Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બંદૂક તો હમ શૌક કે લિએ રખતે હૈં ખૌફ કે લિએ હમારા નામ હી કાફી હૈ!

બંદૂક તો હમ શૌક કે લિએ રખતે હૈં ખૌફ કે લિએ હમારા નામ હી કાફી હૈ!

Published : 04 January, 2023 05:22 PM | IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

ગૅન્ગવૉરથી અંધાધૂંધી અને અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ગયું અને ગૃહખાતાની ઊંઘ હરામ થઈ ગઈ

બંદૂક તો હમ શૌક કે લિએ રખતે હૈં ખૌફ કે લિએ હમારા નામ હી કાફી હૈ!

માણસ એક રંગ અનેક

બંદૂક તો હમ શૌક કે લિએ રખતે હૈં ખૌફ કે લિએ હમારા નામ હી કાફી હૈ!


હાજી મસ્તાન પછી અનેક ગૅન્ગ અસ્તિત્વમાં આવી. ગૅન્ગવૉરથી અંધાધૂંધી અને અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ગયું અને ગૃહખાતાની ઊંઘ હરામ થઈ ગઈ. એક પોલીસ ઇન્સ્પેક્ટરે પત્રકારને જે જવાબ આપ્યો એ સૂચક હતો. તેમણે કહ્યું કે ‘મુંબઈમાંથી માફિયાગીરી બિલકુલ નાબૂદ કરવી એ મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય છે. હા, અમારા પ્રયાસ એવા હશે કે આજે હાજી મસ્તાનના સમય જેવું વાતાવરણ ફરીથી સર્જાય.’


આ સંવાદ કોઈ ફિલ્મનો નથી. મુંબઈના એક ‘ડૉન’નો છે. ડૉન એટલે માફિયા. હિન્દીમાં ભાઈલોગ, ગુજરાતીમાં દાદો, કાળાં કામ કરનારો, અસામાજિક માણસ, બેનંબરના ધંધા કરનારો, વ્યંગમાં કહીએ તો રાજકારણીઓનો સહભાગી, મત અપાવનાર આડતિયો, બીજાં અનેક વિશેષણોથી પણ ઓળખાય છે. દા.ત. હત્યારો, અંધાધૂંધી ફેલાવનારો, મોતને મુઠ્ઠીમાં રાખીને ફરનારો, હિંસાખોર, ખૂનખરાબા કરનારો, દેશદ્રોહી, જેની નસનસમાં ખુન્નસ છે, આંખ આખમાં અંગારા છે, વાત વાતમાં વેરની વસૂલાત છે. કેટલું બિહામણું ચિત્ર છે. 



અચાનક મને ડૉન કેમ યાદ આવ્યો? એક મિત્રનો ફોન આવ્યો, ‘પ્રવીણભાઈ બે મિનિટ વાત કરી શકું? મારે તમારી પાસે એક નવું નાટક લખાવવું છે.’ મેં કહ્યું, ‘સૉરી દોસ્ત, ભવન્સ કલ્ચરલ સેન્ટરની નાટ્ય સ્પર્ધા ઑલરેડી ચાલુ થઈ ગઈ છે. હું અત્યારે ભુજમાં છું, તું મોડો પડ્યો.’ તેણે કહ્યું, ‘મારે સ્પર્ધા માટે નથી કરવું, વ્યાવસાયિક ધોરણે કરવું છે. વાર્તાનો પ્લૉટ મારી પાસે છે. તમે અમિતાભ-શશી કપૂરવાળી ફિલ્મ ‘દીવાર’ તો જોઈ જ હશે.’ મેં વચ્ચેથી વાત કાપતાં કહ્યું, ‘એના પરથી નાટક ન થાય, થાય તો કરવું પણ ન જોઈએ. ખૂબ ચવાઈ ગયેલી વાત છે.’ તેણે કહ્યું, ‘અરે મારે કરવું પણ નથી. મારે એ નાટક કરવું છે જેના જીવન પરથી ‘દીવાર’ ફિલ્મ બની છે એ ડૉન હાજી મસ્તાનના જીવન પર.’ 


પછી તો ઘણીબધી વાત થઈ, પરંતુ અહીં એ પ્રસ્તુત નથી. હાજી મસ્તાનની જીવનકહાનીમાં મને રસ પડ્યો. એનું બીજું એક કારણ એ પણ હતું કે હું તેમને પ્રત્યક્ષ મળ્યો પણ છું. બિરલા માતુશ્રીની કૅન્ટીનમાં સ્વ. પ્રબોધ જોશીએ મારી ઓળખાણ કરાવેલી અને પછીથી પ્રબોધભાઈએ જ તેના જીવન વિશે મને ઘણીબધી વાતો કરી હતી. 

