કુણાલ એકાએક પાટલીપુત્ર છોડીને ગયો એટલે સમ્રાટ પણ દુખી થઈ ગયા. સર્વ સંતાનોમાં કુણાલ તેમને ખૂબ પ્રિય હતો.
તિષ્યરક્ષિતાની પ્રતીકાત્મક તસવીર
સમ્રાટ અશોક તિષ્યરક્ષિતાની માયાજાળમાં લપેટાઈ ગયા કહો કે મોહજાળમાં ફસાઈ ગયા. હકીકત એ હતી કે રૂપનો તપ પર વિજય થયો હતો. વાત નવી નથી. આદિકાળથી એ બનતું આવ્યું છે. બાર-બાર વર્ષના વિશ્વામિત્રના તપને મેનકાએ ૧૨ મિનિટમાં રોળી નાખ્યું હતું. તિષ્યરક્ષિતા વિષકન્યા-જાસૂસ હતી, તાલીમ પામેલી હતી. ભલભલા ચમરબંધીઓને શીશામાં કેમ ઉતારવા એ કળા તો તેની ગુરુમાતાએ બરાબર આત્મસાત કરાવી હતી. વળી અહીં તો ઇશ્ક જ હુસ્ન પર મહેરબાન હતો.
થોડા દિવસ બધું ઠીકઠાક ચાલ્યું, પણ સમ્રાટમાં રહેલા સંત ધીરે-ધીરે જાગવા માંડ્યા, વળી વધતી ઉંમરે પણ એનો ભાગ ભજવ્યો. સમ્રાટને શરીર અળખામણું લાગવા માંડ્યું. પોતાનું અને બીજાનું પણ. મોટા ભાગનો સમય બૌદ્ધ સાધુઓ સાથે ધર્મમિમાંસામાં પસાર થતો. તિષ્યરક્ષિતાના રૂપનો મોહ, શરીરની ગંધ-સુગંધ, વાસનાનો નશો ધીરે-ધીરે ઊતરવા લાગ્યો. બીજી બાજુ તિષ્યરક્ષિતાનું યૌવન હેલે ચડ્યું હતું. દેહનો અગ્નિ વધારેમાં વધારે ભડકવા લાગ્યો. રાજમહેલની જાહોજલાલી, સુખ-સગવડ બધું જ તેને ડંખ દેતું, નિરર્થક લાગવા માંડ્યું. ક્ષણેક્ષણ, પળેપળ કોઈનો સાથ, સંગાથ, સમાગમની ઝંખના તેને બેચેન બનાવતી.
ADVERTISEMENT
સમ્રાટ અશોકની પત્ની હતી, મગધસમ્રાજ્ઞી હતી, દાસદાસી-સંત્રીઓથી ઘેરાયેલી. કોઈ પણ પુરુષના સંપર્કમાં આવી શકે એવી કોઈ સ્થિતિમાં નહોતી કે કોઈ પરપુરુષ પણ તેની તરફ નજર નાખવાની હિંમત કરી શકે એમ નહોતું. તિષ્યરક્ષિતાને લાગતું કે તે સોનાના પીંજરામાં કેદ થયેલું પંખી બની ગઈ છે. એક દિવસ હતાશ-ઉદાસ અવસ્થામાં ઝરૂખામાં ઊભી-ઊભી તે રાજઉદ્યાનમાં સ્વતંત્ર રીતે, મસ્ત રીતે ઝૂલતાં વૃક્ષોને જોઈ રહી હતી ત્યાં જ ઝાડની બખોલમાં ગેલ કરી રહેલાં કબૂતર-કબૂતરીને જોઈ તેના હૈયે અગન ઊપડી. એ અગનમાં ઘી હોમાતું હોય એમ તેને અચાનક વીણાના મધુર તાર છેડતો એક યુવક ઉદ્યાનના લતામંડપમાં દેખાયો. યુવાનનું દેહસૌષ્ઠવ જોઈ તિષ્યરક્ષિતાથી મનમાં બોલાઈ ગયું, ‘કાશ આવો યુવાન મારા નસીબમાં હોત તો?’ કામવાસનાની જ્વાળા તેના રોમેરોમમાં પ્રસરી ઊઠી, ઉન્માદક સંગીત તેને વધારે છંછેડતું ગયું. તિષ્યરક્ષિતા પોતાની જાતને માંડ-માંડ સંભાળે એ પહેલાં એક બીજો એવો બનાવ બન્યો કે તે ભાન ખોઈ બેઠી.
