પુષ્પરાજ તામિલ કૅરેક્ટર હતું, પણ એને પેન-ઇન્ડિયાનું કૅરૅક્ટર બનાવવા માટે મરાઠી ટચ આપવાનું ડબિંગ ડિરેક્ટરે વિચાર્યું અને બસ, એ ટિપિકલ મરાઠી શબ્દોએ ફ્લેવર બદલી નાખી
ફાઇલ તસવીર
‘પુષ્પા’ની સક્સેસ પછી હું સૌથી પહેલાં તો કહીશ કે ડબિંગ કરતા, વૉઇસ-ઓવર આપતા એ તમામ આર્ટિસ્ટને સૅલ્યુટ છે જેઓ આ કામ વર્ષોથી કરતા આવ્યા છે. ફિલ્મોમાં, ઍડ-ફિલ્મ, કાર્ટૂન કે પછી ઍનિમેશન ક્રીએશન્સમાં, જ્યાં પણ જે આર્ટિસ્ટ વૉઇસ-ઓવર કરે છે એ ખરેખર ધન્ય છે. બહુ અઘરું કામ છે આ. હું એવું બિલકુલ નહીં કહું કે મને એના વિશે ખબર નહોતી. ના, અગાઉ મેં પહેલી વાર ‘લાયન કિંગ’માં વૉઇસ-ઓવર આપ્યો ત્યારે જ મને ખબર હતી, પણ ‘પુષ્પા’ની વાત સાવ જુદી છે, એને ‘લાયન કિંગ’ સાથે સીધી સરખાવી ન શકાય. બન્ને પોતપોતાની જગ્યાએ લેજન્ડ છે, પણ ‘લાયન કિંગ’ ઍનિમેશન ફિલ્મ હતી તો એની સામે ‘પુષ્પા’માં અઢળક, અઢળક, અઢળક શેડ્સ હતા, જે બધા શેડ્સ એવા હતા કે એ વૉઇસમાં પણ સંભળાવા જોઈએ.
એક આર્ટિસ્ટ તરીકે તમે જ્યારે પર્ફોર્મ કરતા હો ત્યારે એ સીન સાથે, એ સિચુએશન સાથે તમે ફ્લોમાં હો એટલે નૅચરલી એ સમયનું ટોનેશન આપોઆપ તમારા અવાજમાં ઉમેરાઈ જતું હોય, પણ જ્યારે વાત ડબિંગની આવે, વૉઇસ-ઓવરની આવે ત્યારે એ ફીલને પકડવાનું કામ બહુ અઘરું હોય છે. અફકોર્સ, એ જ આર્ટિસ્ટનું કામ છે અને તેણે એ જ કરવાનું હોય અને એ થયું પણ ખરું. લોકોને જે રીતે ‘પુષ્પા’માં અલ્લુ અર્જુન પસંદ પડ્યા એ જ રીતે તેમનો હિન્દી વૉઇસ પણ જબરદસ્ત પસંદ આવ્યો. મિલ્યન્સમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ બની, યુટ્યુબ-શૉર્ટ્સ પણ બન્યા. વનલાઇનર્સ જબરદસ્ત પૉપ્યુલર થઈ તો સાથોસાથ સીનમાં જે ફીલ હતી એ ફીલ પણ એ જ લેવલ પર સ્ક્રીન પર પણ આવી.
ઘણા મને પૂછે છે કે ડબિંગ દરમ્યાન મેં ક્રીએટિવ િલબર્ટી લીધી હતી કે પછી એ જ ફ્લો પકડી રાખ્યો જે ઓરિજિનલ ફિલ્મમાં હતો. ફ્લો એ જ છે અને એ જ રહેવો જોઈએ, એમાં કોઈ ચેન્જ ક્યારેય ન હોવો જોઈએ, પણ હા, ક્રીએટિવ લિબર્ટી અમે લીધી છે અને એની જ તો મજા છે. કેવી ક્રીએટિવ લિબર્ટી લીધી એની વાત કરતાં પહેલાં તમને હું એ આખી ઘટના કહું કે કેવી રીતે હું આ પ્રોજેક્ટમાં ઇન્વૉલ્વ થયો.
વન ફાઇન ડે મને ફોન આવ્યો કે આ પ્રકારનો પ્રોજેક્ટ છે. હું અલ્લુ અર્જુન સરનો બહુ મોટો ફૅન અને તેમની ફિલ્મ એટલે નૅચરલી મેં સીધી ના પાડવાને બદલે કહ્યું કે એક વાર ફિલ્મ જોઈએ. મને મનમાં હતું કે ઍટ લીસ્ટ બનશે એવું કે હું અલ્લુ સરની ફિલ્મ તો સૌથી પહેલાં જોઈ શકીશ. મેં હા પાડી એટલે બીજા દિવસે અમે ફિલ્મ જોઈ અને અદ્ભુત મજા આવી ગઈ. મેં તરત જવાબ આપવાને બદલે કહ્યું કે લેટ મી થિન્ક વન્સ અને એ પછી ૨૪ કલાક મેં એના પર વિચાર કરીને ફિલ્મમાં ડબિંગ માટે હા પાડી દીધી, પણ એ પહેલાં મેં બધું વિચારી લીધું કે કેવી રીતે કરવું અને કઈ સ્ટાઇલથી આગળ વધવું. પુષ્પરાજનું કૅરૅક્ટર બહુ ક્લૅરિટીવાળું હતું, તમે જુઓ, તેનામાં કોઈ કન્ફ્યુઝન નથી એટલે નૅચરલી એનો સાઉન્ડ પણ એવો જ હોવો
જોઈએ. સેકન્ડલી, એ કૅરૅક્ટર રસ્ટિક છે, મિટ્ટી કા કૅરૅક્ટર કહીએ એવું એટલે અવાજમાં પણ એ ફ્લેવર લાવવાની હતી એ પણ ક્લિયર હતું.
મેં આ આખું કામ ૧૮ કલાકમાં પૂરું કર્યું છે. ટોટલ ડબિંગ આવી ગયું એમાં પણ એ પહેલાં જાત પાસેથી બહુ કામ લીધું. અલગ-અલગ વૉઇસ-સૅમ્પલથી કામ શરૂ થયું અને એ પછી એક સૅમ્પલને ડેવલપ કરવાનું શરૂ કર્યું.
અમારા ડબિંગ-ડિરેક્ટર સાથે એમ જ વાત ચાલતી હતી એ દરમ્યાન તેમણે મને સજેશન આપ્યું કે આપણે પુષ્પાના કૅરૅક્ટરને એક સ્પેસિફિક રીજનની ફ્લેવર આપીએ. જેમ કે ઓરિજિનલી એ તામિલ કૅરૅક્ટર છે તો આપણે હિન્દીમાં એને સહેજ મરાઠી ટચ આપીએ અને એ આપી શકાય એમ હતું જ. તમે પુષ્પરાજનું કૅરૅક્ટર જુઓ. તમને એમાં ધારાવી ને ભાંડુપની ઝૂંપડપટ્ટીમાં રહેતો યંગસ્ટર દેખાશે. મરાઠી ટચ આપવાનું નક્કી થયું એટલે મરાઠીના જ પૉપ્યુલર વર્ડ્સને અમે ડાયલૉગ્સમાં ઇનકૉર્પોરેટ કરવાનું શરૂ કર્યું. એ પોતાની ગર્લફ્રેન્ડ શ્રીવલી સાથે વાતો કરે ત્યારે કે પછી ફ્રેન્ડ કેશવા સાથેની વાતોમાં, ધમકી આપતો હોય એવા સમયે અને એવી જે-જે જગ્યા મળી એ જગ્યાએ અમે ‘માયલા’, ‘કાંવરા-બાંવરા’ જેવા ટિપિકલ મરાઠી ફૅમિલીમાં યુઝ થતા વર્ડ્સ ઉમેરવાનું શરૂ કર્યું અને જે વિચાર્યું હતું એવું જ થયું, એ વર્ડ્સને કારણે પેન-ઇન્ડિયા ઑડિયન્સ માટે એ કૅરૅક્ટર વધારે ઇઝીલી એક્સેપ્ટેબલ બની ગયું અને લોકોએ એને વધાવી લીધું.
થૅન્ક્સ ટુ ગૉડ કે જે ધાર્યું નહોતું એવું રિઝલ્ટ મળ્યું. નૅચરલી, બહુ ખુશી છે અવાજની આ પહેલી સક્સેસની, કારણ કે મારી એક ચોક્કસ વૉઇસ-નોટ છે, પણ અહીં એ સાવ જ ડિફરન્ટ લેવલ પર છે. મેં એ ફિલ્મ થિયેટરમાં જઈને પણ જોઈ એટલે મને ખબર છે કે એની અસર કેવી ઊભી થાય છે. આ આખી જર્નીમાં મને એક વાત બહુ સારી રીતે સમજાઈ કે જ્યારે બધું સારું થવાનું હોય ત્યારે આપોઆપ તમે પણ બેસ્ટ કામ જ આપો છો.
આ જ ફીલ મને મારી ડ્રામા-કંપની ‘નાઇન રસા’ માટે પણ છે. અમે વર્લ્ડનું પહેલું ઓટીટી પ્લૅટફૉર્મ બનાવ્યું છે જે માત્ર અને માત્ર ડ્રામા રિલીઝ કરે છે. ઘણાને એવું લાગે છે કે આ ખોટનો ધંધો છે અને હું પણ માનું છું કે એવું જ છે, પણ મને ખાતરી છે કે એક દિવસ એવો આવશે કે લોકો કહેશે કે આ બહુ જરૂરી હતું.
આજે પ્રાયોરિટીના લિસ્ટમાં થિયેટર સૌથી છેલ્લે આવે છે, પણ રિયલિટી એ છે કે આર્ટનું પહેલું ફોમ થિયેટર હતું, પણ ડ્રામા થિયેટરથી બહાર ક્યારેય નીકળ્યા જ નહીં. લાઇવ આર્ટ્સ હોવાને લીધે એની મજા થિયેટરમાં જ છે, પણ એ થિયેટર પૂરતું સીમિત રહે એવો દુરાગ્રહ મારી દૃષ્ટિએ ખોટો છે. આ આગ્રહને કારણે તો આપણે કેટકેટલું ગ્રેટ લેવલનું આર્ટ જોયા વિના જ ગુમાવી દીધું. આજે આપણી પાસે સત્યજિત રેની ફિલ્મો અવેલેબલ છે પણ આપણી પાસે એ જ સ્તરના ડ્રામા કહેવાય એ કોઈ ડિજિટલ પ્લૅટફૉર્મ પર અવેલેબલ નથી. આજે એ બધી વાતો કરીને આપણે ખુશ થઈએ છીએ, પણ એ બધામાંથી શીખવાની તક આપણને મળતી નથી, જે ગુરુ દત્તની ફિલ્મો કે રાજ કપૂર, બલરાજ સાહનીની ફિલ્મોમાં જોઈને આપણે શીખી શકીએ છીએ, પણ આપણા દિગ્ગજો જે ડ્રામા કરીને ગયા એ જોઈને શીખવાની તક આપણને મળતી નથી.
બસ, આ એક વિચાર સાથે અમે ‘નાઇન રસા’ની શરૂઆત કરી અને બહુ સરસ રિસ્પૉન્સ પણ મળ્યો. અમે આ પ્લૅટફૉર્મ પર માત્ર મરાઠી કે હિન્દી જ નહીં, આખા વર્લ્ડની લૅન્ગ્વેજના ડ્રામા લાવવા માગીએ છીએ, તો એ ડ્રામા પણ લાવવા માગીએ છીએ જેની માત્ર વાતો જ આપણે સાંભળી છે.
મારી શરૂઆત મેં થિયેટરથી કરી છે એટલે મને થિયેટરનો ચાર્મ, થિયેટરનો ગ્લો ખબર છે. મને આજે પણ યાદ છે કે બહુ સામાન્ય દેખાવનો હું, એક વાર કોઈ જોઈ લે એ પછી બીજી વાર જોવા માટે નજર પણ ન ફેરવે એવો સામાન્ય મારો લુક અને એ પછી મેં એક નાટક કર્યું અને લોકો મારો રોલ જોઈને ખુશ થઈ ગયા. તાળીઓ પાડી. ‘નાઇન રસા’ પર નાટક જોઈને લોકો મનમાં તાળીઓ પાડે તો એ તાળી પણ મને સ્કૂલની પેલી તાળીઓ યાદ દેવડાવે છે તો ‘પુષ્પા’ના ડાયલૉગ સાંભળીને પણ જે તાળીઓ પડે છે એ તાળીઓ પણ મને પેલી સ્કૂલવાળી તાળીઓ યાદ દેવડાવે છે અને અલ્ટિમેટલી તો એ તાળીઓ માટે જ તો આ બધી મહેનત છે.
કંઈક કરીએ અને લોકો એ કામને આવકારે તો એનાથી વધારે ખુશી બીજી કઈ વાતની હોય. અલ્લુ અર્જુનની ફિલ્મો જોઈને આપણે ઘરમાં ઊછળતા હોઈએ એ જ અલ્લુ અર્જુન સરની ફિલ્મમાં આપણે વૉઇસ આપવાનું આવે અને દુનિયા એ ડાયલૉગ સાંભળીને ઊછળે તો મજા જ આવે. તમારી ગુજરાતીમાં કહે છેને, ‘જલસો પડી ગયો.’ બસ, એવો જલસો પડી જાય બાપુ, પણ એ જલસો ત્યારે પડે જ્યારે તમે તમારા કામને અને તમને સોંપવામાં આવેલા કામને
પૂરી શિદ્દત સાથે વળગેલા રહો અને એ કરવા ખાતર નહીં, પણ એ કામ મિસાલ બનીને રહે એ રીતે કરવા માટે મહેનત કરો.
ધેટ્સ ઑલ.
આપણી પાસે સત્યજિત રે, ગુરુ દત્ત, રાજ કપૂરની ફિલ્મો અવેલેબલ છે, પણ એ જ સ્તરના ડ્રામા કોઈ ડિજિટલ પ્લૅટફૉર્મ પર અવેલેબલ નથી. આજે એ થિયેટરની વાતો કરીને આપણે ખુશ થઈએ છીએ, પણ આપણા દિગ્ગજો જે ડ્રામા કરીને ગયા એ જોઈને શીખવાની તક આપણને મળતી નથી.
ADVERTISEMENT
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

