી. જૂજ લોકો જાણે છે કે ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવવા માગતા અમિતાભ બચ્ચન સાઠના દશકમાં ચાર દિવસ પૂરતા મુંબઈ આવ્યા અને મુંબઈ આવીને રાજ ગ્રોવર સાથે રહ્યા હતા! હા, એ રાજ ગ્રોવર સાથે, જે દત્ત ફૅમિલીના ઘરના સભ્ય જેવા જ રહ્યા છે. દસકાઓ સુધી સુનીલ દત્તના રાઇટ હૅન્ડ રહેલા રાજ ગ્રોવરની આંખ સામે જ સંજય દત્ત, પ્રિયા દત્ત મોટાં થયાં છે અને તેમની આંખ સામે જ નર્ગિસે જીવ છોડ્યો છે. રાજ ગ્રોવર છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકા સેટલ થઈ ગયા છે પણ મુંબઈ છોડતાં પહેલાં તે ફિલ્મ પ્રોડ્યુસર પણ બન્યા અને ‘તાકત’, ‘ઠિકાના’, 


‘આર્યા’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી તો ‘વિક્ટોરિયા નંબર 203’, ‘ઉત્સવ’, ‘એક સે બઢકર એક’ જેવી અનેક ફિલ્મોના ક્રીએટિવ ડિપાર્ટમેન્ટ સાથે પણ સંકળાયેલા રહ્યા. સુનીલ દત્તના પ્રોડક્શન હાઉસ અજન્તાનો બધો કાર્યભાર છેલ્લાં વર્ષોમાં રાજ ગ્રોવરના શિરે હતો.



‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’માં રાજ ગ્રોવરે પોતાના બૉલીવુડ સાથેના સીધા સંબંધો વિશે લખ્યું છે. રાજ ગ્રોવર કહે છે, ‘મેં ક્યાંય કડવાશ નથી વાપરી, પણ જ્યાં પણ મેં મહેનત ઊગતી જોઈ એના વિશે વાત કરવાનું પણ ટાળ્યું નથી.’


‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’ વાંચતી વખતે તમારી આંખોમાં તાજ્જુબ તો આવશે જ પણ સાથોસાથ મહેનત કરવાની હિંમત પણ આવશે જ આવશે.

નર્ગિસની ઇચ્છા હતી... | કૅન્સર સામે જંગ લડતા સેંકડો પેશન્ટના ઘરમાં નર્ગિસ ફાઉન્ડેશનમાંથી સહાય જમા થઈ છે તો અનેક પેશન્ટ એવા છે જેની સીધી સારવાર આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. રાજ ગ્રોવરે લખ્યું છે કે આ ફાઉન્ડેશન નર્ગિસની યાદમાં શરૂ થયું પણ એનો વિચાર બીજા કોઈએ નહીં પણ નર્ગિસભાભીએ જ આપ્યો હતો. ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’માં અમેરિકાની હૉસ્પિટલનો એ આખો કિસ્સો ટાંકવામાં આવ્યો છે જેમાં નર્ગિસે પૂરા અહોભાવ સાથે સુનીલ દત્તને કહ્યું હતું કે તમે આજે મારા માટે બધું વેચવા તૈયાર થઈ ગયા છો પણ જરા વિચારો કે મારા જેવી તકલીફ સહન કરતી અનેક વ્યક્તિ એવી પણ હશે જેની પાસે વેચવા માટે પણ કશું નહીં હોય!    રાજ ગ્રોવર કહે છે, ‘એ દિવસે જ મનમાં નિર્ણય લીધા પછી નર્ગિસભાભીની યાદમાં સુનીલજીએ ફાઉન્ડેશન શરૂ કર્યું.’


‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’માં સૌથી ઇન્ટરેસ્ટિંગ જો કોઈ વ્યક્તિ વિશેની વાત હોય તો એ અમિતાભ બચ્ચન છે. ગણ્યાગાંઠ્યા લોકો જાણે છે કે રાજ ગ્રોવર એ વ્યક્તિ હતા જે અમિતાભ બચ્ચનને લઈને પ્રોડ્યુસર અને સ્ટુડિયોની ઑફિસમાં ગયા હતા. રાજ ગ્રોવર જ એ વ્યક્તિ છે જેણે અમિતાભ બચ્ચનને મળતાં દરેક જાકારાને નરી આંખે જોયો છે.

