Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બરફમાં થીજેલું લોહી અને એને સ્પર્શતી સંવેદના

બરફમાં થીજેલું લોહી અને એને સ્પર્શતી સંવેદના

Published : 12 April, 2023 04:31 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જર્નલિસ્ટ ટર્ન્ડ રાઇટર રાહુલ પંડિતાએ ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’માં કાશ્મીરમાં થયેલી એવી ત્રાસદીની વાતો કરી છે જે ત્રણ દસકા પછી વાંચીએ તો પણ ધબકારા ચૂકી જવાય છે

અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ અને રાહુલ પંડિતા

બુક ટૉક

અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ અને રાહુલ પંડિતા


‘મેં એ લોકોને સાંભળ્યા છે જેણે એ દિવસો નરી આંખે જોયા છે. હું એ લોકોને મળ્યો છું જેમણે પોતાની આંખ સામે પોતાની બહેનનો, ભાભીનો મલ્ટિપલ રેપ થતો જોયો હોય અને એ દૃશ્ય તેમને આજે પણ જીવવા ન દેતું હોય. એ દૃશ્યોથી છૂટવા સેંકડો વાર સુસાઇડની ટ્રાય કર્યા પછી પણ તેમણે નાહકનું જીવવું પડતું હોય એવા લોકોને પણ હું મળ્યો છું અને હું તેમને પણ મળ્યો છું જે પોતાની કરોડોની સંપત્તિ કાશ્મીરમાં છોડીને આવ્યા પછી દિલ્હી અને મુંબઈમાં રીતસર હાથલારી ચલાવતા હોય!’


પત્રકારમાંથી રાઇટર બનેલા રાહુલ પંડિતાની વાત સાંભળ્યા પછી પણ જો તમારા શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઈ જતું હોય તો જરા વિચારો કે જે ઘટનાઓને તેણે વર્ણનાત્મક રીતે વિગતવાર વાર્તારૂપે લખી છે એ ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ વાંચ્યા પછી તો કેવી અરેરાટી છૂટી જાય. ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’માં વાત કાશ્મીરની છે. કાશ્મીરના અલગાવવાદી માનસિકતા ધરાવતા મુસ્લિમોએ કાશ્મીરી પંડિતો સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હતો એ સત્ય હકીકતને કથાત્મક રૂપમાં લખનારા ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ના લેખક પોતે કાશ્મીરી પંડિત છે. રાહુલ કહે છે, ‘હું આવી જ વાતો સાંભળી-સાંભળીને મોટો થયો અને એટલે જ મને જ્યારે બુક લખવાનું મનમાં આવ્યું ત્યારથી કાશ્મીર અને એ સમયનું ત્યાંનું ટેન્શન મારા મનમાં આવ્યું. ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ની એક પણ વાત કાલ્પિનક નથી અને એની એક પણ વાત ખોટી નથી એ હું દાવા સાથે કહીશ.’



રાહુલે બુકની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી છે કે અહીં લખેલી એકેક વાતના મારી પાસે દાર્શનિક પુરાવા છે તો સાથોસાથ એ વાતોના ડૉક્યુમેન્ટ્સ પણ છે. 


પેઇનફુલ અને સ્ટ્રેસફુલ જર્ની | પોતાના પત્રકારિત્વની સાથે રાહુલે પહેલી બુક લખવાનું શરૂ કર્યું એ ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ હતી પણ એમાં એટલી વાર લાગી કે રાહુલે આ બુકનું કામ કરતાં-કરતાં જ સાથે અન્ય બે બુક લખી, જે બન્ને પણ કાશ્મીર પર આધારિત હતી. અલબત્ત, એમાં વાત ક્યાંય કાશ્મીરી પંડિતોની પીડાની નહોતી પણ એ બન્ને બુકમાં વાત કાશ્મીર સાથે જોડાયેલા રાજકીય ઉતારચડાવોની અને રાજકીય ઉત્તરદાયિત્વની હતી. રાહુલ કહે છે, મારા માટે ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ લખવી એ માત્ર એક દસ્તાવેજી પુરાવા સમાન વાત નહોતી. મારા માટે એ દરેક ઘટના અને દરેક અણબનાવ મારા પૂર્વજોના જીવનની વાત હતી અને એ જ કારણે હું આ આખી જર્નીમાં સૌથી વધારે પેઇન અને સ્ટ્રેસ સહન કરતો રહ્યો. મેં એવા-એવા કિસ્સાઓ સાંભળ્યા કે મને માણસ અને માણસાઈ પરથી વિશ્વાસ ઊઠી ગયો.’

રાહુલ પંડિતાએ ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’માં માત્ર રાજકીય કે આતંકી યાદોને જ ફોકસ નથી કરી પણ રેફ્યુજી બનીને જમ્મુ આવેલા કાશ્મીરી પંડિતોનું જમ્મુમાં કેવું શોષણ કરવામાં આવ્યું હતું એની વાત કરી છે.


કાશ્મીર, કાશ્મીર અને કાશ્મીર | પોતે કાશ્મીર પંડિત હોવાને લીધે રાહુલ પંડિતાનાં ઇમોશન્સ સહજ રીતે કાશ્મીરની દિશામાં વધારે જોડાયેલાં છે. ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ માટે જ્યારે તેની પાસે ફિલ્મ બનાવવા માટે રાઇટ્સ માગવામાં આવ્યા ત્યારે રાહુલનું કહેવું એ જ હતું કે આ લાઇફ છે અને લાઇફ પરથી ફિલ્મ નહીં પણ ડૉક્યુમેન્ટરી જ બની શકે. આ બુક પરથી ડૉક્યુમેન્ટરી માટે રાહુલ તૈયાર હતો પણ પ્રોડક્શન હાઉસની એવી કોઈ તૈયારી નહોતી એટલે વાત અટકી ગઈ પણ હવે અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ સાથે રાહુલની વાત આગળ ચાલી છે. એમાં બન્યું એવું કે રાહુલ પંડિતાએ લખેલી લેટેસ્ટ બુક માટે પ્રોડક્શન હાઉસ સાથે મીટિંગ શરૂ થતાં અચાનક જ આ બુકની વાત નીકળી અને રાહુલની ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ પર ડૉક્યુમેન્ટરી ફાઇનલ થઈ. 

આ પણ વાંચો : અર્ધજાગૃત મનની તાકાત ન્યુક્લિયર બૉમ્બથી પણ વધારે છે

રાહુલની જે બુક પરથી વેબ-સિરીઝ બની રહી છે એ બુક પુલવામા ઘટના પર આધારિત છે. પુલવામાનો આખો ઘટનાક્રમ કેવી રીતે ખુલ્લો પડ્યો અને એની પાછળ કોની મેલી મુરાદ કામ કરતી હતી એ વાતને તથ્યસભર રજૂ કરતી એ બુકની વાત ભવિષ્યમાં ક્યારેક કરીશું પણ હા, એ બુક પરથી વેબ-સિરીઝ બને છે અને ‘અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ’ પરથી હવે ડૉક્યુમેન્ટરી બની રહી છે.

સ્ટોરી શૉર્ટકટઃ અવર મૂન હૅઝ બ્લડ ક્લૉટ્સ

ઘેટાં અને બકરાંને એક ટ્રકમાં ભરવામાં આવે ત્યારે શું એમની સવલતને ધ્યાનમાં રાખવામાં આવે ખરી? ના, કારણ કે એ માણસ નથી. પણ એવું જ દૃશ્ય એ સમયે હતું જે સમયે કાશ્મીર ખાલી કરીને પંડિતો હિજરત કરતા હતા. 

રાહુલ પંડિતા પોતાની બુકમાં લખે છે અને કહે છે, ‘જીવ બચાવવો એ એકમાત્ર ઉદ્દેશ્ય હતો અને એ ઉદ્દેશ્યને પાર પાડવા માટે સૌકોઈ મથતા હતા. એક પણ નાના બાળકને ખોટું બોલતાં શીખવવામાં નથી આવતું પણ એ સમયે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ વચ્ચે કાશ્મીરી પંડિત પરિવારનું એકેક નાનું બાળક એવું હતું જેને ખોટું બોલતાં આવડી ગયું હતું. શીખવ્યા વિના જ એ સહજ રીતે ખોટું બોલતું અને એ જે ખોટું બોલવાની નીતિ હતી એની માટે એ, આજે મોટું થઈ ગયેલું બાળક, આજે પણ પોતાની જાતને કોસે છે.’

રાહુલ પંડિતાએ આ બુકમાં સ્પષ્ટતા કરી છે કે હું કાશ્મીરી પંડિત છું અને એટલે જ મને ૧૯૮૯થી બે વર્ષ સુધી ચાલેલી કાશ્મીરી પંડિતની હિજરત વિશે ખબર છે અને એ બાબતમાં હું ઇમોશનલ પણ છું. રાહુલે એક જગ્યાએ લખ્યું છે, ‘શું વતન માટે ઇમોશનલ હોવું પાપ છે? જો તમારો જવાબ ‘હા’ હોય તો મેં એ પાપ કર્યું છે. મને માફ નહીં કરતા, પ્લીઝ...’

આ બુક જો તમે દિલથી વાંચશો તો એ તમારી આંખમાં આંસુ લાવ્યા વિના રહેશે નહીં, ગૅરન્ટી.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2023 04:31 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK