લાસ્ટ લાઇન - ગુણવત્તા કરતાં ખર્ચ વધુ મહત્ત્વનો છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટેનો ઉત્તમ રસ્તો ગુણવત્તા છે. - ગેનિચિ તગાચિ, જૅપનીઝ એન્જિનિયર
ક્રૉસલાઇન
બિહારનો ભાગલપુર પુલ
મુખ્ય પ્રધાન નીતીશકુમાર માટે આ દુર્ઘટના ભોંઠપ અનુભવવા જેવી છે. એક તો તેઓ બિહારમાં સુશાસન માટે જાણીતા છે. બીજું, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મોરચો બાંધવા માટે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષો વચ્ચે એકતા ઊભી કરવા મથી રહ્યા છે. એટલા માટે જ ભાગલપુરની પુલ દુર્ઘટના પછી ભાજપ સમર્થક પ્રીતિ ગાંધીએ ટ્વીટ કરીને વ્યંગ કર્યો હતો કે તેમના કામની ન હોય એવી બાબતોને બદલે નીતીશકુમારે તેમના રાજ્યમાં ધ્યાન આપવું જોઈએ
આ લેખનું મથાળું તથ્યાત્મક પણ છે અને રૂપાત્મક પણ. ચોથી જૂને બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બાંધવામાં આવી રહેલો ચાર લેનનો સુલતાનગંજ-અગુઆની ઘાટ પુલ નીચે ગંગા નદીનાં ધસમસતાં પાણીમાં ધસી પડ્યો. છેલ્લાં ૧૧ વર્ષથી આ પુલના નિર્માણનું કામ ચાલતું હતું. કથિતરૂપે ઢીલા કેબલના કારણે એ તૂટી પડ્યો હતો. લોકોએ આ પડતા પુલને મોબાઇલમાં કેદ કર્યો એટલે આખા ભારતે એ જોયું.
ADVERTISEMENT
એ પુલનું પતન નહોતું, એ ગુણવત્તા અને સુરક્ષાનું પતન હતું. છેલ્લાં ત્રણ વર્ષમાં બિહારની આ દસમી પુલ દુર્ઘટના છે. આ પુલ સહિત પાંચ પુલ તો આ વર્ષે જ તૂટ્યા છે. મે મહિનામાં પૂર્ણિયા જિલ્લામાં દોમુહની નદી પર ૧૦ મીટર લાંબો પુલ કૉન્ક્રીટ ભર્યાના કલાકોમાં જ પડી ગયો હતો. માર્ચમાં સરણ જિલ્લામાં મહાનદી નદી પર પુલ તૂટતાં બે માણસો મરી ગયા હતા. એવી જ દુર્ઘટનાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બની હતી.
૨૦૨૦માં ગોપાલગંજ જિલ્લામાં ૨૬૩ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા સત્તરઘાટ પુલનો એક હિસ્સો મુખ્ય પ્રધાન નીતીશકુમારે ઉદઘાટન કર્યું એના ૨૯ દિવસમાં જ તૂટી પડ્યો હતો.
ઓડિશામાં ૩૦૦ લોકોને ભરખી જનારી ત્રણ ટ્રેનોની વિચિત્ર દુર્ઘટના તાજી હતી ત્યાં જ બિહારના પડતા પુલને જોઈને લોકોને આ દેશમાં જાનમાલની સુરક્ષાને લઈને સવાલો થયા. લોકોમાં ગુસ્સાનું કારણ એ છે કે ગયા વર્ષે આ જ પુલ તૂટી પડ્યો હતો. ત્યારે સરકારના એક સનદી અધિકારીએ એવું કહ્યું હતું કે પવનને કારણે પુલ તૂટી ગયો હતો. કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ ત્યારે આવા ‘વિચિત્ર’ તર્ક બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મેં મારા એક સેક્રેટરીને કારણો પૂછ્યાં હતાં. તેણે કહ્યું કે તેજ હવા અને ધુમ્મસને કારણે આવું થયું હતું. મને તો એ સમજમાં નથી આવતું કે હવા અને ધુમ્મસથી પુલ કેવી રીતે પડે? કોઈક ને કોઈક ભૂલ છે.’