દરેક જગ્યાએથી મળી ના  | અમિતાભ બચ્ચનની હાઇટના કારણે શરૂઆતનાં વર્ષોમાં તેને બહુ બધી જગ્યાએથી જાકારો મળતો હતો એ જગજાહેર છે, પણ આ જાકારો જો કોઈએ નજરે જોયો હોય તો એ રાજ ગ્રોવર છે. રાજ ગ્રોવર એકમાત્ર એવી વ્યક્તિ છે જેણે એ દિવસો અમિતાભ બચ્ચનની સાથે અનુભવ્યા હતા. અનુભવાયેલા એ દિવસો ગ્રોવરે પોતાની બુક ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’માં લખ્યા પણ છે. 

આ પણ વાંચો: વિકાસ અને પ્રકૃતિના શીતયુદ્ધની વાત

અમિતાભ બચ્ચન ફિલ્મ ઍક્ટર બનવા માગે છે એ માટે મુંબઈમાં સૌથી પહેલો ફોન નર્ગિસને આવ્યો હતો અને એ ફોન કોઈ આલતુ-ફાલતુનો નહીં, પણ દેશનાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીનો હતો. ઇન્દિરા ગાંધીએ ફોન કરીને નર્ગિસને કહ્યું હતું કે ‘મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તેજી બચ્ચન. તેના દીકરાને ઍક્ટર બનવું છે. સુનીલને કહીને તમે તેના માટે પ્રોડ્યુસરને ત્યાં મીટિંગ ગોઠવો.’

આ પ્રકારનો કૉલ રાજ ગ્રોવર સામે આવ્યો હતો અને રાજ ગ્રોવર જ એ વ્યક્તિ છે જેણે અનેક પ્રોડ્યુસરને ત્યાં મીટિંગ ગોઠવી અમિતાભ બચ્ચનને ચાર દિવસ માટે કલકત્તા બોલાવ્યા હતા. એ ચાર દિવસ દરમ્યાન રાજ ગ્રોવર સતત બિગ બીની સાથે રહ્યા હતા અને ઓછામાં ઓછા આઠ પ્રોડ્યુસરને ત્યાં રૂબરૂ લઈને ગયા હતા, જેમાં એક તારાચંદ બડજાત્યા હતા. તારાચંદ બડજાત્યાએ પહેલી વાર અમિતાભને જોયા પછી એક પણ વખત તેની સામે જોવાની તસ્દી સુધ્ધાં નહોતી લીધી એમ પણ ગ્રોવર પોતાની બુકમાં લખે છે અને એ પણ તેમણે લખ્યું છે કે સક્સેસ પછી તારાચંદ બડજાત્યાની એક પણ સ્ક્રિપ્ટ માટે બિગ બીએ હા નહોતી પાડી. 

રાજશ્રી પ્રોડક્શન્સ માટે બિગ બી કામ કરે એ તારાચંદ બડજાત્યાનું સપનું છેક હમણાં ‘ઊંચાઈ’માં પૂરું થયું. 

સ્ટોરી શૉર્ટકટ

પ્રોડ્યુસરનો દીકરો હોવા છતાં અનિલ કપૂરે કેવી-કેવી સ્ટ્રગલ કરવી પડી, કયા પ્રોડ્યુસરે અમિતાભ બચ્ચનની ત્રાહિતની પાર્ટીમાંથી રીતસર હકાલપટ્ટી કરી, ફિલ્મ ‘આનંદ’ અને જયા ભાદુરીનાં મૅરેજ વચ્ચે શું રિલેશન છે, ટ્રૅક્ટર ચલાવતા ધર્મેન્દ્રની પાછળ દુનિયા શું કામ પાગલ હતી, રાજેશ ખન્નાને અચાનક જ શું કામ બૉલીવુડ છોડી દેવાનું મન થવા માંડ્યું હતું, એવું તે શું બન્યું કે વિનોદ ખન્નાએ સોલો ફિલ્મો કરવાની ના પાડવાનું ચાલુ કર્યું? આ અને આવા અનેક સવાલોના જવાબમાં જો તમને રસ હોય અને સાથોસાથ જો તમને કોઈના સ્ટ્રગલના દિવસો પ્રેરણા આપતા હોય તો ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’ તમારા માટે છે.

પોતાના ચાલીસ વર્ષના અનુભવ પછી રાજ ગ્રોવરે લખેલી આ બુકમાં તેમણે ભારોભાર પ્રામાણ:િકતા રાખી છે તો સાથોસાથ તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હવે બૉલીવુડ સાથે મારે કોઈ લેવાદેવા નથી.

નિવૃત્ત થઈને અમેરિકામાં રહેતા રાજ ગ્રોવરની ‘ધ લેજન્ડ ઑફ બૉલીવુડ’માં કૂથલીઓ નથી પણ એવું મોટ:િવેશન છે જે તમારા ફેવરિટ સ્ટારની રિયલ લાઇફ સાથે જોડાયેલું છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 05:24 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK