Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > બાઝી લગા દેંગે અપની જાન કી જબ બાત ચલેંગી મેરે દેશ કે સન્માન કી

બાઝી લગા દેંગે અપની જાન કી જબ બાત ચલેંગી મેરે દેશ કે સન્માન કી

Published : 05 April, 2023 06:14 PM | Modified : 05 April, 2023 06:24 PM | IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

આપણે ૨૩ માર્ચને ભૂલી જઈશું, કદાચ ભગત સિંહને પણ ભૂલી જઈશું, પણ ઇતિહાસના પાને ભગત સિંહની શહાદત કાયમ રહેશે. આજે પણ હુસેનીવાલામાં ભગત સિંહની સમાધિ છે.

ભગત સિંહની સમાધિ

માણસ એક રંગ અનેક

ભગત સિંહની સમાધિ


ઇન્ડિયા હાઉસ લંડનમાં બાપુએ તેજબહાદુર સપ્રુ અને ભગત સિંહ વચ્ચે લાહોરમાં થયેલા સંવાદનો અહેવાલ ક્રાન્તિકારીઓને આપતાં કહ્યું કે ‘ભગત સિંહે માફી માગવાની વાત બિલકુલ નકારી કાઢી છે અને એ સ્વાભાવિક પણ છે. તેણે મને તાકીદ પણ કરી છે કે હવે પછીની ઇરવિન સાથેની મુલાકાતમાં આ બાબત મારે એક હરફ પણ ઉચ્ચારવો નથી. વધારામાં ભગત સિંહનું કહેવું એમ પણ છે કે મારી ફાંસીની સજાની માફીથી દેશમાં ક્રાન્તિનો જે જુવાળ ભભૂક્યો છે એ ઠંડો પડી જશે.’ 


 વધુમાં બાપુએ સપ્રુજીના વિચારો પણ જણાવ્યા. સપ્રુજીનું માનવું છે કે ૧૯૧૪માં જલિયાંવાલા બાગ સમયે લોકોની જે લાગણી ભડકી હતી એનો લાભ આપણે ન મેળવી શક્યા. ૧૮૫૭નો બળવો પણ એકસાથે ૧૦ મેએ કરવાનો હતો એને બદલે આપણા ક્રાન્તિકારીઓએ અતિ ઉત્સાહમાં આવી જઈને ૧૦ મે પહેલાં જ દેશના જુદા-જુદા ઠેકાણે જુદી-જુદી તારીખે શરૂ કરી દીધો અને એટલે જ અંગ્રેજો સૈન્યની મદદથી એ નિષ્ફળ બનાવી શક્યા. એકસાથે ૧૦ મેએ જ જો બળવો શરૂ થયો હોત તો અંગ્રેજોને ભારે પડત એમાં કોઈ શક નથી. આ હિસાબે ભગત સિંહનો સંકલ્પ સાચો છે. આપણે તેમની મુરાદ પૂરી કરવી જોઈએ. 



સભામાં ઉપસ્થિત બધા ક્રાન્તિવીરો આ બાતે સહમત થયા. એક ક્રાન્તિકારીએ તો એવું પણ કહ્યું કે લૉર્ડ ઇરવિનની આમાં લુચ્ચાઈ છે. આ પ્રસ્તાવ દયાથી પ્રેરાઈને નહીં, પણ એ લોકોની અસમર્થતાને કારણે, ડર અને ભયને કારણે, પોતાની સુરક્ષાને કારણે મુકાયો છે. 


આ જ અરસામાં એલઆઇયુનો બીજો એક રિપોર્ટ બ્રિટિશ સરકારને મળ્યો. સાર એ હતો કે આર્મી, નેવી, પોલીસ, સરકારી, અર્ધ-સરકારી અફસરો, દેશની જનતાના મોટા ભાગના લોકોનો મૂડ બળવાનો છે એટલે ભગત સિંહને ફાંસી આપ્યા પછી એના અંતિમ સંસ્કાર જાહેરમાં ન થાય એ માટે તૈયાર રહેવું જોઈશે. તેના શબના અંતિમ સંસ્કાર સન્માનપૂર્વક નહીં, પણ કોઈ અજાણ્યા, એકાંત સ્થળે ચૂપચાપ કરવાની તકેદારી રાખવી જોઈએ. 

આવા બધા અહેવાલથી અંગ્રેજ છાવણી વધારે ભયભીત થઈ ગઈ, ભુરાટી બની. તાત્કાલિક ભારતના અધિકારીઓને સંદેશો મોકલ્યો અને લાહોર જેલના સુપરિન્ટેન્ડેન્ટને સૂચના આપી કે ભગત સિંહની ફાંસીનો અમલ ૨૪ માર્ચે નહીં, પણ ૨૩ માર્ચે સાંજે જ થવો જોઈએ અને એ પણ ચૂપચાપ. તેની અંતિમક્રિયા પણ એ જ રાતે કોઈ અજાણ્યા સ્થળે, ખાનગીમાં કરી નાખો. 
સૂચનાનો અમલ થઈ ગયો. ૨૩ માર્ચે રાતે ફાંસી થઈ ગઈ. ફાંસી પછી જેલની બહાર ઊભી રાખવામાં આવેલી એક બંધ ટ્રકમાં લાશને રાખવામાં આવી. ટ્રક-ડ્રાઇવરને આ વાતથી અજાણ રાખવામાં આવ્યો. એટલું જ નહીં, તેને ચેતવણી આપવામાં આવી કે તારી ટ્રક પાછળ બીજી ટ્રક આવશે, એમાં બેઠેલા લોકો તને જે સૂચના આપે એમ કરવાનું છે, બીજી કોઈ જાતની પંચાત તારે કરવાની નથી.


ટ્રક-ડ્રાઇવર ચાલાક હતો. તે સમજી ગયો કે ‘કુછ તો ગડબડ હૈ.’ તેણે ટ્રક મારી મૂકી. લાહોરની બહાર નીકળ્યા પછી ટ્રકમાં કંઈક ખામી છે એ બહાને ટ્રક ઊભી રાખી દીધી. પાછળ આવતી ટ્રક પણ ઊભી રહી ગઈ. થોડી વાર ડ્રાઇવરે ટ્રક રિપેર કરવાનો ડોળ કરીને પાછળની ટ્રકના માણસો સાથે વાતચીત ચાલુ કરી દીધી. વાત-વાતમાં જાણી લીધું કે તેની ટ્રકમાં લાશ છે. લાશનું નામ કોઈએ બતાવ્યું નહીં, પણ એક માણસથી ‘ભગત સિંહ’ બોલાઈ ગયું. ટ્રક-ડ્રાઇવર ચોંકી ગયો, ‘આવું કેમ બને? ફાંસી તો કાલે સવારની હતી...’
 ડ્રાઇવર વધારે પડતો હોશિયાર અને દેશભક્ત હતો. તેણે આ લોકોને વિશ્વાસમાં લઈને આખી વાત જાણી લીધી. તેણે કહ્યું, ‘તમે બધું મારા પર છોડી દો. હું એવી ખાનગી જગ્યા જાણું છું જ્યાં ચકલુંયે ફરકશે નહીં અને આપણે શાંતિથી અગ્નિ સંસ્કાર કરી શકીશું.’

 ડ્રાઇવર ટ્રકને હુસેનીવાલા લઈ આવ્યો. હુસેનીવાલા અમ્રિતસરની નજીક છે. ટ્રક ઊભી રાખીને ડ્રાઇવરે કહ્યું, ‘હું આ ગામનો જાણીતો છું. થોડી વારમાં લાકડાંનો બંદોબસ્ત કરી આવું ત્યાં સુધી તમે ટ્રકને સંભાળજો.’ 

 ડ્રાઇવર ગામમાં ગયો. આજુબાજુના લોકોને જગાડ્યા અને હકીકત સંભળાવી. જોતજોતામાં લોકોનાં ટોળાં વધવા માંડ્યાં. દરેકના હાથમાં એક-એક લાકડું હતું, ચહેરા પર ગમગીની સાથે આક્રોશ હતો, ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે લોકો ઊભેલી ટ્રક પાસે આવવા માંડ્યા. ટ્રક પાસે ઊભેલા સિપાઈઓ પામી ગયા કે દગો થયો છે. એ લોકો ઊભી પૂંછડિયે અંધારામાં અલોપ થઈ ગયા. 

લોકોએ સન્માનપૂર્વક ભગત સિંહના અગ્નિ સંસ્કાર કર્યા, સલામી સાથે અશ્રુભરી અંજલિ આપી. 

અંગ્રેજોની મનની મનમાં રહી ગઈ. ૨૩ માર્ચનો આ જ તો મહિમા છે. જેનો સૂરજ કદી આથમતો નથી એવું કહેવાતી આખી ને આખી બ્રિટિશ સલ્તનત એકલા ભગત સિંહથી થથરી ગઈ હતી. 
આપણે ૨૩ માર્ચને ભૂલી જઈશું, કદાચ ભગત સિંહને પણ ભૂલી જઈશું, પણ ઇતિહાસના પાને ભગત સિંહની શહાદત કાયમ રહેશે. 
આજે પણ હુસેનીવાલામાં ભગત સિંહની સમાધિ છે. ક્યારેક જવાનું થાય તો માથું ટેકવાનું ચૂકશો નહીં. 

સમાપન

લેકે હાથ મેં બંદૂક, ભીડ ગએ દહાડકર 
રખ દિયા દુશ્મન કો નીવ સે ઉખાડકર
વે શહીદ જવાન હમારી શાન હૈ 
હર એક હિન્દુસ્તાની કરે ઇનકો સલામ હૈ!
વિદાય લેતા શહીદો માટે રામપ્રસાદ બિસ્મિલે લખેલો એક મશહૂર શેર... 
‘દરોદિવાર પે હસરત સે નઝર કરતે હૈં 
ખુશ રહો અહેલે-વતન હમ તો સફર કરતે હૈં...’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2023 06:24 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK