Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જો સુધરે વહ હમ નહીં ઔર હમેં સુધારે ઇતના દુનિયા મેં દમ નહીં!

જો સુધરે વહ હમ નહીં ઔર હમેં સુધારે ઇતના દુનિયા મેં દમ નહીં!

Published : 11 January, 2023 05:36 PM | IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

મસ્તાને દાઉદને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા કેટલીક શરતો મૂકી હતી; જેવી કે હથિયાર સ્વબચાવ માટે જ વાપરવાં, ડ્રગ્સનો ધંધો કરવો નહીં, ધંધો રાતે ૯થી સવારે પાંચ વાગ્યા સુધી જ કરવો જેથી આમઆદમીને ઓછો ત્રાસ થાય, ખૂનખરાબા કરવા નહીં.

જો સુધરે વહ હમ નહીં ઔર હમેં સુધારે ઇતના દુનિયા મેં દમ નહીં!

માણસ એક રંગ અનેક

જો સુધરે વહ હમ નહીં ઔર હમેં સુધારે ઇતના દુનિયા મેં દમ નહીં!


છોટા રાજન, અરુણ ગવળી, દાઉદ ઇબ્રાહિમ બધા તેનું માન રાખતા. મસ્તાને દાઉદને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા કેટલીક શરતો મૂકી હતી; જેવી કે હથિયાર સ્વબચાવ માટે જ વાપરવાં, ડ્રગ્સનો ધંધો કરવો નહીં, ધંધો રાતે ૯થી સવારે પાંચ વાગ્યા સુધી જ કરવો જેથી આમઆદમીને ઓછો ત્રાસ થાય, ખૂનખરાબા કરવા નહીં.


આડે માર્ગે ચડી ગયેલો વાલિયો મુનિ નારદજીના ઉપદેશથી વાલ્મીકિ બની ગયો એમ હાજી મસ્તાન પણ શ્રી જયપ્રકાશ નારાયણના સાંનિધ્યથી કઈ રીતે શયતાનિયતનો બુરખો ઉતારી શક્યો એની અને તેના જીવનની વાત કરીએ. 



હાજી મસ્તાનનો જન્મ ૧૯૨૬ની ૧ માર્ચે તામિલનાડુના એક નાનકડા ગામમાં થયો. તેનું અસલ નામ મસ્તાન હૈદર મિર્ઝા હતું. બાપ ખેતમજૂર હતો. આર્થિક હાલત એવી કંગાળ હતી કે કોઈ-કોઈ વાર આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું. મસ્તાનની ઉંમર ૮ વર્ષની હતી ત્યારે પિતા તેને લઈને નસીબ અજમાવવા મુંબઈ આવ્યા. ક્રૉફર્ડ માર્કેટના એક કૉર્નર પર રસ્તામાં સાઇકલ રિપેર કરવાનું કામ શરૂ કર્યું. નાનકડા મસ્તાનને પણ કામે લગાડી દીધો. એ જમાનામાં સાઇકલનું ખૂબ ચલણ હતું. 


નાનકડો મસ્તાન રસ્તા પરથી પસાર થતી મોટી-મોટી ગાડીઓ જોઈને, આજુબાજુની મોટી-મોટી ઇમારતો જોઈને, ફૂલફટાક થઈને ફરતા માણસો જોઈને મનમાં હંમેશાં વિચારતો કે આવું સુખ મને ક્યારેય મળશે ખરું? મળશે તો ક્યારે? કઈ રીતે? 

આવું વિચારતાં-વિચારતાં ૧૦ વર્ષ નીકળી ગયાં. તે ૧૮ વર્ષનો થઈ ગયો. એ અરસામાં તેના કેટલાક મિત્રો પણ બન્યા. મોટા ભાગના બધા જાકુબનો ધંધા કરનારા હતા. એક દિવસ તેના કાનમાં એક મિત્રે વાત નાખી કે ‘આ ધંધામાં તારું કંઈ વળવાનું નથી, તું ગોદીમાં કામે લાગ (ડૉક ઉપર), ત્યાં દેશ-પરદેશથી સ્ટીમર આવે છે, હમાલી કર, એમાં ખૂબ કમાણી છે.’ 


આ પણ વાંચો : ડિગ્રિયાં તો શિક્ષા કી વો રસીદ બન ગઈ હૈ જિસે કહીં ભી કોઈ ભી ખરીદ સકતા હૈ!

મસ્તાનનું તકદીર ફરવાનું જ હતું એટલે તેણે દોસ્તની સલાહ માનીને બની ગયો કૂલી ને નસીબનું તાળું ગયું ખૂલી. તેની મહેનત, હોશિયારી અને ચપળતા એક વ્યક્તિના ધ્યાનમાં આવી અને બન્ને એક દિવસ ગોદીની કૅન્ટીનમાં મળ્યા.

આ સમય હતો ૧૯૪૯-’૫૦નો. ગોદીમાંથી સોનાનું સ્મગલિંગ ભરપૂર ચાલતું હતું. પેલા મિત્રએ તેને કહ્યું, ‘મિર્ઝા, પરસેવો પાડવાથી ભૂખ ભાંગે છે, ભવ ભાંગતો નથી. પૈસા લાંબું ચાલવાથી નહીં, શૉર્ટ-કટથી જ મળે’ અને પેલા મિત્રએ મિર્ઝાને સ્મગલિંગમાં ધકેલ્યો. 

સ્મગલિંગનો ધંધો અપનાવ્યા પછી એક રસપ્રદ અને નાટ્યાત્મક બનાવ બને છે, જેને કારણે મસ્તાન મામૂલી સ્મગલરમાંથી ‘સ્મગલિંગ કિંગ’ બની જાય છે. 