૧,૭૧૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઇબ્રિડ સ્ટ્રક્ચરમાં આ પુલ બની રહ્યો છે. નૉર્થ અમેરિકાની મેલ્હાની કન્સલ્ટિંગ ફર્મ દ્વારા એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હરિયાણાસ્થિત એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શ લિમિટેડ નામની કંપની બિહાર પુલ નિર્માણ નિગમ લિમિટેડ માટે આ પુલ બાંધી રહી છે. આ પુલ નીતીશકુમારનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. ૨૦૧૪માં એનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં એનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. ભાગલપુર જિલ્લામાં ગંગા નદી પર આ બીજો અને ઉત્તર-દક્ષિણને જોડતા પુલોમાં છઠ્ઠો છે. એનાથી અનેક જિલ્લાઓના લોકોની પરિવહન સુવિધામાં વધારો થવાનો છે. એની સાથે જ ગંગા નદીનો નજારો પણ જોવાલાયક બનવાનો છે.
૨૦૧૯માં નીતીશકુમારે પુલ નિર્માણ નિગમને વિશેષ સૂચના આપી હતી કે આ પુલ ૨૦૨૦ સુધીમાં પૂરો થઈ જવો જોઈએ. અત્યારે ૨૦૨૩ ચાલે છે અને એમાં પુલ બે વાર તૂટી પડ્યો છે. સ્વાભાવિક રીતે જ નીતીશકુમારનું ડ્રીમ લંબાઈ જશે. જનહિતની સુવિધાઓ ચૂંટણીપ્રચારમાં ઘણી કામ આવતી હોય છે. નીતીશકુમારને પણ એવી ઇચ્છા હોય કે લોકસભાની ચૂંટણી પહેલાં પુલ કાર્યરત થઈ જાય તો તેઓ જનતા સમક્ષ સિદ્ધિની ખાંડ ખાઈ શકે. તેમને એ પણ ખબર છે કે ઉપરાછાપરી બે વાર પુલ પડતાં રાજ્યના વિરોધ પક્ષો એને મુદ્દો બનાવશે. એટલા માટે નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે કહ્યું હતું કે જે પુલ તૂટી પડ્યો છે એ આમ પણ તોડવાનો જ હતો, કારણ કે નિષ્ણાતોએ એમાં રહેલી ત્રુટિઓ તરફ ધ્યાન દોર્યું હતું. વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ આને ભ્રષ્ટાચારનો પુલ ગણાવ્યો છે અને સીબીઆઇની તપાસની માગણી કરી છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે એની જરૂર નથી, દુર્ઘટનાની તપાસ માટે પટના હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે.
આ પુલ બનાવી રહેલી એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન કંપની ૨૦૨૦માં પણ ચર્ચામાં આવી હતી. પટનામાં નીતીશકુમારના બીજા એક ડ્રીમ પ્રોજેક્ટ લોહિયા ચક્ર પથનો એક સ્લૅબ તૂટી પડતાં ત્રણ બાળકોનાં મોત થયાં હતાં. આ પ્રોજેક્ટ આ કંપની પાસે હતો. બિહારમાં આ કંપની અનેક સરકારી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સહિત અનેક રાજ્ય સરકારોના પ્રોજેક્ટ્સ આ કંપનીને આપવામાં આવ્યા છે.કંપનીના ગુજરાતમાં પણ બે મોટા પ્રોજેક્ટ્સ છે. એક છે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ૯૦૦ કરોડ રૂપિયાનો ૨,૩૨૦ મીટરનો કેબલ-સ્ટેય્ડ પુલ અને બીજો છે વડોદરા જિલ્લામાં નર્મદા પર ૧૬૫ કરોડનો ૧,૧૦૦ મીટરનો પુલ. ભાગલપુરની ઘટના પછી જાગેલી ગુજરાત સરકારે આ બંને બાંધકામની અને મટીરિયલની વધારાની ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
