અમારા આશ્ચર્ય વચ્ચે ૪૫ એન્ટ્રી મળી. એમાંથી પ્રાથમિક પરીક્ષણમાં ૨૩ નાટકો સેમી ફાઇનલ માટે પસંદ થયાં. ૨૩ નાટકોમાંથી ૧૨ નાટકો ફાઇનલ માટે પસંદગી પામ્યાં.
માણસ એક રંગ અનેક
ના હારના ઝરૂરી હૈ, ના જીતના ઝરૂરી હૈ; જિંદગી એક ખેલ હૈ, બસ ખેલના ઝરૂરી હૈ
જિંદગીમાં બહુ ઓછી વાર મને સંતોષ થાય છે. હું અસંતોષી જીવ છું. એનું કારણ કદાચ એ હશે કે મને જીવનમાં વણમાગ્યું બધું મળ્યું છે, મારી ક્ષમતા કરતાં વધારે મળ્યું છે. જોકે ૨૭ જાન્યુઆરીએ મેં ખરા અર્થમાં સંતોષનો શ્વાસ લીધો, આનંદની અનુભૂતિ થઈ. કારણ?
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી આયોજિત ‘એલએલડીસી નાટ્યસ્પર્ધા’ (વર્ષ ૧૫)ના પહેલા તબક્કાની (સેમી ફાઇનલ) પૂર્ણાહુતિ સુરતમાં થઈ. ૨૩ નાટકો, ચાર શહેર. ભુજ, ભાવનગર, વડોદરા અને સુરતમાં જુદાં-જુદાં શહેરોમાંથી આવેલા સ્પર્ધકોએ નિષ્ઠાપૂર્વક નાટકો ભજવ્યાં, હાઉસફુલ થિયેટરોમાં ભજવ્યાં, તાળીઓના ગડગડાટ વચ્ચે ભજવ્યાં, સ્પર્ધાના શહેરની નામાંકિત વ્યક્તિઓની હાજરીમાં ભજવ્યાં, પ્રેક્ષકોની સંપૂર્ણ શિસ્ત અને દાદ સાથે ભજવ્યાં.
ADVERTISEMENT
જોકે આ સ્પર્ધા છેલ્લાં ૧૪ વર્ષથી ચાલુ છે અને દરેક વર્ષનું ચિત્ર આ જ હતું. તો પછી વિશેષ આનંદ શા માટે?
વાત એમ છે કે ૧૪ વર્ષ સતત સ્પર્ધાનું આયોજન થયા બાદ કોરોનાકાળનાં બે વર્ષ દુનિયાના તમામ મનોરંજનનો કારોબાર ઠપ થઈ ગયો તો અમે કઈ રીતે બાકાત રહી શકીએ? સવાબે વર્ષ પછી જ્યારે મનોરંજનની દુનિયા ફરીથી ધમધમતી થઈ ત્યારે અમારા ઉત્સાહમાં પ્રાણસંચાર થયો અને અમે ૧૫મા વર્ષ માટે સ્પર્ધાની તૈયારી કરવાનું નક્કી કર્યું, પણ નસીબ ખરાબ હોય તો ઊંટ પર બેઠા હોઈએ તો પણ કૂતરું કરડી જાય. ચારે દિશાઓમાંથી અમારું મનોબળ તોડવાના સમાચાર આવવા લાગ્યા.
કોરોનાકાળ દરમ્યાન સર્વત્ર મંદીનું મોજું ફરી વળ્યું હતું. દર વર્ષે અમને આર્થિક સહાય કરનારાઓ પરિસ્થિતિને વશ થઈને આ વર્ષે સહાય કરવા અસમર્થ થઈ ગયા. છેલ્લાં કેટલાંક વર્ષોથી સહાય કરતી ગુજરાત સરકારને પણ ચૂંટણીને કારણે સહાય તો ઠીક, અમારા પત્ર કે ફોનનો જવાબ સુધ્ધાં આપવાનો સમય ન મળ્યો, વળી ઉપરથી આચારસંહિતા લાગુ પડી એટલે પડતા પર પાટું પડ્યું.
અમે મૂંઝાઈ ગયા. ચારે તરફ હવાતિયાં માર્યાં, પણ કશું પરિણામ આવતું નહોતું. અમારો કુલ ખર્ચ ૩૦થી ૩૨ લાખ રૂપિયાનો હોય છે, જેમાં અમે નાટક ભજવનાર સંસ્થાને અમુક ચોક્કસ રકમ આપીએ છીએ. જે નાટક ફાઇનલમાં આવે એ સંસ્થાને થોડી વધારે રકમ આપીએ છીએ. પ્રયોગ દરમ્યાન કલાકાર-કસબીઓને ચા-પાણી, નાસ્તો, જમવાનું અને અનિવાર્ય સંજોગોમાં રાત્રિનિવાસની સગવડ પણ આપીએ છીએ. આવવા-જવાની મુસાફરીનો ખર્ચ પણ આપીએ છીએ. આ ઉપરાંત પાંચેક લાખ રૂપિયાનાં ઇનામ તો ખરાં જ.
ત્રણ મહિના પહેલાં અમારે તૈયારી શરૂ કરવાની હોય છે. સ્પર્ધાની જાહેરાત, સ્પર્ધકોનો સંપર્ક, સ્પર્ધકોનાં પ્રવેશપત્ર મેળવવાં, તેમનાં નાટકોની સીડી કે પેનડ્રાઇવ મગાવવી અને એને જોવી, નિર્ણાયકો દ્વારા એમાંથી સેમી ફાઇનલ માટે પસંદગી કરવી, સમય અને સ્થળની પસંદગી કરવી, થિયેટર બુક કરવાં, જે-તે નક્કી કરેલાં સ્થળોના સ્થાનિક કાર્યકરોનો સંપર્ક કરવો અને સંવાદ સાધવો, સ્થાનિક વ્યવસ્થા ગોઠવવી વગેરે વગેરે કામ માટે અમારે જે-તે શહેરમાં બે-ત્રણ વાર પ્રવાસ પણ કરવો પડે.
સ્પર્ધામાં હજારથી બારસો કલાકાર-કસબીઓ ભાગ લેતા હોય છે તેમને સગવડ આપવાની, તેમને સાચવવાની જવાબદારી અમારા પર હોય છે. સેમી ફાઇનલમાં રજૂ થતાં ૨૦થી ૨૨ નાટકો જનતા નિ:શુલ્ક માણી શકે છે.
આ બધું કરવા માટે કેટલા માણસોનો સ્ટાફ જોઈએ? મને જણાવતાં હર્ષ થાય છે કે છેલ્લાં ૧૪ વર્ષથી ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીની પાંચ વ્યક્તિઓએ આ જવાબદારી નિભાવી છે. લલિતભાઈ શાહ, પ્રવીણ સોલંકી, રમાકાંત ભગત, સ્વર્ગસ્થ કમલેશ દરુ અને જિજ્ઞેશ મકવાણા.
વિચારો કે ૧૪ વર્ષ સુધી આવી આકરી મહેનત કર્યા પછી એકાએક સ્પર્ધા બંધ કરવાનો વિચાર કરવો પડે એ કેટલું આઘાતજનક હોઈ શકે. કહેવાય છે કે સારા કામમાં અવરોધ આવે, પણ અટકે તો નહીં જ. કોઈ ને કોઈ ચમત્કાર થતો જ હોય છે.
સ્પર્ધાના પહેલા વર્ષથી અમારા મિત્ર શુભચિંતક દીપેશભાઈ શ્રોફ (ઍગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) અમારા માટે ત્રણથી ચાર લાખ રૂપિયા ઇનામ નિમિત્તે ફાળવતા. દર વર્ષ માટે આ રકમ અનામત રાખતા. આ વર્ષે અમારા તરફથી કોઈ પૂછપરછ ન થઈ એટલે તેમણે સામે ચાલીને ફોન કર્યો. અમે તેમને રૂબરૂ મળીને અમારી વ્યથાની કથા કહી અને આ વર્ષે સ્પર્ધા બંધ રાખવાની વાત કરી. બે ઘડી અમારી સામે તાકી રહ્યા પછી ઊંડો શ્વાસ લઈને તેઓ બોલ્યા, ‘પ્રવીણ લલિત, આ બરાબર નથી થઈ રહ્યું. તમે કેટલું ઉમદા કામ કરી રહ્યા છો એનો તમને અંદાજ નથી લાગતો. બીજા કોઈ તમારા કામને બિરદાવે કે ન બિરદાવે, પણ સતત ૧૪ વર્ષથી આવું ભગીરથ કામ માત્ર ચાર-પાંચ ખભાના સહારે કરવું એ કાંઈ ખાવાના ખેલ નથી. માત્ર પૈસા ખાતર આ પ્રવૃત્તિ બંધ થાય એ મને હરગિજ મંજૂર નથી. અમે કહ્યું કે ‘બીજો કોઈ વિકલ્પ સૂઝતો નથી.’ ત્યારે તેમણે કહ્યું, ‘મારી પાસે છે.’ આ શબ્દોથી અમારામાં ઉત્સુકતા જાગી. ‘તમે સ્પર્ધાની તૈયારી કરો, તમારાથી થાય એટલું અનુદાન ભેગું કરો અને જેકંઈ ખૂટશે એ રકમ હું તમને ઉપલબ્ધ કરાવીશ. આ મારું વચન છે.’ તેમના આ શબ્દોથી અમે ગદ્ગદ થઈ ગયા. પછી તો ઘણું બધું બની ગયું. દીપેશભાઈના સૌજન્યથી ભુજની સંસ્થા શ્રૃજન અને એલએલડીસી અમારી સાથે જોડાઈ. આ બન્ને સંસ્થાઓનો ઇતિહાસ રસદાયક અને પ્રેરણાદાયક છે જેની વાત ફરી કોઈક વાર.
આ પણ વાંચો : મુસ્કાન કિસી ભી દર્દ કો છિપાને કા રામબાણ ઇંતઝામ હૈ!
૧૫મા વર્ષે અમારા મુખ્ય સ્પૉન્સર અને ટાઇટલ પણ બદલાયાં એટલે હવેથી આ સ્પર્ધા ‘એલએલડીસી નાટ્ય સ્પર્ધા’ તરીકે ઓળખાશે. અમે સ્પર્ધાની જાહેરાત તો કરી દીધી, પણ મનમાં શંકા હતી કે બે વર્ષના વિરામ બાદ કેટલા સ્પર્ધકો તૈયાર થશે? પણ અમારા આશ્ચર્ય વચ્ચે ૪૫ એન્ટ્રી મળી. એમાંથી પ્રાથમિક પરીક્ષણમાં ૨૩ નાટકો સેમી ફાઇનલ માટે પસંદ થયાં. ૨૩ નાટકોમાંથી ૧૨ નાટકો ફાઇનલ માટે પસંદગી પામ્યાં. આ ફાઇનલનો શુભારંભ પાંચમી ફેબ્રુઆરી રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યે ભવન-ચોપાટી, મુંબઈ ખાતે થશે. ફાઇનલમાં આવેલાં ૧૨ નાટકોના વિષયો અને રજૂઆત ખરેખર અનેરાં છે; જોવા-માણવાલાયક જ નહીં, મમળાવવા જેવાં પણ છે. વિષયોમાં વિવિધતા છે, રજૂઆતમાં નવીનતા છે. નાટ્યરસિકોએ આ અવસર ચૂકવા જેવો નથી. એનાં પ્રવેશપત્ર કઈ રીતે મેળવવાં એની જાણ માટે સમાચારપત્રો જોતા રહો અથવા ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીની વેબસાઇટસાઇટ (www.bcca.in) પર જુઓ.
ફરીથી વાચકમિત્રોને વિનંતી કરું છું કે પાંચમીથી ૧૬ ફેબ્રુઆરી સુધીનો અવસર ચૂકવા જેવો નથી.
આ મારું સપનું હતું જે લલિતભાઈએ પૂરું કર્યું એમાં ભારતીય વિદ્યાભવનનો સહકાર મળ્યો. અમે બન્નેએ નક્કી કર્યું કે જીવીશું ત્યાં સુધી આ સ્પર્ધા ચાલુ રાખીશું, પણ અચાનક અમારી પાંખો કપાતી લાગી ત્યારે દીપેશભાઈએ માત્ર અમારી પાંખો સંવારી જ નહીં, અમને ઊડવા માટે નવું ગગન પણ આપ્યું. સોનામાં સુગંધ એવી ભળી કે પછીથી અમારા આ અભિયાનના આકાશમાં કેટલીક સંસ્થાઓ, વ્યક્તિઓ અને શુભેચ્છકોએ સહાયના રંગ પૂર્યા અને ઊડવા માટે અમે સક્ષમ બન્યા.
અનેક વાર કહી ચૂક્યો છું અને આજે પણ કહું છું કે નાટક એ કૃષ્ણ છે, લેખક એ દેવકી છે જે નાટકને જન્મ આપે છે, દિગ્દર્શક એ જશોદા છે જે નાટકનું જતન કરે છે, રંગમંચ એ ગોકુળ છે, કલાકારો એ ગોવાળિયાઓ છે અને પ્રેક્ષકો ગોકુળવાસી છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)