રાવણનો પુત્ર મેઘનાથ પણ મહાબાણાવલિ હતો. તેને બ્રહ્માસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર, પાશુપાત શસ્ત્ર ત્રણેયનું જ્ઞાન હતું. તે ઇન્દ્રને પણ જીત્યો હતો એટલે ઇન્દ્રજિત પણ કહેવાયો. નાગપાશ બાણથી તેણે રામ-લક્ષ્મણને પણ બાંધી રાખ્યા હતા.
માણસ એક રંગ અનેક
મુસ્કાન કિસી ભી દર્દ કો છિપાને કા રામબાણ ઇંતઝામ હૈ!
મને બરાબર યાદ છે કે નાના હતા ત્યારે મિત્રોમાં શસ્ત્રોની વાત નીકળે એટલે બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર, શંકરનું ત્રિશૂળ, પરશુરામની પરસુ, કૃષ્ણનું સુદર્શન ચક્ર અને રામનું રામબાણ એ બધામાં કોણ ચડે એનો વિવાદ થતો અને રામબાણનો નંબર પહેલો આવતો.
‘રામબાણ’ એટલે અકસીર ઇલાજ, અચૂક ઉપાય, સો ટકા સફળતા. ઇતિહાસ અને પુરાણોમાં ધનુર્ધર તો અસંખ્ય થઈ ગયા. એક ધનુર્ધર તો એવો થઈ ગયો જેનાથી ભગવાન કૃષ્ણ પણ ભયભીત થઈ ગયા હતા. એક ધનુર્ધર તો એવો પણ હતો જે પોતાના એક બાણથી સમુદ્રને સૂકવી નાખવા સમર્થ હતો. એક એવો પણ ધનુર્ધર હતો જે પોતાના એક જ બાણથી સમસ્ત સૃષ્ટિનો સંહાર કરી શકે એમ હતો. આવા દસ ધનુર્ધારી હતા જેમની સામે દેવતાઓ પણ નતમસ્તક થઈ જતા. કોણ-કોણ હતા એવા મહાન ધનુર્ધારીઓ?
ADVERTISEMENT
સૌથી પહેલી વાત દ્રોણાચાર્યથી શરૂ કરીએ. દ્રોણાચાર્યે ભગવાન પરશુરામ પાસેથી દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કર્યાં હતાં. જ્યારે પરશુરામ બ્રાહ્મણોને દાન કરતા હતા ત્યારે દ્રોણાચાર્યે દાનમાં શસ્ત્રવિદ્યાનું દાન માગ્યું હતું. પાછળથી દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોના ગુરુ બન્યા હતા. મહાભારતના યુદ્ધમાં સૌથી પહેલા સેનાપતિ દ્રોણાચાર્યને જ બનાવવામાં આવ્યા હતા. તેમણે પાંડવ પક્ષની ભારે ખુવારી કરી હતી. ચક્રવ્યૂહની રચના પણ તેમણે જ કરી હતી. તેમને સીધી રીતે પરાસ્ત કરવાનું અશક્ય હોવાથી છળ કરીને મારવા પડ્યા હતા. ‘નરો વા કુંજરો વા’ની ઉક્તિ એ બનાવથી પ્રચલિત બની. પુત્ર અશ્વત્થામા હણાયો છે એવા સમાચારથી વ્યથિત બનીને તેમણે શસ્ત્રો ત્યાગી દીધાં હતાં, પરંતુ હકીકતમાં અશ્વત્થામા નામનો હાથી હણાયો હતો.
દ્રોણાચાર્યનો પ્રિય અને પટ્ટશિષ્ય હતો અર્જુન જે બાણાવલિ અર્જુન તરીકે ઓળખાતો. તેના ગાંડિવના ટંકારમાત્રથી ધરતી ધ્રૂજી ઊઠતી. દ્રોણાચાર્ય સિવાય પણ દેવતાઓ પાસેથી અનેક શસ્ત્રો તેણે મેળવ્યાં હતાં. તે બન્ને હાથે શસ્ત્રો ચલાવી શકતો એટલે તે સવ્યસાચી તરીકે પણ ઓળખાતો. તેણે મહાદેવ પાસેથી પાશુપાત શસ્ત્ર મેળવ્યું હતું. દ્રૌપદી સ્વયંવરમાં ભલભલા મહારથીઓ જે ન કરી શક્યા એ મત્સ્યવેધ આંખના પલકારામાં કરી નાખ્યો હતો. ખાંડવ વનમાં ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ હરાવ્યો હતો.
ધનુર્ધરમાં ભીષ્મને તો કેમ ભુલાય? તેમના ગુરુ પણ પરશુરામ જ હતા. બન્યું એવું હતું કે ખુદ ગુરુ સાથે જ ભીષ્મનું યુદ્ધ થયું. યુદ્ધ એટલું ભીષણ હતું કે એ રોકવા બધા દેવોએ મધ્યસ્થી કરવી પડી. મહાભારતના યુદ્ધમાં જ્યારે તેઓ સેનાપતિ બન્યા ત્યારે પાંડવ છાવણીમાં હાહાકાર મચી ગયો હતો. શ્રીકૃષ્ણ, જેમણે યુદ્ધમાં હથિયાર ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તેમને ભીષ્મએ નાછૂટકે પ્રતિજ્ઞાભંગ કરાવ્યો. આખરે શિખંડીને વચ્ચે રાખીને ભીષ્મને બાણશૈયા પણ સુવડાવવા પડ્યા.
આ પણ વાંચો : શબ્દોમાં પણ પ્રાણ હોય છે, પણ જીભને ક્યાં એની જાણ હોય છે?
ધનુર્ધારીમાં એકલવ્યનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયું છે. તે ભીલ રાજકુમાર હતો. દ્રોણે જ્યારે જાતિ-જ્ઞાતિના કારણે તેને શિષ્ય બનાવવાનો ઇનકાર કર્યો ત્યારે હતાશ થયા વગર તેણે દ્રોણની મૂર્તિ ઘડી અને એ મૂર્તિ સામે રાખીને ધનુર્વિદ્યા આત્મસાત્ કરી. તે શબ્દવેધી બાણ પણ ચલાવી શકતો. અર્જુનને મહાન બનાવવા દ્રોણાચાર્યે દક્ષિણાના બહાને જ્યારે તેની પાસેથી જમણા હાથનો અંગૂઠો મેળવી લીધો ત્યારે જરા પણ વિચલિત થયા વગર સપ્રેમ દ્રોણને ધરી દીધો હતો. અંગૂઠા વગર પણ બાણ ચલાવી શકાય છે એ એકલવ્યે સાબિત કરી આપ્યું. તે એટલો શક્તિશાળી ધનુર્ધારી બની ગયો કે ખુદ ભગવાન શ્રીકૃષ્ણે તેનો વધ કરવો પડ્યો.
બર્બરિક પણ મહાન ધનુર્ધારીમાંનો એક હતો. તે ભીમના પુત્ર ઘટોત્કચનો પુત્ર હતો. દેવી પાસેથી વરદાન માગેલાં ત્રણ બાણ તેની પાસે એવાં હતાં કે ક્ષણભરમાં પૃથ્વીનો વિનાશ કરી શકે. માતાને તેણે વચન આપેલું કે તે યુદ્ધમાં નબળા પક્ષને મદદ કરશે અને નબળો પક્ષ કૌરવ હતો એ શ્રીકૃષ્ણ જાણતા હોવાથી ચાલાકીપૂર્વક તેનું માથું ખાટુશ્યામના મંદિર સ્વરૂપ કરી દીધું.
રાવણનો પુત્ર મેઘનાથ પણ મહાબાણાવલિ હતો. તેને બ્રહ્માસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર, પાશુપાત શસ્ત્ર ત્રણેયનું જ્ઞાન હતું. તે ઇન્દ્રને પણ જીત્યો હતો એટલે ઇન્દ્રજિત પણ કહેવાયો. નાગપાશ બાણથી તેણે રામ-લક્ષ્મણને પણ બાંધી રાખ્યા હતા.
કર્ણને તો કેમ ભૂલી શકાય? ઇન્દ્રે કવચ-કુંડળ કપટ કરીને છીનવી લીધાં છતાં તેની વિદ્યાને ઊની આંચ આવી નહોતી. યુદ્ધમાં ૧૧ વખત અર્જુનના ગાંડિવની પ્રત્યંચા કાપીને અર્જુનને હેરાનપરેશાન કરી નાખ્યો હતો. અર્જુને છોડેલા બ્રહ્માસ્ત્રને પણ તેણે સાદા બાણથી કાપી નાખ્યું હતું. તેની સામે અર્જુન ટકી નહીં શકે એ જાણ્યા પછી કૃષ્ણ તેની વહારે આવ્યા અને કર્ણના રથનું પૈડું ખૂંપી ગયું એ તકનો લાભ લઈને અર્જુન પાસે નિયમભંગ કરીને હરાવ્યો.
આ યાદીમાં લક્ષ્મણનું નામ પણ ઉમેરવું જ પડે. લક્ષ્મણ શેષનાગના અવતાર હતા. તેમના બાણથી રચાયેલી રેખાને રાવણ પણ પાર કરવા શક્તિમાન નહોતો. ઇન્દ્રને હરાવનાર મેઘનાદનો વધ લક્ષ્મણે જ કર્યો. રાવણના પુત્ર અતિકાયને પણ તેમણે માર્યો હતો. યુદ્ધ દરમ્યાન રાવણને અનેક વાર મૂર્છિત કર્યો હતો.
રામ અને રામબાણની ગાથા તો ઘર-ઘરમાં જાણીતી છે. રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા અને સીતા સ્વયંવરમાં શિવ ધનુષ્યની પ્રત્યંચા ચડાવતાં શિવ ધનુષ્ય તૂટી ગયું હતું. એવું કોઈ શસ્ત્ર નહોતું જે રામને સાધ્ય નહોતું. શ્રીલંકા જવા સમુદ્ર પાસે રામે માર્ગ આપવા વિનંતી કરી. એણે એનો ઇનકાર કરતાં રામે એક બાણથી સમુદ્રને સૂકવી નાખવાની ધમકી આપી હતી અને રામ પાસે ઝૂકી જઈને સમુદ્રે નલ અને નીલ પાસે સેતુબંધ બાંધવાનો ઉપાય સૂચવ્યો હતો. આ બધું છતાં શાસ્ત્રોમાં રામની ગણતરી શ્રેષ્ઠ ધનુર્ધારીમાં નથી થતી. તો કોણ છે શ્રેષ્ઠ?
શ્રેષ્ઠ છે મહાદેવ. બ્રહ્માંડ, સૃષ્ટિ, વિદ્યા, કલા બધું જ મહાદેવથી ઉત્પન્ન થયું છે. મહાદેવ સર્વશક્તિમાન છે, કર્તા છે, હર્તા છે, દેવાધિદેવ છે.
સમાપન
ઉપર વાલે ને હોઠ ધનુષ જૈસે બનાયે હૈં વહી સે શબ્દરૂપી બાણ ચલતે હૈંજો દિલ કો છૂ ભી લેતે હૈં દિલ કો ચીર ભી લેતે હૈં
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)