૧૯૫૦માં તેને એક મોટા આરબ સ્મગલર શેખ મોહમ્મદનો ભેટો થાય છે અને તે તેનો ભાગીદાર બની જાય છે. એેક ખૂબ મોટી ડીલમાં શેખ મોહમ્મદ પોલીસના હાથમાં ઝડપાઈ જાય છે, પણ ‘માલ’ મસ્તાનના હાથમાં રહી જાય છે અને મસ્તાન છટકી જવામાં સફળ થાય છે. ત્રણ વર્ષ પછી શેખ મોહમ્મદ જેલમાંથી છૂટે છે. 

જેલમાંથી છૂટતાની સાથે જ મસ્તાન તેને પોતાના ઘરે લઈ જાય છે અને ત્રણ વર્ષ પહેલાં તેના હાથમાં રહી ગયેલો માલ અકબંધ તેને સોંપી દે છે. શેખ તેની પ્રામાણિકતા પર વારી જઈને બધો માલ તેને ગિફ્ટ કરી દે છે. 

આ સોનું હાથમાં આવતાં મસ્તાનનાં બાવડાંમાં જોર આવી જાય છે. તે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરે છે, પોતાની ગૅન્ગ બનાવે છે. અનુભવે તે સ્મગલિંગના પેંતરા-દાવપેચ શીખ્યો, રાજકીય નેતાઓ અને પોલીસ સાથે સાઠગાંઠ સાધવાની કળા સાધ્ય કરી અને સ્મગલિંગનો શહેનશાહ બની ગયો. 

હવે બાળપણનાં તેનાં બધાં સપનાં પૂરાં કરવાનો સમય આવી ચૂક્યો હતો. સૌથી પહેલાં તેણે મર્સિડીઝ ગાડી ખરીદી. પછી પૉશ એરિયામાં એક બંગલો. ફિલ્મનો તેને નાનપણથી જ શોખ. ફિલ્મી દુનિયામાં તેણે ઘણા મિત્રો બનાવ્યા, ફાઇનૅન્સ કરવા માંડ્યું. 

આ પણ વાંચો : બંદૂક તો હમ શૌક કે લિએ રખતે હૈં ખૌફ કે લિએ હમારા નામ હી કાફી હૈ!

હિરોઇન મધુબાલામાં તેનું મન લાગી ગયું. વાત છેક મધુબાલા સુધી પહોંચી ગઈ, પણ કોઈ પ્રતિસાદ ન મળ્યો. આખરે મધુબાલાની જ પ્રતિકૃતિ જેવી સોના નામની નાનાં-નાનાં પાત્રો કરતી હિરોઇન સાથે લગ્ન કરીને તેણે સંતોષ માની લીધો. 

એ દરમ્યાન તેનું કદ હતું એના કરતાં વધી ગયું, કારણ કે વર્દરાજને મુંબઈ છોડી દીધું હતું અને કરીમલાલા સાવ નબળો પડી ગયો હતો. એ દરમ્યાન બીજા નાના-નાના ડૉન અસ્તિત્વમાં આવ્યા, પણ બધાનો આદર્શ હાજી મસ્તાન જ રહ્યો. બધા તેને ગુરુ સમાન માનતા. છોટા રાજન, અરુણ ગવળી, દાઉદ ઇબ્રાહિમ બધા તેનું માન રાખતા. મસ્તાને દાઉદને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા કેટલીક શરતો મૂકી હતી; જેવી કે હથિયાર સ્વબચાવ માટે જ વાપરવાં, ડ્રગ્સનો ધંધો કરવો નહીં, ધંધો રાતે ૯થી સવારે પાંચ વાગ્યા સુધી જ કરવો જેથી આમઆદમીને ઓછો ત્રાસ થાય, ખૂનખરાબ કરવા નહીં વગેરે વગેરે. જોકે વખત જતાં દાઉદ એ બધી શરતોને ઘોળીને પી ગયો અને બધું જ વિપરીત કર્યું. ઇમર્જન્સીમાં તેને જેલભેગો કરવામાં આવ્યો. એનો ફાયદો એ થયો કે તે જયપ્રકાશ નારાયણના સંપર્કમાં આવ્યો. જય પ્રકાશજીએ તેનું હૃદય-પરિવર્તન કર્યું. બેનંબરના ધંધા છોડી દેવા અને દેશ વિરુદ્ધ કોઈ પણ કામ ન કરવા સમજાવ્યો. ત્યાર બાદ જનતા પાર્ટીની સરકારે હાજી મસ્તાન સહિત ૪૦ જણને માફી આપી. એ પછી ૧૯૭૭માં તે હજ કરવા ગયો અને હાજી તરીકે ઓળખાયો. 

૧૯૮૪માં મુસ્લિમ મહાસંઘ જે પછીથી અલ્પ સંખ્યા મહાસંઘ નામે ઓળખાયો એ રાજકીય પક્ષની સ્થાપના કરી. દિલીપકુમારે આ પક્ષ માટે ઘણો પ્રચાર કર્યો, પણ પક્ષનું કંઈ ઊપજ્યું નહીં. 
તેના જીવન પરથી બે ફિલ્મો બની, ‘દીવાર’ અને ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ.’ ૧૯૯૯માં હાર્ટ-અટૅકથી તેનું મૃત્યુ થયું અને પહેલા ડૉનનો યુગ પૂરો થયો.

સમાપન

દેખી બૂરાઈ ન ડરું, શી ફિકર છે પાપની ધોવા બધે બૂરાઈને ગંગા વહે છે આપની. (કલાપી)

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 05:36 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK