Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આવાં હતાં ૧૮૩૮ના મુંબઈનાં બંદર, લોકો અને ઘરો

આવાં હતાં ૧૮૩૮ના મુંબઈનાં બંદર, લોકો અને ઘરો

Published : 23 December, 2023 12:40 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મુંબઈના બારામાં દાખલ થાઓ એટલે દેખાય જાતજાતના નાના-મોટા મછવા. શઢવાળી અને વગરની હોડીઓ

મુંબઈનું બંદર ૧૮૫૦ના અરસામાં

ચલ મન મુંબઈનગરી

મુંબઈનું બંદર ૧૮૫૦ના અરસામાં


‘અને અમે મુંબઈના બારામાં દાખલ થયાં. સૂરજના પ્રકાશમાં દરિયાનાં પાણી ઝગારા મારતાં હતાં. નારિયેળી અને ખજૂરીનાં ઝૂંડોથી ઘેરાયેલા મુંબઈના ટાપુઓ સાડીનો છેડો માથે બાંધીને બહાર નીકળેલી હિન્દી સ્ત્રીઓ જેવા લાગતા હતા. બારામાં ઊભેલાં વહાણોના ફરફરતા શઢ એ જાણે એ સ્ત્રીઓના હવામાં ઊડતા પાલવ ન હોય! આ બધું આકર્ષક હતું જ. અને એટલે જ તો મુંબઈની ધરતી પર પગ મૂકવાની ઇચ્છા વધુ પ્રબળ બનતી જતી હતી.’


આ શબ્દો લખાયા છે આજથી ૧૮૫ વરસ પહેલાં, છેક ૧૮૩૮માં અને પ્રગટ થયા હતા ૧૮૩૯માં છપાયેલા પુસ્તકમાં. બે ભાગમાં પ્રગટ થયેલા એ પુસ્તકનું નામ છે Western India in 1938. પુસ્તકમાં આજના મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાંક સ્થળો વિશે લખાયું છે – આગંતુક વિદેશીની ટાઢીબોળ કલમથી નહીં, પણ એક હિન્દુસ્તાનપ્રેમી અંગ્રેજ મહિલાની ઉષ્માભરી કલમ વડે. એ મહિલા તે કોણ? જરા ધીરજ રાખો પ્રિય વાચક. તેમના વિશે પણ વાત કરીશું, આગળ જતાં.



હા, લેખિકા તરત ઉમેરે છે : બારામાંથી દેખાતા મુંબઈનું ચિત્ર પહેલી નજરે આકર્ષક લાગે એવું નથી. બલકે શહેર ઝાઝું દેખાતું જ નથી. દેખાય છે દરિયાની લગોલગ આવેલા કિલ્લાની ઊંચી-ઊંચી દીવાલો. અને એની બહારના મેદાનમાં તાણેલી સૈનિકોની ધોળી-ધોળી રાવટીઓ. આંખો જરા તાણીને જોઈએ તો દેખાય કોલાબાનો નાનકડો ટાપુ, નારિયેળીઓથી ઢંકાયેલો. અને દેખાય એ નારિયેળીઓને વીંધીને ઉપર ઊઠતી કોલાબાની દીવાદાંડી.


મુંબઈના બારામાં દાખલ થાઓ એટલે દેખાય જાતજાતના નાના-મોટા મછવા. શઢવાળી અને વગરની હોડીઓ. દરિયાનાં મોજાં સાથે હાલકડોલક થતી શઢવાળી હોડીઓ ઘૂમટો તાણીને જતી હિન્દુ સ્ત્રીઓ જેવી લાગતી હતી. ધક્કા પર ઊભેલાં વહાણોમાં કાં મુસાફરોની ચડઊતર ચાલુ હોય, કાં માલસામાનની. કોઈ હોડીમાં નાળિયેર અને કેળાં ભરેલાં હોય તો કોઈમાં અનાજની ગૂણો. તો કોઈ કોઈ હોડીમાં ચાર પડદા નાખીને નાની કૅબિન જેવું બનાવ્યું હોય. એમાં દાખલ થવાનો દરવાજો પવનમાં ઊડે ત્યારે દેખાય અંદર બેઠેલી સ્થૂળકાય પારસણ, ગાલીચા પર પલાંઠી વાળીને બેઠેલી.