 મુંબઈનો પહેલવહેલો ડૉન એટલે હાજી મસ્તાન. એ પછી તો ઘણા બધા ડૉન ફૂટી નીકળ્યા, પણ હાજી મસ્તાનની વાત ‍નોખી હતી. તેની કાર્યપદ્ધતિ જુદી હતી, તેના વિચારો જુદા હતા. 
કહેવાય છે કે ડૉન તરીકે મુંબઈમાં તેણે ૨૦ વર્ષ રાજ કર્યું, પણ એ દરમ્યાન ક્યારેય તેણે જાતે પોતે ગોળી નહોતી ચલાવી કે ન તેના હાથે કોઈનું ખૂન થયું હતું કે ન તેણે ક્યારેય આમજનતાને કોઈ કનડગત કરી હતી કે ન સમાજમાં કોઈ દહેશત ફેલાવી હતી. છતાં તેના નામમાત્રથી લોકો ધ્રૂજતા. તેનો‍ દબદબો એટલોબધો હતો કે ઇમર્જન્સીમાં જ્યારે તે પકડાયો ત્યારે તે સીધો વડા પ્રધાન ઇન્દિરા ગાંધી‍નો સંપર્ક સાધી શક્યો. વડા પ્રધાનને તેણે ઑફર કરી કે તમારી પાર્ટી માટે જોઈએ એટલા રૂપિયાનું ડોનેશન આપવા તૈયાર છું, પણ મારો છુટકારો કરાવો. જોકે એ ઑફર નકારવામાં આવી હતી. 


આ પણ વાંચો : ડિગ્રિયાં તો શિક્ષા કી વો રસીદ બન ગઈ હૈ જિસે કહીં ભી કોઈ ભી ખરીદ સકતા હૈ!

 હાજી મસ્તાન પછી અનેક ગૅન્ગ અસ્તિત્વમાં આવી. ગૅન્ગવૉરથી અંધાધૂંધી અને અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ગયું, ગૃહખાતાની ઊંઘ હરામ થઈ ગઈ, પોલીસ કમિશનર સાથે અનેક મીટિંગો થવા લાગી. એક પોલીસ ઇન્સ્પેક્ટરે પત્રકારને જે જવાબ આપ્યો એ સૂચક હતો. તેમણે કહ્યું કે ‘મુંબઈમાંથી માફિયાગીરી બિલકુલ નાબૂદ કરવી એ મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય છે. હા, અમારા પ્રયાસ એવા હશે કે આજે હાજી મસ્તાનના સમય જેવું વાતાવરણ ફરીથી સર્જાય.’ 

હાજી મસ્તાનના સમયના વાતાવરણમાં એવું તે શું વિશેષ હતું? બધા જાણે છે કે હાજી મસ્તાન કંઈ દૂધે ધોયેલો તો હતો જ નહીં. તેના નામની ધાક હતી, પણ આમ આદમી માટે રંજાડ નહોતો, ઊલટાનું આમ આદમી માટે કંઈક અંશે તે રૉબિનહૂડ જેવો પણ હતો. ગરીબ અને પીડિત વર્ગને મદદ કરતો, વળી તેના ધંધાનું ક્ષેત્ર માર્યાદિત હતું. તેના સમયમાં જ બીજા બે મશહૂર ડૉન કરીમલાલા અને વરદરાજન થયા. હાજી મસ્તાને દૂરંદેશી વાપરીને બન્નેને હરીફ ન ગણતાં મિત્રો બનાવ્યા. ત્રણે જણે મળીને પોતપોતાનાં ક્ષેત્રો વહેંચી લીધાં અને નક્કી કર્યું કે એકબીજાને નડવાનું નહીં. પોતપોતાની ગૅન્ગને કાબૂમાં રાખી ગૅન્ગવૉર થવા ન દેવાના વણલખ્યા કરાર કર્યા. 

 હાજી મસ્તાન મોટા ભાગે સોના-ચાંદીનું સ્મગલિંગ કરતો. કરીમલાલા ચરસ-ગાંજો-શરાબનું, વરદરાજન ઘડિયાળ અને ઇલેક્ટ્રૉનિક આઇટમો, જુગારખાનું વગેરેનું. એવું પણ નહીં કે ત્રણેય એકબીજાની આઇટમોને હાથ પણ ન લગાડે, તક મળે ત્યારે હાથ મારી લે, પણ એ બાબત તકરાર કે ફરિયાદ ન થાય.

આ પણ વાંચો: મેરી કોશિશ હૈ કિ સૂરત બદલની ચાહિએ મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી

શું માણસ પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મે છે? શાસ્ત્રમાં અનેક મતમતાંતરો છે. હકીકત એ છે કે માણસ અજ્ઞાન લઈને જન્મે છે. જન્મે છે ત્યારે કોરી પાટી જેવો હોય છે, પછીથી એમાં લખાય છે, ભૂંસાય છે, સરવાળા-બાદબાકી અને ગુણાકાર-ભાગાકાર થાય છે. એ લખનાર કે ભૂંસનાર હોય છે માતા-પિતા, ગુરુ, કુટુંબ, સમાજ, સંજોગો. એવા કયા સંજોગો આવ્યા કે હાજી મસ્તાન ગુનેગાર બન્યો? 

 કહેવાય છે કે કોઈ એક વ્યક્તિ ગુ‍નો આચરે છે ત્યારે આખો સમાજ જવાબદાર હોય છે. ગુનેગારની દુનિયામાં પ્રવેશવાના મુખ્યત્વે બે દરવાજા હોય છે, ગરીબી અને અજ્ઞાન.  હાજી મસ્તાન કઈ રીતે અંધારી દુનિયામાં આવ્યો?... આવતા સપ્તાહે. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 05:22 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK