૧૭ માર્ચે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે પુતિનની ગિરફ્તારીનું વૉરન્ટ જાહેર કર્યું એ પછી પુતિન સાથે હાથ મેળવનારા જિનપિંગ પહેલા વૈશ્વિક નેતા છે
ક્રૉસલાઇન
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન
યુક્રેન પર રશિયાએ ચડાઈ કરી એને વર્ષ પૂરું થવા આવ્યું છે અને એમાં રશિયાની મકસદ પાર પડતી નજર નથી આવતી. પશ્ચિમના દેશો યુક્રેનની પાછળ અડીખમ ઊભા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલગથલગ પડી ગયા છે. તેમના માટે જિનપિંગની મુલાકાત આત્મવિશ્વાસ વધારનારી છે. ૧૭ માર્ચે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે પુતિનની ગિરફ્તારીનું વૉરન્ટ જાહેર કર્યું એ પછી પુતિન સાથે હાથ મેળવનારા જિનપિંગ પહેલા વૈશ્વિક નેતા છે
મધ્યપૂર્વમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરનારા ચીને હવે એની નજર યુરેશિયા (યુરોપ અને એશિયા) તરફ ફેરવી છે અને એ પણ બહુ ઝડપથી ફેરવી છે. ઇસ્લામિક રાષ્ટ્રોનાં બે મહાસત્તા કહેવાતાં અને પાછલા ઘણા દાયકાઓથી એકબીજાના જાની દુશ્મન બની ગયેલાં ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચીને હજી આ મહિનાના આરંભે જ બુચ્ચા કરાવ્યા હતા. પરંપરાગત રીતે, જ્યાં અમેરિકા વકીલ અને ન્યાયાધીશ બંને ભૂમિકાઓ કરતું આવ્યું છે એ મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવાના ચીનના પ્રયાસોને લાંબા ગાળાની એની આર્થિક અને વૈશ્વિક રાજનીતિની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
૧૯ માર્ચે આ સ્થાનેથી એ સમાધાન વિશે વિગતવાર વાત કરી હતી ત્યારે એમાં લખ્યું હતું, ‘દુનિયાના દરેક વિવાદમાં અમેરિકાની કોઈ ને કોઈ ભૂમિકા રહેતી હોય છે, કારણ કે મહાસત્તા હોવાના કારણે વૈશ્વિક સુરક્ષા અને અર્થતંત્રમાં આપવા માટે એની પાસે કશુંક હોય છે. જોકે આ પહેલો અવસર છે જ્યાં મધ્યપૂર્વની બે સત્તાઓ વચ્ચે સુલેહ કરાવામાં અમેરિકાની દૂર સુધી કોઈ ભૂમિકા નથી. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનનું મહત્ત્વ વધશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેનનું સંકટ હલ કરવામાં પણ ચીન આગળ આવશે.’
આ આકલનની સાબિતી એ હકીકતમાં છે કે આ લખાય છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની રાજધાનીમાં છે અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. જિનપિંગની રશિયા મુલાકાત ઈરાન-સાઉદી સમજૂતી કરતાં પણ વધુ મહત્ત્વની છે, કારણ કે અહીં તો પશ્ચિમી રાષ્ટ્રોનો મોરચો બનાવીને અમેરિકા યુક્રેનના પડખે (અને રશિયાની સામે) ઊભું છે. હજી ગયા મહિને જ યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડન યુક્રેનની અણધારી મુલાકાતે ગયા હતા. એ વખતે તેમણે કહ્યું હતું કે ‘પોતાનું સામ્રાજ્ય બેઠું કરવા મથતો તાનાશાહ ક્યારેય યુક્રેનમાં વિજય નહીં મેળવે.’
વિશ્વમાં ક્ષેત્રીય માલિકીને લઈને ઝઘડતા દેશોને લઈને ચીનનો ઔપચારિક અભિગમ બધા દેશોના આધિપત્ય, સ્વતંત્રતા અને ક્ષેત્રીય એકતાનું સન્માન કરવાનો રહ્યો છે. યુક્રેનના કિસ્સામાં દેખીતી રીતે જ રશિયાએ જબરદસ્તી કરી છે. છતાં રશિયા માટે રવાના થતાં પહેલાં રશિયન અખબારમાં પ્રગટ થયેલા એક લેખમાં રશિયાએ યુક્રેનમાં ઘૂસ મારી છે એ વાતને ટાળીને જિનપિંગે એવું લખ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ અન્ય દેશો માટે સુરક્ષાની ચિંતાનું કારણ બની ગયું છે.
દેખીતી રીતે જ જિનપિંગને યુક્રેનના નામે અમેરિકા સામે મોરચો બાંધવામાં રસ છે, રશિયાએ ક્ષેત્રીય એકતાનું ઉલ્લંઘન કર્યું છે એમાં નહીં. એ સંદર્ભમાં ત્રણ દિવસની તેમની રશિયાની મુલાકાત મહત્ત્વની બની ગઈ છે. યુક્રેન પર રશિયાએ ચડાઈ કરી એને વર્ષ પૂરું થવા આવ્યું છે અને એમાં રશિયાની મકસદ પાર પડતી નજર નથી આવતી. પશ્ચિમના દેશો યુક્રેનની પાછળ અડીખમ ઊભા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અલગથલગ પડી ગયા છે. તેમના માટે જિનપિંગની મુલાકાત આત્મવિશ્વાસ વધારનારી છે. ૧૭ માર્ચે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે પુતિનની ગિરફ્તારીનું વૉરન્ટ જાહેર કર્યું એ પછી પુતિન સાથે હાથ મેળવનારા જિનપિંગ પહેલા વૈશ્વિક નેતા છે.
અમેરિકાનું સમાચારપત્ર ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ આ મુલાકાતને ‘કમજોર રશિયાને સશક્ત ચીનનો ટેકો’ ગણે છે. એ લખે છે, ‘ચીને (હજી સુધી) રશિયાને શસ્ત્રો તો પૂરાં પાડ્યાં નથી, પણ એક બીમાર સંબંધીની ખબર જોવા આવેલા શીએ નૈતિક અને મનોવૈજ્ઞાનિક સધિયારો આપ્યો છે. વાઇટ હાઉસના પ્રવક્તા જૉન કિર્બીએ બરાબર જ કહ્યું હતું કે પુતિન આમાં જુનિયર પાર્ટનર છે. યુક્રેન યુદ્ધની વિડંબના એ છે કે યુરોપમાં પલાંઠી મોટી કરવા જતાં પુતિનનું બેસવાનું કમજોર થઈ ગયું છે.
આનાથી તેઓ ચીન તરફ ઝૂકતા જશે. નબળા રશિયા પર ચીનનું પ્રભુત્વ આવનારાં વર્ષોમાં અનેકરૂપે જોવા મળશે. યુક્રેન પર ફાંકાફોજદારી કરવા જતાં રશિયાએ યુરોપનું ઑઇલ માર્કેટ ગુમાવ્યું છે. પરિણામે એ ચીન અને અન્ય એશિયન ગ્રાહકો (જેમ કે ભારત)ની ડિમાન્ડ પર નિર્ભર થઈ જશે. મધ્ય એશિયા અને રશિયાના સુદૂર પૂર્વમાં ચીનનો આર્થિક પ્રભાવ દર વર્ષે વધી રહ્યો છે. અંતરીક્ષ, સાઇબર, રોબોટિક્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં ચીન તગડું (હાર્ડ પાવર) છે અને એ રશિયાને ઢાંકતું જશે.
ઇન ફૅક્ટ, જિનપિંગે યુદ્ધને રોકવા માટે ૧૨ મુદ્દાની એક શાંતિયોજના પણ પુતિનને આપી છે. તેમની સાથે મુલકાત બાદ ૨૨ માર્ચે પુતિને કહ્યું પણ હતું કે ચીનની શાંતિયોજના યુદ્ધને સમાપ્ત કરવા માટે આધાર બની શકે એમ છે, પરંતુ પશ્ચિમે એના માટે તૈયાર થવું પડે. ચીને એમાં શાંતિવાર્તા અને ક્ષેત્રીય આધિપત્ય જાળવવાનું સૂચન કર્યું છે, પણ એનો કોઈ નક્કર પ્રસ્તાવ નથી. યુક્રેનની માગણી છે કે રશિયા પહેલાં ઘર બહાર નીકળે, પછી બીજી બધી વાત; જે રશિયાને મંજૂર નથી.
એક વર્ષ પહેલાં યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયન સેનાનો અંદાજ એવો હતો કે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ દસ-પંદર દિવસમાં બધું ઊંચું મૂકી દઈશું, પણ એ ગણતરી ઊંધી પડી છે. અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી રાષ્ટ્રો રશિયા સામેની લડાઈમાં યુક્રેનને લાંબા યુદ્ધ માટે સહાય કરી રહ્યાં છે.
આ પણ વાંચો: ઈરાન અને સાઉદી દોસ્ત બન્યાં : ચીનની કામિયાબ કૂટનીતિ
એની સાબિતી એ વાતમાં છે કે જિનપિંગ જે દિવસોમાં મૉસ્કોમાં હતા તે જ સમયે જૅપનીઝ વડા પ્રધાન ફુમિયો કિશિદા યુક્રેનની રાજધાની કિએવમાં હતા. તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને મળીને જપાનના બેહિચક સમર્થનનો ભરોસો આપ્યો હતો અને યુદ્ધની બરબાદીમાં પુન:નિર્માણ તેમ જ માનવીય રાહતમાં મદદ કરવાનું વચન આપ્યું હતું.
કિશિદા અણધાર્યા જ યુક્રેન આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર જપાનના કોઈ નેતા અઘોષિત રીતે કોઈ યુદ્ધગ્રસ્ત દેશમાં ગયા છે. અધિકારી સૂત્રો અનુસાર સલામતીનાં કારણોસર તેમની મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે કિએવ આવતાં પહેલાં તેઓ નવી દિલ્હીમાં હતા. એમ તો નવી દિલ્હીની યાત્રા પણ અણધારી જ હતી.
માર્ચની શરૂઆતમાં નવી દિલ્હીમાં G-20ના વિદેશપ્રધાનોની બેઠકમાં જપાનના વિદેશપ્રધાન હયાશિ યોશિમસરા ઉપસ્થિત રહ્યા નહોતા. જોકે બીજા દિવસે ક્વૉડની પ્રધાનકક્ષાની બેઠકમાં અને રાઇસીના ડાયલૉગમાં તેઓ હાજર રહ્યા હતા. એવું કહેવાય છે કે અનુપસ્થિતિની ભરતી કરવા માટે કિશિદા સામે ચાલીને ભારત આવ્યા હતા અને પછી ત્યાંથી સીધા યુક્રેન પહોંચ્યા હતા.
આ મહત્ત્વનું છે. આ વર્ષે ભારત G-20નું અધ્યક્ષ છે અને જપાન G-7નું અધ્યક્ષ છે. ઉક્રેન પર રશિયાના આક્રમણને લઈને જપાનનો અભિગમ સાફ છે; કાનૂનના રાજ પ્રમાણે બધાએ ચાલવાનું હોય. કિશિદા અને વડા પ્રધાન મોદી G-20 અને G 7ના પ્લૅટફૉર્મનો એજન્ડા તૈયાર કરવામાં એકબીજાનાં સલાહ-સૂચનો લે એ સ્વાભવિક છે. G-20માં યુદ્ધને લઈને શું કરવું એની એકમતી નથી. શક્ય છે કે કિશિદાએ મોદી સાથે તેમની બેઠકમાં ભારતે એવું શું કરવું જોઈએ જેથી જી-20નો મૂળ એજન્ડા ખોરવાઈ ન જાય એનું માર્ગદર્શન આપ્યું હોય.
G-20માં યુદ્ધની ચર્ચા થશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ G-7માં તો સાફ રીતે જ રશિયાને બિનશરતે ઉક્રેનની ભૂમિ છોડવાનું કહેવામાં આવશે. ચીનના વધતા પ્રભાવને લઈને જપાનને અમુક આશંકાઓ છે અને જિનપિંગની વિવાદાસ્પદ મૉસ્કોયાત્રા પછી કિશિદા અણધાર્યા યુક્રેન જવાનું નક્કી કર્યું હતું. એક વર્ષના યુદ્ધ પછી રશિયાનો મિલિટરી પુરવઠો ખૂટવા લાગ્યો છે અને એનું અર્થતંત્ર લંગડાવા લાગ્યું છે ત્યારે પશ્ચિમના દેશો જિનપિંગની મુલાકાતને પુતિનને સધિયારો આપવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
યુદ્ધ શરૂ થયું ત્યારથી ચીન એવું કહીને ક્રેમલિનને સમર્થન આપી રહ્યું છે કે નાટોએ યુરોપની બહાર રશિયનના પડોશમાં પહોળા થવાની હરકત કરી છે એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલા માટે જ એ રશિયન ઑઇલ મોટા પાયે ખરીદી રહ્યું છે. એશિયામાં માત્ર ભારત એકમાત્ર દેશ છે જેણે આવો જ અભિગમ રાખ્યો છે. એણે પણ આક્રમણ માટે રશિયાની ટીકા કરવાનું ટાળ્યું છે અને મોટા પ્રમાણમાં ઑઇલ ખરીદે છે.
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં ભારતની ભૂમિકા સંભવ છે? જિંનપિંગની મુલાકાત પછી આનો જવાબ થોડો મુશ્કેલ બની ગયો છે. ચીન સાથે ભારતનો સરહદી મામલો ઘણો ગરમ છે અને એમાં ચીનનો હાથ ઉપર છે. ભારતમાં ચીન પ્રત્યે ભારોભાર નારાજગી છે. એવા સંજોગોમાં ચીન શાંતિ માટે પહેલ કરે એમાં ભારત માટે કેટલી જગ્યા રહે છે અને જગ્યા હોય તો પણ ચીન અને ભારત એમાં કેટલી હદે સંમત થાય તે એક સવાલ છે. હા, જપાન જેવા દેશોના માધ્યમથી ભારત પ્રૉક્સી ભૂમિકા ભજવી શકે છે.
પરંપરાગત રીતે બિનજોડાણવાદની એની નીતિને કારણે ભારતના તમામ દેશો સાથે મધુર સંબંધો છે અને એ કોઈની પણ સાથે કોઈ પણ મુદ્દા પર વાત કરવા સક્ષમ છે. ભારતે અમેરિકા અને રશિયા બંને સાથે વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખ્યા છે. એટલે જો યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ પ્રસ્તાવ આકાર લે તો એ રશિયા સાથે અને અમેરિકા (યુક્રેન) સાથે બેસીને મધ્યસ્થી કરી શકે એમ છે. સવાલ ખાલી એટલો જ છે કે ચીનને એ મંજૂર હશે?
લાસ્ટ લાઇન
યુદ્ધથી કાયમી શાંતિ નથી આવતી, કાયમી મોત આવે છે. - જાનેટ મૉરિસ, અમેરિકન લેખક