વહાણ નાંગરે કાં અપોલો બંદરે, કાં કસ્ટમ હાઉસના બંદરે. રેશમી પડદાવાળી, લીલા રંગની પાલખીઓ ઊંચકીને ભોઈ લોકો હાંફળાફાંફળા દોડતા હોય. પરસેવે રેબઝેબ કૂલીઓ આવીને મધમાખીની જેમ ઝળૂંબવા લાગે અને ‘સામાન મને જ આપજો, મને જ આપજો’ એમ કરગરવા લાગે. એમાંય જો મુસાફર સૈનિક હોય તો તો જોઈ લો જે તાશેરો થાય. મુસલમાન નોકરોની અનુભવી આંખ આવા સૈનિકોને તરત પારખી કાઢે અને એની આસપાસ ટોળે વળી મોટે મોટેથી બૂમો પાડવા લાગે: ‘સાહેબ! તમારા નોકર તરીકે મને જ રાખી લો. તમારાં નાનાં મોટાં બધાં કામ કરીશ,’ અલબત્ત, ‘સાહેબ’ જવાબ આપતાં વાર લગાડે તો એ લોકો તરત તેમને પડતા મૂકીને બીજા ‘સાહેબ’ની શોધમાં દોટ મૂકે.


તમે ધક્કા પર ઊતરો એટલે સૌથી પહેલું ધ્યાન ખેંચે ઠેરઠેર ખડકાયેલી રૂની ગાંસડીઓ. રૂને દબાવીને ગાંસડીઓ બનાવવા માટેનાં ‘સ્ક્રૂ’ અને ગાંસડીઓને વહાણમાં ચડાવવા માટેની ક્રેનો. આ બધી ગાંસડીઓ અહીંથી ગ્રેટ બ્રિટન જવાની. ત્યાંની મિલોમાં એનું કાપડ બનશે. અને પછી એ જ કાપડ મોંઘા ભાવે વેચવા માટે પાછું અહીં આવશે! બંદરની બહાર નીકળો એટલે તમને હાશકારો થાય, મોકળી, શાંત જગ્યા જોવા મળે. એસ્પ્લેનેડ પર બાંધેલા ઘાટીલા બંગલા અને સૈનિકોની સફેદ રાવટીઓ. દરિયાને સમાંતર આવેલો આ મજાનો રસ્તો મુંબઈનાં ફૅશનેબલ સ્ત્રી-પુરુષો માટે સાંજે ‘હવા ખાવાનું’ સ્થળ બની રહે છે. અહીં તમને નફકરા થઈને ટહેલતા યુવાનો જોવા મળે, ભારે ગારા સાડીઓ પહેરેલી પારસી સ્ત્રીઓ જોવા મળે. કોઈ પગપાળા, કોઈ ઘોડેસવાર થઈને તો કોઈ વળી એક કે બે ઘોડા જોડેલી ગાડીમાં હોય. અને હા, તેમની ગાડીઓ ‘દેશી’ નહીં, ગ્રેટ બ્રિટનમાં બનેલી હોય હોં! જોકે ગ્રેટ બ્રિટનમાં ગાડીઓને જોડાતા જાતવાન, ઊંચી ઓલાદના ઘોડાઓ જોયા હોય તેમને આ અરબી ઘોડા ટટ્ટુ જેવા લાગે. ગાડીવાન અને બીજા નોકરોએ જાડા કાપડના, એકસરખા રંગના ગણવેશ પહેર્યા હોય. જુદા રંગનો કમરબંધ અને માથે ચપટી પાઘડીઓ, રકાબી જેવી. કેસરી, ભૂરી કે જાંબલી રંગની પાઘડીઓ પરથી સોનેરી કે રૂપેરી ઝૂલ ઝૂલતી હોય. પણ કપડાંનો આ બધો ઠઠારો કરનારા આ બધા નોકરો કાં ઉઘાડા પગે ચાલતા હોય કે કાં તેમણે પગમાં જૂનાં ઘસાઈ ગયેલાં ચંપલ પહેર્યાં હોય.

એસ્પ્લેનેડની બાજુમાં લાકડાની નાની વાડની બીજી બાજુ મોટું મેદાન. લીલાછમ ઘાસવાળું. યહૂદીઓ, આરબો અને બીજા એશિયન લોકોનું ફરવા માટેનું માનીતું સ્થળ. એ બધા પોતપોતાની ભાષામાં મોટે-મોટેથી વાતો કરતા હોય. અઠવાડિયામાં બે વાર અહીં સાંજે મિલિટરી બૅન્ડ વાગતું હોય છે ત્યારે આ બધી જાતના લોકો ટોળે વળીને એ સાંભળતા હોય. આપણા દેશમાં જોવા મળતા સૌથી સારા રસ્તાઓ કરતાં આ એસ્પ્લેનેડ રોડ જરાય ઊતરે એવો નથી. એની આસપાસનો વિસ્તાર પણ ખૂબ રળિયામણો છે.

પણ બસ. તમે આગળ વધીને મુંબઈના દેશીઓના રહેણાકના વિસ્તારમાં પગ મૂકો એટલે તો જ્યાં જુઓ ત્યાં ખાડાટેકરા, કચરાના ઢગલા. વિના કારણ અહીંથી તહીં દોડાદોડી કરતા લગભગ નાગા છોકરાઓ! બજારોમાં જ્યાં ત્યાં ગંદા પાણીનાં ખાબોચિયાં. ખાવાની વસ્તુઓના ખૂમચા પર માખીઓ બણબણતી હોય. ઘરાકો અને વેપારીઓ બૂમો પાડીને ભાવતાલ અંગે રકઝક કરતા હોય. રવિવારની સાંજે એસ્પ્લેનેડ હોય સાવ ઉજ્જડ. કારણ એ દિવસે લોકો ‘બ્રીચ કૅન્ડી’ ફરવા જાય.

અહીંથી ફોર્ટ તરફ જતા રસ્તાની વચમાં માર્ક્સ વેલેસ્લીનું ખૂબ સરસ પૂતળું મૂક્યું છે. પણ એની આસપાસના વિસ્તારમાં દિવસ આખો લોકોની ભાગદોડ ચાલતી હોય અને શોરબકોર. ભાડે મળતી અસંખ્ય ‘બગીઓ’ અહીં લાઇનબંધ આખો દિવસ ઊભેલી જોવા મળે. તેની બાજુમાં હોય બે પૈડાંવાળી ગાડીઓની હાર. અડધો ક્રૂક શેન્ક રોડ આવાં વાહનોથી ભરેલો હોય. અને આ બધાંની વચ્ચેથી પસાર થતી હોય ભારથી લદાયેલી બળદગાડીઓ. ઘણી વાર નાના છોકરાઓ આ બળદગાડીની પાછળ લટકીને ‘મફતિયા મુસાફરી’નો આનંદ માણતા હોય.

ઉનાળો આવે એટલે એસ્પ્લેનેડનો દેખાવ ફરી જાય. ઠેરઠેર નાનાં-મોટાં કામચલાઉ ઘરો ઊભાં થઈ જાય. દરિયાકિનારાની નજીક ઊભા કરેલાં આ બધાં ઘરોમાં દરિયાની ઠંડી હવા ફરફરતી હોય. દરેક ઘરની આસપાસ લીલાં ઝાડપાન અને વેલા રોપ્યા હોય જે સુંદરતા ઉપરાંત ઠંડકમાંય વધારો કરે. તેનો બીજો લાભ એ કે બપોરે અને સાંજે તડકો ઘરની અંદર ન પ્રવેશે. આ કામચલાઉ બંગલા દરિયાકિનારાથી થોડે દૂર સીધી લાઇનમાં બાંધ્યા હોય. બે બંગલા વચ્ચે એકસરખી ખાલી જગ્યા. એ બન્યા હોય બાંબુ અને જાડા થેપાડા જેવા કપડાના. મુખ્ય ઘરથી થોડે દૂર ઑફિસ તરીકે વાપરવાનો નાનો બંગલો. બંનેની આજુબાજુ બગીચો. નવાઈની વાત એ છે કે દરિયાકિનારાની નજીક રહીને પણ આ બધાં ઝાડ-પાન-વેલા ખીલી શકે છે. નહીંતર સાધારણ રીતે દરિયાકિનારે આવી વનસ્પતિ ટકી શકતી નથી.

વરસાદ શરૂ થાય એ પહેલાં આ બધા કામચલાઉ બંગલા સમેટી લેવામાં આવે છે. આવતા વરસે ફરી કામ લાગે એવી સામગ્રી સંભાળીને લઈ જવાય છે. આવો એક બંગલો બાંધવાનો ખરચ છસોથી આઠસો રૂપિયા જેટલો આવે છે. વરસાદ શરૂ થતાં પહેલાં એમાં રહેતા લોકો ફોર્ટ, ગિરગામ, ભાયખળા, ચિંચપોકલી જેવી જગ્યાએ આવેલાં પોતાનાં કાયમી ઘરોમાં રહેવા ચાલ્યા જાય છે. આ બધા વિસ્તારોમાં યુરોપિયનોએ પોતાનાં પાકાં, સુંદર ઘરો બાંધ્યાં છે.

***

આ લેખિકાની આંગળી પકડીને હજી તો ૧૮૩૮ના મુંબઈમાં ઘણું ફરવાનું છે પણ એ પહેલાં હવે એ બાનુ વિશે થોડી વાત. ૧૮૧૧ના જાન્યુઆરીની ચોથીએ તેઓ જન્મ્યાં ત્યારે નામ પાડેલું મારિયન રિગવે. પછી થોમસ પોસ્ટાન્સ સાથે લગ્ન કરીને બન્યાં મિસિસ થોમસ પોસ્ટાન્સ. પતિના અવસાન પછી બીજાં લગ્ન કરીને બન્યાં મારીઆન યંગ. ૮૬ વરસની પાકટ વયે ૧૮૯૭ના ઑક્ટોબરની છઠ્ઠી તારીખે અવસાન.

બાવીસ વરસની ઉંમરે ૧૮૩૩ના ફેબ્રુઆરીની નવમીએ થોમસ પોસ્ટાન્સ સાથે લગન કીધાં. પતિ નોકરી કરતા હતા કંપની સરકારના હિન્દુસ્તાનમાંના લશ્કરમાં. હવાલદારની તદ્દન નીચી પાયરીથી શરૂ કરીને કૅપ્ટનના પદ સુધી પહોંચેલા. ૧૮૩૩ના માર્ચમાં પતિ સાથે હિન્દુસ્તાન આવવા નીકળ્યાં. ૧૮૩૪માં પતિની બદલી કચ્છ થઈ એટલે પહોચ્યાં કચ્છ. આંખ-કાન ઉઘાડાં રાખીને ફર્યાં. ઘણી નોંધો કીધી, ચિત્રો દોર્યાં. અને પછી ૧૮૩૯માં કચ્છ વિશે પુસ્તક પ્રગટ કર્યું: Cutch, or Random Sketches. આ પુસ્તકને સારો આવકાર મળ્યો એટલે ૧૮૩૯માં બે ભાગમાં પ્રગટ કર્યું Western India in 1838. આ પુસ્તકની શરૂઆત તેમના મુંબઈ આગમનથી જ થાય છે. આ પુસ્તકમાં પણ પોતે દોરેલાં ચિત્રો મૂક્યાં છે. એમાંનું એક આજે અહીં મૂક્યું છે. આ પુસ્તકનાં ઘણાં વખાણ થયાં. હિન્દુસ્તાન વિશે અંગ્રેજીમાં લખનારી લેખિકાઓની આગલી હરોળમાં તેમનું નામ મુકાયું. જુદાં-જુદાં સામયિકોમાં પ્રગટ થયેલા લેખો ભેગા કરીને અને સ્વતંત્ર રીતે લખીને બીજાં પુસ્તકો પ્રગટ કર્યાં. પછી તો તેમના પતિએ પણ પુસ્તકો લખ્યાં. બંનેનાં પુસ્તકોની જાહેરખબર મૅગેઝિનોમાં બાજુ-બાજુમાં પ્રગટ થવા લાગી. પણ ત્યાં તો ૧૮૪૬માં પતિનું અણધાર્યું અવસાન થયું. મિસિસ પોસ્ટાન્સ ઇન્ગલૅન્ડ પાછાં ફર્યાં. ૧૮૪૮માં બીજાં લગન કર્યાં, વિલિયમ હેનરી યંગ સાથે. યંગ હતા ડૉક્ટર અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જ નોકરી કરતા હતા. તેમની સાથે લેખિકા માલ્ટા અને તુર્કસ્તાન ગયાં અને એ મુસાફરીઓ વિશે પણ પુસ્તકો લખ્યાં. તેમનું ૧૮૫૭માં પ્રગટ થયેલું છેલ્લું પુસ્તક પણ હિન્દુસ્તાન વિશે હતું. અને એ અર્પણ કર્યું હતું ‘મારી જિંદગીના સૌથી સુખી દિવસો મેં જેમની સાથે ગાળ્યા છે એવા મારા હિન્દી મિત્રોને.’

હિન્દ અને હિન્દુસ્તાનીઓના મિત્ર એવાં આ લેખિકા સાથે મુંબઈમાં ફરવાનું આવતા અઠવાડિયે પણ ચાલુ.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2023 12:40 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK