Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > મહારાષ્ટ્ર રિટર્ન્સ: પવારનું પાવર-પૉલિટિક્સ

મહારાષ્ટ્ર રિટર્ન્સ: પવારનું પાવર-પૉલિટિક્સ

30 April, 2023 10:52 AM IST | Mumbai
Raj Goswami

૮૨ વર્ષની ઉંમરે શરદ પવાર એકમાત્ર રાષ્ટ્રીય નેતા છે, જેમણે હજી પણ ખુદની પ્રાસંગિકતા જાળવી રાખી છે.

મહારાષ્ટ્ર રિટર્ન્સ: પવારનું પાવર-પૉલિટિક્સ

ક્રૉસલાઈન

મહારાષ્ટ્ર રિટર્ન્સ: પવારનું પાવર-પૉલિટિક્સ


મહારાષ્ટ્રના રાજકારણને જો બૉલીવુડની કોઈ ઉતાર-ચડાવ, સસ્પેન્સ, કૉમેડી, ટ્રૅજેડી અને ઍક્શનથી ભરપૂર ફિલ્મ સાથે સરખાવીએ તો, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના મરાઠા સેનાપતિ શરદ પવારને એ ફિલ્મના ડિરેક્ટર સાથે સરખાવી શકાય. ઈશ્વર માટે કહેવાય છે કે તેની ઇચ્છા વગર પૃથ્વી પર એકેય પાંદડું હલતું નથી. એવી જ રીતે મહારાષ્ટ્રના રાજકારણમાં પવારની સંમતિ વિના એકેય ખુરસી હલતી નથી. 
૮૨ વર્ષની ઉંમરે શરદ પવાર એકમાત્ર રાષ્ટ્રીય નેતા છે, જેમણે હજી પણ ખુદની પ્રાસંગિકતા જાળવી રાખી છે. બારામતી હોય કે મુંબઈ, મંત્રાલય હોય કે સાઉથ બ્લૉક, શરદ પવાર અત્ર-તત્ર-સર્વત્ર હોય છે. પવારની રાજકીય કુનેહ ક્યાં લડવું અને ક્યાં ન લડવું એ નક્કી કરે છે. કૉન્ગ્રેસના ‘ખજાનચી’ સીતારામ કેસરી જ્યારે પાર્ટીના પ્રમુખ હતા ત્યારે શરદ પવારે તેમને ઉથલાવીને સોનિયા ગાંધીને પ્રમુખપદ સંભાળવા આમંત્રણ આપ્યું હતું.
એ જ સોનિયાના ‘વિદેશી મૂળ’નો વિવાદ થયો ત્યારે પવારે કૉન્ગ્રેસમાંથી કૂદકો મારીને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીની રચના કરી હતી અને બિન-કૉન્ગ્રેસી પાર્ટીઓને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ૧૯૯૯ની લોકસભા તેમ જ વિધાનસભાની ચૂંટણીઓ પછી તેમને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એ જ કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવવામાં કે ૨૦૦૪માં યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)ની સરકારમાં પ્રધાન બનવામાં હિચકિચાટ થઈ નહોતી.
રાજકીય પ્રતિસ્પર્ધીઓની વાત છે ત્યાં સુધી પવાર જૂના જમાનાના કૉન્ગ્રેસી છે. તેઓ કોઈની પણ સાથેની રાજકીય હરીફાઈને અંગત શત્રુતામાં પરિવર્તિત થવા નથી દેતા. તેમણે ક્યારેય ચૂંટણીની રૅલીઓમાં રાજકીય હરીફો માટે આકરાં વેણ નથી કાઢ્યાં. હકીકતમાં, ગમે એટલી ગળાકાપ રાજકીય હરીફાઈ હોય છતાં તેઓ રાજકીય હરીફો સાથે ‘ભાઈબંધી’ જાળવી રાખે છે. આજની તારીખમાં કદાચ તેઓ એકમાત્ર નેતા છે જેઓ સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીને વગર નિમંત્રણે મળવા જઈ શકે છે.
મહારાષ્ટ્રમાં રાજકીય મોરચે શિવસેના અને એના વડા બાળ ઠાકરે સાથે કટ્ટર હરીફાઈ હોવા છતાં પવારે તેમની સાથે એટલો સુંદર અંગત સંબંધ કેળવ્યો હતો કે ૨૦૦૬માં જ્યારે તેમની પુત્રી સુપ્રિયા સુળે રાજ્યસભામાં જવા ઇચ્છતી હતી ત્યારે ઠાકરેએ ફોન કરીને કહ્યું હતું કે ‘મેં તેને મારી આંખ સામે નાનેથી મોટી થતી જોઈ છે. આ તેના જીવનની મોટી ક્ષણ છે અને મારી પાર્ટી તેનું સમર્થન કરશે.’
