યુક્રેન અને રશિયાના યુદ્ધનો ભારે બોજ વિશ્વના અન્ય દેશોને પણ પડ્યો છે
અર્ઝ કિયા હૈ
હું સ્થળાંતર થયો છું
યુક્રેન અને રશિયાના યુદ્ધનો ભારે બોજ વિશ્વના અન્ય દેશોને પણ પડ્યો છે. અનાજ અને ઑઇલની બાબતમાં આત્મનિર્ભરતા અંગે બધા દેશો વિચારતા થઈ ગયા છે. આખી સપ્લાય ચેઇન ખોરવાઈ જાય અને સંવેદનાની ચેઇન પણ વેરવિખેર થઈ જાય. યુક્રેનમાંથી ભાગી ગયેલા અને યુક્રેનમાં રહીને ભાંગી ગયેલા દેશવાસીઓ ક્યાં અને કેવી રીતે ગોઠવાયા હશે કે અસ્તવ્યસ્ત હશે એ વિશદ સર્વેક્ષણ અને સંશોધનનો વિષય છે. યુક્રેનના સૈનિકો ટાંચાં સાધનો અને ટાંચી સંખ્યામાં હોવા છતાં હજી લડી રહ્યા છે એ આશ્ચર્યનો વિષય છે. નીરવ વ્યાસની પંક્તિઓમાં મક્કમતા સાથે અસમંજસ પણ પામી શકાશે...
થયો અરસો અમોને કે તસુભર પણ નથી ખસતા
ઊભા છે દિલની ચૌખટ પર અડીખમ ઉંબરા જેવા
ન જાણે આંખને કેવો થયો છે રોગ નીરવ કે
પ્રસંગો સારા પણ લાગી રહ્યા છે હાદસા જેવા
ADVERTISEMENT
પાકિસ્તાનના નાગરિકોની હાલાકી જોઈને આપણને એક તરફ તેમના પર દયા આવે અને બીજી તરફ એ પણ ખ્યાલ આવે કે આપણા દેશની આર્થિક સ્થિતિ કેટલી સારી છે. પાકિસ્તાને આતંકવાદમાં રોકાણ કર્યે રાખ્યું, જ્યારે ભારત વિકાસની ક્ષિતિજો વિસ્તારતું રહ્યું. પાકિસ્તાનના શાસકોની મેલી મથરાવટી અને નિષ્ફળતા મનસુખવન ગોસ્વામીની પંક્તિઓમાં પામી શકાશે...
જંગમાં છો આપણો જેવો થયો હોય જય
જગમાં આ આપણું એવું મરાયું મન
આમ સમજાવ્યું ને પછી તેમ સમજાવ્યું
ક્યાંય માળું જોતર્યે ના જોતરાયું મન
મનને આદત હોય છે કે જ્યાં તમે એને અટકાવવાની કોશિશ કરો ત્યાં એ ખૂંટે ભરાવવા પ્રયત્ન કર્યા કરશે. આમ તમે મહિને એકાદ વાર લાડુ ખાતા હો, પણ જો કોઈ તમને સવારે જાગતાંવેંત કહે કે આજનો દિવસ તમારે લાડુ ખાવાનો નથી તો અચૂક આખો દિવસ લાડુના જ વિચારો આવ્યા કરે. મનનું મર્કટપણું સ્વભાવમાં ઊતરે ત્યારે જે અરાજકતા સર્જાય એનો અણસાર ચંદ્રેશ મકવાણાના શેરોમાં મળી શકે છે...
શોધ મારી ચાલતી આખ્ખા નગરમાં
ને થયો છું કેદ હું મારા જ ઘરમાં
એ કમળમાં બંધ ને હું પાંપણોમાં
એટલો છે ભેદ મારા ને ભ્રમરમાં
વાત કેદની કરીએ તો મનીષ સિસોદિયાનો એકાંતવાસ લંબાય એવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં યોગીના સપાટા પછી ભલભલા લોકો જેલના સળિયા પાછળ છે અને ભલભલાં મકાનો પર બુલડોઝર ફરી રહ્યાં છે. વર્ષોથી પોતાની સમાંતર સરકાર ચલાવતાં ગુંડાતત્ત્વો પર જોરદાર સરકારી હથોડો પડે ત્યારે પ્રામાણિકતાથી જીવતો સામાન્ય નાગરિક રાજી થાય એ સ્વાભાવિક છે. કૌશિક પરમાર સરખામણી કરે છે...
તમારા અને બસ તમારા થવામાં
અમે તો ઘણી ખોટ ખાધી નફામાં
હું ઈશ્વરની મર્યાદા જાણું છું એથી
લગાતાર રાજી થયો છું જરામાં
કેટલાકને ખુશ કરવા અસંભવ છે અને કેટલાકને ચપટીમાં ખુશ કરી શકાય. બાળકને ખાલી દસ રૂપિયાનું રમકડું આપો તોય રાજીનું રેડ થઈ જાય અને એક લાખ રૂપિયાની આવકની અપેક્ષા લઈને બેઠેલી વ્યક્તિને નેવું હજાર મળે તો તેનો ચહેરો ઉદાસીન થઈ જાય. જવાહર બક્ષી હકારાત્મકતાની વાત માંડે છે...
તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઈ ગયો
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો
હોળી હજી હમણાં જ ગઈ. રંગોની છોળો વચ્ચે મન મૂકીને ઉત્સવ ઊજવાયો. ઉત્સવ સાથે આપણે ત્યાં કેટલાક વિશેષ દિવસો પણ ધામધૂમથી ઊજવાય એ જરૂરી છે. ૨૧ માર્ચે વિશ્વ કવિતા દિવસ છે, ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ છે, ૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ છે. આ બધાની મહત્તા વધે તો સાહિત્યના પ્રચાર-પ્રસારમાં સહાયરૂપ બને. અન્યથા કપરા સંજોગોમાંથી પસાર થઈ રહેલું વંચાતું અને ભજવાતું સાહિત્ય રઈશ મનીઆર કહે છે એવી સ્થિતિમાં મુકાશે...
તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જોકે સાવ એમાં કોરું રખાયું
ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઈનું
સગવડતાભરી રીતે રઈશ ભૂલી જવાયું
લાસ્ટ લાઇન
અક્ષાંશે નિનાદિત રૂપાંતર થયો છું
તરત કોઈમાં હું સ્થળાંતર થયો છું
હિરોશિમા, લોથલ કે હડપ્પા થજે તું
મુલાકાત નામે અવાંતર થયો છું
નિરુત્તર હતી આ વ્યથાઓ નિર્લજ્જ
ઉદાસી અલગ છે મતાંતર થયો છું
નિરાદર સમયની હતી ચાલ કેવી
સવિસ્તર કથામાં સમાંતર થયો છું
અનાગત અજાણ્યા મળે શબ્દ સામા
મુસાફર ગઝલનો નિતાંતર થયો છું
અજય પુરોહિત