ઉદ્યાનના એક છેડેથી સ્ત્રીઓનું એક ઝુંડ યુવાન તરફ આવતું દેખાયું. એક રાજકુમારી જેવી દેખાતી નવયૌવનાને યુવક પાસે મૂકીને દાસીઓ ચાલી ગઈ. યુવાન તેની ધૂનમાં જ હતો. રાજકુંવરી પ્રેમથી તેના માથા પર હાથ ફેરવવા માંડી. યુવાન થંભી ગયો. તેની નજર યૌવના પર પડી. યુવાને ઊભા થઈ તેને બાથમાં જકડી લીધી. ચુંબનોથી નવડાવી દીધી. આ દૃશ્ય તિષ્યરક્ષિતાથી જોવાયું નહીં, સહેવાયું નહીં. તાળી પાડીને તેણે દાસીને બોલાવીને પૂછ્યું કે ઉદ્યાનમાં યુવક-યુવતી છે એ કોણ છે? દાસીએ જોઈને જવાબ આપ્યો એ સાંભળીને તેના હોંશકોશ ઊડી ગયા. તે યુવાન હતો સમ્રાટ અશોકનો પ્રિય પુત્ર કુણાલ અને તેની પત્ની હતી કનકલતા.
‘કુણાલ જો મહારાજાના પુત્ર હોય તો આજ સુધી મને પગે લાગવા કેમ નથી આવ્યા.’ દાસીએ કહ્યું, ‘તક્ષશિલાનું રાજ્ય તે સંભાળે છે, કામમાં વ્યસ્ત હતા. કાલે રાતે જ આવ્યા છે (કેટલાક ઉજ્જૈન રાજ્યનો ઉલ્લેખ કરે છે) તિષ્યરક્ષિતાએ કહ્યું, ‘જાઓ તેને જઈને કહો કે આજે રાતે મારા કક્ષમાં મને મળે.’ સોળ શણગાર સજીને તિષ્યરક્ષિતા કુણાલની પ્રતીક્ષા કરતી બેઠી છે ત્યાં મધુર અવાજ સંભળાયો, ‘પ્રણામ માતે...’ તિષ્યરક્ષિતાએ તેને પ્રેમપૂર્વક ઊભો કર્યો. આંખો નચાવતાં બોલી, ‘માતે? હું તને માતા લાગું છું? આપણે સમવયસ્ક છીએ, તું મને મારા નામથી બોલાવી શકે છે.’
‘એવી ધૃષ્ટતા મારાથી નહીં થાય. આપ મારા પિતા સાથે ફેરા ફર્યાં છો, તમે મારી માતા જ ગણાઓ. હું આપને માતા જ કહીશ.’ તિષ્યરક્ષિતાએ તેને વશ કરવા ચૌદેય કળા અજમાવવાનું શરૂ કરી દીધું. કુણાલ ડઘાઈ ગયો અને ઝડપથી ત્યાંથી નીકળી ગયો.
તિષ્યરક્ષિતા સમસમી ગઈ, પણ તે હાર માને એમ નહોતી. એ અવારનવાર નવાં-નવાં બહાનાં કરી કુણાલને બોલાવવા માંડી. કુણાલ નિઃસ્પૃહ ભાવે કામ સાથે કામ રાખી મળતો. દિવસો પસાર થતા રહ્યા. કુદરત જાણે તિષ્યરક્ષિતાની તરફેણમાં હોય એમ એ દરમ્યાન અસંઘમિત્રા-પટરાણીનું અવસાન થયું. તિષ્યરક્ષિતાનાં માન-પાન અને શાન તો વધી ગયાં, પણ હિંમત પણ વધી ગઈ. એક રાતે કોઈક બહાને તેણે કુણાલને શયનકક્ષમાં બોલાવ્યો. તેનો કામજ્વર ઊકળી રહ્યો હતો. કુણાલની આંખો એટલી સુંદર હતી કે એમાં ઝાંકતાં જ તિષ્યરક્ષિતા મદહોશ થઈ જતી. કુણાલ આવતાં જ તે તેને વળગી પડી. તેના પ્રેમનો એકરાર કર્યો અને તેને અપનાવી લેવા આજીજી-વિનંતી કરવા માંડી. કુણાલ તો તેનું આવું વર્તન જોઈ આભો બની ગયો. ક્રોધાવેશમાં આવી તેણે તિષ્યરક્ષિતાને ધક્કો મારીને દૂર હડસેલી સડસડાટ શયનકક્ષની બહાર નીકળી જતાં બોલ્યો, ‘દુષ્ટ સ્ત્રી, તું જો મારી મા ન હોત તો આજ ઘડીએ મેં તારો શિરચ્છેદ કરી નાખ્યો હોત.’ બીજા જ દિવસે તે પાટલીપુત્ર છોડીને તક્ષશિલા રવાના થઈ ગયો.
કુણાલ એકાએક પાટલીપુત્ર છોડીને ગયો એટલે સમ્રાટ પણ દુખી થઈ ગયા. સર્વ સંતાનોમાં કુણાલ તેમને ખૂબ પ્રિય હતો. તેઓ બીમાર થઈ ગયા એનો લાભ પણ તિષ્યરક્ષિતા લેવાનું ચૂકી નહીં. તેણે સમ્રાટની સેવાનો ઢોંગ કરીને દિલ જીતી લીધું. સમ્રાટે કહ્યું, ‘દેવી, તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું. માગો, તમારે શું જોઈએ છે?’ રાણી આ તકની જ રાહ જોઈ રહી હતી. વિનાવિલંબ તેણે કહ્યું, ‘મહારાજા, મારી એક જ ઇચ્છા છે કે આઠ દિવસ માટે મને મગધસમ્રાજ્ઞી બનાવો...’ અને મહારાજે તત્ક્ષણે રાજમુગટ રાણીને માથે પહેરાવી દીધો અને સાથોસાથ રાજમુદ્રા પણ અર્પણ કરી દીધી.
બદલાની આગમાં સળગતી તિષ્યરક્ષિતાએ કોઈ પણ જાતની વાર કર્યા વગર એક ફરમાન રાજમહોર તક્ષશિલા મારીને મોકલી દીધું. તક્ષશિલાના મહાઅમાત્યય વીરભદ્ર પાસે એ ફરમાન પહોંચ્યું ત્યારે તેના પગ નીચેની ધરતી ખસી ગઈ. તે માની જ ન શક્યા કે આવું ફરમાન નીકળી શકે? તેણે ઉચ્ચ અધિકારીઓની ગુપ્ત સભા બોલાવીને સલાહ માગી. કોઈ એક પણ જણ આ ફરમાનનો અમલ કરવા તૈયાર નહોતું. વાત કુણાલના કાને પહોંચી. તેણે ફરમાન મગાવ્યું. વાંચીને ક્ષણભર તે પણ હેબતાઈ ગયો. તક્ષશિલામાં એ વાત હજી સુધી પહોંચી નહોતી કે તિષ્યરક્ષિતા આઠ દિવસ માટે સમ્રાજ્ઞી બની છે. બધાને એમ જ હતું કે આ ફરમાન સમ્રાટનું છે, કારણ કે રાજમુદ્રાની મહોર હતી.
ફરમાન હતું કે કુણાલની બન્ને આંખો કાઢીને એક તાસકમાં મગધ લઈ આવવી અને તેણે કાયમ માટે દેશવટો ભોગવવો. પિતૃભક્ત કુણાલે આ ફરમાનનો જબરદસ્તીથી અમલ કરાવ્યો. આ વાતની સમ્રાટ અશોકને જાણ થઈ ત્યારે તેઓ બેહોશ થઈ ગયા. ભાનમાં આવ્યા પછી તેમને સમજાઈ ગયું કે આ કોનાં કારસ્તાન છે. બુદ્ધને શરણે ગયેલા, અહિંસાના ઉપાસક એવા સમ્રાટની નસેનસમાં ખુન્નસ ભરાઈ આવ્યું ને ફરમાન કર્યું કે ‘દુષ્ટ એવી તિષ્યરક્ષિતાને મગધની ઊભી બજારે સળગાવી દેવામાં આવે...’ ખૂબ લાંબી એવી આ ઐતિહાસિક કથાને સ્થળસંકોચને કારણે ટૂંકાવી દીધી છે. બાકી આ ‘વાસના-કાંડ’માં ફિલ્મનો બધો જ મસાલો છે.
સમાપન
હાથમાં પત્તાં નથી તો શું થયું સાહેબ,
જુગાર તો મગજમાં રમાતો હોય છે!!
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