તેમની આ કાબેલિયતને કારણે જ ૨૦૧૯માં તેઓ શિવસેના, કૉન્ગ્રેસ અને એનસીપી વચ્ચે એક એવું અસાધારણ ગઠબંધન કરવામાં સફળ રહ્યા હતા એટલે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને તેઓ હજી ચચરે છે. બીજેપીએ એનો બદલો લેવા માટે પવારના ભત્રીજા અજિત પવારની મદદથી એનસીપીમાં ભંગાણ પાડીને શબ્દશ: રાતોરાત દેવેન્દ્ર ફડણવીસની સરકાર ઊભી કરી દીધી હતી, પરંતુ એમાંય સિનિયર પવારની રાજરમત એવી કારગત નીવડી કે ૮૦ કલાકમાં જ તેઓ કાકા પવારની છાવણીમાં પાછા ફરી ગયા હતા.
બીજેપી એમાંય સમસમી ગઈ અને છેવટે શિવસેનામાં ઊભી ફાચર મારીને એકનાથ શિંદેની મદદથી સરકાર બનાવી. હવે ૧૦ મહિના જૂની શિંદેસેના અને બીજેપીની સરકાર સામે ફરી સંકટનાં વાદળ ઘેરાયાં છે અને ફરી એક વાર પવારનું પાવર-પૉલિટિક્સ સક્રિય બન્યું છે. 
એનું કારણ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં કરેલો કેસ છે. એકનાથ શિંદે શિવસેનાને હાઇજૅક કરીને બીજેપીના ગાડામાં બેસી ગયા પછી અસલી સેના કોણ એવા પ્રશ્ન સાથે ઠાકરેએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા. એ કેસ હવે પૂરો થવાની અણીએ છે અને એવી અફવા ગરમ છે કે ચુકાદો ઠાકરેની તરફેણમાં જશે. એવું થાય તો શિંદે-ફડણવીસની સરકારનું શું? અફવા એવી છે કે શિંદેને જો જવું પડે તો બીજેપી એનસીપીના અજિત પવારના ટેકા સાથે સત્તામાં ટકી રહેશે. આવું શરદ પવારની જાણ બહાર કે ઇચ્છા વગર શક્ય છે?
અમુક મોટા-મોટા સંકેત એવું કહે છે કે સિનિયર પવાર ૨૦૨૪ની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. એક તો તેમની પુત્રી સુપ્રિયા સુળેનું તાજેતરનું એ નિવેદન છે જેમાં તેણે કહ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં દેશની રાજનીતિમાં બે મોટા ધડાકા થશે. એમાંથી એક ધડાકો મહારાષ્ટ્રની રાજનીતિમાં થશે અને બીજો કેન્દ્રમાં.
બીજું, રાહુલ ગાંધીના નિશાના પર રહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની શરદ પવારે તરફેણ કરી છે. તેમણે હિન્ડનબર્ગના રિપોર્ટની વિશ્વનીયતા પર સવાલ કર્યો હતો અને રાહુલ ગાંધી જેની માગણી કરી રહ્યા છે એ સંયુક્ત સંસદીય સમિતિની તપાસને પણ અર્થ વગરની ગણાવી હતી. એટલું જ નહીં, પવારે અદાણી સાથે મુંબઈમાં બે કલાક સુધી બેઠક પણ કરી હતી. 
ત્રીજું, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સામે સવાલ ઊભો કર્યો તો પવારે એના પર પ્રત્યાઘાત આપ્યો હતો કે કોઈની ડિગ્રી કેવી રીતે રાજકીય મુદ્દો બની શકે? તેમણે કહ્યું કે દેશમાં બેરોજગારી, મોંઘવારી, કાયદો-વ્યવસ્થા જેવા ઘણા મુદ્દા છે ત્યારે ડિગ્રી જેવો મુદ્દો કેવી રીતે મહત્ત્વનો બને?
અદાણી અને ડિગ્રીના બન્ને વિવાદમાં નિશાન મોદી છે અને પવારે એનાથી અંતર કરીને એક રીતે મોદીનો બચાવ કર્યો હોવાનું કહેવાય છે. શરદ પવારે તો ત્યાં સુધી કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી આજે છે, પરંતુ કાલે હશે કે નહીં એની મને ખબર નથી. પવાર કોઈ વાત એમ જ નથી કહેતા. રાજકીય પંડિતો એમાં મહારાષ્ટ્રના રાજકારણમાં આવનારા ફેરફારને જોઈ રહ્યા છે. 
અજિત પવાર મહત્ત્વાકાંક્ષી છે એ વાત નવી નથી. એનસીપીમાં સુપ્રિયા સુળેનાં ચડતાં પાણીથી તેઓ નારાજ છે એ વાત પણ નવી નથી. બીજેપીએ તેમની એ નારાજગીનો ઉપયોગ કરીને જ એક વાર તો તેમને ખેંચ્યા હતા, બીજી વાર પણ એવું જ થશે? મતલબ કે આ વખતે પણ અજિત પવાર (તેમને ૪૦થી ૫૩ વિધાનસભ્યોનો ટેકો હોવાનું કહેવાય છે) એનસીપી સાથે છેડો ફાડશે કે પછી શિંદેની જેમ આખી એનસીપીને હાઇજૅક કરી જશે? સિનિયર પવારને આ બધી સંભવાનાઓનો અંદાજ ન હોય એ શક્ય નથી.
ત્યાં સુધી કે ઉદ્ધવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યું છે કે શિંદે સરકાર ૧૫ દિવસમાં ગબડી પડશે. તેમણે કહ્યું છે કે શિંદેનું ડેથ વૉરન્ટ જારી થઈ ચૂક્યું છે અને બહુ જલદી એના પર હસ્તાક્ષર થશે. દરમ્યાન ખુદ એકનાથ શિંદે તેમના ગામમાં ત્રણ દિવસની રજા પર ચાલ્યા ગયા છે. જોકે રસ્તામાં મહાબળેશ્વરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ ઘરે નવરા બેઠા છે એટલે અફવા ફેલાવવા સિવાય તેમની પાસે કશું કામ નથી.
જોકે આગ વગર ધુમાડો શક્ય નથી. ત્યાં સુધી કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અમુક ઠેકાણે તો ભાવિ મુખ્ય પ્રધાન તરીકે અજિત પવારનાં પોસ્ટર પણ લાગ્યાં છે. શરદ અને અજિત પવાર બન્નેએ આ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી. એનસીપીના કાર્યકરોમાં આટલો બધો ઉત્સાહ માત્ર અફવાઓ આધારિત તો ન જ હોય. ખુદ અજિત પવાર પણ મુખ્ય પ્રધાન બનવા માટેની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. સવાલ એ છે કે તેઓ કાકાની ઇચ્છા વગર મુખ્ય પ્રધાનપદ માટે નિશાન તાકશે?
બીજેપી મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવી રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, ખાસ કરીને એક વર્ષ પછી લોકસભાની ચૂંટણી છે ત્યારે એ મહારાષ્ટ્ર ખોવાના મૂડમાં નથી. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીની સરખામણીમાં બીજેપી મતદારોમાં એટલી લોકપ્રિય નથી જેટલી, દાખલા તરીકે, ગુજરાતમાં છે. એકનાથ શિંદે ભલે સરકારમાં હોય, પરંતુ આમ જનતા હજી પણ ઉદ્ધવસેનાને જ અસલી સેના માને છે. ઉદ્ધવની પાર્ટીના કાર્યકરોમાં જે પકડ છે એ બીજેપી માટે પડકાર છે. સહજ રીતે જ, વોટ માગવા જતાં પહેલાં બીજેપી સરકારને મજબૂત કરવાનું ઇચ્છશે. બીજેપીએ સેનાને તો ખતમ કરી નાખી છે અને હવે એ એનસીપીમાં પણ એવું જ કરવાનું સપનું જોઈ રહી છે. ફરક એટલો છે કે હવે જે થશે એ શરદ પવારની સહમતીથી થશે, જેથી ૨૦૧૯નો ૮૦ કલાકવાળો ફિયાસ્કો ન થાય. 
ટૂંકમાં, મહારાષ્ટ્રમાં રાજકીય મોસમ સામાન્ય નથી. લોકસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલાં પવાર-પરિવારના કાકા-ભત્રીજા વચ્ચે ફાટફૂટ નજરે પડી રહી છે. બીજેપીના નેતાઓ પવાર સાથે જે રીતે ઇલુ-ઇલુ કરી રહ્યા છે એનાથી એકનાથ શિંદે ખુશ નથી. મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી. સરકારમાં જ નહીં, ઈવન વિપક્ષમાં પણ કૉન્ગ્રેસ-એનસીપી-સેનાનો મોરચો અકબંધ રહે એ બીજેપીને મંજૂર નથી.
આ ત્રણે બાબતોમાં શરદ પવારની ભૂમિકા મહત્ત્વની બની રહેવાની છે. અનુકૂળ હોય કે પ્રતિકૂળ, દરેક રાજકીય પરિસ્થિતિઓમાં પોતાની ઉપયોગિતાને કોઈ પણ રીતે કાયમ રાખવામાં માહેર આ મરાઠા સેનાપતિ, રાજકારણના ફલક પરના આ લેટેસ્ટ ફિલ્મી ટ્વિસ્ટમાં કઈ રીતે તેમની છડી ઘુમાવે છે એ જોવાનું રસપ્રદ બની રહેશે. 


લાસ્ટ લાઇન
‘પૉલિટિક્સમાં કશું અકસ્માતે થતું નથી અને જો અકસ્માત થાય તો સમજવું કે એનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.’
- ફ્રૅન્કલિન રુઝવેલ્ટ


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2023 10:52 AM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK