નરેન્દ્ર મોદીના ઘરે જે ટબૂકડી ‘દીપજ્યોતિ’ ગાય આવી છે એ નાની પણ બહુ જ કામની છે
ડૉ. કૃષ્ણમ રાજુએ અનેક પ્રયોગો કરીને પુંગનૂર પ્રજાતિની ગાયોને નવજીવન આપ્યું છે અને તેમની ગૌશાળામાં અત્યારે હજારોની સંખ્યામાં બકરીથી મોટી સાઇઝની ગાયો છે. તેમનો આશય છે કે ગાયો જેટલી નાની હશે એનું એને ઘરમાં પાળવાનું ચલણ વધશે.
વાસ્તવમાં દેશવાસીઓને સરપ્રાઇઝ આપવા ટેવાયેલા આપણા વડા પ્રધાને આ વખતની વર્ષગાંઠે જે એક ટચૂકડી ગાય સાથે જે સરપ્રાઇઝ આપી હતી એ હજીયે ચર્ચામાં છે. જન્મદિવસે વડા પ્રધાને સોશ્યલ મીડિયા પર એક સરસમજાનો વિડિયો અને કેટલાક ફોટો અપલોડ કરીને લખ્યું હતું કે ‘હમારે શાસ્ત્રોં મેં કહા ગયા હૈ – ‘ગાવઃ સર્વસુખ પ્રદાઃ’ લોકકલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી આવાસ પરિસર મેં એક નયે સદસ્ય કા શુભ આગમન હુઆ હૈ. ગૌમાતાને એક નવ વત્સા કો જન્મ દિયા હૈ, જિસકે મસ્તક પર જ્યોતિ કા ચિહ્ન હૈ. ઇસલિયે મૈંને ઇસકા નામ ‘દીપજ્યોતિ’ રખ્ખા હૈ.’
પરાણે વહાલ ઊભરાઈ આવે એવું એક નાનકડું અમથું વાછરડું, તેમની સાથે-સાથે ફરતું, તેમના હાથમાં ઊંચકાયેલું જોવા મળ્યું અને બસ, મંગળવારના દિવસે પ્રધાનમંત્રી કે તેમની વર્ષગાંઠ કરતાં એ વાછરડા વિશેની ચર્ચાએ જાણે વધુ ફુટેજ લઈ લીધું. આપણે જેની વાત કરી રહ્યા છીએ એ એક સમયે વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિની શ્રેણીમાં આવતી ભારતની ભવ્ય સંસ્કૃતિનું પવિત્ર અને ઉત્તમ ફળદાયી પ્રાણી એવી પુંગનૂર ગાય છે જે હવે ફરી એક વાર પોતાની ભવ્યતા તરફ પ્રયાણ કરી રહી હોય એમ લાગે છે. નાનું ગામડું હોય કે મેટ્રોપૉલિટન સિટી, સામાન્ય રીતે કૂતરા કે બિલાડી પાળવાનું ચલણ આપણા દેશમાં જ નહીં વિશ્વઆખામાં પ્રચલિત છે. આપણી સામાન્ય માન્યતા એવી છે કે કદાચ વિશ્વભરમાં પેટ ઍનિમલ તરીકે સૌથી વધુ કૂતરા પાળવામાં આવતા હશે, પરંતુ વાસ્તવમાં આ રેસમાં બિલાડી સૌથી મોખરાના સ્થાને છે!
ADVERTISEMENT
નાનકડી લાડકીનો ઇતિહાસ
સામાન્ય રીતે એક ગાયની સરેરાશ ઊંચાઈ કેટલી હોય છે? સાડાત્રણથી સાડાચાર ફુટ? કેટલીક પ્રજાતિની ગાયોની ઊંચાઈ સાડાપાંચ ફુટ સુધી પણ જોવા મળે, ખરુંને? પણ આપણી આ નાનકી જ્યારે વયસ્ક થાય ત્યારે પણ એની ઊંચાઈ અઢીથી ત્રણ ફુટથી વધારે નથી હોતી.
એવું નથી કે આ પ્રજાતિનો ઉદ્ભવ કે વિકાસ આપણા દેશમાં હમણાં થોડાં વર્ષ પહેલાં થયો છે. દુર્લભ પ્રજાતિની એવી આ ગાયને પ્રાચીન ગૌ તરીકે ગણાવી શકીએ એટલો ભવ્ય ઇતિહાસ છે એનો. ૨૦૦૦ વર્ષ કરતાંય વધુ જૂનો ઇતિહાસ ધરાવતી પુંગનૂરને એનું નામ મળ્યું એના જન્મસ્થળના આધારે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાનું એક નાનકડું ગામ છે પુંગનૂર! એક સમય હતો જ્યારે આ ગાયો આંધ્રના પુંગનૂર નગરનાં જંગલોમાં જોવા મળતી હતી. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં તો એને ગાયોની સૌથી પ્રાચીન પ્રજાતિઓમાંની એક ગણાવવામાં આવી છે. આપણાં શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ મળે છે કે દેવતાઓને આ નાનકડી ગાયનું દૂધ અત્યંત પ્રિય હતું. એક સમય હતો જ્યારે ઇન્દ્રદેવ પણ એનું દૂધ ગ્રહણ કરવા માટે ધરતી પર વિહાર કરવા આવ્યા હતા. આંધ્ર પ્રદેશના સ્થાનિક લોકોમાં તો એવી માન્યતા છે કે પુંગનૂર ગાય જ એ સુરભિ ગાય છે જે સમુદ્રમંથન દરમ્યાન સમુદ્રમાંથી નીકળી હતી.
ભારતની આ અનન્ય ધરોહર એવી ગાય એક સમયે ખેતી અને સામાન્ય ભારવહન માટે ઉપયોગમાં લેવાતી હતી. ત્યાર બાદ મોગલોના સતત થતા રહેલા આક્રમણની અસર આ પ્રજાતિને પણ થઈ અને આપણા રાજવીઓએ એની સુરક્ષા માટે એને આંધ્રનાં ગાઢ જંગલોમાં છોડી દેવાનું નક્કી કર્યું જેથી રાજ્ય પર આક્રમણ થાય તો પણ આ નાનકીઓ સુરક્ષિત રહે. ત્યાર બાદ બ્રિટિશ લૂંટારાઓએ ભારતને લૂંટવાનું અને ગુલામ બનાવવાનું શરૂ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ દૂધ અને ઘી બનાવવા માટે પુંગનૂર ગાયનો ઉપયોગ શરૂ કર્યો. આપણે જાણીએ છીએ કે મોગલો તો નિર્દયી અને જુલમી હતા જ, અંગ્રજો પણ એટલા જ આક્રાંતિક હતા. તેમણે આ અત્યંત ગુણકારી એવી નાનકી પર પણ અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. આ પ્રજાતિની ગાયોને ક્યારેક સર્રા અને બ્રુસેલા નામનો રોગ આભડી જાય છે. એવા સંજોગોમાં અંગ્રેજો એવી પીડિત ગાયોને ઇલાજ કે દેખરેખ કરી કાળજી કરવાને બદલે મરવા માટે નોંધારી છોડી દેવા માંડ્યા એને કારણે આ મૂંગા પ્રાણીની હાલત કોઈ અનાથ બાળક જેવી થઈ જતી. આ જ કારણથી ૧૯મી સદીમાં એની લોકપ્રિયતા ઘટવા માંડી અને અંગ્રેજો વિદેશી ગાયો ભારતમાં લાવવા માંડ્યા. પુંગનૂર સાથે થયેલો આ અન્યાય એવો તો શ્રાપિત સાબિત થયો કે ૨૦મી સદી આવતાં સુધીમાં તો પુંગનૂર લુપ્ત થવાને આરે આવીને ઊભી રહી ગઈ. આખરે ૨૧મી સદીમાં પુંગનૂર ગાયના સંરક્ષણ માટેના પ્રયાસ શરૂ થયા અને દેશમાં એની સંખ્યા વધે એ માટેનાં પગલાં પણ લેવાવા માંડ્યાં. ભારત સરકારે પણ આ ગાયને બચાવવા માટે કેટલીક યોજનાઓ શરૂ કરી. સાથે જ બિન-સરકારી સંસ્થાઓનું પણ પુંગનૂર નામની આ નાનકીના સંરક્ષણ બાબતે યોગદાન શરૂ થયું.
કોણ છે પુંગનૂર? કેવી છે?
આ પ્રજાતિની ગાય સૌપ્રથમ વાર દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં મળી હતી, જેને વિશ્વની સૌથી નાની ગાય તરીકે ઓળખવામાં આવે છે. એક સમય હતો જ્યારે એ લુપ્ત થવાને આરે હતી. એની સંખ્યા એક સમયે માત્ર ૧૦૦ જેટલી જ રહી ગઈ હતી. ભારતની ભાગ્યકલ્પ સમાન પુંગનૂર એક એવી ગાય છે જે જન્મે ત્યારે કૂતરાના ગલૂડિયા જેટલી નાની હોય છે. ધીરે-ધીરે બકરી જેટલી ઊંચાઈ અને શરીરનો બાંધો મેળવતી પુંગનૂર એની વયસ્ક ઉંમરે પહોંચતાં સુધીમાં અઢીથી ત્રણ ફુટ જેટલી ઊંચાઈ મેળવે છે. એક વયસ્ક ગાયની વાત કરીએ તો એ ખોરાક તરીકે લગભગ પાંચ કિલો જેટલો ચારો ખાઈ શકે છે અને દરરોજ ૩થી ૪ લીટર જેટલું દૂધ આપે છે.
જ્યારે આ ગાય જન્મે છે ત્યારે એની ઊંચાઈ માત્ર ૧૬થી ૨૨ ઇંચ જેટલી જ હોય છે. એના વિશે એક વૈજ્ઞાનિક સર્વે પણ હાથ ધરાયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે પુંગનૂર ગાયની પ્રજાતિ કમસે કમ ૧૧૨ વર્ષ જૂની તો છે જ, પરંતુ એ પ્રજાતિ નજીકના ભૂતકાળમાં વિકસાવવામાં આવેલી પ્રજાતિ છે. જ્યારે મૂળ પુંગનૂરનો જન્મ વૈદિક કાળમાં થયો હોવાના પુરાવા મળે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ અનુસાર મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્ર પાસે પણ આ પ્રકારની ગાયો હતી. ત્યાર બાદ આબોહવા અને સ્થળપરિવર્તનને કારણે આ ગાયની પ્રજાતિની ઊંચાઈમાં થોડો વધારો આવ્યો. પહેલાં પુંગનૂરની ઊંચાઈ અઢીથી ત્રણ ફુટ હતી, જેને બ્રહ્મ જાતિ કહેવામાં આવતી. તબીબોની વાત માનીએ તો એમનું કહેવું છે કે હાલમાં સમગ્ર ભારતમાં ગાયોની માત્ર ૩૨ જાતિ બચી છે. જ્યારે પ્રાચીન સમયમાં માત્ર ભારતમાં જ અંદાજે ૩૦૨ જેટલી જાતિઓ જોવા મળતી હતી
પુંગનૂર ગાયોના સંવર્ધન પાછળ આ ડૉક્ટરનો છે મુખ્ય ફાળો
આ દુર્લભ એવી પુંગનૂર ગાયને બચાવી લઈ ફરી સ્વસ્થ અવસ્થામાં લાવવા માટે આંધ્ર પ્રદેશના કાકીનાડા વિસ્તારના એક વૈદ્યએ સતત ૧૪ વર્ષ સુધી મહેનત કરી છે. અઢી ફુટનું આ પુણ્ય પ્રાણી ત્યાર બાદથી હવે ઠીકઠાક વિકસી રહ્યું છે. એને કારણે આંધ્ર પ્રદેશમાં તેમને કાઉમૅનનું બિરુદ આપવામાં આવ્યું છે. જોકે હવે ગયા અઠવાડિયા પછી તો એવો પણ વિશ્વાસ સંપાદન થઈ રહ્યો છે કે ગાયને પૂજ્ય ગણતો આપણો આ દેશ એની આ નાનકીને પોતાની પ્રિય ગણી ઘરની સભ્ય બનાવવા સુધીની સફર આરંભશે. વિશ્વની સૌથી ઠીંગણી આ ગાયોની જાતિ સુધારણા પછી કૃષ્ણમ રાજુ ગાય આશ્રયસ્થાન જેવી સંસ્થાઓ એનું પાલન-પોષણ કરી રહી છે અને એને દેશના વિભિન્ન ખૂણે પહોંચાડવા સુધીની જહેમત ઉઠાવી રહી છે.
આ સંસ્થાના અધિષ્ઠાતા એવા ડૉ. કૃષ્ણમ રાજુએ તેમના એક ઇન્ટરવ્યુ દરમ્યાન વાતો કરી હતી કે હાલમાં પુંગનૂર ગાયની ઊંચાઈ ત્રણથી પાંચ ફુટ છે જેને ઘટાડીને મૂળ બે-અઢી ફુટ કરવાનો પ્રયત્ન તેમણે આદર્યો હતો. આ પ્રયાસરૂપે તેમણે આંધ્ર પ્રદેશના પશુધન સંશોધન કેન્દ્રમાંથી પુંગનૂર જાતિના જ એક બળદનું વીર્ય લઈને કૃત્રિમ બીજદાન કરાવ્યું. વર્ષો સુધી તેમના આ રીતના પ્રયત્ન ચાલતા રહ્યા અને આખરે એક સૌથી નાના જન્મેલા બળદનું વીર્ય લઈને તેમણે પુંગનૂર ગાયમાં ફરી એક વાર કૃત્રિમ રીતે ગર્ભાધાન કરાવ્યું. પરિણામસ્વરૂપ એક એવી ગાયનો જન્મ શક્ય બન્યો જે વયસ્ક થાય ત્યારે પણ એની ઊંચાઈ બે ફૂટ સુધીની જ રહે (જેટલી પ્રાચીન કાળમાં મૂળ પુંગનૂર ગાયની ઊંચાઈ હતી). આ રીતે આખરે તેમને પુંગનૂરને પોતાની મૂળ ઓળખ અપાવવામાં સફળતા મળી. ૨૦૧૯ની ૧૭ ડિસેમ્બરે વિકસાવવામાં આવેલી સૌથી નાની પુંગનૂર ગાયની ઊંચાઈ માત્ર ૨.૫ ફુટ છે. ડૉક્ટરનું કહેવું છે કે આ પુંગનૂર ગાય દરરોજ ૩ લીટર જેટલું દૂધ આપી શકે છે. ગાયોની આ મૂળ જાતિ વિકસાવવા પાછળ ડૉક્ટર રાજુનો મૂળ આશય એ છે કે વધુ ને વધુ લોકો એને ઘરે રાખી શકે.
આંધ્ર પ્રદેશના પશુધન અને ડેરી વિભાગના અહેવાલ મુજબ રાજ્ય સરકારે પુંગનૂર ગાયોની વસ્તી વધારવા માટેના મિશન પુંગનૂર અંતર્ગત લગભગ ૭૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. એમાં સરકારે ટેસ્ટ ટ્યુબ બેબીની ટેક્નિક વાપરીને પુંગનૂર ગાયોની આબાદી વધારી હતી જેને કારણે પાંચ જ વર્ષમાં આ ગાયોની સંખ્યા લગભગ ૧૩,૫૦૦ને પાર કરી ગઈ છે.
સામાન્ય રીતે પુંગનૂરની ખરીદકિંમત હાલમાં ત્રણ લાખથી પાંચ લાખ સુધીની હોય છે, પરંતુ ડૉ. રાજુએ આજસુધી એક પણ ગાય વેચી નથી. તેઓ આવી ગાયને પાળવા ઇચ્છતા લોકોને મફતમાં ઉછેર કરવા માટે આપે છે. મહત્ત્વની અને રસપ્રદ વાત એ છે કે આજે હવે ઘણા વિદેશીઓ પણ ડૉ. ક્રિષ્ણમ રાજુ પાસે આવી પુંગનૂર ગાય માગે છે, પરંતુ ડૉક્ટરે આજ સુધી આ ગાય કોઈ વિદેશીને નથી આપી. એને બદલે તેઓ પુંગનૂરના ઉછેર વિશેની વિગતો અને શીખ ભારતીયોમાં વહેંચવાનું વધુ પસંદ કરે છે. એક સામાન્ય અનુભવ પ્રમાણે હાલમાં લોકો આ નાનકી ગાયને પાળવા ખાસ આગળ આવતા નથી, કારણ કે ઘાસચારાનો ખૂબ મોટો અભાવ છે.
કામધેનુ સમાન ગુણો
પુંગનૂર ગાયનું દૂધ બીજી સામાન્ય ગાય કરતાં ઉચ્ચ ગુણવત્તાનું હોય છે. એમાં ૮ ટકા ચરબી અને ૪.૫ ટકા જેટલું પ્રોટીન હોય છે. એ સિવાય એહના દૂધમાં બીજા અનેક ઔષધીય ગુણો પણ હોય છે જે સ્વાસ્થ્યને અનેક રીતે લાભકર્તા છે. દરરોજનું ૧થી ૩ લીટર દૂધ આપતી આ ગાય સામાન્ય રીતે વર્ષમાં ૨૬૦ દિવસ દૂધ આપી શકે છે. જોકે યુવાન ગાયોની સરખામણીએ પુખ્ત ગાય વધુ દૂધ આપે છે. સામાન્ય રીતે પુંગનૂરનું આયુષ્ય ૧૫થી ૨૦ વર્ષનું હોય છે. જો એની યોગ્ય કાળજી અને એને માટે સારી વ્યવસ્થા કરવામાં આવે તો એનું આયુષ્ય વધારી શકાય છે. કેટલીક ગાયો ૨૫ વર્ષ સુધી પણ જીવે છે.
જો કોઈ એને ખરીદવા માગતું હોય તો આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં તો મળે જ છે. આ વિસ્તારના ઘણા ખેડૂતો અને પશુપાલકો પણ એવી ગાય વેચે છે. એ સિવાય ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર પણ પુંગનૂર ગાય ખરીદી શકાય. OLX, Quikr અને સુલેખા જેવાં પ્લૅટફૉર્મ્સ પર એ મળી રહે છે. એ સિવાય ઘણા પશુમેળામાં પણ પુંગનૂર ગાય મળી રહે ખરી. કેટલાક લોકપ્રિય પશુમેળાઓમાં જેમ કે હરિદ્વારના કુંભમેળામાં, સોનીપત હરિયાણાના પશુમેળામાં અને રાજસ્થાનના પુષ્કર મેળામાં પણ પુંગનૂર ગાય મળી જાય છે.
બીજા દેશોની તો ખબર નહીં પણ પાલતુ પ્રાણીઓના ટ્રેન્ડમાં હવે ઝડપથી એક બદલાવ આવતો જોવા મળશે એવી ગયા અઠવાડિયા પછી શક્યતાઓ જણાઈ રહી છે. મૂળ ભારતીય એવી આ ગાય ફરી એક વાર લાઇટ, કૅમેરા ઍન્ડ ઍક્શન સાથે લાઇમલાઇટમાં આવી ગઈ છે. અંબાણી પરિવારના લગ્ન-સમારંભમાં રિદ્ધિ-સિદ્ધિ ગાયો જોવા મળી હતી, યાદ છે? જાણીતી પ્લેબૅક સિંગર શ્રેયા ઘોષાલે એની સાથેનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ત્યારે થોડી ઘણી આ નાનકડી પુંગનૂર ચર્ચામાં આવી હતી ખરી, પરંતુ લોકો ફરી ભૂલી ગયા હતા. હવે અઠવાડિયાભરથી ફરી ચર્ચા શરૂ થઈ છે. હમણાં જ યુપીના મુખ્ય પ્રધાન યોગીજીએ પણ તો પુંગનૂર સાથેના ફોટો-વિડિયો શૅર કર્યા હતા. વળી અઢી ફુટની આ નાનકીને ઘરના સભ્ય તરીકે સામેલ કરવું એટલું મોંઘુંય નથી. એક શ્વાન પાળવા માટે આપણે જેટલા ખર્ચનો અંદાજ મૂકીએ કદાચ એથી ઓછો જ ખર્ચ પુંગનૂર આપણી પાસે માગી રહી છે. શાસ્ત્રોમાં કંઈ અમસ્તી જ થોડી ગાયોને કામધેનુ કહેવાય છે! મૂંગું પ્રાણી છે છતાં સારપમાં મનુષ્યને પણ શરમાવે એવી આ ચોપગી દુધાળી દેવીને જેટલા વહાલ, પ્રેમ અને દુલાર કરીએ એટલું ઓછું છે.
પ્રાણી છે, બીમાર પડેય ખરું
પુંગનૂરમાં મહદંશે બે પ્રકારની બીમારી જોવા મળે છે, સર્રા અને બ્રુસેલા. ૧૮૮૫ની સાલમાં પહેલી વાર આ ગાયોને સર્રા નામનો રોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ રોગ તેમને Trypanosoma evansi નામના એક માઇક્રોસ્કોપિક પરજીવીને કારણે થાય છે, જેને કારણે એમની દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા અત્યંત નબળી પડી જાય છે. આ ઉપરાંત ઘણી વખત ગાયનું મૃત્યુ પણ થઈ જાય છે. આ રોગ સામાન્ય રીતે માખીઓ દ્વારા ફેલાતો હોવાનું માલૂમ પડ્યું છે. ધારો કે સર્રા રોગથી પીડિત ગાયને માખી કરડે અથવા એનું લોહી પીધા પછી એ માખી કોઈ તંદુરસ્ત ગાયને કરડે તો એને પણ સર્રા રોગ લાગુ પડી શકે. પ્રાણીવિજ્ઞાન અનુસાર સર્રા રોગ માટે જવાબદાર માખીને ‘ટેબનુસ’ કહેવામાં આવે છે. આ રોગથી પીડિત ગાયની સ્થિતિ ખૂબ ગંભીર બની જાય છે. એને વારંવાર તાવ આવે છે. મોઢામાંથી લાળ અને આંખ અને નાકમાંથી પાણી ટપકવા માંડે છે. આ રોગને કારણે ગાય ગોળ-ગોળ ફરવા માંડે છે. તો વળી ગાયને પાછળના ભાગમાં લકવો થઈ જાય એવું પણ બને. પુંગનૂરને એને કારણે નીચેના ભાગમાં સોજો આવવા માંડે છે. વળી આંખો પર પણ સફેદ છારી બાઝવા માંડે છે. જો પુંગનૂર સર્રાથી પીડાતી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ એની આસપાસ ચૂનો છાંટવો પડે છે. એ ઉપરાંત ગોળ ખવડાવવાથી પણ એને રાહત મળે છે.
આવો જ બીજો એક રોગ છે બ્રુસેલા. આ એક ચેપી રોગ છે જે ઍબોર્ટ્સ નામના બૅક્ટેરિયા દ્વારા ફેલાય છે. જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે. આ બૅક્ટેરિયા જો ગર્ભાવસ્થા દરમ્યાન સસ્તન પ્રાણીના ગર્ભાશયમાં રહે તો છેલ્લા ત્રણ મહિના દરમ્યાન કસુવાવડનું પણ કારણ બની શકે. ધારો કે કોઈ ગાય એનાથી સંક્રમિત થઈ હોય તો જીવનભર ગાયના ગર્ભાશય અને દૂધ દ્વારા એ બહાર નીકળતું રહે છે. જો પુંગનૂર બ્રુસેલા રોગથી પીડિત થઈ હોય તો શક્ય છે કે એને વારંવાર તાવ આવવા માંડે, એનું વજન ઘટવા માંડે અથવા અતિશય પરસેવો વળવા માંડે. નાનકી પુંગનૂરને એ લાગુ નહીં પડે એ માટેની રસી સમયસર મુકાવી લેવામાં આવે છે. ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ રસી પણ ભારતે જ શોધી અને બનાવી છે. જો ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય તો હવે તો ૬ મહિના પછી લગભગ દરેક પશુપાલક બ્રુસેલાની રસી મુકાવી દે છે.
300-500
પુંગનૂર ગાયનું દૂધ આટલા રૂપિયે લીટર મળે છે. એ મોંઘું હોવાનું કારણ એ છે કે એ બહુ જ પોષક તત્ત્વોથી ભરપૂર હોવાનું મનાય છે.
10000
પુંગનૂર ગાયના દૂધમાંથી બનતું ઘી આટલા રૂપિયે કિલોના ભાવે વેચાય છે.