મુખ્ય પ્રધાન નીતીશકુમાર માટે આ દુર્ઘટના ભોંઠપ અનુભવવા જેવી છે. એક તો તેઓ બિહારમાં સુશાસન માટે જાણીતા છે. બીજું, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મોરચો બાંધવા માટે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષો વચ્ચે એકતા ઊભી કરવા મથી રહ્યા છે. એટલા માટે જ ભાગલપુરની પુલ દુર્ઘટના પછી ભાજપ સમર્થક પ્રીતિ ગાંધીએ ટ્વીટ કરીને વ્યંગ કર્યો હતો કે તેમના કામની ન હોય એવી બાબતોને બદલે નીતીશકુમારે તેમના રાજ્યમાં ધ્યાન આપવું જોઈએ. નીતીશકુમારે પણ આ દુર્ઘટનાને રાજકીય રંગ ન મળે એ માટે તાત્કાલિક પગલું ભરીને એના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યો છે અને પુલ બાંધતી કંપનીને શોકૉઝ નોટિસ આપી છે. મુખ્ય પ્રધાને ભૂલનો એકરાર પણ કરી લીધો છે. તેમણે કહ્યું છે, ‘બાંધકામમાં ગુણવત્તા જળવાઈ નથી. મેં અધિકારીઓને ગયા વર્ષે પુલ તૂટી પડ્યો ત્યારે જ આ બાબતમાં તપાસ કરવા કહ્યું હતું. પુલ જલદી પૂરો થઈ જવો જોઈતો હતો, પણ એનું બાંધકામ બરાબર થતું નથી એટલે એ પડી જાય છે. પ્રોજેક્ટ ૨૦૧૨માં શરૂ થવાનો હતો, પણ ૨૦૧૪માં શિલાન્યાસ થયો હતો. કામમાં બહુ વિલંબ થયો છે.’ ભારતમાં સાર્વજનિક બાંધકામોની ગુણવત્તાને લઈને કાયમ સવાલો રહ્યા છે. રોડ-રસ્તા અને પુલનાં બાંધકામોમાં બહુ મલાઈ હોય છે. ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય સ્ટ્રક્ચર ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પત્રિકામાં ભારતમાં ૧૯૭૭થી ૨૦૧૭ વચ્ચે પડી ગયેલા પુલોનો અભ્યાસ પ્રગટ થયો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે પાછલાં ૪૦ વર્ષમાં નાના-મોટા મળીને ૨,૧૩૦ પુલ પડી ગયા છે અથવા વાપરવાલાયક રહ્યા નથી.
એનું મુખ્ય કારણ ઊતરતી કક્ષાનું બાંધકામ છે. દુનિયામાં પુલોની ઉંમર સરેરાશ ૫૦ વર્ષની હોય છે, ભારતમાં એ ૩૫ વર્ષની છે. એ જ રીતે ૧૦,૦૦૦થી વધુ પુલોવાળા મોટા દેશોની સરખામણીમાં ભારતમાં પુલો પડવાથી નોંધાતો મૃત્યુદર ૨૫ ટકા વધુ છે. એનો અર્થ એ થયો કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પ્રત્યેક પુલની દુર્ઘટનામાં માણસોનાં મૃત્યુ થવાની સંભાવના ૨૫ ટકા વધુ છે. ધી ઇન્ડિયન બ્રિજ મૅનેજમેન્ટ સિસ્ટમ અનુસાર દેશમાં નૅશનલ હાઇવે પર ૧,૭૨,૫૧૭ નાનાં-મોટાં પુલ અને નાળાં છે. એમાંથી ૩૦ ટકા નાળાં, ૧૨થી ૧૫ ટકા નાના પુલ, આઠથી ૧૦ ટકા મોટા પુલ અને પાંચ ટકા અતિશય લાંબા પુલ ખરાબ અવસ્થામાં છે.
મોટા ભાગના નિષ્ણાતો સ્વીકારે છે કે ૯૯ ટકા પુલો ખરાબ બાંધકામના કારણે તૂટી પડે છે. એ પણ સાચું છે કે દેશમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે એની સાથે કન્સ્ટ્રક્શનનું ક્ષેત્ર તાલમેલ મેળવી શક્યું નથી. ગુજરાતમાં મોરબી શહેરમાં થોડા મહિના પહેલાં થયેલી પુલની દુર્ઘટના પુરવાર કરે છે કે પુલોના બાંધકામ, સમારકામ અને સાચવણીની બાબતમાં આપણે ત્યાં કેટલી ઘોર બેદરકારી ચાલે છે.
બેદરકારીનો એક ક્લાસિક કિસ્સો પણ બિહારમાં બન્યો હતો. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં રાજ્યના સાસારામ શહેર નજીક અમિયાવર ગામનો એક આખો પુલ ચોરાઈ ગયો હતો. હા, ૬૦ ફુટ લાંબા અને ૧૨ ફુટ ઊંચા લોખંડના આ પુલનો એક-એક ઇંચ હિસ્સો ચોરાઈ ગયો હતો. રાજ્યના સિંચાઈ વિભાગનો એક નિવૃત્ત કર્મચારી અને તેના ચાર સાગરીતો ત્રણ દિવસ સુધી રોજ આ પુલનું ‘સમારકામ’ કરવા આવતા હતા અને ગામલોકોએ જ્યારે જોયું તો પુલ સાફ થઈ ગયો હતો.
દેશનાં શહેરોમાં સુધરાઈની ગટરો પરથી લોખંડનાં ઢાંકણા ચોરી જવાની ઘટનાઓ સામાન્ય છે ત્યારે બિહારમાં આખો પુલ જ ચોરાઈ જાય એ બતાવે છે કે ત્યાં કેવા સુશાસનની જરૂરિયાત છે.